ગુણાતીત ગુરુ - આપણો પરમ સંગાથ
જય સ્વામિનારાયણ
જ્યારથી માણસનો જન્મ થાય છે ત્યારથી તેની મૃત્યુ તરફની ગતિ અવિરત ચાલુ થઈ જાય છે. રોજેરોજ જીવનની પ્રત્યેક ક્ષણ તે મૃત્યુ તરફ સતત ગતિ કરતો રહે છે. સમગ્ર યાત્રા દરમિયાન તે જીવનના ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. જેમાં બાળપણ, કિશોરાવસ્થા, યુવાની અને ઘડપણ આપણે ગણી શકીએ. જેમાં મુખ્ય તબક્કો હોય તો એ છે યુવાની. યુવાનીમાં દરેક પાસે કંઈક કરી બતાવવાની ભાવના હોય છે / ધગશ હોય છે. કંઇક કરી છૂટવાની તત્પરતા હોય છે. જોશ - જુસ્સો હોય છે. આ બધાની સાથે સાથે અનેક પ્રશ્નો, અનેક મૂંઝવણો, અનેકાનેક હતાશા - નિરાશા ઉદભવતા હોય છે. અંતે સમાધાન ન મળતા છેવટે દુઃખી - દા:ખી થઈ જવાતું હોય છે. કોઈનું પણ જીવન સ્થિર નથી. આનંદ અને સુખ - દુઃખ વચ્ચેનું લોલક છે જીવન. ક્યારેક એ લોલક સુખ તરફ જાય છે તો ક્યારેક કોઈ દુઃખ તરફ. તેના પર આપણું પ્રભુત્વ કે નિયંત્રણ નથી. હા, નિયંત્રણ છે તો માત્ર એ વાતે કે આપણે તે વાતને કઈ રીતે જોઈએ છીએ અથવા તો આપણે તે વાત કઈ રીતે લઈએ છીએ. એ માટેની ગાડી આપણા હાથમાં છે, રસ્તાઓ નથી. "કોઈને ખીલના પ્રશ્નો છે તો કોઈને દિલ ના પ્રશ્નો છે." કોઈને અભ્યાસમાં અથવા તો પરીક્ષાની ચિંતા છે, કોઈને આર્થિક પ્રશ્નો છે તો કોઈને નોકરી ધંધા કે વ્યવસાયને લગતા પ્રશ્નો છે. વળી કોઈને વિઝા નથી મળતા એની ચિંતા છે તો કોઈને લગ્ન નથી થતાં એની ઉપાદી છે. કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળે છે તો કોઈના હર્યાભર્યા સંબંધોમાં તિરાડ પડે છે. આવા તો કેટકેટલાય પ્રશ્નો સમાજમાં નજર કરીએ તો પોપકોર્નની જેમ પોપઅપ થઈને દેખાઈ આવે. દરેકે દરેક તબક્કે પ્રશ્નો તો બધાને આવે. અરે પ્રશ્નો તો સર્જાવાના જ. દરેક તબક્કે પ્રશ્નો આવે ત્યારે તેના સમાધાન માટે સાચા સંગાથની જરૂર પડે છે. બહારના લોકોને સાંભળવાથી કોઈ ફરક નથી પડતો. એ માટે સાચા માર્ગદર્શક જોઈએ. જે હંમેશા પડખે ઊભા રહી આપણને અચાનક આવી પડેલી કોઈપણ વિપદામાંથી ઉગારવા યોગ્ય દિશા પ્રદાન કરે તો અંતરથી સ્થિરતા પ્રાપ્ત થશે. અને એ જ મહત્વનું છે. અંતરથી મજબૂત બનવાનું છે. અને એ સાચો સંગાથ એટલે ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને એમના જ અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ.
આવા જ મધ્યવર્તી વિચાર સાથે થોડા વખત પહેલાં ખાસ યુવાનો માટે રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરે યુવા શિબિર યોજાઈ. જેનું શીર્ષક હતું, 'ગુણાતીત ગુરુ - આપણો પરમ સંગાથ'. જેમાં સમગ્ર દિવસ દરમિયાન વિદ્વાન વક્તા સંતોએ પોતાની રસાળ શૈલીમાં સુંદર પ્રવચન દ્વારા ઉપસ્થિત યુવાનોને પ્રેરણા પૂરી પાડી. આ ઉપરાંત અલગ અલગ સ્કીટ (નાટ્ય રૂપાંતર), પ્રેઝન્ટેશન, દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પણ ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવી.
