વસંતના વૈભવ પછી ગ્રીષ્મના ભર મધ્યાહને તપતા સૂરજની કાળઝાળ ગરમી વચ્ચે મતદાનનું પર્વ ચાલી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ એવા ભારતમાં સાત તબક્કામાં જે લોકસભા 2024 ની ચુંટણી યોજાઈ રહી છે તે વિશ્વની સૌથી મોટી ચુંટણી છે. કારણ કે આખા ભારતમાંથી કુલ મતદારો આશરે 97 કરોડ જેટલા છે. યુરોપના કેટલાય દેશોની વસ્તી ભેગી કરીએ ત્યારે આટલો મોટો આંકડો થાય. આટલા મોટા દેશમાં ત્રીજા સૌથી મોટા બંધારણીય પદ માટે ચૂંટણી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કેટકેટલીય બંધારણીય પ્રક્રિયાઓમાંથી પસાર થઈએ ત્યારે દેશને એક વડાપ્રધાન પ્રાપ્ત થાય છે.
જે રીતે બ્લડ ડોનેશન કરવાથી આપણા દ્વારા કોઈને જીવનદાન પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આપણા એક વોટ માત્રથી આખા દેશને જીવનદાન પ્રાપ્ત થાય છે. ઘણી વખત લોકો એમ સમજતા હોય છે કે આપણા એક વોટથી ક્યાં કશો ફેર પડવાનો છે? હું એક વોટ નહીં આપું તો શું થઈ જશે? આટલા વર્ષોમાં નથી થયું તો હવે શું થવાનું વગેરે વગેરે... આવા લોકો જ ચૂંટણી પછી પાનના ગલ્લે ઊભા ઊભા સરકારે કેવી રીતે દેશને ચલાવવો અને સરકારની નીતિઓ સુધારવાની મોટી મોટી ડંફાસો હાંકતા હોય છે. જ્યારે આપણી પાસે મોકો હોય ત્યારે જ આપણે આપણી ફરજ નિભાવી દેવી જોઈએ. સોશિયલ મીડિયામાં આપણાં પ્રતિભાવો મૂકવા અથવા તો કોઈપણ જાતની ગતાગમ વગર વિરોધ કરવો સહેલો હોય છે પરંતુ સાચા અને સારા વિકાસ માટે બહાર આવી મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ. અહીં ખાસ એ નોંધવાનું થાય કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતો "NOTA" નો વિકલ્પ એ આપણો વિકલ્પ ન બનવો જોઈએ. દર પાંચ વર્ષે યોજાતી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં આટલા વર્ષો પછી પણ જો આપણે એક ઉમેદવારને સિલેક્ટ ન કરી શકીએ, તેણે કરેલ કામોના લેખાજોખા ન કરી શકીએ તો પછી એ વાંક કોઈ સરકાર કે સિસ્ટમનો નહીં પરંતુ આપણો પોતાનો છે. ચુંટણીમાં ઉભેલા ઉમેદવારોમાંથી જ યોગ્ય વ્યક્તિને પસંદ કરવો એ આપણી નૈતિક ફરજ છે. ત્યાં "NOTA" દબાવવાથી આપણાથી એ ફરજ ચૂક થઈ રહી છે. વોટ આપીને પણ એ ન આપવા બરાબર જ છે.
બીજા તબક્કામાં થયેલ મતદાનની વાત કરીએ તો જાણવા મળશે કે છેલ્લા દસકામાં સૌથી ઓછું થયેલું મતદાન એ બીજા તબક્કાનું હતું. 'ધ તત્વ' ના ડેટા પ્રમાણે જોઈએ તો દર 10 માંથી 6 લોકો જ મતદાન કરી રહ્યા છે. કુલ 543 સીટોમાંથી 190 જેટલી સીટો પર 2019માં 70% જેટલું મતદાન થયેલું અને 2014 માં 67% જેટલું મતદાન થયેલું. જેના કરતા આ વખતે લગભગ 61% જેટલું સાવ ઓછું મતદાન થયેલું છે. આ 61% પણ એટલા માટે કે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં 80% જેટલું મતદાન ત્યાંના લોકોએ કરેલું. એટલે આ ટકાવારી 61 ટકુડીએ પહોંચી. જ્યારે મહારાષ્ટ્ર જેવા વસ્તી ધરાવતા રાજ્યોની વાત કરીએ તો ત્યાં માત્ર 47% જેટલું જ મામૂલી મતદાન થયેલ છે. જેટલી ચિલ્લમ ચિલ્લી સોશિયલ મીડિયા પર નેતાઓને ગાળો આપવામાં તેમજ ન્યુઝ ચેનલો પર ડીબેટોમાં એકબીજાની ઠેકડી ઉતારવા પર થાય છે એટલા "પાવરથી" વોટિંગ પણ નથી થતું. સુવિધાઓ બધી પશ્ચિમી રાષ્ટ્રો જેવી જોશે પણ પોતે એક ફરજ પણ પૂરી નિષ્ઠાથી નહીં નિભાવી શકે એવા લોકોનો રાફડો ફાટયો છે અહીં ભારતમાં. ગમે તેટલા સેમિનારો કરીએ, ગમે તેટલી મતદાન જાગૃતિની રેલીઓ કાઢીએ, અરે સ્કૂલ - કોલેજોમાં જઈ જઈને ઝુંબેશ ચલાવીએ છતાં મતદાન વધવાના બદલે વખતો વખત ઘટતું જાય આ તે વળી કેવી ઉપાધિ? મતદાન માટે સરકાર જાહેર રજા જાહેર કરે તો એમાં પણ ફરવાના પ્લાન કરવાના? લોકોની બેદરકારી, આળસ કે જે કહીએ તે એ બધું ક્યાંકને ક્યાંક લોકશાહીને ખતરામાં મુકી રહી છે.
