'Make in India' પછી 'Wed in India'

 સપ્ટેમ્બર 2014 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'Make in India' નામનું સૂત્ર આપીને દેશ આખામાં ભારતમાં બનેલી ચીજ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખતી લહર ફેલાવી હતી. આપણે સૌએ પણ એમની આ વાતને માન આપીને અથવા તો દેશભક્તિ ગણીને સહર્ષ વધાવી હતી. જેના કારણે બીજા દેશોમાં જે તે વસ્તુઓનું ઉત્પાદન કરતી દુકાનોના પાટીયા સંકેલાઈ ગયા હતા. નરેન્દ્રભાઈના આ માસ્ટર સ્ટ્રોકના લીધે ભારતના અર્થતંત્રને પણ ખાસ્સો એવો બૂસ્ટર ડોઝ મળ્યો. 

ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થોડા સમય પછી આવો જ બીજો એક વિઝનરી માસ્ટર સ્ટ્રોક આપ્યો. દક્ષિણ હિંદ મહાસાગરમાં આવેલા આપણાં જ દ્વિપસમુહ એવા લક્ષદ્વીપ ખાતે કોઈ નયનરમ્ય બીચ પર મોદીજીએ પોતાના લટાર મારતા તેમજ ત્યાંના રમણીય સ્થળોના ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર શેર કર્યા અને આપણાં જ દેશના પ્રવાસન સ્થળો (જેમ કે લક્ષદ્વીપ ટાપુઓ) પર પ્રવાસ કરવાની ભલામણ કરી. વડાપ્રધાનની આ અપીલનું એવું તો રીએકશન આવ્યું કે બાજુમાં આવેલો એક પાડોશી દેશ આખો ડૂબી ગયો, ખીખીખી. જોકે એમાં કેટલાક રાજનીતિક કારણો પણ હતા. જે આપણે સૌ જાણીએ છીએ. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રીની આ અપીલ તેમની તારાજીનું કારણ બની. સેલિબ્રિટીઝથી લઈને પ્રવાસન કંપનીઓ પણ ત્યાંનું બુકિંગ રદ કરીને ભારતના લક્ષદ્વીપ ખાતેનું બુકિંગ શરૂ કરવા લાગી. ઘણી મોટી મોટી હસ્તીઓ લક્ષદ્વીપની મુલાકાત લઈને ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરવા લાગ્યા. જેના કારણે આમ જનતાની પણ લક્ષદ્વીપ મુલાકાતની રુચિ વધવા લાગી. આ મુહિમ બાદ કેન્દ્ર સરકારે પણ લક્ષદ્વીપના વિકાસ માટેની તરોતાજા યોજના જાહેર કરી. 

એક પછી એક માસ્ટર સ્ટ્રોક માટે જાણીતા પ્રધાનમંત્રીએ ગત નવેમ્બરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના એક મહત્વના પ્રોજેક્ટ એવા કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત જનસભાને ઓનલાઈન સંબોધતા કહ્યું કે જે રીતે આપણે સૌએ 'Make in India' ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું તેમ હવે 'Wed in India' ના સૂત્રને કેમ ન અપનાવી શકીએ. એમના શબ્દશઃ અંશો, "You'd create an environment that this disease of getting married abroad does not enter your community. Why shouldn't the marriage take place at the feet of Ma Khodal (Goddess revered by the community). I'd say 'Wed In India', like Made in India, Marry in India, he said." એમણે આ સૂત્ર ખરેખર એવા સમયે આપ્યું છે જ્યારે દેશના ઘણા મોટા ગજાના શ્રીમંતો પોતાના સંતાનોના લગ્ન પ્રસંગ વિદેશમાં યોજવા તત્પર હોય છે. આપણે જોઈ શકીએ કે નરેન્દ્રભાઈની આ એક અપીલમાં અત્યારના સમાજની વાસ્તવિકતાની સાથે સાથે દુરંદેશીપણું પણ છે. કેમ કે અત્યારે દેખાદેખી અને હુંસાતુંસીમાં હું બીજા કરતા આગળ છું અને હું બીજા કરતા શ્રેષ્ઠ છું એવો પોતાનો અહમ સંતોષવા અને સમાજની આવી વાહિયાત વાસ્તવિકતાની વચ્ચે લોકો બેંક લોન લઈને પણ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. લાખો કરોડોના પેકેજ સાથે લોકો વિદેશમાં જઈને ભપકાદાર લગ્ન સમારંભો યોજે છે. જેમાં ઈટલી, દુબઈ, થાઇલેન્ડ વગેરે જેવા સ્થળો તો હોટ ફેવરિટ છે. 

