એકદમ ખરાબ વાતાવરણની વચ્ચે થયેલા એક હેલિકોપ્ટર અકસ્માતમાં ઈરાનના આઠમા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમીર અબ્દુલ્લાહિયનની સાથે સાથે તેમના બોડીગાર્ડ તેમજ સુરક્ષા અધિકારીઓ, પાયલોટ અને કો-પાયલોટનો પણ ભોગ લેવાયો છે. આ દુર્ઘટના એવા સમયે થઈ છે જ્યારે ઈરાન તેમજ ઈઝરાયેલ વચ્ચે સંબંધો એકદમ તણાવભર્યા છે. બંને દેશોએ એકબીજા પર હુમલાઓ પણ કર્યા છે. ઉપરાંત અમેરિકા સાથે પણ ઈરાનને સારાસારી ન હોવાથી તેણે પણ કેટકેટલાય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા છે. ત્યારે આ ઘટનાએ અનેક તર્કવિતર્કો અને ભેદભરમ સર્જ્યા છે. ઈરાન તો અત્યારે આખું સદમામાં છે કે આવી કરૂણાંતિકા સર્જાઈ કઈ રીતે? સાથે સાથે આખી દુનિયામાં પણ એક જ પ્રશ્ન ચર્ચાય છે કે આ ખરેખર કોઈ કરુણાંત હતો કે કાવતરું હતું?
થોડા અઠવાડિયા પહેલાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન (અત: થી ઇતિ) નામના બે લેખની સિરીઝ લખેલી એમાં જ ઈરાન અને ઈઝરાયેલના સંબંધોનો અડછતે ચિતાર આપી દીધેલો. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલતા યુદ્ધમાં હમાસ નામના આતંકવાદી સંગઠનને હથિયારો તેમજ પુષ્કળ પૈસા દ્વારા ઉભું કરવામાં ઈરાનનો મહત્વનો ફાળો છે. ઈરાન લેબનોનના હિઝબુલ્લાહ, યમનના હુથીઓની મદદથી ઇઝરાયેલ સાથે પ્રોક્સી વોર લડી રહ્યું છે. આ બધાની વચ્ચે ગત એપ્રિલમાં ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ શહેરમાં આવેલ ઈરાનના દૂતાવાસ પર અચાનક જ હુમલો કરતા ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડરનું મૃત્યુ થયેલું. (અગાઉ પણ ઈઝરાયેલે એકદમ ગુપ્ત ઓપરેશન કરીને ઈરાનના સૈન્ય વડા કાસિમ સુલેમાનીને તેમની કાર પર ડ્રોન હુમલા વડે ખતમ કરી નાખ્યા હતા.) જેના લીધે ઈરાન સમસમી ઉઠ્યું અને થોડા સમય બાદ ઈઝરાયેલ પર એકસામટા 300 રોકેટો વડે સીધો હુમલો કરી દીધો. પણ સામે ઈઝરાયેલની ધીમી પ્રતિક્રિયાએ બીજા એક યુદ્ધને જન્મ આપતા રોક્યું. અહીંથી જ પ્રશ્ન ઊભો થાય કે ઈઝરાયેલ કેમ ચૂપ બેસી રહ્યું? (કારણ એ પણ હોય શકે કે ઈઝરાયેલ માટે એક સાથે ઉત્તર અને દક્ષિણ એમ બે ફ્રન્ટ પર લડાઈ લડવી મુશ્કેલ જણાય.)
પેલેસ્ટાઇનના હમાસ દ્વારા હુમલો થતાં તેનો એક ઝાટકે સફાયો થઈ જાય એ રીતે ઈઝરાયેલ તેના પર તૂટી પડ્યું. જ્યારે ઈરાનના હુમલાનો પ્રતિકાર તેણે નહીંવત્ એવા હુમલા સાથે કર્યો. શું ખરેખર તે કોઈ મોટા ઓપરેશન માટેનો પ્લાન કરતું હતું? શું ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી ખુદ ઈઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદના ટાર્ગેટ પર હતા? કારણ કે ઈરાને પ્રોક્સી વોર દ્વારા ઈઝરાયેલના નાક પર દમ લાવી દીધો હતો અને ઈરાનનો (અથવા તો મિડલ ઇસ્ટના કોઈપણ દેશનો) ન્યુક્લિયર પ્રોગ્રામ પણ ઈઝરાયેલ માટે એકદમ ચિંતાનો વિષય હતો. જ્યારે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા હતા એ વખતે ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ સેબોટાજ કર્યો હતો અને ઈરાનના ટોચના ન્યુક્લિયર વૈજ્ઞાનિક મોહસીન ફખરીજાદેહને ખતમ કરી નાખ્યા હતા. આવી બધી પરિસ્થિતિ અને કારણો પ્રેસિડેન્ટ રઈસીના હેલિકોપ્ટર ક્રેશ પર ઘણા બધા સવાલ ઉઠાવે છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ છે ત્યારે જ હેલિકોપ્ટર ક્રેશ થતાં શંકાની સોય ઈઝરાયેલ તરફ છે. ઈઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ કોઈને પણ ગંધ ન આવે તેવી રીતે આવા ગુપ્ત ઓપરેશનો પાર પાડવા માટે જાણીતી છે તેથી આ વાતમાં શંકા થવી સ્વાભાવિક છે. એક થિયરી પ્રમાણે જો ઈઝરાયેલ કોઈ head of state એટલે કે કોઈ રાષ્ટ્રાધ્યક્ષને નિશાન બનાવી તેની હત્યાનું કાવતરું કરે તો તે સીધું act of war તરીકે ઓળખાય છે. જે તે દેશ (અહીં ઈરાન) સીધો ઇઝરાયેલ સાથે યુદ્ધમાં ઝંપલાવી શકે છે. આમ પણ ઈઝરાયેલને અત્યારે એક કરતા વધુ યુદ્ધ પરવડી શકે તેમ નથી. અને ઈઝરાયેલનો ઈતિહાસ જોઈએ તો તેની જાસૂસી સંસ્થા "મોસાદ" યા તો "શીન બેત" એ આજ સુધી કોઈપણ head of state ને નિશાન બનાવ્યા નથી (The Economist નામના સમાચાર માધ્યમના રિપોર્ટમાં પણ આ વાતની નોંધ છે). એટલે આ રીતે જોઈએ તો ઈરાનીયન પ્રેસિડેન્ટની હત્યામાં ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો હાથ હોય તેવું લાગતું નથી. પણ કારણો એકદમ પ્રબળ હતા એ પણ ભૂલવા જેવું તો નથી જ.