આ બધામાં પણ સૌથી મહત્વનું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથેની પ્રશ્નોત્તરી હતી. જેમાં મહંત સ્વામી મહારાજે આપણને મુંઝવતા અથવા તો આપણે અવઢવમાં હોઈએ તેવા બધા જ પ્રશ્નોના ખૂબ જ સરસ રીતે જવાબો આપ્યા. મહંત સ્વામી મહારાજની ટેવ આમ ખૂબ જ ઓછું બોલવાની. ખૂબ જ મિતભાષી. ઘણીવાર આપણા એક આખા ફકરાનો જવાબ માત્ર એક વાક્યમાં આપે અને આપણા એક વાક્યનો જવાબ માત્ર એક હળવા સ્મિત સાથે આપે. તો આવો માણીએ મહંત સ્વામી મહારાજને પૂછાયેલા એ પ્રશ્નો અને મહંત સ્વામી મહારાજે આપેલ તેના જવાબો...
પ્રશ્ન: વચનામૃતમાં જણાવ્યું છે તેમ કોટી કોટી બ્રહ્માંડ સત્પુરુષના રૂંવાડે ઉડતા ફરે છે. તો અમને કેમ દેખાતા નથી?
જવાબ: એવું કોઈ દેખાડતા નથી. જ્યારે મનુષ્યરૂપે અવતરે છે ત્યારે મનુષ્યરૂપી ક્રિયા કરે છે.
પ્રશ્ન: સત્પુરુષની ઉંમર વધે તેમ શરીરમાં શિથિલતા આવે - વૃદ્ધત્વ આવે તો ઐશ્વર્ય એટલું જ રહે છે?
જવાબ: હા, એટલું જ રહે. ઉંમર પ્રમાણે દેખાડે. બાકી નિત્યતા ટળી જાય. બાકી બધું A to Z રહે.
પ્રશ્ન: તમે બધાને વ્યક્તિગત મળી શકતા નથી છતાં અનુભવ થાય કે આપની સાથેની એક મુલાકાતથી દિવ્યતા થાય છે તો એનું શું કારણ?
(આ વાતની સાક્ષી તો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દરમિયાન આપણે સૌ તારક મહેતા સિરિયલમાં જેને જેઠાલાલ તરીકે ઓળખીએ છીએ એ દિલીપ જોશીએ પણ આપી છે એમના એક ઇન્ટરવ્યુમાં.)
જવાબ: દિવ્યતા તો મહારાજ (ભગવાન સ્વામિનારાયણ) પોતે છે.
પ્રશ્ન: અમે તો સત્પુરુષના ઘણીવાર દર્શન કર્યા. ઘણી વાતો સાંભળી છતાં કેમ અનુભવ નથી થતો?
જવાબ: તેમની સાથેનું જોડાણ બરાબર નથી. સંપૂર્ણ જોડાણ નથી.
પ્રશ્ન: આપ સાક્ષાત્ અક્ષરબ્રહ્મ છો. તો અંતરમાં શું ચાલે એ જાણતા હશો?
જવાબ: હા, જાણીએ.
(પછી એ જ પ્રશ્નમાં આગળ...)
અંતરનું જાણો છો છતાં અમારી સાથે હળી મળી જાવ છો. તો અમને કેમ જણાવતા નથી?
જવાબ: સત્પુરુષ તો બધું જાણે. કહેવામાં દુઃખ ઉપજે. તમારે જે હેત પ્રીત થવું જોઈએ એ ન થાય. એટલું જ જાણવાની જરૂર કે એ દિવ્ય છે. આપણા કરતા જુદા છે. એ મૂળ અક્ષર છે. બધું જ જાણે છે પણ કહેતા નથી.
પ્રશ્ન: આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે જો ન થાય તો અમારે શું પ્રાયશ્ચિત કરવું?
