સુપરફૂડ - 'વંદાનું દૂધ' | જગતના તમામ ખોરાકમાં સર્વોત્તમ - ઉત્તમોત્તમ અને સુપર થી ઉપર એવું ઉમદા પીણું.
શીર્ષક વાંચીને જો સુગ ચડી ગઈ હોય તો પણ વાંચો આગળ....
આજથી આશરે હજારો લાખો વર્ષ પૂર્વે આફ્રિકા ખંડમાં હોમો સેપિયન્સ તરીકે ઓળખાતા આદિમાનવની ઉત્પત્તિ થઈ. ધીમે ધીમે કાળક્રમે તેઓ પોતાનો વિસ્તાર વધારતા ગયા અને વિશ્વના અનેક ખૂણામાં જઈને વસ્યા. આ દરમિયાન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિ તેમજ ઔષધિઓ, વિવિધ પ્રકારના ફળફળાદી (એક અભ્યાસ પ્રમાણે અમુક અંશે માંસાહાર) વગેરેનું સેવન કરતા રહ્યા. કેમ કે ત્યારે તો અનાજ એટલે શું એ કોઈને ખબર ન હતી અને કઈ રીતે મેળવી શકાય એટલી બુદ્ધિ કે સમજ પણ તેમનામાં ન હતી. લાખો વર્ષ આમ જ વીત્યા. આ દરમિયાન ઉત્ક્રાંતિનો પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને એ પછી કાળક્રમે ઉત્ક્રાંતિ વડે પોતાને તેમજ આસપાસની પૃથ્વીને સમૃદ્ધ બનાવતો હોમો સેપિયન્સ (એટલે આજનો માણસ) આજે ક્યાં સુધી પહોંચી ગયો એ આપણે જાણીએ છીએ.
જેમ જેમ માણસનો પૃથ્વી પર વસ્તી વધારો થતો ગયો તેમ તેમ તેની જરૂરિયાતોને પહોંચી વળવા તે ઔદ્યોગિકીકરણ પણ વધારતો ગયો. પરિણામે વધુ જમીન મેળવવા, શહેરીકરણ વધારવા અને મોટા ઉદ્યોગો સ્થાપવા જંગલો તેમજ મેદાન પ્રદેશોનો ભોગ લેવાતો ગયો. પરિણામે પૃથ્વી પર ખેતી માટે જે ઉપદ્રાઉ અને સારી જમીન હતી તે ઘટવા લાગી. એટલે હવે આવનારા ટુંક સમયમાં પરિસ્થિતિ એવી થવાની છે કે પ્રચંડ વસ્તી વધારા સામે પૂરતું અનાજ પેદા કરી શકે એવી ખેતીલાયક જમીનની ખેંચ વર્તાવાની છે. આવું ન થાય એના માટે સંશોધકો ઓછી જમીનમાં વધુ પાક કઈ રીતે લઈ શકાય તેના વિશે મનોમંથન કરી રહ્યા છે અને જેમાં વત્તા ઓછા અંશે સફળતા પણ મળી છે. આ ઉપરાંત તેઓ બિયારણના મૂળ બંધારણમાં પણ ફેરફાર કરીને ખેતરમાં વધારેમાં વધારે ઉપજ કેમ મેળવી શકાય તે દિશામાં પણ કાર્યરત છે. આ રીતે તૈયાર થયેલ હાઈબ્રીડ વેરાયટી દ્વારા ઘણી જગ્યાએ ઉપજ પણ મેળવવામાં આવે છે. આમ જોતા આ એક રીત ફાયાકારક તો કહી શકાય.
પણ વાત જો ગુણવત્તાની આવે તો? તો અહીં હાઈબ્રીડ વેરાયટીના ખાસ ગજ વાગતા નથી. જો ઘઉંની જ વાત કરીએ તો એક અભ્યાસ પ્રમાણે ઘઉંની 25-30 વર્ષ પહેલાની જાતમાં જે પૌષ્ટિક તત્વોનું પ્રમાણ હતું તે આજે ખાસ્સું એવું ઘટીને માત્ર 13% જેટલું રહી જવા પામ્યું છે. જેના કારણે આજે શરીરની અનેક સમસ્યાઓ જોવા મળે છે. આમ એક યા બીજી રીતે આધુનિક ધાન્યમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. પરિણામે જો વધુ ઉત્પાદન કે ઉપજ મેળવીને પણ શરીરને યોગ્ય પ્રમાણમાં જરૂરી પોષક તત્વો ન મળે તો એ વાત પેટને (શરીરને) સુપાચ્ય નથી.
આ બધી મર્યાદાઓના કારણે સંશોધકોએ એક અલગ જ રાગ આલાપ્યો છે. જેમાં ખૂબ અલ્પ પ્રમાણમાં જો માણસ ખોરાક ગ્રહણ કરે તો પણ તેના શરીરને જરૂરી તમામ પોષક તત્વો સરળતાથી મળી રહે એટલે જરૂરી પોષકતત્વો મેળવવા બકાસુરની જેમ ખાવું પડતું નથી. પોષક તત્વોથી ભરપૂર આ ખોરાકને 'સુપરફૂડ' તરીકે ઓળખવામાં આવે છે. હાલના તબક્કે ખૂબ ગાજી રહેલા અને વરસી રહેલા આ સુપરફૂડની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ ચોક્કસ વ્યાખ્યા તો નથી પરંતુ આપણે સમજવા ખાતર એટલું વિશ્લેષણ કરી શકીએ કે જગતના તમામ ખાદ્ય પદાર્થોમાં અને ખોરાકમાં સર્વોત્તમ અને ઉત્તમોત્તમ જો કોઈ હોય તો એ સુપરફૂડ છે. આનાથી ચડિયાતું કંઈ જ નથી. સુપરફૂડનો મુખ્ય આશય શરીરને જરૂરી તમામ પોષક તત્વોની આપૂર્તીનો હોય છે એટલે જે ખાવા માટે જ જીવતા હોય અને જેમને જીભના ચટાકા હોય એમના માટે આ નથી.
