'કલામ નહીં, કમાલના બનીએ'

રતન તાતાના જીવન ચરિત્રમાં વર્ષ 2012ના એક પ્રસંગનો ઉલ્લેખ છે. ત્યારે તાતા ઈન્ડસ્ટ્રીઝના કર્તાહર્તા સમાન રતન તાતાએ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલું અને પોતાનું સ્થાન સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું. પત્રકારોએ પૂછ્યું કે તમે સાયરસ મિસ્ત્રીને કોઈ સલાહ આપી છે? તો રતન તાતાએ જણાવ્યું હતું કે, 'ના, મેં કોઈ સલાહ નથી આપી. કેમ કે મેં જ્યારે મારી કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે મને લોકોએ પ્રશ્ન કર્યો હતો કે આપ આપના રોલમોડેલ જે.આર.ડી. તાતા જેવા બનવા માંગો છો? તેમના જેવું કામ કરશો?' ત્યારે મેં ઉત્તર વાળ્યો હતો કે, 'નહીં, હું મારા મૂલ્યો અને ક્ષમતાના આધારે કામ કરીશ. હું સાયરસ મિસ્ત્રી પાસેથી પણ એ જ અપેક્ષા રાખું છું કે તે રતન તાતા બનવાની કોશિશ ન કરે. પોતાના મૂલ્યો અને ક્ષમતાના આધારે જ પોતાની આગવી ઓળખ બનાવે અને કંપનીને સફળતાના નવા શિખરો સુધી પહોંચાડે.' આ તો માત્ર એક પ્રસંગ થયો. પણ રતન તાતાએ પોતાના જીવનમાં અનેક એવા કામ કર્યા, જેને કારણે તેમની હંમેશા પ્રશંસા જ થઈ. આજે એકપણ વ્યક્તિ એવો નહીં મળે કે જેને રતન તાતા પ્રત્યે અણગમો હોય. દરેક ઉદ્યોગપતિ તેમના જેવા બનવા ચાહે છે. ન કેવળ ઉદ્યોગપતિ જ પરંતુ આજની દરેક યુવા વ્યક્તિ પણ તેમના જેવા બનવા સતત પ્રયત્નશીલ હોય છે. અને આમાંના મોટા ભાગના લોકો એમ માનતા હોય છે કે સફળ વ્યકિતઓએ અંકિત કરેલા માર્ગ પર ચાલીને આપણે સફળ બની શકીએ છીએ. પરંતુ રતન તાતા આ બધાથી કંઇક અલગ જ વિચારે છે. 


દરેકે દરેક વ્યક્તિની અલગ અલગ પ્રતિભા, ક્ષમતા અને આવડત હોય છે. હવે જો આપણે તે પ્રતિભા અને આવડતને કોઈ બીજાના જેવા બનવામાં લગાવીશું તો આપણી પોતાની જે ક્ષમતા છે, આપણી પોતાની જે આવડત છે તે ક્યારેય ખીલી જ નહીં શકે. આપણે કોઈક બીજાની જ ઓળખ બનીને રહી જઈશું. આપણે આપણી પોતાની સાચી ઓળખ જ નહીં પ્રસ્થાપિત કરી શકીએ જો આપણે આપણા મૂલ્યો ખોઈ બેસીશું તો. ઇતિહાસમાં પણ એવા અનેક ઉદાહરણો છે કે લોકોએ પોતાના દમ પર કામ કર્યું છે અને પોતાની આવડતના જોરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેવા લોકો જ જીવનમાં એક અલગ લક્ષ્ય સ્થાપિત કરવામાં સફળ થયા છે. 


રાજનેતા, ઉદ્યોગપતિ, અભિનેતા, ખેલાડીઓ વગેરેને જોઈએ તો ખ્યાલ આવે કે બધાની પોતપોતાની અલગ ઓળખ છે. ખેલાડીઓને એક જ શોટ અલગ અલગ રીતે રમતા આપણે જોયા પણ છે. ધોની જે રીતે હેલિકોપ્ટર શોટ મારી શકે એ કોહલી ન મારી શકે અને કોહલી જે રીતે સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવી શકે એમાં કદાચ 'હિટમેન' રોહિતનો ગજ ન પણ વાગે. કહેવાનો મતલબ કે બધા ભલે ક્રિકેટ વિશ્વમાં પોતાની કરિયરમાં શિખર પર રહ્યા હોય પરંતુ એમાં પણ બધાની પોતપોતાની અલગ આવડત છે. જેના આધારે તેઓએ પોતાની ઓળખ બનાવી છે. એટલે જ્યારે આપણે આપણા મૂલ્યો સાથે આગળ વધીએ છીએ ત્યારે જ જૂનું મટીને કંઇક નવું સર્જન થાય છે. તેના આધારે આપણી ઓળખ ધીમે ધીમે બને છે. હવે જો રતન તાતાએ જે.આર.ડી. તાતાની જેમ બનવાની કોશિશ કરી હોત તો તેઓ કદાચ આટલી સફળતા અને પ્રસિદ્ધિ ન પામી શક્યા હોત. આ સંદર્ભે તો બી.સી. પાંડે અનુવાદિત રતન તાતાના જીવન ચરિત્રમાં જણાવાયું છે, 'હું તેમના પછી આવ્યો જેમના પગરખાં જ બહુ મોટાં હતાં. જે.આર.ડી. તાતા ભારતીય બિઝનેસ ગ્રૂપના હીરો હતાં. 50 વર્ષ સુધી તેઓ તાતા ગ્રુપમાં મોખરે રહ્યાં.' રતન તાતાના આ શબ્દો પરથી આપણે જાણી શકીએ કે તેમણે ક્યારેય જે.આર.ડી. તાતા જેવા બનવાની કોશિશ નથી કરી કે નથી તેમનું અનુસરણ કર્યું. હંમેશા તેમને એક આદર્શ જ માન્યા છે. 


