AI થી 'એ આઈ..!'
'મારો ધ્યેય ભારતમાંથી બહાર આવી રહેલા વિશ્વના કેટલાક બદલાતા વિચારો અને અવનવી શોધ વિશે અપડેટ મેળવવાનો હતો, અને મારે જે જોઈતું હતું તે જ મને મળ્યું. મેં ત્યાં ચાર દિવસ વિતાવ્યા જેમાં અલગ અલગ રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય ઘણા લોકો સાથે મુલાકાત કરી.' બિલ ગેટ્સે તેમની તાજેતરની મુલાકાત બાદ તેમના એક બ્લોગમાં આ વિધાનો ઉચ્ચાર્યા છે. આ બધાની વચ્ચે તેમની પ્રધાનમંત્રી સાથેની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ હતી. જેમાં ખુદ બિલ ગેટ્સે ડિજિટલ ટેક્નોલોજી, AI, કૃષિ, હેલ્થ, એજ્યુકેશન અને વૈશ્વિક આબોહવા પરિવર્તન પર ઘણી જ ઊંડાણપૂર્વક ચર્ચા સાથે પ્રશ્નોત્તરી કરી. આ મુલાકાતની થીમ હતી, 'From AI to Digital Payments'. આ ઇન્ટરવ્યુ આપણા માટે જાણવા યોગ્ય છે. પ્રસ્તુત છે આજના આ લેખમાં...
બિલ ગેટ્સ: G20 હવે ઘણું જ વ્યાપક થઈ ચૂક્યું છે. તેથી ભારતે ખરેખર ડિજિટલ ઈનોવેશન જેવી બાબતોને પ્રોત્સાહન આપ્યું છે તે જોઈને આનંદ થયો. G20 ખરેખર એક એવું મિકેનિઝમ બની શકે છે જે પારસ્પરિક સંબંધોને સુધારી શકે છે.
PM મોદી: તમારી વાત સાચી છે, 'જ્યારે હું ઇન્ડોનેશિયામાં G-20 સમિટમાં ગયો હતો, ત્યારે વિશ્વના તમામ દેશોને ઉત્સુકતા હતી કે ભારતે કેવી રીતે ડિજિટલ ક્રાંતિ લાવી છે. પછી હું તેમને સમજાવતો કે મેં આ ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે. જેથી આના પર કોઈ એકાધિકાર રહેશે નહીં. તે લોકો માટે હશે, લોકો દ્વારા હશે અને લોકો જ તેમાં સુધારાઓ કરતા રહેશે. આનાથી સામાન્ય લોકોનો ટેક્નોલોજીમાં વિશ્વાસ વધશે.
બિલ ગેટ્સ: ભારત માત્ર ટેક્નોલોજીને અપનાવી રહ્યું નથી પણ તેનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. એવી કઈ બાબતો છે જેના વિશે તમે ઉત્સાહિત છો?
PM મોદી: આરોગ્ય, કૃષિ અને શિક્ષણના ક્ષેત્રમાં મેં ગામડાઓમાં 2 લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવ્યા છે. હું આરોગ્ય કેન્દ્રોને આધુનિક ટેકનોલોજીથી મોટી હોસ્પિટલો સાથે જોડું છું. શરૂઆતમાં તેઓએ વિચાર્યું કે ડૉક્ટર હાજર નથી, તેઓ મને જોયા વિના મારી સારવાર કેવી રીતે કરી રહ્યા છે? પરંતુ પાછળથી તેમને ખબર પડી કે ટેક્નોલોજીની મદદથી સેંકડો કિલોમીટર દૂર બેઠેલા ડૉક્ટર પણ તેમને યોગ્ય સારવાર આપી રહ્યા છે. જેથી લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. આ ડિજિટલ પ્લેટફોર્મની અજાયબી છે.
