માનવ ઉત્કર્ષ
માનવીય સંબંધો ને દ્રઢ કરવા તેમજ તેમની વચ્ચે સંવાદિતા નો સેતુ સાધવા ગત 2022 માં જ રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાયો. આ પંચદીનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવમાં માનવમાત્રને સફળતા, સંસ્કારિતા, સંવાદિતા, સમર્પિતતા તેમજ સાર્થકતાના મૂલ્યો દ્રઢાવનાર વિશિષ્ટ, રસદાર અને ચોટદાર શૈલીના પ્રવચનો દ્વારા BAPS ના પ્રસિદ્ધ વક્તા સંત એવા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ લાભ આપ્યો.
દિવસ - 1 : માનવ જો ધારે તો... (તમારી સફળતા - તમારો સંકલ્પ)
આપણું જીવન એ આપણાં શ્વાસ અને આપણાં નામ વચ્ચેનો એક પ્રવાસ છે. આપણે જન્મ લઈએ છીએ ત્યારે માત્ર શ્વાસ હોય છે, નામ નથી હોતું. તેવી જ રીતે મૃત્યુ વખતે માત્ર નામ હોય છે, શ્વાસ નથી હોતો. જીવનની આ સમગ્ર યાત્રા દરમિયાન આપણે આપણી જાતને શોધવાની છે. ખુદનું નવસર્જન કરવાનું છે. આપણે આપણી આજને ગઇકાલ કરતા શ્રેષ્ઠ બનાવવાની છે. ઉંમરલાયક તો સમય રેતા થવાશે, પણ લાયક થવા માટે કંઈક કરવું પડે છે. માનવ જો ધારે તો ગમે તે કરી શકે છે. કોઈપણ કાર્ય માટે ઉંમર બાધ નથી હોતી. જે પણ કરીએ તે સારું કરીએ, પરફેક્ટ કરીએ જેથી કોઈ પ્રશ્નો ઊભા ન થાય. કોઈપણ કાર્ય કરશો, તેમાં ટીકાઓ તો થવાની. તેનાથી ભાગવાના બદલે તેને સાંભળીએ, તેને ગમાડીએ. જેની મદદથી તમે તમારી ખુદની વેલ્યુ વધારી શકો. માણસનું સર્જન જ માણસને બગાડે છે. ગમે તે રીતે ટ્રાન્સફોર્મ (પરિવર્તિત) કરો ખુદને, સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર નિયંત્રણ રાખો. જે નથી થતું. કારણ કે ઇન્દ્રિયો સ્થિર નથી. જેના કારણે કોઈપણ કાર્યમાં વિલંબ થતો રહે છે. દ્રષ્ટાંતની સાથે ક્ષમતાનું પણ ધ્યાન રાખો. કોઈપણ પરિસ્થિતિમાં હોઈએ આપણે, રસ્તો શોધી કાઢવાનો. વારંવાર પ્રશ્નો કરવાથી માત્ર પ્રશ્નો ના ઢગલા ઊભા થશે, પરિસ્થિતિ દૂર નહીં થાય એ તો એ જ રહેશે. તમે જ્યાં પણ છો ત્યાં અને ત્યાંથી આગળ વધવા તમારી પ્રતિષ્ઠા / કિર્તિ ખૂબ જ મહત્વની છે. ખુદની વેલ્યુ વધારીને જ્યાં છીએ ત્યાંથી આગળ વધીએ. હંમેશા સાહસિક સ્વભાવ રાખીએ, રિસ્ક લેતા ન અચકાઇએ. માનવ જો ધારે તો શું ન કરી શકે? માણસ જો ધારે તો કોઈ પણ પ્રકારની શારીરિક મર્યાદાઓ કે રોગો વચ્ચે પણ કાર્ય કરી શકે છે. માણસ જો ધારે તો ગમે તેવા પ્રકારની ટીકાઓ અને નિંદા વચ્ચે પણ સફળ થઈ જ શકે છે. અન્યાય કે અત્યાચાર વચ્ચે પણ સફળ થઈ શકે છે, માણસ જો ધારે તો. ગમે તેવા ઉતાર - ચડાવ કે નિષ્ફળતા પછી પણ માણસ આગળ વધીને સફળતા મેળવી જ શકે છે. માણસ જો ધારે ને તો ગમે તેવી ખરાબ આદત કે સ્વભાવ છોડી પણ શકે છે અને છોડાવી પણ શકે છે. તે ચંદ્ર પર પણ ઉતરી શકે છે અને મંગળ ઉપર પણ માનવ વસાહત સ્થાપી શકશે માણસ જો ધારશે ને તો. આ તાકાત છે આજના માનવી ની, જે ધારે તે કરી શકે છે. તમારી સફળતા તમારા સંકલ્પ ઉપર જ આધારિત છે.
