પાણી માટેનું "પાણીપત"
આમ જોવા જઈએ તો 'પાણીપત' નું 4થું યુદ્ધ આવનારા સમયમાં જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે વિકાસના નામે સમગ્ર માનવજાત એટલી હદે આંધળુકિયા કરી રહી છે કે આવનારી વિનાશકારી આફતો જે ઘર આંગણે દરવાજા પર દસ્તક આપે છે તેનો ખ્યાલ પણ રહ્યો નથી. હમણાં જ NASA નો રિપોર્ટ આવ્યો કે ગત વર્ષ (2023) એ માનવજાતના ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું. ન માત્ર એ જ પરંતુ રોજે રોજ બદલાતા જતા વૈશ્વિક આબોહવા પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ) વિશે સમાચારપત્રોની હેડલાઇન્સ હોય છે. છેલ્લા ઘણા સમયથી રોજેરોજ વિશ્વના કોઈ એકાદ ખૂણેથી કંઈક ને કંઈક માઠા સમાચાર મળી રહ્યા છે. એમાં આપણે (ભારત) પણ બાકાત નથી. UN એ પણ આ વર્ષની શરૂઆતમાં જ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. બીજા એક રિપોર્ટ અનુસાર વિશ્વની એક ચતુર્થાંશ વસ્તી ધરાવતા 25 દેશો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે લગભગ 4 અબજ લોકો વર્ષમાં ઓછામાં ઓછા એક મહિના માટે પાણીની કટોકટીનો સામનો કરે છે. આ આંકડો 2050 સુધીમાં 60% વધશે. આની વચ્ચે પોપકોર્ન જે રીતે ફૂટે એ રીતે ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા અને લગભગ દોઢેક કરોડની વસ્તી ધરાવતા બેંગલુરુ શહેરમાં છેલ્લા લગભગ એકાદ મહિનાથી પાણીનો કકળાટ છે એવા સમાચાર આવવાના શરૂ થયા. દેશની ત્રીજી સૌથી વધુ આબાદી ધરાવતા શહેરના લોકો પાણીના અભાવે અત્યારે કોઈક અન્યત્ર સ્થળે પલાયન થવા મજબૂર બની ગયા છે. બેંગલુરુ શહેર છેલ્લા 500 વર્ષોમાં (દૈનિક ભાસ્કરના અહેવાલ પ્રમાણે) સૌથી મોટી પાણીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે.
બેંગલુરુની આવી માઠી દશા થવાનું કારણ શું? તો વિસ્તાર પૂર્વક જોઈએ તો બેંગલુરુ એ એક હિલસ્ટેશન જેવું છે. સમુદ્ર સ્તરથી તે 920 મીટર ઊંચું છે. જ્યારે સમગ્ર ભારતની 98% વસ્તી તેના કરતા નીચા લેવલ પર રહે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ (IISc) ના રિપોર્ટ અનુસાર 1961 સુધી બેંગલુરુમાં 262 તળાવો હતા અને શહેરના 70% વિસ્તારમાં વૃક્ષો હતા. જેથી તે ગાર્ડન સિટી તરીકે પણ ઓળખાતું. ધીમે ધીમે દસકાઓ પસાર થતા ગયા તેમ તેમ શહેરીકરણ પણ વધતું ગયું. જેના લીધે અત્યારે 81 તળાવો બચ્યા છે અને માત્ર 3% વિસ્તારમાં જ વૃક્ષો છે. જેની સામે 94% વિસ્તારમાં સિમેન્ટના બાંધકામો છે. જેના કારણે વોટર સ્પ્રેડ એટલે કે જમીનમાં પાણી ઉતરી શકે એવો વિસ્તાર 79% ઘટી ગયો છે. IISc ના છેલ્લા 50 વર્ષનાં ડેટા પ્રમાણે 1973માં વોટર સ્પ્રેડ એરીયા 2324 હેકટર હતો જે હવે ઘટીને માત્ર 696 હેકટર રહી જવા પામ્યો છે.
બેંગલુરુ શહેરમાં હરરોજ આશરે 200 કરોડ લિટર પાણીની જરૂર પડે છે. જેમાં 145 કરોડ લિટર પાણી કાવેરી નદીમાંથી મળે છે અને 55 કરોડ લિટર પાણી બોરવેલ દ્વારા મળી રહે છે. શહેર જળ નિયંત્રણ પ્રશાસને સમગ્ર શહેરમાં 257 જેટલા ડ્રાય સ્પોટ જાહેર કર્યા છે કે જ્યાં પીવાના પાણીથી લઈને રોજબરોજ ઉપયોગમાં લેવાતા પાણીની પણ ભારે અછત છે. નબળા અથવા તો મર્યાદિત વરસાદના કારણે તેમજ બેફામ વધી રહેલા શહેરીકરણના કારણે કાવેરી નદીનું જળ સ્તર સતત ઘટી રહ્યું છે. બેંગલુરુ શહેરને દૈનિક જરૂરિયાત કરતાં 500 મિલિયન લિટર પાણીની ઘટ વર્તાઈ રહી છે આવું કર્ણાટકના મુખ્યમંત્રીનું કહેવું છે. ન માત્ર બેંગલુરુ જ પરંતુ ભારતના 150 જેટલા મુખ્ય જળાશયોમાં ઉનાળાની શરૂઆત પહેલાં જ તેની ક્ષમતા કરતા માત્ર 38% જેટલું પાણી છે. શહેરના લોકોની પાણીની જરૂરિયાતનું 70% પાણી કાવેરી નદીમાંથી આવે છે. નેતાઓએ આટલા વર્ષોમાં કાવેરી જળ વિવાદ ન ઉકેલ્યો જેના કારણે જો વરસાદ સારો ન થાય તો કાવેરીનું જળ સ્તર ઘટે અને સમસ્યા સર્જાવાની શરૂઆત થાય. કાવેરી જળ વિવાદ છેક અંગ્રેજોના વખતનો ચાલ્યો આવે છે. કાવેરી નદીનું મૂળ કર્ણાટકમાં છે પણ તેનો મેદાન પ્રદેશ તમિલનાડુમાં 12000 ચોરસ કિલોમીટર જેટલો વધારે છે. જેથી તમિલનાડુનો મોટો વિસ્તાર કાવેરી પર નભે છે. કાવેરીનું મૂળ કર્ણાટકમાં હોવાથી એ ઈચ્છે ત્યારે પાણી છોડી શકે અને ઈચ્છે ત્યારે રોકી શકે. અંગ્રેજોએ કાવેરી નદીના પાણીનો ઉપયોગ કરવા અંગે બંધની યોજના ઘડી ત્યારથી આ વિવાદ ચાલે છે. 1924માં 'ક્રિષ્ના રાજા સાગર ડેમ' બંધાયો પણ ડેમમાંથી કોને કેટલું પાણી મળવું જોઈએ એનો ઉકેલ આવ્યો જ નહીં. કમનસીબે બંને રાજ્યો વરસાદી પાણીના જળ સંચય માટે કશુંક નક્કર કરવાના બદલે કાવેરી મુદ્દે લડ્યા કરે છે.