હું બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગુ છું. હું શિક્ષકોની ખામીઓને ટેક્નોલોજીથી ભરવા માંગુ છું. બીજું, બાળકોને ચિત્રો અને વાર્તાઓમાં રસ હોય છે. હું તે પ્રકારનું કન્ટેન્ટ બનાવવા માટે પણ કામ કરી રહ્યો છું. આ સાથે અમે કૃષિ ક્ષેત્રમાં પણ મોટું પરિવર્તન લાવી રહ્યા છીએ.
બિલ ગેટ્સ: ભારત જે વિષયોને લગતી ટેકનોલોજી લાવી રહ્યું છે તેમાંથી એ દરેક માટે ઉપલબ્ધ હોવું જોઈએ એવું મને લાગે છે. જેઓને ટેક્નોલોજીની સૌથી વધુ જરૂર હોય તેમને સાચા અર્થમાં આગળ લાવવા જોઈએ.
PM મોદી: હું ગામડાઓમાં ડિજિટલ સુવિધાઓ આપવા માંગુ છું. મને લાગે છે કે તે ખૂબ જ મોટું લક્ષ્ય છે. મારા દેશમાં મારો અનુભવ છે કે મહિલાઓ નવી વસ્તુઓને બહુ ઝડપથી સ્વીકારે છે. મેં મહિલાઓ માટે કાર્યક્રમો શરૂ કર્યા છે જેના દ્વારા મેં બે ધ્યેય નક્કી કર્યા છે -
પ્રથમ: હું ભારતીય ગામડાઓમાં ત્રણ કરોડ મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવા માંગુ છું, તે પણ ગરીબ પરિવારમાંથી. હું માનસિક પરિવર્તન લાવવા માંગુ છું. બીજું: ગામડામાં સ્ત્રી એટલે - ભેંસ ચરાવવી, ગાય ચરાવવી, દૂધ દોહવું... પણ એવું નથી. મેં તેના હાથમાં ડ્રોન આપ્યું છે. બીજા લોકોને લાગવું જોઈએ કે તે આપણું ગામ બદલી રહી છે.
આ દિવસોમાં, જ્યારે હું ડ્રોન દીદી સાથે વાત કરું છું, ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે અમને સાઇકલ ચલાવતા આવડતું ન હતું, આજે અમે પાયલોટ બની ગયા છીએ, ડ્રોન ઉડાવીએ છીએ. તમે જોયું હશે કે વિશ્વ COVID દરમિયાન પ્રમાણપત્રો આપી શકતું ન હતું. મારા કિસ્સામાં, જો મારે રસી લેવી હોય, તો હું 'કોવિન એપ' પર જઈને તેના વિશેની તમામ માહિતી મેળવી શકું છું. મેં કોવિન એપને દરેક માટે ઓપન સોર્સ બનાવી દીધી હતી.
આગળ પીએમએ કહ્યું કે પહેલી અને બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં અમે પાછળ રહી ગયા કારણ કે અમે ગુલામ હતા. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે, જેમાં ડિજિટલ ક્રાંતિ સૌથી મોટી છે. હું માનું છું કે ભારત આમાં ઘણું પ્રાપ્ત કરશે. મને લાગે છે કે મુખ્ય વસ્તુ એ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુને વધુ સમૃદ્ધ બની રહ્યું છે. હવે ઘણા લોકો Identity System અને ડિજિટલ પેમેન્ટ વિશે જાણે છે. સરકારે તમામ સરકારી પેમેન્ટ પ્રોગ્રામને ડિજીટલ કરી દીધા છે.
બિલ ગેટ્સ: ભારત એઆઈને કેવી રીતે જુએ છે તે અંગે તમારો અભિપ્રાય જાણવા મને ગમશે?