આ સુપરફૂડમાં આમ તો 100 કરતા પણ વધારે વસ્તુઓ સમાવિષ્ટ છે. જેમાનું એક સુપર થી ઉપર એટલે 'વંદાનું દૂધ'. સન 2016 માં પ્રકાશિત થયેલ જર્નલ 'Journal of the International Union of Crystallography' માં જણાવાયું હતું કે, વંદાના દૂધમાં રહેલી કેલેરી એ પરંપરાગત ગામડાની ભેંસના દૂધ કરતા 3 ગણી વધારે હોય છે. સમગ્ર પૃથ્વી પરના તમામ દુધાળા સજીવોમાં વંદા જેટલું પૌષ્ટિક દૂધ કોઈનું નથી. એક અભ્યાસ પ્રમાણે એકદમ તંદુરસ્ત ગાય-ભેંસના દર 100 ગ્રામ દૂધમાં 3.75 ગ્રામ પ્રોટીન, 6.89 ગ્રામ ચરબી, 5.18 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 97 કિલોકેલરી એનર્જી, 169 મિલિગ્રામ કેલ્શિયમ, 178 મિલિગ્રામ પોટેશિયમ, 117 મિલિગ્રામ ફોસ્ફરસ, 31 મિલિગ્રામ મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. હવે વિચારો કે ગાય-ભેંસના દૂધ દ્વારા મળતા આટલા તત્વો અને ક્યાં વંદાના દૂધમાંથી મળતા 3 ગણા વધારે પોષક તત્વો! (આંકડા સંદર્ભ: વિ.જ્ઞાન કોષ-૨)
આ જર્નલ એ સમયે પ્રકાશિત થયેલ જ્યારે ભેંસનું દૂધ સસ્તન પ્રાણીઓની કેટેગરીમાં સૌથી વધુ પોષક તત્વો ધરાવતું હતું. વંદાનું દૂધ પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને એમિનો એસિડ ધરાવે છે, જે માણસના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી પોષક તત્વો છે. શરીરમાં રહેલા પ્રોટીનનું પાચન થતાં તે એમિનો એસિડમાં રૂપાંતરિત થાય છે અને તે શરીરના નવા કોષો બનાવવામાં અને તેને રિપેર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વંદાનું દૂધ પચવામાં સુપાચ્ય હોવાના કારણે જે લોકોને ડેરી પ્રોડકટ્સની એલર્જી હોય તેના એક વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે. (FYI: સામાન્ય રીતે જ્યુસને પચવા માટે લાગતો સમય 15 થી 30 મિનિટ જેટલો છે. જ્યારે ગાય-ભેંસના દૂધને પચવા માટે 10 - 12 કલાક જેટલો સમય લાગે છે.)
પ્રકાશિત જર્નલના સંશોધકો વધુમાં જણાવતાં કહે છે કે વંદો નાનું કીટક હોવાથી ખૂબ અલ્પ પ્રમાણમાં પ્રવાહી જેવું દૂધ બનાવી શકે છે. ગાય તેમજ ભેંસોની જેમ તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરી અને લોકો માટે વહેંચવું એ એક મોટો પડકાર છે, ખરેખર તો એ શક્ય જ નથી. સંશોધકો કહે છે કે, માત્ર 100 ગ્રામ જેટલા દૂધના ઉત્પાદન માટે 1000 જેટલા વંદાઓને મારવા પડે. વંદાના દૂધને ગાય ભેંસની જેમ દોહીને મેળવવાનું હોતું નથી. એ માટે તેને મારીને તેના Midgut તરીકે ઓળખાતા શરીરના અંગમાંથી વૈજ્ઞાનિક ઢબે મેળવવાનું હોય છે. પરંતુ એમ ન કરવું હોય તો? તેનો જવાબ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં આવેલી Institute For Stem Cell Science નામની સંસ્થા પાસે છે. આ સંસ્થાએ વંદાના Midgut ની જીનેટિક બ્લૂપ્રિન્ટ મેળવી લીધી છે (વાક્ય સંદર્ભ: વિ.જ્ઞાન કોષ-૨) અને તે જીનેટિક બ્લૂપ્રિન્ટના આધારે લેબોરેટરીમાં તે દૂધને કૃત્રિમ રીતે બનાવી શકાય છે. આપણી પાસે જીનેટિક બ્લુપ્રિન્ટ હોવાથી તેના દ્વારા બનાવેલ દૂધ એકદમ ઓરીજનલ જેવું જ તમામ પોષક તત્વોથી ભરપૂર હોવાનું. લગભગ 250 મિલીલીટરનો વંદાના દૂધનો એક પ્યાલો પીવાથી શરીરને 700 કેલરી મળી જાય છે, જ્યારે ગાય - ભેંસના દૂધનો એટલો પ્યાલો પીવાથી શરીરને મળતી કેલરી માત્ર 235 જેટલી જ છે.
આ પ્રકારના સુપરફૂડ જ હવે આવનારા સમયમાં લોકોના સધિયારા સમાન બની રહેવાના છે. જેને માત્ર અલ્પ પ્રમાણમાં આરોગવાથી જ જેમ થોડા એવા યુરેનિયમમાંથી વિપુલ પ્રમાણમાં ઊર્જા મળી રહે તેમ શરીરને પણ ઊર્જાથી તરોતાજા કરી દે...! (સંદર્ભ: healthline, હેલ્થ.કોમ, Times of India)
Comments
Post a Comment