બદલાતા જતાં વૈશ્વિક રાજકારણને ધ્યાનમાં લેતા દેશને સમગ્ર વિશ્વની અગ્રીમ હરોળમાં ઊભો રાખવા માટે આપણે સૌપ્રથમ તો દેશસેવાના ભાગરૂપે આપણા વિસ્તારમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી તેને દેશની સંસદમાં મોકલવો જોઈએ. પરંતુ આપણો દેશ આજની તારીખે પણ જ્ઞાતિવાદ કે સગાવાદમાંથી બહાર આવ્યો નથી અને કમઠાણ અહીંથી જ ચાલુ થાય છે. યોગ્ય ઉમેદવાર કહેવો કોને? આપણી જ્ઞાતિનો હોય તેને કે જેણે પોતાના સંસદીય વિસ્તાર માટે વિકાસલક્ષી કાર્યો કર્યા હોય. સુશિક્ષિત હોવા છતાં અલ્પ શિક્ષિત કે અભણની જેમ વર્તન કરી આપણે કોને જોઈને વોટ આપીએ છીએ? આપણી જ્ઞાતિનો છે કે નહીં. કેટલાક ઉમેદવારો પણ એવા હોય છે કે પોતાના પર ડઝનબંધ ક્રિમીનલ કેસો ચાલતા હોય અને પોતે પાછા સંસદમાં બેસીને અપરાધ નિયંત્રણના કાયદાઓ બનાવે. ખરી લોકશાહી તો અહીં જ જોવા મળે છે, હીહીહી... આવી પરિસ્થિતિમાં અંતે જનતાએ જ યોગ્ય નિર્ણય કરવાનો રહે છે.
રાજનૈતિક પાર્ટીઓનો પણ આમાં એટલો જ ફાળો છે. આખા શહેરમાંથી એક યોગ્ય ઉમેદવારને શોધી શકતી નથી. દર વખતે લોકસભા કે વિધાનસભાની ચુંટણીઓમાં લગભગ તમામ રાજનૈતિક પક્ષો દ્વારા અપરાધીઓને ટિકિટ આપવાનો સિલસિલો યથાવત જ રહે છે. હમણાંના જ એડીઆરના અહેવાલ પ્રમાણે જોઈએ તો ચોથા તબક્કામાં અનેક ઉમેદવારો એવા છે જેની સામે હત્યા, અપહરણ સહિતના ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા હોય. કુલ 1710 માંથી 360 એટલે કે 21% ઉમેદવારો એવા છે કે જેની સામે ક્રિમીનલ કેસો છે. 50 ની સામે મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ નોંધાયા છે. 644 ઉમેદવારોની સરેરાશ શૈક્ષણિક લાયકાત પણ માત્ર ધોરણ 5 થી ધોરણ 12 સુધીની માંડ છે. 26 તો એવા છે કે જેણે સ્કુલનું બ્લેકબોર્ડ સુદ્ધાં દીઠું નથી ક્યારેય. આ બધા ભેગા મળી પોતાનો ઉદ્ધાર ન કરી શક્યા એ આપણો અને આખા દેશનો ઉદ્ધાર શું કરી શકવાના? જેને સાક્ષર જ્ઞાન જ નથી એ લોકો શું બિલ બનાવવાના અને મુખ્ય તો ક્યા વિષય પર બિલ બનાવીને પાસ કરવાના? કોઈપણ બિલની ચર્ચા માટે મુદ્દો તો જોઈએ જ. અને જો મુદ્દો મળી પણ જાય તો જેતે વિષયક પર્યાપ્ત માહિતીની આવશ્યકતા રહે. હવે તો એ જ ખબર ન રહે કે ક્યા વિષય પર અને શું ચર્ચા કરવાની છે તો પછી એમાં દેશ કઈ રીતે ચાલી શકે?
આવા ઉમેદવારો આપણા આદર્શ ઉમેદવારો કેવી રીતે હોય શકે? આવા તો કેટલાય પ્રશ્નો ઉઠે. આ રીતે ઉમેદવારની પસંદગી કરવાનો વિકલ્પ બંધ થયો એટલે આપણે જ્ઞાતિ - જાતિ તરફ વળ્યા. બધા માત્ર પોતપોતાના સમાજના કે પોતપોતાની જ્ઞાતિના સમીકરણો બેસાડવા લાગશે તો આખા દેશનું કોણ વિચારશે અને આખા દેશનું શું થશે? સારા ઉમેદવારોની અત્યારના રાજકારણમાં ખૂબ જ જરૂર છે. લોકશાહી માટે મતદાનની જેટલી આવશ્યકતા છે તેટલી જ આવશ્યકતા યોગ્ય ઉમેદવારની દેશની સંસદમાં હાજરીની છે. એ માટે આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે અને એ માટેનો સુવર્ણ અવસર એટલે ચુંટણી. ભરપૂર માત્રામાં મતદાન કરીએ અને કરાવીએ. યોગ્ય ઉમેદવારને પસંદ કરી લોકશાહીના આ પાવન પર્વમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે સહભાગી થઈને 2047 સુધીમાં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યાં સુધીમાં "વિકસિત ભારત" માટેનો પાયો નાંખીએ...
Comments
Post a Comment