બીજી એક થિયરી પ્રમાણે ઈરાનના સર્વોચ્ચ વડા આયાતોલ્લાહ ખોમૈનીએ 1988 માં રાજકીય વિરોધીઓને ખતમ કરવા એક કમિટી બનાવી હતી તેમાં પ્રેસિડેન્ટ રઈસી પણ હતા. 1988 માં સતત પાંચ મહિનાઓ સુધી ચાલેલા આ કત્લેઆમમાં ખોમૈનીના ઈશારે આ કમિટીએ ઈરાનના 32 શહેરોમાંથી કુલ એક લાખ જેટલા વિરોધી રાજકીય નેતાઓ-કાર્યકરોને મારી નાંખેલા (સંદર્ભ: ન્યુઝ ફોક્સ). આ ઘટના બાદ રઈસી ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમૈનીના ખૂબ નજદીકી ગણાવા લાગ્યા અને ખોમૈની બાદ પોતે ઈરાનના સર્વોચ્ચ વડા બને એવું સ્વપ્ન સેવતા હતા. જેના ભાગરૂપે 2017 માં ઈરાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હસન રૂહાની સામે રઈસી ચૂંટણી લડેલા અને 1988 ના હત્યાકાંડને પોતાની "ઈસ્લામની સેવા" ના નામે ખપાવીને પ્રચાર દ્વારા જીતેલા પણ ખરા. જેથી આ બધા કારણોના લીધે વિરોધીઓ પણ તખ્તા પલટ માટે ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. વિરોધીઓમાંના જ કોઈએ એરપોર્ટ પરના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે મળીને હેલિકોપ્ટરમાં ટેકઓફ પહેલાં ગરબડ સર્જી હોય એ શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
અહીં CIA (અમેરિકાની કુખ્યાત જાસૂસી સંસ્થા) પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સામેલ હોય શકે છે. કેમ કે પોતાની દુકાન ચલાવવા માટે અમેરીકા દુનિયાના કોઈપણ ખૂણે આંગળી કરવા માટે ટેવાયેલ છે. કોઈપણ બે દેશોને ઝઘડતા રાખીને પોતે પોતાના હથિયારો બેરોકટોક વેચીને પુષ્કળ કમાણી કરે છે. જેમ કે યુક્રેન - રશિયા, ગત વર્ષે આર્મેનિયા - અઝરબૈજાન, કોરિયન ટેરીટરી વગેરે. આ તેની ગ્લોબલ પોલિસી છે. CIA ક્યારેય આ વાત જાહેરમાં સ્વીકારવાનું નથી કેમ કે તે હંમેશા પાછલા બારણેથી બંધમાં જ રમે છે. પરંતુ અહીં જો ઈરાનની વાત કરવામાં આવે તો અમેરિકા ખુદ ઘણા સમયથી ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામથી ચિંતિત હતું. કેટકેટલાય આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હોવા છતાં ઈરાન તેનો ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલુ રાખવા મક્કમ હતું. આ બધાની વચ્ચે જો ઇઝરાયેલ આ સમગ્ર ઓપરેશન પાર પાડે તો દુનિયા અમેરિકાને કંઈ જ પૂછવાની નથી. જેથી બગાસું ખાતા પતાસું ખાવાનો મોકો તેને દેખાણો. ઈઝરાયેલ રઈસીનું ઢીમ ઢાળી દે તો અમેરિકાને પણ હાશકારો થાય. જેથી તેને મોસાદ સાથે બંધ બારણે હાથ મીલાવ્યા હોય એવું બનવાની પૂરી શક્યતા છે. અને આમ પણ પેલેસ્ટાઇન સાથે યુદ્ધના સમયે ખુદ ઈઝરાયેલ પણ અમેરિકા પાસેથી સહાય મેળવે છે. આમ તો મોસાદ એકલા હાથે જ મિશન પાર પાડવા પંકાયેલી છે પણ અહીં અમેરિકાને વિશ્વાસમાં લેવું પણ એટલું જ જરૂરી બની જતું હોવાથી આ સમગ્ર કાવતરામાં બંનેની મીલીભગત હોવાની પણ અનેકગણી શક્યતાઓ છે.
હકીકત જે હોય તે પણ અત્યારે તો રઈસીના મોતથી એકદમ સોપો પડી ગયો છે અને મોસાદે જ રઈસીને પતાવી દીધા હોવાની હવા ફેલાતાં જ ઈઝરાયેલના દુશ્મન દેશો પણ ફફડાટ અનુભવી રહ્યા છે. મોસાદ આવા મિશન પાર પાડવા માટે જાણીતી હોવાથી તેની સંડોવણીની શક્યતા બિલકુલ નકારી શકાય તેમ નથી.
Comments
Post a Comment