ત્યારની પરિસ્થિતિ એકદમ અલગ હતી. વૈશ્વિક જરૂરિયાતો જુદી હતી. એનો મતલબ એવો ન થાય કે આજે જે વ્યક્તિને ઉદ્યોગપતિ તરીકે સફળ થવું છે તે પણ રતન તાતાનું જ અનુસરણ કરે. અત્યારે પરિસ્થિતિ અને જરૂરિયાતો બંને એકદમ વિપરીત છે તે સમય કરતા. માટે જો આપણામાં પ્રતિભા અને ક્ષમતા હોય તો આપણે આપણો પોતાનો જ માર્ગ કંડારવો જોઈએ. આજે આપણે સૌ સફળ વ્યક્તિની વાતો તો ઘણી કરતા હોઈએ છીએ. તે સાંભળીને અને તેના પર વિચાર કરીને આપણે તેના જેવા તો ન બની શકીએ પરંતુ આપણે આપણી કાર્યપદ્ધતિમાં જરૂરથી ફેરફાર લાવી શકીએ. 


આ જ કારણ હતું કે પોતાનો કાર્યભાર સાયરસ મિસ્ત્રીને સોંપતી વખતે રતન તાતાએ તેમને કહ્યું હતું, 'તમે મારી જેમ કામ કરશો નહીં, કારણ કે જો તમે મારી જેમ કામ કરશો તો ન તો તમે રતન તાતા બની શકશો કે ન તો સાયરસ મિસ્ત્રી રહી શકશો.' કેટલી અદ્ભુત વાત...


આ ઉપરાંત તેઓ માત્ર સફળ થવાની બિઝનેસ ટીપ આપે તેટલું જ નહીં, તેઓ જીવનનો મર્મ સમજાવતા કહે છે, 'કેવળ રૂપિયા અને ઈજ્જત કમાવવા એ જ પૂરતું નથી. વિચાર કરો, જે દિવસે તમારું કોઈની સાથે બ્રેકઅપ થયું હોય, તે દિવસે કંપનીમાં મળેલા પ્રમોશનનો કોઈ અર્થ નથી રહેતો. તમારી પીઠમાં દર્દ હોય તો કાર ચલાવવાનો આનંદ નથી આવતો. તમારા મગજ પર સ્ટ્રેસ (તણાવ) હોય ત્યારે શોપિંગ કરવાની મજા નથી આવતી. આ જીવન તમારું છે, તેને અતિ ગંભીર ન બનાવો. આપણે બધા તો આ દુનિયામાં થોડીક પળોના મહેમાન છીએ, તો જીવનનો આનંદ ઉઠાવો. તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. આ દુનિયામાં આપણે એક મોબાઈલના રિચાર્જ જેવા છીએ, જે પોતાની વેલિડિટી પછી સમાપ્ત થઈ જવાના છીએ. આપણી પણ વેલિડિટી છે. આપણે ભાગ્યશાળી હોઈશું તો ઓછામાં ઓછાં 50 વર્ષ તો જીવીશું જ. આ 50 વર્ષોમાં કેવળ 2600 અઠવાડિયા હોય છે. શું ત્યારે પણ આપણે કામ પર કામ કર્યા કરવાની જરૂર છે? જીવનને એટલું મુશ્કેલ ન બનાવો કે ખુશીઓ તમારાથી દૂર રહે. બધું સારું છે. ક્યારેક કામથી રજા લેવી, ક્લાસ બંક કરવો (ક્યારેક ક્લાસ બંક કરવાનું તો કલામ સાહેબ પણ કહેતા), કોઈક પરીક્ષામાં ઓછાં માર્કસ લાવવા, નાના ભાઈ-બહેન સાથે ઝઘડવું -- બધું ઠીક છે, ચાલતું રહે છે. જ્યારે જીવનના અંતિમ પડાવ પર હોઈશું ત્યારે જ આ નાની-નાની વાતો આપણને હસાવશે અને કંપનીનું પ્રમોશન, 24 કલાક સતત કામ -- આ બધી ઘટનાઓનો ત્યારે કોઈ અર્થ નહીં હોય. આપણે માણસ છીએ, કોઈ કમ્પ્યુટર નથી. જીવનનો આનંદ માણો.' 


કેટલી માર્મિક અને ગહન વાત રતન તાતાએ સહજતાથી શીખવી દીધી. આમ, એક વિશ્વવિદ્યાલયમાં પ્રવચન વખતે ડો. કલામ અને પ્રો. યશપાલ બેઠા હતાં ને ત્યાં યશપાલજીએ સંબોધન કરતાં કહ્યું હતું, ' કલામ નહીં, કમાલના બનો.'


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?