"રણમાં ખીલ્યું ગુલાબ"

જય સ્વામિનારાયણ 

"In the joy of others lies our own."

પળેપળ આ સૂત્રને ચરિતાર્થ કરનાર અને પળેપળ આ સૂત્ર અનુસાર જ જીવનાર એવા વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વિશે તો આપણે સૌ પરિચિત છીએ. 


એક એવું વિરલ અને વિરાટ વ્યક્તિત્વ કે જેમણે સમગ્ર જગતને 1100 થી વધુ મંદિરો અને 1000 કરતાં પણ વધુ "શિક્ષિત સંતોની" ભેટ આપીને સમગ્ર વિશ્વને સનાતન ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. પોતાના સમગ્ર જીવન દરમિયાન લગભગ 45 કરતાં વધુ દેશોમાં ફરીને 17,000 થી પણ વધુ શહેરો, ગામડાઓ તથા કસબાઓમાં વિચરણ કરી તે ભૂમિને પાવન કરી, 7,60,000 કરતાં પણ વધુ પત્રો લખીને લોકોના પ્રશ્નો ઉકેલ્યા - તેમની મૂંઝવણો દૂર કરી, 8,10,000 કરતાં પણ વધુ લોકોને વ્યક્તિગત મુલાકાતો દ્વારા આશીર્વાદ પાઠવ્યા. 


કોઈપણ કુદરતી આપદ્દાઓ વખતે જરૂરી રાહત સહાય ની વ્યવસ્થા કરીને સમાજ ની જરૂરિયાતોને દેશ કે વિદેશના કોઈપણ ખૂણે તરત જ જવાબ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા અજોડ છે. કોઈપણ વય, લિંગ, દરજ્જો, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના બધા સુધી તેઓ પહોંચ્યા છે. રાત્રે 2 વાગે પણ અધવચ્ચે ભર ઊંઘમાંથી જાગીને પણ પ્રાર્થના કરી છે. લાખો લોકોને વ્યસન મુક્ત કરીને સાચી અને સારી દિશામાં વાળ્યા છે. એટલે જ આટલો અપાર સ્નેહ તેમને ચારે બાજુથી મળી રહ્યો છે.


બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિચરણના નિત્ય ક્રમાનુસાર 5 એપ્રિલ 1997માં UAE ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સાથે વિચરણ કરી રહ્યા હતા. રેગિસ્તાનમાં ધોમધખતા તાપમાં તેમણે ભગવાનને વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે 4 મહાપ્રાર્થનાઓ કરી હતી. જેમાં સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય, બધા દેશો તેમજ બધા ધર્મોની વચ્ચે પરસ્પર પ્રેમભાવ વધે, વિશ્વના તમામ દેશો વચ્ચે પરસ્પર શત્રુતા પૂર્ણ થાય અને બધા વિકાસના માર્ગે ચાલે અને છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ યુએઇમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થાય. હ્રદયના ઊંડાણથી નીકળેલા આ શબ્દો સ્વામીશ્રીની પરોપકારિતા અને ની:સ્વાર્થ પ્રેમનું સાતત્ય રજૂ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના આ "બહુજન હિતાય" સંવાદિતા સંકલ્પને સાકાર કરવા છેલ્લા 25 વર્ષોમાં અલગ અલગ સંસ્કૃતિઓ તેમજ અલગ અલગ ધર્મોમાં આસ્થા રાખનાર લોકોએ એક થઈને અથાગ પુરુષાર્થ કર્યો. જેના ફળસ્વરૂપ BAPS Hindu Mandir, Abu Dhabi આવતીકાલ એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કરકમલો દ્વારા ઉદ્ઘા ઉદ્ઘાટિત થવા જઈ રહ્યું છે. 

આ સાથે હિન્દુ સનાતન ધર્મને ગૌરવાંતિત કરવાવાળા ભારતીય સંસ્કૃતિના વિશ્વજ્યોતિર્ધર સંત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પણ પરિપૂર્ણ થશે. 


એક એવું મંદિર કે જેના નિર્માણ માટે ખુદ મુસ્લિમ રાજા નામદાર શેખ ખલીફા બિનઝાયેદ અલ નાહ્યાન તથા ક્રાઉન પ્રિન્સ જમીન દાનમાં આપે, એક એવું મંદિર કે જ્યાં મુખ્ય આર્કિટેક્ટ ખ્રિસ્તી ધર્મનો હોય, એક એવું મંદિર કે જ્યાં ફાઉન્ડેશન ડિઝાઇનર બુદ્ધિસ્ટ હોય, એક એવું મંદિર કે જ્યાં પ્રોજેક્ટ ડિઝાઇનર શીખ હોય, એક એવું મંદિર કે જેનું નિર્માણ કરનારી કન્સ્ટ્રકશન કરનારી કંપની પારસી માલિકીની હોય, એક એવું મંદિર કે જેના પ્રોજેક્ટના ચેરમેન જૈન હોય અને એક એવું મંદિર કે જેના ચીફ કન્સલ્ટન્ટ એકપણ ધર્મમાં જ ન માનતા હોય. આ ભવ્ય મંદિરના નિર્માણ દરમિયાન સમગ્ર વિશ્વની આશરે 60,000 જેટલી નાનીમોટી હસ્તીઓએ ઈંટ મૂકી પોતાનું ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું છે. 


પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર એ પણ એક ઈસ્લામિક દેશમાં કે જ્યાં ચારેબાજુ રણ છે ત્યાં હિન્દુ આસ્થાના પ્રતીક સમાન તેમજ વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક એવું દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિર બનીને તૈયાર છે. આ મંદિર ન કેવળ પથ્થરોનું માળખું છે પરંતુ પ્રેમ, પુરષાર્થ અને પવિત્રતાનું પ્રતિક છે આ મંદિર. યુએઇના અબુ ધાબી ખાતે "અલ વાકબા" નામની જગ્યાએ બનેલું આ મંદિર વર્ષોના વર્ષો સુધી અડિખમ ઉભુ રહેશે. મંદિરમાં યુએઇના સાત અમીરાતોના પ્રતિનિધિત્વ કરનારા સાત શિખરો છે. મંદિરનું નિર્માણ 27 એકર જમીન પર કરાયું છે. મંદિર બનાવવા માટે રાજસ્થાનથી અબુધાબીમાં ગુલાબી પથ્થરો પહોંચાડાયા હતા. જેને યુએઇની ભીષણ ગરમી પણ કંઈ નહીં કરી શકે.


આ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. મંદિર નિર્માણ દરમિયાન 50,000 ઘન ફૂટ જેટલો સફેદ મારબલ મંદિરના અંદરના ભાગમાં વાપરવામાં આવ્યો છે. જ્યારે બહારના ભાગમાં 1.80 લાખ ઘન ફૂટ જેટલો ગુલાબી પથ્થર વાપરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરોની સાથે ઈટલીથી ખાસ સંગેમરમર લાવવામાં આવ્યા હતા. કાર્બન ફુટપ્રિન્ટને ઓછી કરવા માટે મંદિરના પાયામાં કોંક્રિટના મિશ્રણની સાથે ફ્લાઈ એશનો ઉપયોગ કરાયો છે. કુલ 27 એકરમાં ફેલાયેલું પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું મંદિર 32.92 મીટર ઉંચુ, 79.86 મીટર લાંબુ અને 54.86 મીટર પહોળું છે. આ મંદિર બનાવવા માટે 18 લાખ ઈંટનો ઉપયોગ કરાયો છે અને લોખંડ તો લેશમાત્ર પણ વપરાયું નથી સમગ્ર બાંધકામ દરમિયાન. 6.89 લાખ માનવ કલાકો દ્વારા તૈયાર થયેલ આ મંદિર 7.0 સુધીની તીવ્રતાનો ભૂકંપ ખમી શકશે. સમગ્ર મંદિરમાં અલગ અલગ 10 સ્તર પર આશરે 150 જેટલા સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. સાત શિખરોમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિ તેમજ ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી અને કાર્તિકેયજી આ ઉપરાંત ભગવાન રાધા-કૃષ્ણ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ભગવાન તિરુપતિ બાલાજી અને પદ્માવતીજી ની મૂર્તિનો સમાવેશ થાય છે. સમગ્ર મંદિરમાં વિવિધ સ્વરૂપોને સમર્પિત કોતરણી પણ કરવામાં આવી છે. જેમ કે શિવને સમર્પિત શિખરમાં શિવપુરાણ - 12 જ્યોતિર્લિંગ, ભગવાન રામના શિખરમાં રામાયણ કોતરવામાં આવી છે, ભગવાન જગન્નાથના શિખરમાં રથયાત્રા કોતરેલી છે, કૃષ્ણને સમર્પિત શિખરમાં ભાગવત - મહાભારત કોતરવામાં આવ્યા છે. મંદિરના પ્રવેશદ્વાર પર ઋષિઓ - આચાર્યોની આઠ મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરના મુખ્ય ગુંબજમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિની સાથે અરબી આર્કિટેક્ચરમાં ચંદ્રમાં પણ દર્શાવાયા છે, જેનું મુસ્લિમ ધર્મમાં ખૂબ મહત્વ છે જે આપણે સૌ જાણીએ છીએ. આ ઉપરાંત અન્ય પ્રાચીન સભ્યતાઓના વિવિધ મૂલ્યોની વાર્તાની કોતરણી પણ કરવામાં આવી છે. જેમાં મય, એઝટેક, ઇજીપ્શીયન, અરબી, યુરોપિયન, ચીની, આફ્રિકન વગેરે સભ્યતાઓનો સમાવેશ થાય છે. 


મંદિરની આસપાસ ભારતની પ્રવિત્ર નદીઓના જળનો પ્રવાહ પણ બનાવાયો છે જેમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો પ્રવાહ છે. એકબાજુ ગંગાના જળનો પ્રવાહ છે તો બીજી બાજુ યમુનાના જળનો પ્રવાહ છે. સરસ્વતી નદીના પ્રવાહને પ્રકાશના સ્વરૂપે દર્શાવાયો છે. જ્યાંથી ગંગા નદીનો પ્રવાહ પસાર થાય છે ત્યાં વારાણસી જેવો ઘાટ પણ બનાવાયો છે. .


આમ, આ મંદિર ખરા અર્થમાં વૈશ્વિક શાંતિ માટે તેમજ પારસ્પરિક સંવાદિતા કેળવાય તે માટે મુખ્ય માધ્યમ બની રહેવાનું છે. આ સાથે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પણ પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે પરિપૂર્ણ થશે.


જય સ્વામિનારાયણ 


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?