દિવસ - 2 : વારસ સાથે વિમર્શ (તમારી સંતતિ - તમારી સંપત્તિ)
અત્યારે જો કોઈ સૌથી વધુ મહત્વનું પાસુ હોય તો તે એ છે પરિવારમાં સંવાદિતા કેળવવી. પેરેંટ્સ અને સંતાનો વચ્ચે સંવાદિતાનો સેતુ સ્થાપવો. એ સ્થાપવા માટે એની સાથે વિમર્શ કરવો ખૂબ જરૂરી છે. એ માટે બધા પેરેન્ટ્સ એ તેમની જૂની વિચારધારાને બદલીને તેમના સંતાનોની આજની વિચારધારા સાથે સંલગ્ન થવું જરૂરી છે. સમય સાથે ખુદને અપગ્રેડ કરવાના છે. આપણી ભૂલ નો સ્વીકાર કરવો એ જ આપણા ઉત્કર્ષનો - માનવ ઉત્કર્ષ નો પ્રારંભ છે. આપણે આપણા સંતાનોને સાનુકૂળતાઓ આપી, સગવડતાઓ આપી પણ સાથે સાથે સંસ્કાર અને સાવધાની નથી આપી શક્યા. દ્વિતીય દિવસને ત્રણ મુદ્દાઓમાં સમાવવાનો પ્રયત્ન કરું તો... 1) આપણે સંતાનોને સમય આપીએ. આપણા સંતાનો સોશિયલ મીડિયામાં શું કરે છે એ માટે સમય આપીએ. સાથે સાથે સ્નેહ-સંગાથ પણ આપીએ. 2) આપણા સંતાનો આપણી સાથે 360 ડિગ્રી વાતો કરી શકે એવું વાતાવરણ રાખીએ. કોઈ ભૂલ કરે તો સામે આવીને તમારી સામે એ કબૂલ કરી શકતો હોય કે કબૂલ કરી શકતી હોય તો સમજવું કે વારસ સાથે વિમર્શ સફળ છે. આપણે બાળકોના વાલી બનીએ એટલે માત્ર સંભળાવવાનું જ નહીં પરંતુ સાંભળવાનું પહેલા. 3) સંતાનોને સારું શિક્ષણ આપીએ. દરેક બાળકની એક મર્યાદા હોય છે. એની ક્ષમતા જોઈને, એની રુચિ જોઈને શિક્ષણ આપીએ. માત્ર સ્કૂલ કે કોલેજનું શિક્ષણ નહીં પરંતુ સાથે સાથે જીવન ઘડતરનુ શિક્ષણ આપીએ. શિક્ષણની સાથે સંસ્કાર આપવાના છે. એનામાં દયાભાવ આવે એ જરૂરી છે. સંતાનોને સગવડ આપજો પણ અગવડ પડે તો તેમાં અટવાઈ ન જાય તે પણ જોજો. સંઘર્ષ સારો છે એ આપજો પણ સાથે સન્માન પણ આપજો. સાચી તાલીમ આપજો સાથે સાવધાની પણ આપજો. આ બધુ તમારે આઉટ ઓફ ધ બોક્સ જઈને સંતાનોને શીખવવું પડશે.