ગૂગલ પર ઓનલાઈન સર્ચ કરતા માલુમ પડે કે અગણિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ નરેન્દ્રભાઈના આ સૂત્ર પછી કેટકેટલાય ડેસ્ટિનેશન વેડિંગના એડવાન્સ બુકિંગ રદ કરવા પડ્યા છે. શ્રીમંત લોકો ભારતમાં જ ડેસ્ટીનેશન વેડિંગનો પ્લાન કરે છે. જેમાં રાજસ્થાનમાં જયપુર તેમજ ઉદયપુરના કેટલાક પેલેસ તેમના રજવાડી ઠાઠ માટે અને ગોવાના કેટલાક સ્થળો તેના રમણીય દ્રશ્યોના કારણે હોટ ફેવરિટ છે. કેટલાક શ્રીમંતો તો પહેલાની જેમ રાજા મહારાજાના મહેલોમાં ઠાઠમાઠથી પોતપોતાના લગ્ન સમારંભોનું આયોજન કરી રહ્યા છે. આવું કરવાથી મુખ્યત્વે બે પ્રકારના ફાયદાઓ થાય છે. એક તો સામાજિક અને બીજો આર્થિક. 

સામાજિક ફાયદો એટલે કે જ્યારે એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં પોતાના લગ્ન સમારંભ માટે જાય ત્યારે ત્યાંના રીત-રિવાજો મુજબ, ત્યાંની વિધિ પ્રમાણે તેઓ પરણવાનો આગ્રહ રાખતા હોય છે. જેના કારણે જે તે રાજ્યની જે પ્રણાલી હોય છે તેનાથી એકબીજા અવગત થાય છે. પરસ્પર સંસ્કૃતિ ભિન્ન હોવાની, જેથી એકબીજા સુપેરે પરિચિત થાય છે. પરીણામે ભારતની પ્રાચીનતમ અને સમૃદ્ધ એવી પરંપરાઓ નવી પેઢીમાં પણ જળવાઈ રહે છે. બીજું મહેમાનો આસપાસના પ્રખ્યાત સ્થળોની મુલાકાત પણ ગોઠવે છે જેથી ડેસ્ટીનેશન વેડિંગના નામે પ્રવાસ પણ થઈ જાય છે. જેથી ત્યાંની લોકલ ઈકોનોમીને પણ ખાસ્સો એવો ટેકો મળે છે. એક સાથે બે કામ થઈ રહે, લગ્નના લગ્ન અને પ્રવાસનો પ્રવાસ. બંને એકસાથે એક જ બજેટમાં ગોઠવાઈ જાય છે. 

આર્થિક ફાયદો એટલે કે જ્યારે શ્રીમંત લોકો ભારતમાં જ ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરે તો દેશના પૈસા દેશમાં જ રહે છે. એક અંદાજ પ્રમાણે શ્રીમંતો દર વર્ષે આશરે 75 હજાર કરોડથી લઈને 1 લાખ કરોડ જેટલી માતબર રકમ ડેસ્ટીનેશન વેડિંગ પાછળ ખર્ચે છે. હવે જો ભારતમાં જ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવે છે આટલી મોટી રકમ દેશમાં જ રહે અને બહાર જતાં અટકે. આ ઉપરાંત આટલા મોટા અને ભવ્ય આયોજનો પાછળ અલગ અલગ ઘણા બધા વિભાગોને પણ થોડી ઘણી કમાણી થઈ રહે છે. ડેકોરેશન, લાઇટિંગ, મંડપ, કેટરિંગ સર્વિસ, વિડિયોગ્રાફી - ફોટોગ્રાફી, સાઉન્ડ સિસ્ટમ વગેરે જેવા તમામ વિભાગોમાં કામ કરતા હજારો લોકોને રોજગારી પણ મળી રહે છે અને તે બધાના હાથમાં પૈસો પણ ફરતો રહે છે. ગત વર્ષે આપણે સૌએ સમાચાર માધ્યમોમાં જોયું તેમ ભારતમાં આશરે 35 લાખ જેટલા લગ્નો હતાં. અને ભારતમાં આખા વર્ષ દરમિયાન લગ્નની સીઝન દરમિયાન થતાં કુલ બિઝનેસને આંકડાકીય સ્વરૂપે જોઈએ તો લગભગ સાડા ચાર થી પાંચ લાખ કરોડનો બિઝનેસ લગ્ન સમારંભોના આયોજનો પાછળ થાય છે. જેમાંથી અગાઉ ઉલ્લેખ કર્યો તેમ એકાદ લાખ કરોડ રૂપિયા વિદેશમાં જતા રહે છે. હવે આ પૈસાને ભારતમાં જ રોકવા અને બહાર જતા અટકાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કંઈ જ કર્યા વગર એક જ ઝાટકે આટલા મોટા બિઝનેસને ભારતમાં જ રાખવા માટે અપીલ કરી. 

આમાંનો એકપણ પરિવાર મોદીજીને કવર નથી મોકલવાનો કે નથી મોદીજી એમને ચાંદલો લખાવવાના. છતાં દેશના પૈસા તેમજ દેશની સમૃદ્ધિ (વેલ્થ) ભારતમાં જ રહે એ બાબતે તેઓ ચિંતિત છે જેના કારણે તેઓએ અપીલ કરવી પડી. છતાં કેટલાકને એમના નિર્ણયો આંખમાં કણાની જેમ ખૂંચતા હોય છે. ખેર, જે હોય તે.. પણ દેશની આટલી મોટી વેલ્થ દેશમાં જ રહે એ માટે એમણે કરેલી આ અપીલ દેશ તેમજ આપણા સૌ માટે આવકારવા લાયક છે.

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?