PM મોદી: જો આપણે એઆઈનો ઉપયોગ જાદુઈ સાધન તરીકે કરીશું તો કદાચ તે મોટો અન્યાય હશે. ધારો કે મારે કોઈને પત્ર લખવો છે, તો હું ચેટ જીપીટીને મારો પત્ર લખવાનું કહીશ, તો આ ખોટો રસ્તો છે. મારે ચેટ જીપીટી સાથે સ્પર્ધા કરવી જોઈએ કે તે આ શબ્દના બદલે આ શબ્દનો ઉપયોગ કેમ ન કર્યો.
બિલ ગેટ્સે જણાવ્યું કે, 'હા, AI હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. મને લાગે છે કે જે પણ તેનો ઉપયોગ કરે છે તે આશ્ચર્યચકિત થાય છે. તે ઘણી વસ્તુઓ કરે છે જે તમને મુશ્કેલ લાગે છે. અને પછી તમે જે સરળ માનો છો તે કરવામાં નિષ્ફળ જાય છે.
બિલ ગેટ્સ: તમે જાણો છો કે AI એ એક મોટી તક છે, પરંતુ તે કેટલાક પડકારો સાથે પણ આવે છે. તમને શું લાગે છે કે ભારત કેવી રીતે આનું સમાધાન કરશે?
PM મોદી: મેં AI દ્વારા ઊભા કરાયેલા પડકારોને જોયા છે. જો આવી સારી વસ્તુ યોગ્ય રીતે પ્રશિક્ષિત કર્યા વિના કોઈના હાથમાં આપવામાં આવે છે, તો તેના દુરુપયોગની શક્યતાઓ વધારે છે. ભારત જેવા લોકતાંત્રિક દેશમાં જો એક ડીપ ફેકને શરૂઆતમાં સાચા તરીકે સ્વીકારવામાં આવે તો મોટી સમસ્યા ઊભી થશે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે ડીપ ફેકમાં લખવામાં આવે કે તે AI જનરેટેડ છે અને તેમાં આપવામાં આવેલી માહિતીનો સ્ત્રોત હોવો જોઈએ. આપણે આના પર કેટલાક કાર્યો અને ધોરણો વિશે ગંભીરતાથી વિચારવું પડશે.
બિલ ગેટ્સ: તમારા કાર્યકાળ દરમિયાન ટેકનોલોજીમાં ઘણો સુધારો થયો છે. તમે આ કેવી રીતે કર્યું?
PM મોદી: હું ટેક્નોલોજીનો પાગલ છું, હું પોતે એક્સપર્ટ નથી. પણ મને આના વિશે નાના બાળકની જેમ જિજ્ઞાસા રહે છે. હું આવી અદ્યતન વસ્તુઓ શોધતો રહ્યો, પણ હું ટેક્નોલોજીનો ગુલામ ન બન્યો. હું કોઈની સાથે બંધાયેલો નથી. હું પાણીના પ્રવાહની જેમ નવી વસ્તુઓ શોધતો રહું છું. વડાપ્રધાને કહ્યું કે જ્યારે હું કોઈ પણ વસ્તુને જોઉં છું ત્યારે મારું ધ્યાન તેની બહુવિધ ઉપયોગિતા પર હોય છે.
બિલ ગેટ્સ: ભારતનો ઈતિહાસ જ પર્યાવરણને અનુકૂળ રહ્યો છે, તેને વર્તમાન સમય સાથે કેવી રીતે જોડી શકાય?
PM મોદી: તેમનું જેકેટ બતાવતા તેમણે કહ્યું કે, તે રિસાયકલ મટિરિયલથી બનેલું છે. અમે પ્રગતિના માપદંડોને ક્લાઈમેટ ફ્રેન્ડલી બનાવ્યા હતા, આજે અમારી પ્રગતિના તમામ માપદંડો આબોહવાને સાનુકૂળ છે.
છેલ્લે બિલ ગેટ્સે જણાવ્યું કે, ભારતમાંથી ઉભરતા વિચારોમાંથી વિશ્વએ ઘણું શીખવાની જરૂર છે.
Comments
Post a Comment