મહાભારતના વનપર્વમાં યક્ષ દ્વારા યુધિષ્ઠિરને પૂછાયેલા જુદા જુદા પ્રશ્નોમાં એક પ્રશ્ન હતો કે ' ક્યો માર્ગ શ્રેષ્ઠ છે?' આ પ્રશ્નનો ઉત્તર વાળતા યુધિષ્ઠિર કહે છે, "धर्मस्य तत्त्वं निहितं गुहायाम् महाजनो येन गतः सः पन्थाः। અર્થાત્ મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગ શ્રેષ્ઠ છે." (મહાભારત વનપર્વ, 313.117) એવા એક મહાપુરુષ એટલે વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજનું જીવન અને કાર્ય દરેક પેઢીઓ માટે પ્રેરણસ્રોત હતું. પ્રમુખસ્વામી મહારાજે એમના 95 વર્ષના સમગ્ર જીવનકાળમાં જે કાર્ય કર્યું એ કોઈ સામાન્ય માણસ માટે તો ગજા બારની વાત છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 45 કરતા વધુ દેશોમાં ફરીને 17,000 થી વધુ ગામડાઓ તેમજ કસબાઓમાં વિચરણ કરીને સેંકડો લોકોનો ઉત્કર્ષ કર્યો છે. 2,50,000 થી વધુ ઘરોમાં પધરામણી કરી અંસખ્ય પરિવારોના સુખ તેમજ દુઃખમાં સહભાગી બન્યા છે. 7,00,000 કરતાં પણ વધુ પત્રો લખીને લાખો લોકોની મૂંઝવણમાં સચોટ માર્ગદર્શન આપ્યું છે. આ બધાથી પર એવા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા 1100 જેટલા મંદિરોની તેમજ સનાતન હિન્દુ સંસ્કૃતિના ગૌરવ સમાન 1000 કરતા પણ વધુ 'શિક્ષિત સંતોની' ભેટ આપીને ભારતની 10,000 વર્ષ જૂની સંસ્કૃતિનો પરિચય વિશ્વ આખાને કરાવ્યો છે.
કોઈપણ કુદરતી આપદ્દાઓ વખતે જરૂરી રાહત સહાયની વ્યવસ્થા કરીને સમાજની જરૂરિયાતોને દેશ કે વિદેશના કોઈપણ ખૂણે તરત જ જવાબ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા અજોડ છે. કોઈપણ વય, લિંગ, દરજ્જો, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના બધા સુધી તેઓ પહોંચ્યા છે. રાત્રે 2 વાગે પણ અધવચ્ચે ભર ઊંઘમાંથી જાગીને પણ પ્રાર્થના કરી છે. લાખો લોકોને વ્યસન મુક્ત કરીને સાચી અને સારી દિશામાં વાળ્યા છે. બાળકો, વૃદ્ધો તેમજ વડીલો સહિત તમામ ભક્તો માટેના તેમના નિઃસ્વાર્થ પ્રેમે તેમજ સ્નેહે તેમના હૃદય જીતી લીધા. એટલે જ આટલો અપાર સ્નેહ તેમને ચારે બાજુથી મળી રહ્યો છે. ખરેખર ક્યારેક આપણને સહજ પ્રશ્ન થાય કે લોકો પ્રમુખસ્વામીને આટલો બધો પ્રેમ, આટલો બધો સ્નેહ કેમ કરે છે? કારણ માત્ર એક જ છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બધા માટે એટલું બધું કર્યું છે કે જેનો કોઈ અંત નથી. તેના કારણે જ આજે લોકો આટલો બધો સ્નેહ તેમના પ્રતિ દર્શાવે છે. તેમણે સૂચવેલા સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ એકાંતિક સત્પુરુષ છે, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે. આ પવિત્ર અસ્તિત્વની મહાનતા ની પ્રશંસા કરતી વખતે કોઈપણ ભાષામાં આપણે સંપૂર્ણ વ્યાખ્યાયિત કરી શકવા સમર્થ નથી. આપણે તેના ઉત્તમ કોટિના પ્રખર વ્યક્તિત્વને જેમ જાણવાનો પ્રયાસ કરીએ તેમ તેમ ખબર પડે કે હજુ આપણે કેટલા દૂર છીએ તેમને પૂરી રીતે જાણી શકવામાં. માનવજાતના ઉત્કર્ષ માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત પ્રવૃત્ત રહેનાર પ્રમુખસ્વામીનો સ્નેહ સામાન્ય ખેડૂત કે આદિવાસીથી વિશ્વભરના મહાનુભાવો તેમજ રાષ્ટ્રપતિઓના હૈયે આજે પણ અમીટ આદરભાવ વ્યક્ત કરે છે.