દિવસ - 3 : મિલે સૂર મેરા તુમ્હારા... (તમારા સંબંધો - તમારી સંવાદિતા)
અત્યારના સમયમાં ઘરના દરેકે દરેક રૂમમાં નેટ છે પરંતુ ઘરના સભ્યો સેટ નથી. Fine ના બદલે Fire જેવુ વાતાવરણ હોય છે. આપણે રામ-સીતાના હજારો દ્રષ્ટાંતો આપીએ છીએ છતાં પ્રશ્નો રહે છે. પરિવારમાં એક બીજા સભ્યો પ્રત્યે પ્રેમાળ સ્વભાવ નહીં હોય તો ડગી જઈશું. સારા અભ્યાસ પછી પણ જો પારિવારિક મૂલ્યો સારા ન હોય તો નકામું જ છે. શિક્ષણ અને સંબંધો બંને અલગ અલગ છે. માનવીય સંબંધો આજે સૌથી પહેલા જરૂરી છે. દુનિયાના ધનકુબેરો ઇલોન મસ્ક અને જેફ બેજોસ, અરે માઈક્રોસોફ્ટના સર્જક અને એક સમયના દુનિયાના નંબર 1 અમીર વ્યક્તિ એવા બિલ ગેટ્સે પણ 35 વર્ષના લગ્ન જીવનનો અંત લાવવો પડ્યો. આ બધા જ સંબંધોમાં નિષ્ફળ ગયા છે માત્ર પૈસેટકે જ સફળ વ્યક્તિ છે. મન મેળાપ તો આપણે એકલા બેસીને કરવો પડશે, એમાં કોઈ સાથે નહીં આવે. છ દ્રષ્ટાંતો જોઈએ…1) Love Your Family - પ્રેમ શરૂઆત છે. કર્તા, કર્મ, ફળ બધુ પ્રેમ છે. પરિવાર સાથે સમય વિતાવીએ. 2) Loyal With Family - પરિવાર પ્રત્યે વફાદાર રહીએ. માનવીય સંબંધો ઉપર અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ વધી ગયો છે. 3) Care For Family - કોઈપણ વાત રજૂ કરવાનો યોગ્ય સમય હોય છે જેની અસર સંબંધો ઉપર પણ થાય છે. 4) Bare For Family - સહન કરતા શિખીએ. પ્રશ્નો ઓછા થશે. કૃષ્ણ પણ આટલા વર્ષોથી સહન કરે જ છે ને. માખણ ચોર ને કાનો કાળો (શ્યામ) છે વગેરે... બધા એમ જ માને છે કે આ તો હું સહન કરું બાકી બીજું કોઈ ન કરી શકે. બધાના સ્વભાવ અલગ અલગ હોવાના તો આપણે એ પ્રમાણે અનુકૂળ થઈને ચાલીએ. 5) Repute Your Family - પરિવારનું ગૌરવ વધારીએ. કોઈ શ્રેષ્ઠ કામ કરીએ. 6) Reform Your Family - બધાને એમ જ લાગે કે હું OK છું, સામેવાળાનો પ્રશ્ન છે. સૌપ્રથમ આપણે આપણામાં સુધારો કરીએ.