જવાબ: મનુષ્યરૂપે આવે એટલે માનુષિક ક્રિયા થવાની.
(એમાં જ આગળ...)
આવું ક્યાં સુધી માફ કરે?
જવાબ: બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી. તમારે નિશ્ચિત રહેવું. બધું ભગવાન કરશે. સત્પુરુષ કહે તેમ કરવાનું, એમાં ભવિષ્ય સારું.
પ્રશ્ન: તાત્કાલિક નિર્ણય લેવો પડે ત્યારે તમને પૂછવાનો સમય ન હોય તો ત્યારે શું સાચું શું ખોટું કેમ ખબર પડે?
જવાબ: સાચા દિલથી પ્રમાણિકપણે માન્ય છે. ભગવાન સારું કરશે. મહારાજ-સ્વામી રાજી થશે કે નહીં એ જોવાનું.
પ્રશ્ન: શું કરીએ જેથી આપ સદાય સાથે રહો?
જવાબ: ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમો બરાબર પાળો અને રુચિ સારી રાખવી.
પ્રશ્ન: વર્તમાન સમયે આપને ક્યા પ્રકારની અપેક્ષા છે?
જવાબ: નિયમ પાલન અને મર્યાદાઓ.
પ્રશ્ન: પ્રાર્થના કરવાની આદર્શ રીત કઈ?
જવાબ: એ કરવી ન પડે. સહજ આવે એ જ પ્રાર્થના.
પ્રશ્ન: આપ બધું જ જાણો છો. અમારામાં ઘણો કચરો છે છતાં આપ અમારી પ્રાર્થના સાંભળો છો?
જવાબ: બધા ભગવાનના પુત્રો છે. આડાઅવળી કરે તોય આગળ લેવા છે તમને. એટલે બધી પ્રાર્થના સાંભળી.
પ્રશ્ન: અમારી કેવી પ્રાર્થના આપ પૂરી કરો અને કેવી નથી કરતા?
જવાબ: ભગવાન આજ્ઞા કરી ગયા હોય એ ઝડપથી સાંભળે. આજ્ઞામાં ફેરફાર કે શિથિલતા હોય એ ન ગમે પણ છતાંય નજર તો હોય જ.
પ્રશ્ન: ઘણીવાર એક બાબત માટે ચારપાંચ વાર પ્રાર્થના કરી હોય છતાં ફળ પ્રાપ્ત ન થાય તો?
જવાબ: પ્રાર્થનામાં ખામી હોય અથવા ભગવાનને તમને વિશેષ આગળ લેવા હોય. "પ્રાર્થના ફળે જ છે."
પ્રશ્ન: ખામી કેમ ખબર પડે? અને ખામી વગરની પ્રાર્થના કેમ કરવી?
જવાબ: ખબર પડી જ જાય કે ગોટો વાળ્યો છે. (વર્તનમાં આંતરદ્રષ્ટિ કરીને જોવું.)
પ્રશ્ન: ભગવાન કે ગુરુની સ્મૃતિ કરીએ ત્યારે કંઈ દેખાતું નથી. બાકીનું બધું જ દેખાય તો શું કરવું? શા પ્રયત્નો કરવા?
જવાબ: એના માટે ધીરજ જોઈએ. અને મહિમા સમજવા પ્રયત્ન કરવો.
આમ, મહંતસ્વામી મહારાજે લંડનની સભામાંથી યુવાનો માટે, ન માત્ર યુવાનો માટે પરંતુ આબાલ-વૃદ્ધ સૌ માટે જેને જે મૂંઝવતા હોય તેવા દરેક પ્રશ્નોના ખૂબ જ સુંદર રીતે જવાબો આપ્યા. જેથી તે માર્ગ પર ચાલીને આગળ જતાં આપણા સૌ માટે અક્ષરધામનો માર્ગ મોકળો થાય. (પ્રસ્તુત મુદ્દાઓ સમગ્ર શિબિર દરમિયાન વિદ્વાન વક્તા સંતોના પ્રવચનોમાંથી અને પ્રશ્નોત્તરીમાંથી તારવેલા મુખ્ય અંશો છે.)

Comments
Post a Comment