રાત્રિનો સમય હતો અને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ભારતના ખરાં 'રતન' એવા પદ્મ વિભૂષણ શ્રી રતન ટાટા સાહેબના નિધનના સમાચાર વહેતા થતાં પરોઢ સુધીમાં તો આખો દેશ થંભી ગયો. સૌથી મોટા આઘાતજનક સમાચાર કે જેના વિશે કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી એ સમાચારપત્રોની હેડલાઇન્સ પર હતા. વ્યક્તિગત રીતે જોઈએ તો જેની સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ ન હતો એવા નાના મોટા તમામ લોકોને કોઈ પોતીકું ગુમાવ્યાનો સતત અહેસાસ થતો હતો. માન્યામાં ન આવે એવી ઘટના કે જેને માત્ર સાક્ષી ભાવે જોયા કરીને પ્રત્યેક દેશવાસીની આંખો અશ્રુભીની થતી રહેતી હતી.
આમ તો ટાટા ગ્રુપને નવી ઉંચાઈઓ પર લઈ જનાર રતન ટાટાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેઓ દેશના સફળ ઉદ્યોગપતિ હતા. પોતાની ક્ષમતાના આધારે તેણે ટાટા સન્સને બિલિયન્સ ટ્રિલિયન્સ ડોલરનો બિઝનેસ બનાવ્યો છે. જોકે, રતન ટાટાથી બિઝનેસ ટાયકૂન બનવા સુધીની તેમની સફર ઘણી રસપ્રદ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે રતન ટાટાએ પોતાની કારકિર્દી એક સામાન્ય કર્મચારી તરીકે શરૂ કરી હતી. તેમની જીવની વિશે આમ તો બધાને ખબર હોવી સ્વાભાવિક વાત છે. એટલે એ વાતોને અહીં ન ટાંકતા તેમના કેટલાક પ્રસંગોને જોઈએ કે કેવા કેવા પ્રસંગો તેમને રતનમાંથી 'રત્ન' બનાવતા હતા.
એક વખત 1992માં ઇન્ડિયન ઍરલાઇન્સના કર્મચારીઓનું એક અદ્ભુત સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું. સર્વેક્ષણ દરમિયાન તેમને પૂછવામાં આવેલું કે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં તમને સૌથી વધારે પ્રભાવિત કરનાર મુસાફર કોણ છે? તો, સૌથી વધારે વોટ રતન તાતાને મળ્યા હતા. જ્યારે આનું કારણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે તેઓ એકલા એવા વીઆઈપી હતા કે જેઓ એકલા ચાલતા હતા કોઈપણ ટીમ વગર. તેમની બૅગ અને ફાઇલો ઊંચકવા માટે તેમની સાથે કોઈ આસિસ્ટન્ટ નહોતા રહેતા. વિમાન ઊડવા લાગે કે તરત તેઓ પોતાનું કામ શરૂ કરી દેતા હતા.
તાતા ગ્રૂપ વિષયક જાણીતા પુસ્તક ‘ધ તાતાઝ : હાઉ અ ફૅમિલી બિલ્ટ અ બિઝનેસ ઍન્ડ અ નૅશન’માં ગિરીશ કુબેરે લખ્યું છે, "જ્યારે તેઓ તાતા સન્સના પ્રમુખ બન્યા ત્યારે તેઓ જેઆરડીના રૂમમાં ન બેઠા. તેમણે પોતાની બેઠક માટે એક સામાન્ય નાનો રૂમ બનાવડાવ્યો. આ ઉપરાંત જ્યારે તેઓ કોઈ જુનિયર ઑફિસર સાથે વાત કરતા હોય ત્યારે કોઈ વરિષ્ઠ અધિકારી આવે તો તેઓ તેમને રાહ જોવાનું કહેતા હતા. અને વાત પૂરી થયા બાદ જ વરિષ્ઠ અધિકારી સાથે વાર્તાલાપ શરૂ કરતાં."
