બીજેપી પાસેથી શીખવા જેવી અમુક વાતો

ભારતમાં છેલ્લા 9 વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. એવામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થયા છે ત્યારે હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ ચારમાંથી ત્રણ રાજ્યોની વિધાનસભા ચુંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવી અને આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામોનો આગોતરો અંદેશો આપી દીધો. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણેય રાજ્યો કુલ 65 સીટો લોકસભામાં ધરાવે છે. જ્યારે તેલંગાણાના માત્ર 11 જ સાંસદો છે લોકસભામાં. મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 49% જેટલો છે જ્યારે કોંગ્રેસનો 40% જેટલો. રાજસ્થાનમાં બીજેપી 42% અને કોંગ્રેસ 30% વોટ શેર ધરાવે છે. જ્યારે છત્તીસગઢમાં બીજેપી પાસે 46% અને કોંગ્રેસ પાસે 42% વોટ શેર છે. એટલે અત્યારની જીત ખૂબ મહત્વની પુરવાર થાય એમ છે ભારતીય જનતા પાર્ટી માટે.


હા, ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નથી જીતતી. અત્યારે બીજેપી ની 12 રાજ્યોમાં સરકાર છે. જ્યારે કોંગ્રેસની માત્ર 3 રાજ્યોમાં. વધુ વિસ્તૃત અહેવાલ જોઈએ તો આખા ભારતના કુલ ક્ષેત્રફળનો 58% વિસ્તાર અને કુલ વસ્તીની 57% વસ્તી પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જ્યારે સામે પક્ષે 41% ક્ષેત્રફળ સાથે અને 43% વસ્તી સાથે અન્ય બધા પક્ષો છે. પરિણામે બીજેપીની સામે અન્ય વિચારધારાઓ પણ છે. જે ભારતની જીવંત લોકશાહી સૂચવે છે. દરેક રાજ્યોમાં ચૂંટણી ન જીતે તો પણ બીજેપી એડી ચોટીનું જોર લગાવી દે છે દરેકે દરેક ચૂંટણીમાં. ખુદ વડાપ્રધાન થી લઈને છેવાડાના કાર્યકર સુધી બધા જ પાર્ટીને કઈ રીતે જીત મળે એ જ ખ્યાલ સાથે ઝનૂનપૂર્વક મેદાનમાં ઉતરે છે. દુનિયામાં જેટલા પણ લોકશાહી દેશો છે અને ત્યાં બધે જેટલી પાર્ટીઓ છે એમાંથી સૌથી વધુ સફળતા ધરાવતી પાર્ટી અને લોકોમાં પણ સર્વાધિક લોકપ્રિય પાર્ટી જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. 


જે તે પક્ષ સત્તામાં હોય એટલે ઘણા પ્રકારની ટીકાઓ થતી રહેતી હોય છે. થવી પણ જોઈએ, લોકશાહી છે. પણ વિરોધ કે ટીકાઓ વચ્ચે જે વખાણવા લાયક છે એને તો છાપરા પર ચડીને પણ વખાણવું જોઈએ. બીજેપીની અમુક વાતો, અમુક કાર્ય પદ્ધતિઓ કે જે આપણે પણ શીખી શકીએ છીએ. અહીં એવા જ અમુક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે કે જે બીજેપી વર્ષોથી અનુસરે છે અને કદાચ એના કારણે જ અત્યારે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં સત્તા પર છે. 


1. જોમ - જુસ્સો (Passion):

કોઈપણ ચુંટણી ભલે એ લોકસભાની હોય કે જે તે રાજ્યની વિધાનસભાની હોય, એ લડવા માટે ભારતીય જનતા પાર્ટી જેટલા જોશ સાથે મેદાનમાં ઉતરે છે એટલા જુસ્સા સાથે સામેની એકપણ પાર્ટી નથી લડતી. શરૂઆતથી જ સાવ નમાલાની જેમ પાણીમાં બેસી ગયેલા હોય છે. બીજેપી પાસે ચુંટણી લડવાની જેટલી એનર્જી છે એટલી વિશ્વના બીજા એકપણ પક્ષમાં નથી. પ્રચાર - પ્રસારથી માંડીને રોડ શો, જન સંપર્ક અભિયાન વગેરે સહીત સોશિયલ મીડિયા પર પણ અદ્ભુત પકડ ધરાવે છે. સમાજના દરેક વર્ગના નાગરિક સુધી તેની પકડ છે. આટ આટલી ચુંટણીઓમાં વિજય પ્રાપ્ત કરવા પાછળ તેનું મુખ્ય કારણ પણ આ જ છે. વડાપ્રધાન સહિત દરેક કાર્યકર એકદમ જુસ્સા પૂર્વક ભાગ ભજવે છે. ખુદ વડાપ્રધાન તો એરપોર્ટ થી મુખ્ય સભા સ્થળ સુધી પહોંચવામાં કેટલાય કિલોમીટરનો રોડ શો કરી નાખે છે. એ પછી પેદા થયેલો જુવાળ કોણ રોકી શકે?


