હેં..! દિવસ 24 કલાકનો કે 25 કલાકનો?

માનો કે કોઈ તમને એમ કહે છે કે હવેથી દિવસ 24 ના બદલે 25 કલાકનો રહેશે. હવે જરાક વિચારો કે કોઈ આવા વરસાદી વાતાવરણમાં આવી વાત આપણને કરે તો આપણને એમ જ લાગેને કે આનું ભેજું હવાઈ ગયું છે, હીહીહી! પણ આ વાત સાચી થવા જઈ રહી છે. હા, બરાબર વાંચ્યું. આવનારા સમયમાં આપણી ધરા (પૃથ્વી) પરનો દિવસ 24 કલાકના બદલે 25 કલાકનો થઈ જશે. કેમ વળી આવુ? વાંચો આગળ...

પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર (ચાંદામામા) એ કેટલીય સદીઓથી (એક થિયરી પ્રમાણે પૃથ્વીના સર્જન બાદ કોઈ લઘુગ્રહની પૃથ્વી સાથે જોરદાર ટક્કર થતાં પૃથ્વીનો એક ભાગ પૃથ્વીથી અલગ પડી દૂર જતો રહેલો. જે આજે ચંદ્ર તરીકે ઓળખાય છે.) પૃથ્વીની સાથે છે અને પૃથ્વીના ધરીભ્રમણ તેમજ અમુક અંશે આબોહવા માટે પણ મહત્ત્વનો ફાળો ભજવે છે. તાજેતરના એક રીસર્ચ પ્રમાણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. વર્ષ 2022 માં ખાગોળવિદોએ અનુમાન લગાવ્યું હતું કે લગભગ 2.5 અરબ વર્ષો પહેલાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આજે જે અંતર છે તેનાથી 60-62 હજાર કિલોમીટર જેટલું ઓછું હતું. ચંદ્રના પૃથ્વીથી દૂર જવાની અસર આપણી પૃથ્વી પર પણ પડી રહી છે. આ અસર પૃથ્વીની પોતાની ધરિભ્રમણ (rotational speed) પર પડે છે. આ દૂરી વધવાના કારણે આપણી પૃથ્વી પરનો દિવસ 25 કલાકનો બની રહેવાનો છે. 


સંશોધન પરથી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે 1.4 અરબ વર્ષ પહેલાં પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરવામાં 18 કલાક લાગતા હતા. મતલબ કે ત્યારે દિવસ માત્ર 18 કલાકનો જ હતો. 18 કલાકમાં જ દિવસ અને રાત થઈ જતાં હતા. ચંદ્રનું પૃથ્વીથી દૂર જવાના કારણે પૃથ્વીની પોતાની ધરી પર ઘુમવાની ગતિ સતત ધીમી પડી રહી છે. અમેરિકાની University of Wisconsin-Madison ના જીઓ-સાયન્સ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિક પ્રોફેસર સ્ટીફન મેયરના રીસર્ચ પ્રમાણે આ વાત સામે આવી છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું હાલનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે. ચંદ્રને પૃથ્વીની ચારે બાજુ એક આખુ ચક્કર પૂરું કરવામાં 27.3 દિવસ લાગે છે. હાલના રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્ર દર વર્ષે 3.82 સેન્ટીમીટરની ઝડપે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. જેનાથી આશરે 20 કરોડ વર્ષો પછી પૃથ્વી પરનો દિવસ 25 કલાકનો બની રહેશે. હાશશશ..! હમણાં કંઈ નથી થવાનું. 


બીજા એક સંશોધન અનુસાર વૈજ્ઞાનિકો એવું પણ જણાવે છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આજે જે અંતર છે એ અંતર 2.5 અરબ વર્ષ પહેલાં 3 લાખ 21 હજાર 800 કિલોમીટર જેટલું હતું અને દિવસની લંબાઈ 24 કલાકના બદલે 16.9 કલાક જેટલી હતી. વૈજ્ઞાનિકોના મત અનુસાર ત્યારે ચંદ્ર પૃથ્વીથી નજીક હતો અને અત્યારે પૃથ્વીથી દુર થતો જાય છે. ખેર, જે શીર્ષક છે એ પ્રમાણે લેખ તો અહીં પૂરો થાય છે અને આ તો કેટકેટલાય સંશોધનોમાંનું એક સંશોધન છે. કેટલાય રહસ્યો પરથી તો પડદો ઊંચકવાનો હજુ બાકી છે. કેમ કે અફાટ ફેલાયેલ અંતરિક્ષમાં શું છે અને કેટલું છે એ પણ હજી આપણે પૂરેપૂરું જાણી શક્યા નથી. એ માટે કેટલીક જાણી અજાણી વાત...


કહેવાય છે કે આજનું આધુનિક ખગોળશાસ્ત્ર એટલું જાણી શક્યું છે કે સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલાં બિગ બેંગ કહેવાતો એક મહાવિસ્ફોટ થયો તેના પરથી થઈ છે. હવે તેમાં પણ એક નવો ફણગો ફૂટ્યો છે. બ્રિટનની પ્રતિષ્ઠિત એવી રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના એક સામયિકમાં પ્રોફેસર રાજેન્દ્ર ગુપ્તાએ બ્રહ્માંડનો જન્મ 13.8 અબજ વર્ષના બદલે 26.7 અબજ વર્ષ પહેલાં થયો છે એવો એક સંશોધનાત્મક લેખ પ્રકાશિત કર્યો છે. પ્રોફેસર રાજેન્દ્ર ગુપ્તાની થિયરી મુજબ કોઈપણ આકાશગંગાને આવું (અત્યારે જેવું છે તેવું) સ્વરૂપ પામતાં અબજો વર્ષ નીકળી જાય. ત્રીસથી પચાસ લાખના અલપઝલપ સમયમાં તે જાયન્ટ સ્વરૂપ ધારણ કરી શકે નહિ. આથી જેમ્સ વેબ ટેલિસ્કોપે જે આકાશગંગાઓ શોધી તેનું સર્જન 13 અબજ વર્ષ કરતાંય ક્યાંય દૂરના ભૂતકાળમાં થયું હોવું જોઈએ. આમ જોઈએ તો બિગ બેંગનો સર્વમાન્ય 13.8 અબજ વર્ષનો આંકડો અહીં (પ્રોફેસર રાજેન્દ્ર ગુપ્તાના મતે) ખોટો ઠરે (ફકરા સંદર્ભ: વિ.જ્ઞાનકોશ-1).  


