"ભારતની સમસ્યાઓ એ પશ્ચિમની સમસ્યા નથી. પરંતુ પશ્ચિમની સમસ્યાઓ એ સમગ્ર વિશ્વની સમસ્યા છે."

1991 માં સોવિયેત યુનિયનના વિઘટન બાદ નાના નાના અનેક ટુકડાઓમાં કેટલાય દેશોનું નવસર્જન થયું. તેમાંનો એક ટુકડો યુક્રેન નામના દેશ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ પામ્યો. યુક્રેનને દેશ તરીકેની માન્યતા ભારતે તે જ વર્ષે આપી દીધેલી અને તેના બીજા જ વર્ષે એટલે કે 1992 માં તેની સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપિત કરેલાં. આમ ભારત અને યુક્રેન વચ્ચે સ્વતંત્ર સંબંધો રહેલા છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 15 કરતા પણ વધારે દ્વિપક્ષીય સમજૂતીઓ થયેલ છે. એક રિપોર્ટ અનુસાર 2021-22 માં બંને દેશો વચ્ચેનો વ્યાપાર 27,000 કરોડ સુધી પહોંચ્યો છે. 

ફેબ્રુઆરી, 2022 માં રશિયાએ કરેલ આક્રમણના પગલે બંને દેશો વચ્ચે ફાટી નીકળેલ યુદ્ધ આજે અઢી વર્ષ પછી પણ ચાલુ છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલી યુક્રેનની મુલાકાત બંને દેશો વચ્ચે 'શાંતિ' તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે અને સમગ્ર પશ્ચિમ જગતના સમાચાર માધ્યમોનું ધ્યાન વડાપ્રધાન મોદીની આ મહત્વપૂર્ણ તેમજ કૂટનીતિક મુલાકાત તરફ હતું. જે રીતે યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લઈ નરેન્દ્રભાઈએ યુક્રેનના પ્રેસિડેન્ટ જેલેન્સ્કીને ગળે મળ્યા અને બંને દેશો વચ્ચે ચાલતા યુદ્ધ વિશે પોતાની વાત રાખી એની આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ મુલાકાત દરમિયાન કહ્યું કે, 'ભારત યુદ્ધનો દેશ નથી પરંતુ બુદ્ધનો દેશ છે. પીએમે કહ્યું કે અમે મહાત્મા ગાંધીની ભૂમિમાંથી આવ્યા છીએ, જેમણે હંમેશા વિશ્વમાં શાંતિનો સંદેશ આપ્યો છે. હું તમને અને સમગ્ર વિશ્વને ખાતરી આપવા માંગુ છું કે આ ભારતની પ્રતિબદ્ધતા છે અને અમે માનીએ છીએ કે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે તેને સમર્થન આપીએ છીએ.'

વૈશ્વિક સમાચાર માધ્યમોની વાત કરીએ તો ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી અને લખ્યું કે 'વડાપ્રધાન મોદી યુદ્ધગ્રસ્ત રશિયા અને યુક્રેન બંને સાથે તેમના સંબંધોને કાળજીપૂર્વક સંભાળી રહ્યા છે.' મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'યુદ્ધની પરિસ્થિતિમાં ભારત ક્યારેય તટસ્થ રહ્યું નથી. ભારત પહેલા દિવસથી જ શાંતિના પક્ષમાં છે.' જેથી BBC એ આ વાત હેડલાઇન સાથે પ્રકાશિત કરી અને તેના રિપોર્ટમાં એ મુદ્દો પણ હતો કે ભારતે ક્યારેય યુક્રેન પર રશિયાના હુમલાની ટીકા કરી નથી. ભારત પણ રશિયાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે અને તે રશિયન તેલના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભરી આવ્યું છે (તાજેતરમાં જ ભારત ચીનને પછાડીને રશિયાના તેલનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે). તો વળી અમેરિકાની અગ્રણી મીડિયા ચેનલ CNN એ વડાપ્રધાન મોદીના યુક્રેન પ્રવાસ પર લખ્યું કે 'પીએમ મોદીની આ મુલાકાત તેમની રશિયાની મુલાકાતના થોડા અઠવાડિયા પછી થઈ રહી છે. જો કે ભારત સતત યુદ્ધવિરામની અપીલ કરી રહ્યું છે, પરંતુ ભારતે અત્યાર સુધી પોતાને રશિયાની ટીકા કરવાથી દૂર રાખ્યું છે. ભારત રશિયાની અર્થવ્યવસ્થા માટે લાઈફલાઈન તરીકે કામ કરી રહ્યું છે અને રશિયા પાસેથી મોટી માત્રામાં તેલની આયાત કરી રહ્યું છે.'

