'કપ ગયો ને રકાબી રહી'

ના, ભારતીય ટીમના ચકલા (ટીખળ) ઉડાડવા માટે આવું શીર્ષક નથી રાખ્યું. 1975માં ઈંગ્લેન્ડથી શરૂ થયેલ icc મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં 1983માં ખતરનાક વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે કપિલ દેવની અણનમ (175) ધૂઆંધાર બેટિંગ થકી ભારતીય ટીમ વર્લ્ડ કપ લઈને આવી એ પછી છેક ત્રણ દાયકે 2011માં મહેન્દ્ર સિંહ ધોની જેવા કાબેલ અને સર્વોત્તમ કપ્તાન અને તેની લાજવાબ કપ્તાની થકી ભારતીય ટીમના ગ્રહ બેસેલા. હા, આમ તો સમગ્ર ટીમનું યોગદાન ગણાય વર્લ્ડ કપ જીતવા માટે. પરંતુ એ વખતની જેવી તેવી ન ગણાય એવી શ્રીલંકન ક્રિકેટ ટીમ સામે યોગ્ય ગેમ પ્લાન અને બેટિંગ તેમજ બોલિંગની વ્યૂહરચનાઓ દ્વારા એ વખતનો વર્લ્ડ કપ ભારતના હાથમાં આવેલો. ધોની અને તેનું ધોનીત્વ તો આજે પણ શાશ્વત છે. ખુદ એને ક્રીઝ પર રમતા જોયો છે અને વિકેટ કિપિંગમાં રહી જેમ સ્ટિયરિંગ પર કંટ્રોલ હોય તો રસ્તામાં અચાનક આવતા મોડ પર ફસકી ન પડીએ એમ ગેમમાં આવતા અણધાર્યા મોડ પર ખડા અને ખરા ઉતરવાના નિર્ણયો લેતા જોયો છે. તેની એ અદ્ભુત અને કાબિલે તારીફ કપ્તાની થકી જ આઈસીસી ની ત્રણ ત્રણ ટ્રોફીનો રેકોર્ડ માત્ર ધોનીના નામે જ કપ્તાન તરીકે બોલે છે. ને એના ગયા પછી આઈસીસી ની એક પણ ટ્રોફી ભારતના નામે નથી આવી અથવા તો ભારતનો બીજો એકપણ કેપ્ટન પોતાનું ખાતું નથી ખોલી શક્યો. પ્રેશર નીચે કેમ મેચને આપણી તરફ ફેરવવી અને જીત અપાવવી એ હતું ધોની અને તેના ધોનીત્વમાં. એ એક સ્કીલ છે, જેને શીખી શકાય છે પણ મેળવી શકાતી નથી. કપ્તાની હોય, ક્રીઝ પાછળથી કીપિંગ હોય કે ડિસિઝન મેકિંગ બધામાં ત્વરિત નિર્ણય શક્તિ જોઈએ. પંત થોડો ઢીલો પડે કિપિંગમાં ને રાહુલને બોલની સમજ ત્વરિત નથી બેસતી. ફાઈનલ મેચ વખતે તો પગ વચ્ચેથી બોલ જતા રહેતા હતા એ આપણે સૌએ જોયું. એવામાં સ્ટંપિંગની તો શું આશા રાખવી. કપ્તાની કે વિકેટકીપિંગ તરીકે હજુ ધોનીનો વિકલ્પ આપણને નથી મળ્યો.


ખેર, આ બધી વાતો તો ચાલ્યા કરવાની. પરંતુ અહીં સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે લગાતાર 10 - 10 લીગ મેચો જે ટીમ જીતી હોય એવી ખમતીધર ટીમના છેલ્લે કેમ મરણિયા હાલ થયા. ટોપ ઓર્ડરથી લઈને મિડલ ઓર્ડર અને છેલ્લે લોઅર ઓર્ડરના દરેકે દરેક ખેલાડીઓ એકદમ તેજતર્રાર બેટિંગ કરવા અને ખતરનાક ઈન લાઈન કે જેનો એક એક બોલ એકદમ લેંથમાં પડતો હોય એવી બોલિંગ ફેંકવા સક્ષમ હતા. એકદમ મજબૂત અને બેલેન્સ વાળી ટીમ હતી. છતાં ઘરઆંગણે એક લાખ બત્રીસ હજાર જેટલી ચિક્કાર જનમેદનીનું પ્રેશર મહેમાન કાંગારુ ટીમના બદલે આપણી ભારતીય ટીમે અનુભવ્યું હોય એવું લાગ્યું. ટોપ રેન્કિંગની ટીમ છેલ્લે સાવ ફસકી પડે એ વાત તો નાના નાના બાળકોને પણ ખૂંચે એવી છે. સ્કોર આપણે એટલો મોટો ન નોંધાવી શક્યા એ તો જાણે સમજ્યા. 1983માં પણ જોને માત્ર 183નો જ સ્કોર થયેલો. પણ સામેની ટીમની જરૂર હતી ત્યારે વિકેટ પણ ન ખેરવી શક્યા. એટલે જ પેલો 'હેડ' ઓવરહેડ થઈને પોતાનો સ્કોર નોંધાવતો રહ્યો. જેના લીધે તો કાંગારુઓની ટીમ ઉત્સાહમાં હતી. બીજી ઇનિંગમાં પણ તેમની ફિલ્ડિંગ ગજબની હતી. આખી ટીમ વચ્ચે એક પ્રકારનું સંતુલન જોવા મળતું હતું. આખા મેચ દરમિયાન એક પણ વખત મિસ ફિલ્ડ કે એકપણ કેચ છૂટ્યો નથી. ઊંધા દોડ્યા પણ કેચ ન મૂક્યો કે એકપણ બોલ બાઉન્ડ્રી નથી પહોંચવા દીધો. આ લેવલનો જુસ્સો અને પ્રારબ્ધ જોઈએ. તો કપ ઉપર પગ રાખીને બેસી શકાય.