બીજી વાત, સમગ્ર દુનિયાએ 8 એપ્રિલે સૂર્ય ગ્રહણ જોયું ત્યારે પૃથ્વીથી ત્રણ હજાર પ્રકાશવર્ષ દૂર સ્થિત T Coronae Borealis (T CrB) (ઉપનામ - બ્લેઝ સ્ટાર) નામના એક 'સફેદ સ્ટારમાં' કેટલાય દસકાઓમાં (80 વર્ષે એક વાર) થતા નોઆ વિસ્ફોટનો સમય નજીક આવી ગયો છે. નાસાના જણાવ્યા પ્રમાણે આ ખગોળીય ઘટના સપ્ટેમ્બર 2024 સુધીમાં થઈ શકે છે. 


વિલિયમ જે. કુક કે જેઓ નાસાના ઉલ્કાપિંડ પર્યાવરણ વિભાગના હેડ છે તેઓ જણાવતા કહે છે, મોટાભાગના કિસ્સાઓમાં નોઆ વિસ્ફોટ ક્યારે થવાનો છે તેનો ખ્યાલ નાસાના વૈજ્ઞાનિકોને હોતો નથી. પરંતુ લગભગ 10 નોઆ એવા છે કે જેનો સમાવેશ 'આવર્તી નોઆ' તરીકે થાય છે. મતલબ કે એવા સ્ટાર કે જે સમયાંતરે પોતાની સપાટીનું ઉપરી આવરણ ત્યજી દે છે. જેમાં T Coronae Borealis એ મુખ્ય છે. હવે અહીં મહત્વનો સવાલ એ થાય કે નાસાને આ ચોક્કસ કઈ રીતે ખબર પડી શકે? તો વિલિયમ જે. કુકના જણાવ્યા મુજબ, નોઆ વિસ્ફોટના એકાદ વર્ષ પહેલાં સ્ટારની ઊર્જા મંદ પડી જાય છે. જેના પરથી નાસાને અંદાજ આવી જાય છે. આ સફેદ સ્ટાર T CrB (સફેદ અને લાલ સ્ટારનું જોડકું) એક બાઈનરી સિસ્ટમનો ભાગ છે કે જે એકબીજાની ચારે બાજુ પરિક્રમા કરનાર બે (સફેદ અને લાલ) સ્ટાર્સમાંનો એક છે. આ સફેદ સ્ટારનું દ્રવ્યમાન સૂર્ય જેટલું હોય છે પરંતુ તેનો વ્યાસ લગભગ સો ગણો નાનો હોય છે. હવે દ્રવ્યમાન ઊંચું અને આકાર નાનો હોવાના કારણે તે સફેદ સ્ટારનું ગુરુત્વાકર્ષણ ખૂબ મજબૂત હોય છે. (હવે આ સફેદ સ્ટાર શું અને લાલ સ્ટાર શું એ એક આખો અલગ વિષય છે, જેની વાત પછી ક્યારેક. અત્યારે જાણકારી તેમજ સુસંગતતા માટે આ નામોલ્લેખ કર્યો છે.)


જેમ લાલ તારો પોતાની ઊર્જા બહાર ફેંકે તેમ તેમ સફેદ સ્ટાર એ ઊર્જાને પોતાના ગુરુત્વાકર્ષણ બળ વડે પોતાની તરફ આકર્ષિત કરે છે. અને જ્યારે સફેદ સ્ટારની સપાટી પર તેની ક્ષમતા કરતા વધુ ઉર્જા જમા થાય અને સપાટી પરનું તાપમાન અમુક મિલિયન સેલ્સિયસ જેટલું પહોંચી જાય ત્યારે તેમાં પરમાણુ ફ્યુઝન પ્રક્રિયા થાય છે અને તેની બાહ્ય સપાટીને વિસ્ફોટ વડે ત્યજી દે છે. Wisconsin-Madison યુનિવર્સિટીના પ્રોફેસર ટાઉન્સન્ડ કહે છે કે આ એવી ઘટના છે જે સૂર્યના ગર્ભમાં નિરંતર ચાલી રહી છે. જેના કારણે જ સૂર્ય આટલી ઊર્જા બહાર કાઢે છે. સામન્ય રીતે આ આખી ઘટમાળ સર્જાવામાં લાખો કરોડો વર્ષો લાગી જાય છે. ત્યારે કોઈ સ્ટારનો વિસ્ફોટ આપણે જોઈ શકીએ છીએ એ પણ જો આપણને ખબર હોય તો. પણ અહીં T Coronae Borealis (T CrB) ખૂબ ઝડપથી આખી પ્રક્રિયા કરે છે અને જેના કારણે જ તે દુર્લભ અને અલગ છે. (સંદર્ભ સાભાર: વિ.જ્ઞાનકોશ, BBC ન્યુઝ, Mint)

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?