2. દૂરદર્શિતા (Vision) :

એ ખૂબ જ સારી વાત કહેવાય કે ભારતીય લોકશાહીના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિ ભારત માટે કોઈ વિઝન લઈને બેઠી હોય કે જે ભારતને વિશ્વની અગ્રણી હરોળની શક્તિઓ સાથે ઉભુ રાખવા માંગતી હોય, સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકીની એક બનાવવાની અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની નેમ ધરાવતી હોય. તમે જોશો તો ખ્યાલ આવશે કે દર થોડા થોડા સમયે કંઇક ને કંઇક સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે કે આવનારા આટલા સમયગાળા દરમિયાન આપણે આ ધ્યેય હાંસલ કરવાનું છે અથવા તો સમગ્ર દેશને આ મુકામ સુધી પહોંચાડવાનો છે. એટલે આપણે બધા પણ હોંશે હોંશે દેશને તેમજ સરકારને ટેકો આપવા લાગી જઈએ છીએ. લોકોને કોઈ દીર્ઘદૃષ્ટિ ધરાવતો વ્યક્તિ નેતા તરીકે પસંદ પડે છે. આમ પણ કોઈ ધ્યેય રાખ્યા વગર કંઈ હાંસલ કરવું અશક્ય જ છે. ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝન છે દેશ માટે તેમજ પાર્ટી માટે. 


3. અવિરત કાર્ય અને પ્રયાસ :

હજારોની સંખ્યામાં રેલીઓ, અસંખ્ય સભાઓ કરવાની અને સરકાર રચાતા સાથે સાથે રેલીઓ તેમજ સભામાં આપેલ વચનો નિભાવવાના એ સૌથી મોટી વાત. ભારતીય જનતા પાર્ટીને દરેક ચુંટણીમાં જીત નથી મળતી. આમ છતાં તેનું કાર્ય અવિરત ધોરણે ચાલુ જ રહે છે. એક વ્યક્તિએ ખૂબ સરસ વાત લખેલી કે ભારતીય જનતા પાર્ટીમાં જેમ તમે ઊંચા પદ પર હોય તેમ તેમ તમારે વધુ કાર્ય કરવાનું આવે. એ તો અત્યારે પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ જોતાં જ સમજી શકાય તેમ છે.


4. સરળ મેસેજ, અસાધારણ અમલ :

2014 પછીના આ નવ વર્ષ જેટલા સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લાવવામાં આવેલી કેટકેટલીય યોજનાઓ પૈકીની અમુક જોઈએ તો સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, હર ઘર જલ વગેરે વગેરે... બીજી તો ઘણી બધી યોજનાઓ છે કે જેનાથી લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો હોય. એમાં પણ આ ત્રણ તો માણસની સાવ મૂળભૂત જરૂરિયાતો કહી શકાય. વિચારો, છેવાડાના ગામડાના માણસે જ્યારે પ્રથમ વખત ટોઇલેટ વાપર્યું હોય અને જેની ઘરે પ્રથમ વખત પાણી પાઇપલાઇન દ્વારા પહોંચ્યું હોય એનું જીવનધોરણ કેટલું સુધરી જાય. અને આ જ કારણ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પ્રધાનમંત્રીના લાખો-કરોડો ચાહકો છે, રીલમાં પણ અને રિયલમાં પણ. એક અલગ વિચાર અને તેનો પુરેપુરો અમલ અપ્રતિમ લોકચાહના અપાવી દે છે. લાલ કિલ્લા પરથી કહેવામાં આવેલું 'સ્વચ્છ ભારત અભિયાન' સમગ્ર ભારતને સ્વચ્છ - સુઘડ બનાવી દે છે. આવા ભારતમાં રહેવું કોને ન ગમે? 


5. જનમાનસ પર પકડ :

લોકો શું વિચારે છે અને શું કહેશે એના કરતા ભારતીય જનતા પાર્ટી સરેરાશ લોકોનો મત શું છે એ વધુ સારી રીતે જાણે છે અને પકડે છે. લોકો શું વિચારે છે એના કરતાં લોકો શું અનુભવે છે એને વધારે પ્રાધાન્ય આપે છે. ભારતીય જનતા પાર્ટી સિવાયની એકપણ પાર્ટી જનમાનસ પર આટલી ઊંડી પકડ નથી ધરાવતી. જેના કારણે તેઓ નિષ્ફળ જાય છે. ગામડાના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જરૂરિયાતો પહોંચી અને તેનો શું પ્રતિભાવ છે એના વિશે ખુદ વરિષ્ઠ નેતૃત્વ જ વ્યક્તિગત રીતે સમય અને મુલાકાત દ્વારા પ્રતિભાવ મેળવે છે. આ ભાવના લોકોને હૃદયથી જોડી રાખે છે. 



Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?