હા, કિંગ કોહલીએ વર્લ્ડ કપ દરમિયાન જ જે રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સચિનના રેકોર્ડની બરાબરી કરીને તોડ્યો એ બિરદાવવા લાયક. શમીનું પણ ગજબનાક પુનરાગમન હતું સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન. એક જ મેચમાં સાત સાત વિકેટો લઈને તો એણે તરખાટ મચાવી દીધેલો. રોહિત પણ શરૂઆતમાં 'હિટમેન' બનવાના ચક્કરમાં હીટ થયો અને ઉત્સાહમાં આવીને મારવા જતા ત્રાવિસ હેડના હાથે કેચઆઉટ થયો. (1983માં જેમ રિચાર્ડનો કેચ કપિલ દેવે પકડ્યો હતો અને આખી બાજી પલટાઈ હતી એમ જ) આમ પણ એનું હંમેશનું છે. શરૂઆત તો સારી કરે પણ પછી ખૂબ લાંબા શોટ રમવા જતાં એકાદ ઓફ સ્ટમ્પના બોલ પર ઊંચો શોટ લાગી જાય. જે અંતે કેચઆઉટમાં પરિણમે. વર્લ્ડ કપ ફાઇનલ મેચ વખતે પણ એવું જ થયું. 31 બોલમાં 47 રનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ચાલુ હતું ત્યારે જ ગ્લેન મેક્સવેલના ઓફ સ્ટમ્પના બોલ પર રમવા જતાં રોહિત હેડનાં હાથે કેચ આઉટ થયો. અને ત્યાંથી જ ભારતીય ટીમના વર્લ્ડ કપ જીતવાના સપનાના નીર ઓસરવાના શરૂ થયા.


વર્લ્ડ કપ હારતા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તો જાણે બધા ચોળી ચોળીને ચીકણી કરેલી માયકાંગલી કમેન્ટોનો મારો ચલાવવા લાગ્યા. ખરેખર તો ટીમ ઈન્ડિયાને બિરદાવવી જોઈએ અત્યાર સુધીના સારા પ્રદર્શન માટે, આ બધું ફિક્સ કરેલું હોય, આજે એમનો દિવસ હતો - આપણો દિવસ નહોતો વગેરે વગેરે... ખરેખર તો આપણી પાસે પ્રોપર ગેમપ્લાન જ નહોતો ફાઇનલ માટે. એમાં પણ અત્યાર સુધી જે ટોસ જીતતા આવતા હતા એ ફાઇનલમાં હાર્યા એટલે પ્રથમ બેટિંગની ઈચ્છા પણ ફળીભૂત ન થઈ. હારેલા મેચની સાથે હારેલા મનને મનાવવા પીચના બહાના કાઢ્યા. અરે પીચનો વાંક હોય તો તો ઓસ્ટ્રેલિયન એ જ પીચ પર રમીને જીત્યા. હેડે તો 137 રન ફટકાર્યા. મૂળ વાત, શરૂઆતની દસ ઓવરમાં 12 ચોક્કા આવે અને પાછળની 40 ઓવરમાં તો માંડ 4 આવે એ ટીમ કેવી રીતે વર્લ્ડ ચેમ્પિયન બને? ગલી ક્રિકેટમાં રમ્યા કરતા હોય એમ એકલદોકલ રન લીધા કર્યા.


પણ આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયન સ્થિરતાપૂર્વક રમ્યા. ન ઉશ્કેરાટમાં આવ્યા કે ન અતિ આત્મવિશ્વાસમાં આવ્યા. બે - ચાર મેચ સળંગ જીતે એટલે હરખાઈ નથી જતા આપણી જેમ. તે એક ફોકસ્ડ ટીમ છે. ટ્રોફી પર પોતાનો જ અધિકાર હોય એ રીતે જીતવા માટે જ તેઓ રમે છે. કમિન્સે તો કેવું પ્રેસ કોન્ફરન્સમાં જ જડબેસલાક જણાવી દીધું હતું કે 'આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને ચૂપ કરાવી દઈશું' અને સજ્જડ ચૂપ કરાવી દીધા. આ દૃઢતા સાથે તેઓ મેદાનમાં ઉતરેલા. આપણી જેમ ઠાલા આશ્વાસનો સાથે નહીં.


ખરેખર તો આપણે ક્રિકેટની રમતને એક બિઝનેસ બનાવી દીધો છે. આપણે કોઈ મેચ હારે એટલે રોતલાં આશ્વાસનો શરૂ થઈ જાય. એકવાર હર્ટ થાય એટલે ત્યાં હાર્ટને બદલે દિમાગની બત્તી જલાવવી પડે. આપણું ઘોડું દશેરાએ જ નથી દોડતું. આમ પણ આપણે ક્રિકેટરોની આસપાસ એક મોટું સ્ટારડમ ઉભુ કરી દીધું છે. ભારતમાં ક્રિકેટનો જેટલો ક્રેઝ છે એટલો બીજી એકપણ રમતનો નથી. પછી ભલેને રાષ્ટ્રીય રમત હોકી જ કેમ ન હોય. ફૂટબોલમાં તો ખુદ કેપ્ટને અપીલ કરવી પડે છે ચીયર અપ માટે. આ ક્યાંની ખેલદિલી?


શીર્ષક: JV's FB post.


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?