'નવવર્ષનો ધબકાર'

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય એને નવું વર્ષ કહેવાય…

હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને નવું વર્ષ કહેવાય…

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું, 

પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું, 

લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય એને નવું વર્ષ કહેવાય…

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ,

વ્હાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ,

ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય એને નવું વર્ષ કહેવાય…

– અંકિત ત્રિવેદી


લાભ શુભના અખંડ દીવા પ્રગટે દ્વારે દ્વાર,

થાય મનોરથ પૂર્ણ સૌના, દૂર થાય અંધકાર,

નવા વર્ષનો પ્રેમ સદાય પ્રગટે અપરંપાર...

ધરતી પર રહેવું છે, સાથ પવનની વહેવું છે,

અજવાળાને પહેરીને ખળખળ ખળખળ કહેવું છે,

બીજા માટે થોડું જીવીએ કરવો છે નિર્ધાર,

આભને એનો ભાર ન લાગે એમ જીલવો ભાર,

નવા વર્ષનો પ્રેમ સદાય પ્રગટે અપરંપાર...

મન મક્કમ ને હૃદય અડીખમ, આફત વચ્ચે ઊભા અણનમ,

ભાડું બસ ફરિયાદ વગરનું, જોવું સત્યમ, શિવમ અને સુંદરમ ,

હૂંફ, ભરોસો, વ્હાલ બધાનો, અરસપરસ આધાર બધાનો,

દરેક તારીખ નવું વર્ષ ને વાર બધા તહેવાર,

નવા વર્ષનો પ્રેમ સદાય વરસે અપરંપાર...

- અંકિત ત્રિવેદી


સાચા પડવાની ગેરેંટી સાથે ઈચ્છાએ સપનું પ્રગટાવ્યું, આવ્યું નવું વર્ષ આવ્યું...

અંધારું અજવાળું સાથે જીવે છે, એમ જીવવાનું સાથે દરરોજ,

ધારેલું થાય નહીં ત્યારે સ્વીકારવાનું, ધારેલું થાય નહીં રોજ,

બોલવાનું યાદ રાખી કરવાનું શું, પાસે આવીને સમજાવ્યું, આવ્યું વર્ષ નવું આવ્યું...

રોજ નવા દિવસ જીવવા મળે છે ને રોજ થાય દિવસ પસાર,

સાતે સાત વાર આમ ઉંમર બને છે ને માનું ઈશ્વરનો આભાર,

રાજીના રેડ થઈ ઓવારી જાવ એવો હરખ સાથે લાવ્યું, આવ્યું વર્ષ નવું આવ્યું...

- અંકિત ત્રિવેદી


‘‘ કંઇક યાદો લઈ અને વીત્યું વરસ

જોત જોતામાં નવું આવ્યું વરસ

હાસ્ય આપ્યું, તો ભીંજાઈ આંખ પણ,

ને ફરીથી સ્વપ્ન કંઈ લાવ્યું વરસ.’’

- નયન દેસાઇ


‘‘ શુભેચ્છા તમને નવા વરસની

દરેક પળની દરેક દિવસની

આ લાગણી છે અરસપરસની

શુભેચ્છા તમને નવા વરસની.’’

- રઇશ મણિયાર


‘‘ ટેસથી જીવી લે ને મોજથી ફરી લે

વર્ષ એક આખું આ શ્વાસમાં ભરી લે

ભૂલી જા બધુ બસ રાખ આટલી ખબર

જીવવામાં કોઈ બાકી રહે ના કસર

હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર

હું તને કરુ છું, તું મને વિશ કર

હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર.’’

-મુકુલ ચોકસી


‘‘ આવ-જા’ ને સરભરા ને કામ કંઈ એવા હતા

બેસતા વરસે જ બાકી યાદ આપ આવ્યા હતા

એક તો શબ્દો જ સાલા થઈ ગયા 'તા ક્યાંક છુ,

ને બીજુ મેસેજ પણ તે ’દિ મફતમાં ના હતાં.’’

-પંકજ વખારિયા


‘‘ પહેરી નવો લીબાસ આ આવ્યું નવું વરસ

લઇને સમય ઉદાસ આ આવ્યું નવુ વરસ

પીંખાઈ ગઈ કળી ને હવા સ્તબ્ધ થઈ ગઈ

આંખોમાં લઈ ભીનાશ, આ આવ્યું નવું વરસ.’’

- મહેશ દાવડકર


‘‘ નવી ખુશી હો નવી હો આશા

નવાં હો સપનાં નવા વરસમાં

રહે ના મનમાં જરા કટુતા

હો ગાઢ મૈત્રી અરસપરસમાં.’’

- ડૉ. વિવેક ટેલર


‘‘ છૂટ આપું જાવ તાળા જેમ ખુલી જાઓ

લાગણી ભીના હૃદયથી કંઇ કબૂલી જાઓ

હા, પ્રસંગોપાત હળવાફુલ થાઓ ફરી આ જ અવસર છે,

નવા વર્ષની સાથે ઝુલી જાઓ.’’

- હર્ષવી પટેલ


‘‘આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે

આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે

જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ

વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે. ’’

-કિરણસિંહ ચૌહાણ


‘‘બે હજાર બારનાં એ વર્ષની વિદાઇ હો

બે હજાર તેરનાં આ વર્ષની વધાઇ હો

હૈયું લીલુ રાખી થોડા છાંયડા ઉગાડીએ

માટી સાથે માટીની આ એટલી સગાઈ હો.’’

-સુરેશ વિરાણી





‘‘ ઊઘડે બારી નવી એ રાહ જોઈ બેઠી છું

સાવ નોખું સ્વપ્ન મારી આંખે પ્રોઈ બેઠી છું

યુદ્ધ ના હો ભીતરે પ્રગટે નહિ કોઈ અગન

એક શાંતિયુગના મંડાણ જોઈ બેઠી છું.’’

- પ્રજ્ઞા વશી


‘‘વધારે જેમ પીવાતી વધારાની તરસ લાગે

મદિરા જિંદગીની હો પુરાણી તો સરસ લાગે

જણસ જેવા સ્મરણ દઇને વરસ વીતી ગયુ જુનું

નવી નક્કોર લગડી આવનારું આ વરસ લાગે.’’

-ડૉ. હરિશ ઠક્કર


જ્યારે મળીએ, જે દિ' મળીએ ત્યારે તે દિ' નવું વરસ

મતલબ કે કો' મનથી મળવા ધારે તે દિ' નવું વરસ...

ખાસ્સા ત્રણસો પાંસઠ દિ'નો વાર્ષિક ગાળો ધરા ઉપર

હું તો માનું : ક્ષણ જ્યારે પડકારે તે દિ' નવું વરસ...

ચહેરા પર રંગોળી, રોમેરોમે દીપક ઝળાહળા

માણસ-માણસ રોશન બનશે જ્યારે તે દિ' નવું વરસ...

આળસ, જઈને પેસી ગઈ હોય સૂરજના પણ સ્વભાવમાં

એવી આળસ કવિતા સામે હારે તે દિ' નવું વરસ...

દરિયો કેવળ નિજમસ્તીનો જોખમકારક બની શકે

તરવૈયાઓ એકબીજાને તારે તે દિ' નવું વરસ...

ઈશ્વરનું આપેલું હૈયું ફળિયું શાને બને નહિં ?

આ જ પ્રશ્ન પર લોકો સ્હેજ વિચારે તે દિ' નવું વરસ...

- અજ્ઞાત


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?