એવા જ એક મહાનુભાવ એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક 'ભારત રત્ન' ડૉ. અબ્દુલ કલામ. તારીખ 30મી જૂન, 2001 ના દિવસનો આ પ્રસંગ છે. ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કલામ તેમના સહાયક વાય. એસ. રાજન સાથે પ્રમુખસ્વામી મહારાજને મળવા માટે આવ્યા હતા. ભારતના સર્વાંગી વિકાસ માટેના એક લાંબા ગાળાના પ્રોજેક્ટની સફળતા માટે તેઓ સ્વામીજીનું માર્ગદર્શન મેળવવા માટે આવ્યા હતા.
ડૉ. કલામે તેમનો પ્રોજેક્ટ સ્વામીશ્રીને વિસ્તૃત સમજાવતા કહ્યું, "સ્વામીજી, આઝાદી પછીના છેલ્લા 50 વર્ષથી ભારત વિકાસશીલ દેશોની શૃંખલામાં છે. વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવા માટે શું કરી શકાય તે બાબતે મારા જેવા 500 જેટલા સભ્યો વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. આવનારા 20 વર્ષમાં આ સપનાને સાકાર કરવા માટે 'વિઝન 2020' તૈયાર કર્યું છે જે અંતર્ગત મહત્વના પાંચ ક્ષેત્રોના વિકાસનું આયોજન કર્યું છે. આ પાંચ ક્ષેત્રોમાં 1. શિક્ષણ અને આરોગ્ય 2. ખેતી 3. માહિતી અને સંદેશાવ્યવહાર 4. માળખાગત સુવિધાઓ અને 5. ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે. આ કાર્ય પૂર્ણ કરવા માટે મૂલ્યનિષ્ઠ નાગરિકોની જરૂર પડશે. આપ આ ક્ષેત્રના નિષ્ણાંત છો એટલે અમે આ બાબતે આપનું માર્ગદર્શન મેળવવા માટે આવ્યા છીએ."
ડૉ. કલામની વાત સાંભળ્યા બાદ સ્વામીજીએ કહ્યું, "આ પાંચ ક્ષેત્રો ઉપરાંત હજુ એક છઠ્ઠું ક્ષેત્ર ઉમેરવાની આવશ્યકતા છે - ભગવાનમાં વિશ્વાસ અને આધ્યાત્મિકતા. આ છઠ્ઠું અંગ બહુ જ મહત્વનું છે. આધ્યાત્મિકતાથી તમામ પ્રશ્નોનો ઉકેલ મળશે અને જે સ્વપ્ન જુઓ છો એ સાકાર પણ થશે." ડૉ. કલામને સ્વામીશ્રીની આ વાત ખૂબ જ સ્પર્શી ગઈ. લગભગ એકાદ કલાક ચાલેલી આ મુલાકાત કલામ સાહેબના જીવનમાં એક નવો વળાંક લાવનારી બની રહી. પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને ડૉ. કલામના હૃદયની ઉત્કૃષ્ટ મુમુક્ષતાએ જગતને એક નવા જ સંબંધની ઓળખ આપી.
પ્રમુખસ્વામી મહારાજ સાથેની આ પ્રથમ મુલાકાત બાદ ડૉ. કલામનું સ્વામીશ્રી પ્રત્યેનું આધ્યાત્મિક આકર્ષણ દિવસે ને દિવસે વધતું ગયું. તેઓએ સ્વામીશ્રી સાથેના પોતાના આધ્યાત્મિક અનુભવોનું પુસ્તક 'Transcendence (પરાત્પર)' લખ્યું. આ પુસ્તકમાં ડૉ. કલામ જણાવતા કહે છે, "પ્રમુખસ્વામી મહારાજ સાથેની મારી ઓળખાણ ખૂબ જૂની છે. મારા પરના પ્રમુખસ્વામીજીના પ્રભાવનો સરવાળો હું કેવી રીતે માંડી શકું? સાચા અર્થમાં એમણે મારું પરિવર્તન કરી નાખ્યું છે. તેઓ મારા જીવનના આધ્યાત્મિક આરોહણની સૌથી ઊંચી અને અંતિમ મંઝિલ છે. આખરે પ્રમુખસ્વામીએ મને ભગવાનની લગોલગના પથ પર મૂકી દીધો છે. તેમણે મને અહમ્ અને મમત્વથી મુક્ત કર્યો છે."
ખેર, કલામ સાહેબનું 'વિઝન 2020' એ 2020 માં તો પાર ન પડી શક્યું પણ આ છ ક્ષેત્રોના આધારે જો ભારતના તમામ 'મૂલ્યનિષ્ઠ' નાગરિકો એક લક્ષ્ય સાધીને પ્રગતિ કરે તો 2047માં જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષની જાનદાર અને શાનદાર ઉજવણી કરી રહ્યો હોય ત્યારે કલામ સાહેબનો આત્મા જરૂરથી ગર્વ અનુભવે...
(પ્રસંગ સંદર્ભ સાભાર: પ્રમુખપથ પુસ્તકમાંથી)
Comments
Post a Comment