આ ઉપરાંત ગિરીશ કુબેર લખે છે કે, "તેમને શ્વાન માટે એટલો બધો પ્રેમ હતો કે જ્યારે તેઓ પોતાની ઑફિસ બૉમ્બે હાઉસ પહોંચે ત્યારે રસ્તે રખડતાં શ્વાન તેમને ઘેરી લેતાં અને તેમની સાથે લિફ્ટ સુધી જતાં હતાં. બૉમ્બે હાઉસમાં, સ્ટાફ કે સભ્ય અથવા જેમની પાસે પહેલાંથી પ્રવેશ મંજૂરી ન હોય તેવા લોકોને અંદર આવવાની મંજૂરી નહોતી અપાતી; પણ ઘણી વાર આ શ્વાનો તેની લૉબીમાં ફરતાં દેખાતાં." (પ્રસંગ સંદર્ભ: BBC)
બીજો એક પ્રસંગ જોઈએ તો, એકવખત રતન ટાટા કંપનીના કર્મચારીઓની મુલાકાતે નીકળ્યા. કર્મચારીઓને મળીને એમના પ્રશ્નોની માહિતી મેળવી રહ્યા હતા. રતન ટાટાની સાથે કંપનીના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હતા. મુલાકાત દરમિયાન કંપનીના સામાન્ય કર્મચારીઓને પણ રતન ટાટા ખુબ પ્રેમથી સાંભળી રહ્યા હતા. કર્મચારીઓ પણ દિલ ખોલીને પોતાના પ્રશ્નો રતન ટાટા સમક્ષ રજુ કરી રહ્યા હતા. એવામાં એક કર્મચારીએ ફરિયાદ કરતા કહ્યું, "સર, અમારા માટેના ટોઈલેટની હાલત ખુબ ખરાબ છે. નળ પણ તૂટેલા હોય અને ગંદકી પણ ખુબ હોય. બરોબર સફાઈ પણ નથી થતી અને ટોઈલેટનું મેઇન્ટેનન્સ પણ બરોબર નથી થતું". બાકીના બધા કર્મચારીઓએ આ વાતમાં ટેકો આપ્યો. બીજા એક કર્મચારીએ કહ્યું, "સર, અધિકારીઓના ટોઈલેટ એકદમ ચોખ્ખા અને અપ-ટુ-ડેટ હોય છે પણ અમારા ટોઈલેટનું જ ધ્યાન રાખવામાં આવતું નથી". રટન ટાટાએ આ નાની એવી વાતને પણ ખુબ મહત્વ આપીને ગંભીરતાથી લીધી. તેમની સાથેના અધિકારીઓને પૂછ્યું, આ બધા કર્મચારીઓને તમારા જેવા જ ટોઈલેટની સુવિધા આપવી હોય તો કેટલો સમય લાગે? એક અધિકારીએ કહ્યું, "સર, આ વ્યવસ્થા કરવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગે". રતન ટાટાએ કહ્યું, "જે કામ કરવામાં તમને એક મહિનો લાગે એ કામ હું માત્ર એક મિનિટમાં કરી શકું."
એટલે બધાને આશ્વર્ય થયું કે આવું તો કેમ બની શકે? રતન ટાટાએ મૂંઝવણ દૂર કરતા કહ્યું, "હવે પછી અધિકારીઓના ટોઈલેટનો ઉપયોગ કર્મચારીઓએ કરવાનો છે અને કર્મચારીઓના ટોઈલેટનો ઉપયોગ અધિકારીઓએ કરવાનો છે. મને ખાતરી છે કે થોડા દિવસોમાં જ કર્મચારીઓના ટોઈલેટની સ્થિતિ આપો આપ સુધરી જશે." કેવો અલગ દૃષ્ટિકોણ...