આમ પણ ભારત અને રશિયાની વર્ષો જૂની ગાઢ મૈત્રી છે. 1971 ના ભારત - પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જ્યારે પાકિસ્તાને અમેરિકાની મદદ માંગેલી અને અમેરિકાએ ત્યારે ભારતનું નાક દબાવવા પોતાના 7મા નૌકા કાફલાને (USS Enterprise સહિત 6 જંગી જહાજોને) બંગાળના ઉપસાગરમાં મોકલેલા ત્યારે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હતું અને પોતાના યુદ્ધ જહાજો તેમજ સબમરીનોને ભારત તરફ રવાના કર્યા હતાં. આમ પણ અમેરિકાને રશિયા સાથે દ્વિતિય વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોર વખતથી મનમેળ ન હોવાથી તેને ભારત અને રશિયાની નિકટતા પણ પસંદ નથી. પરંતુ અહીં ભારત ખૂબ સમજી વિચારીને પોતાના કૂટનીતિક દાવપેચ લગાવે છે. કેમ કે અત્યારે ભારત સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે અને એશિયામાં માત્ર એક જ એવું રાષ્ટ્ર છે કે જે ચીનને ટક્કર આપી શકે. જેથી અમેરિકા પણ ભારતના રશિયા સાથેના સંબંધોને અવગણી પોતાની સાથેના સંબંધો મજબૂત બનાવી રાખવા મજબૂર છે. જેનું એક ઉદાહરણ જોઈએ તો યુક્રેન યુદ્ધ પછી અમેરિકા સહિત સંખ્યાબંધ દેશોએ રશિયાને આર્થિક ફટકો પહોંચાડવા તેના પર આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા. બીજા દેશો સાથે વ્યાપાર ઠપ્પ થતાં રશિયા આર્થિક રીતે થોડું કમજોર પડ્યું. જેથી રશિયાએ વચ્ચેનો માર્ગ અપનાવ્યો. તેણે ભારતને પોતાની પાસેથી પેટ્રોલિયમ ખરીદ કરવા જણાવ્યું અને તે પણ બીજા દેશો કરતાં ખૂબ સસ્તા ભાવે. જેથી ભારતે તે પ્રતિબંધોની ઐસી તૈસી કરીને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદ કરવાનું શરૂ કર્યું અને તે પણ રશિયન રુબલના બદલે રૂપિયામાં ચૂકવણું કરીને. અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતને ખૂબ મોટો આર્થિક ફાયદો થયો. જેના કારણે વર્ષે કરોડો અબજો ડોલરનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચવા પામ્યું. જેના આંકડા ખુદ વડાપ્રધાન મોદીએ તેમના એક ઇન્ટરવ્યુમાં આપેલા. 

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં દરેક દેશ પોતાનો ફાયદો શેમાં છે તે પહેલાં જુએ છે. આમ ભારતે તેનું હિત જોવું એ તેની પ્રથમ પ્રાથમિકતા છે. જેથી અમેરિકા તેમજ યુરોપિયન દેશોની નારાજગી છતાં ભારતે રશિયા સાથે તેના સંબંધો જાળવી રાખ્યા છે. United Nations Organization (UNO)માં પણ ભારત રશિયા વિરોધી ઠરાવમાં ભારત હંમેશા ગેરહાજર રહ્યું છે. આ સંબંધો જાળવી રાખવા વડાપ્રધાન મોદીએ યુક્રેન યાત્રા પહેલાં જુલાઈ મહિનામાં રશિયાની મુલાકાતે ગયેલા. ત્યારે પશ્ચિમી સમાચાર માધ્યમોએ એ મુલાકાતની ખૂબ આલોચના કરેલી. વડાપ્રધાન મોદીની એ યાત્રા દરમિયાન યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, અમને મોદીની આ યાત્રાથી ભારે નિરાશા થઈ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી દેશના નેતા મોસ્કોમાં દુનિયાના સૌથી ખૂની અપરાધીને ગળે મળે છે એ જોવું અમારા શાંતિ પ્રયાસો માટે ખૂબ મોટો આંચકો છે. આમ છતાં ભારતે યુક્રેનને યુદ્ધ દરમિયાન માનવીય મદદ સતત પહોંચતી કરી છે. 

વિશ્લેષકોના મતે ભારત ઈચ્છે તો યુદ્ધ તાત્કાલિક અસરથી રોકી શકે છે અને બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી શકે છે. આમ પણ ભારતનું સ્પષ્ટ માનવું છે કે બંને દેશો વચ્ચે વાતચીતના માધ્યમથી જ કોઈ રસ્તો નીકળી શકે તેમ છે. કેમ કે અત્યારે ક્યારેક રશિયા યુક્રેનની અંદર ઘૂસીને હુમલો કરે છે તો ક્યારેક યુક્રેન રશિયાની અંદર ઘૂસીને કબ્જો જમાવે છે. હવે જો ભારત શાંતિના પક્ષમાં રહી બંને દેશોને એક ટેબલ પર વાતચીત માટે લાવે અને જો યુદ્ધ સમાપ્ત થાય તો ભારતનું નામ વિશ્વ ફલક પર ચોક્કસ ગુંજશે. 

ભારતે કોઈના પક્ષમાં અથવા તો કોઈના વિરોધમાં રહી કશું ગુમાવવાનું થતું નથી પરંતુ વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાતથી તેમજ તાજેતરની યુક્રેનની મુલાકાતથી પશ્ચિમી રાષ્ટ્રો તેમજ યુરોપિયન રાષ્ટ્રોને એક મેસેજ તો જરૂરથી પહોંચે કે ભારત કોઈના દબાણ હેઠળ નથી. ભારતની પોલિસી જગજાહેર છે અને પોતે પોતાના હિતમાં નિર્ણય લેવા માટે સક્ષમ છે અને કોઈની શેશરમની

છેલ્લે, ડૉ. એસ. જયશંકરની ખૂબ ફેમસ લાઈન છે ને કે, "ભારતની સમસ્યાઓ એ પશ્ચિમની સમસ્યા નથી. પરંતુ પશ્ચિમની સમસ્યાઓ એ સમગ્ર વિશ્વની સમસ્યા છે."

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?