શહેરમાં પરિસ્થિતિ એવી વણસી છે કે લોકોને ન્હાવા-ધોવા માટે તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં છે. લોકો ટોયલેટ માટે હવે મોલ્સ કે શોપિંગ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. આઈટી કંપનીઓ કુલ મળીને 73000 જેટલી છે જેનો લાખોનો સ્ટાફ પણ CM પાસે વર્ક ફ્રોમ હોમની ડિમાન્ડ કરી રહ્યો છે. જેથી બહારના રાજ્યોના લોકો ઘરે જતા રહે તો સમસ્યામાંથી થોડી રાહત મળે. આવું થવાનું કારણ એ કે ગત વર્ષે સામાન્ય કરતા ત્યાં 18% ઓછો વરસાદ પડ્યો. જે 2015 પછી નોંધાયેલ સૌથી ઓછો વરસાદ હતો. નિષ્ણાતોના મત અનુસાર કર્ણાટક માટે પાણીનો સૌથી મોટો સ્ત્રોત વરસાદ છે. જે અંડરગ્રાઉન્ડ પાણીના સંગ્રહને રિચાર્જ કરે છે. જોકે કર્ણાટક જ નહીં પરંતુ બીજા ઘણા રાજ્યો છે કે જ્યાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડ્યો હોય. જેમાં કેરળની વાત કરીએ તો ત્યાં 34% ઓછો વરસાદ નોંધાયો હતો. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં પણ 25% ઓછો વરસાદ નોંધાયો હતો. પણ કર્ણાટકની ભૂગોળ બીજા રાજ્યો કરતાં અલગ છે જેથી ત્યાંના સૌથી મોટા શહેરમાં પાણીની તંગી સર્જાયેલ છે. IIT ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ એન્ડ અર્થ સાયન્સના પ્રોફેસર વિમલ મિશ્રાના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં ભૂસ્તરીય પાણીના સંચયની પ્રણાલી ઉત્તરના રાજ્યો કરતાં અલગ છે. કેમ કે દક્ષિણના રાજ્યોની જમીન પથરીલી છે, જેથી લાંબા સમય સુધી પાણી સંગ્રહ નથી થઈ શકતું. અને થાય છે તો પણ ખૂબ જલ્દીથી ખાલી થઈ જાય છે.
એવું નથી કે આપણને આવનારી આફતનો અંદેશો ન હતો. નીતિ આયોગે તો છેક 2019 માં રિપોર્ટ દ્વારા ચેતવણી આપી હતી કે દેશ અત્યારે પાણીની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના 60 કરોડ લોકો અત્યારે પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જ્યારે લગભગ 2 લાખ જેટલા લોકો સ્વચ્છ પાણીના અભાવે દર વર્ષે મૃત્યુ પામે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે 2030 સુધીમાં પાણીની માંગ વધીને ડબલ થઈ જશે. હજુ એક મોકાણના સમાચારનો ઉલ્લેખ એ હતો કે 2030 સુધીમાં 40% જનસંખ્યા પાસે પાણીની કોઈ વ્યવસ્થા નહીં હોય. આપણે જોયું કે ચેન્નઈ પણ 2019માં ભીષણ જળસંકટમાંથી પસાર થઈ ચૂક્યું છે. ત્યાંની પરિસ્થિતિ તો એવી હતી કે ટ્રેન દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. દેશના છઠ્ઠા સૌથી મોટા શહેરને પાણી પૂરું પાડતા ત્યાંના ચાર જળાશયો એકદમ સુકાઈ ગયા હતા જેના સેટેલાઇટ ફોટો આપણે સૌએ જોયા જ છે. એવામાં વરસાદ મોડો પડતા જળસંકટ આવી પડ્યું.
ખેર, ગઈકાલે ચેન્નઈ હતું, આજે બેંગલુરુ છે. તો વળી આવતીકાલે હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ કે અન્ય કોઈપણ શહેર હોય શકે છે. નીતિ આયોગે તો તેના રિપોર્ટમાં દેશના 20 જેટલા શહેરોનો ઉલ્લેખ કરી ચેતવણી આપેલી. આવી પરિસ્થિતિ ફરીવાર સર્જાય એ પહેલાં સરકાર, શહેરો અને શહેરીઓ જાગે તો સારું... (સંદર્ભ સાભાર - UN, PIB, TOI, HT, ABP etc...)
Comments
Post a Comment