દિવસ - 4 : હમ ચલે તો હિંદુસ્તાન ચલે… (તમારો દેશ - તમારું સમર્પણ)
ક્યાં ગયો એ દેશ જે ભૂતકાળમાં 'સોને કી ચિડિયા' તરીકે ઓળખતો હતો. જે વિશ્વ ગુરુ તરીકે જાણીતો હતો. ભારતને પાછું ત્યાં કઈ રીતે પહોંચાડી શકીએ? જોઈએ આઠ દ્રષ્ટાંતો...1) પ્રવીણતા : Work With Perfection - જે કંઈપણ કાર્ય કરીએ તે કુશળતા સાથે કરીએ, એકદમ પરફેક્શન સાથે કરીએ. 2) પ્રમાણિક્તા : Work With Honesty - કોઈપણ કામ / વ્યક્તિ પ્રત્યે પ્રમાણિક રહીએ, પ્રમાણિકતા દાખવીએ. ભારતમાં બદલાવ આપણા સિવાય બીજું કોઈ નહીં લાવી શકે. આપણે નહીં, મારે બદલાવ લાવવાની જરૂર છે. 3) પવિત્રતા : Work With Purity - પવિત્રતા વર્તન અને વિચારોમાં હોવી જોઈએ. યુગાન્ડા જેવો દેશ જ્યાં લાકડું વાવો તો પણ શેરડી થાય એવી ફળદ્રુપ જમીન, પરંતુ ઇદિ અમિન એવા પાક્યા જેના લીધે આખો દેશ બરબાદ થઈ ગયો. 4) positivity - હકારાત્મકતા એ આપણા સ્વભાવમાં વણાયેલી હોવી જોઈએ. 5) અસ્મિતા : Work With Spirit - કંઈક કરવાની ભાવના આપણામાં હોવી જોઈએ. 6) એકતા : Work With Unity - હંમેશા એક થઈને રહીએ. પરિવારમાં, સોસાયટીમાં, સમાજમાં તો દેશ એક થશે. 7) પરોપકારીતા : Work With Humanity - માત્ર આપણા માટે જ જીવવું એ મહત્વનું નથી. સમાજ, સંસ્કૃતિ અને દેશ માટે શું કર્યું એ મહત્વનું છે. 8) પરમાર્થતા : Work With Devotion - બધામાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ અને થોડો ડર રાખીએ. ભાવ અને ભય બંનેને સાથે રાખીને ચાલીએ.
દિવસ - 5 : ઠાકર કરે તે ઠીક (તમારી સમસ્યા - તમારી શ્રદ્ધા)
મનુષ્યમાં રહેલી આંતરિક શ્રદ્ધા જ તેને વિચલીત થતાં બચાવે છે. વિપદા પડે પણ વણસે નહીં તે પરમાર્થી છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇન ના E=MC^2 સૂત્ર કરતાં ઠાકર કરે તે ઠીક માં વધુ તાકાત છે. જે કંઈ દુઃખ આવે તે હસતાં મોઢે સહન કરીએ. જો આ સૂત્ર ને માનસો તો આર્થિક પ્રશ્નોમાં પણ સ્થિર રહેવાશે. વિશ્વાસ જ નથી ભગવાનમાં, માળા કરતા હોય તો પણ નથી. માત્ર ઇન્સ્યોરન્સ માં જ છે. જો આ સૂત્રને માનસો તો પરિવારિક પ્રશ્નોમાં પણ સ્થિર રહેવાશે. દુ:ખોને ગા ગા ન કરો. મૃત્યુ જેવી મુસીબતમાં પણ સુખી અને સ્થિર રહેશો, જો આ સૂત્રને માનીને ચાલસો તો. કલામ સાહેબે કીધું હતું કે જો તમારે સમાજ અને દેશ માટે કંઈક કરવું હશે તો આધ્યાત્મિકતાથી શુદ્ધ રહેવું પડશે. આઘાત કે અપમાનમાં પણ સ્થિર રહેવાશે. અપમાન નહીં ભૂલાય જો ભગવાનમાં નહીં માનો તો. અદેખાઈ નહીં થાય ને અવગુણ નહીં આવે જો આ સૂત્ર પ્રમાણે જીવશો તો. જે મળ્યું તેમાં સંતોષ રાખીએ અને હત્યા કે આત્મહત્યા નો વિચાર નહીં આવે જો ભગવાનમાં શ્રદ્ધા હશે તો. અંદરથી હસતાં થાવ બહારથી કોણ કેટલું હસાવશે...?

Comments
Post a Comment