છેલ્લો અને ખૂબ મહત્વનો એવો સન 2012નો એક કિસ્સો કે જેનો રતન ટાટાના જીવનચરિત્રમાં પણ ઉલ્લેખ છે. ત્યારે ટાટા ઈન્ડસ્ટ્રીઝના કર્તાહર્તા સમાન રતન ટાટાએ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલું અને પોતાનું સ્થાન સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું. પત્રકારોએ પૂછ્યું કે તમે સાયરસ મિસ્ત્રીને કોઈ સલાહ આપી છે? તો રતન ટાટાએ જણાવ્યું હતું કે, 'ના, મેં કોઈ સલાહ નથી આપી. કેમ કે મેં જ્યારે મારી કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે મને લોકોએ પ્રશ્ન કર્યો હતો કે આપ આપના રોલમોડેલ જે.આર.ડી. ટાટા જેવા બનવા માંગો છો? તેમના જેવું કામ કરશો?' ત્યારે મેં ઉત્તર વાળ્યો હતો કે, 'નહીં, હું મારા મૂલ્યો અને ક્ષમતાના આધારે કામ કરીશ. હું સાયરસ મિસ્ત્રી પાસેથી પણ એ જ અપેક્ષા રાખું છું કે તે રતન ટાટા બનવાની કોશિશ ન કરે. પોતાના મૂલ્યો અને ક્ષમતાના આધારે જ પોતાની આગવી ઓળખ બનાવે અને કંપનીને સફળતાના નવા શિખરો સુધી પહોંચાડે.' હવે જો રતન ટાટાએ જે.આર.ડી. ટાટાની જેમ બનવાની કોશિશ કરી હોત તો તેઓ કદાચ આટલી સફળતા અને પ્રસિદ્ધિ ન પામી શક્યા હોત. આ સંદર્ભે તો બી.સી. પાંડે અનુવાદિત રતન ટાટાના જીવન ચરિત્રમાં જણાવાયું છે, 'હું તેમના પછી આવ્યો જેમના પગરખાં જ બહુ મોટાં હતાં. જે.આર.ડી. ટાટા ભારતીય બિઝનેસ ગ્રૂપના હીરો હતા. 50 વર્ષ સુધી તેઓ ટાટા ગ્રુપમાં મોખરે રહ્યાં.' રતન ટાટાના આ શબ્દો પરથી આપણે જાણી શકીએ કે તેમણે ક્યારેય જે.આર.ડી. ટાટા જેવા બનવાની કોશિશ નથી કરી કે નથી તેમનું અનુસરણ કર્યું. હંમેશા તેમને એક આદર્શ જ માન્યા છે. આ જ કારણ હતું કે પોતાનો કાર્યભાર સાયરસ મિસ્ત્રીને સોંપતી વખતે રતન ટાટાએ તેમને કહ્યું હતું, 'તમે મારી જેમ કામ કરશો નહીં, કારણ કે જો તમે મારી જેમ કામ કરશો તો ન તો તમે રતન ટાટા બની શકશો કે ન તો સાયરસ મિસ્ત્રી રહી શકશો.' કેટલી અદ્ભુત વાત...
આ ઉપરાંત તેઓ માત્ર સફળ થવાની બિઝનેસ ટીપ આપે તેટલું જ નહીં, તેઓ જીવનનો મર્મ સમજાવતા કહે છે, 'કેવળ રૂપિયા અને ઈજ્જત કમાવવા એ જ પૂરતું નથી. વિચાર કરો, જે દિવસે તમારું કોઈની સાથે બ્રેકઅપ થયું હોય, તે દિવસે કંપનીમાં મળેલા પ્રમોશનનો કોઈ અર્થ નથી રહેતો. તમારી પીઠમાં દર્દ હોય તો કાર ચલાવવાનો આનંદ નથી આવતો. તમારા મગજ પર સ્ટ્રેસ (તણાવ) હોય ત્યારે શોપિંગ કરવાની મજા નથી આવતી. આ જીવન તમારું છે, તેને અતિ ગંભીર ન બનાવો. આપણે બધા તો આ દુનિયામાં થોડીક પળોના મહેમાન છીએ, તો જીવનનો આનંદ ઉઠાવો. તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. આ દુનિયામાં આપણે એક મોબાઈલના રિચાર્જ જેવા છીએ, જે પોતાની વેલિડિટી પછી સમાપ્ત થઈ જવાના છીએ. આપણી પણ વેલિડિટી છે. આપણે ભાગ્યશાળી હોઈશું તો ઓછામાં ઓછા 50 વર્ષ તો જીવીશું જ. આ 50 વર્ષોમાં કેવળ 2600 અઠવાડિયા હોય છે. શું ત્યારે પણ આપણે કામ પર કામ કર્યા કરવાની જરૂર છે? જીવનને એટલું મુશ્કેલ ન બનાવો કે ખુશીઓ તમારાથી દૂર રહે. બધું સારું છે. ક્યારેક કામથી રજા લેવી, ક્લાસ બંક કરવો (ક્યારેક ક્લાસ બંક કરવાનું તો કલામ સાહેબ પણ કહેતા), કોઈક પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવવા, નાના ભાઈ-બહેન સાથે ઝઘડવું -- બધું ઠીક છે, ચાલતું રહે છે. જ્યારે જીવનના અંતિમ પડાવ પર હોઈશું ત્યારે જ આ નાની-નાની વાતો આપણને હસાવશે અને કંપનીનું પ્રમોશન, 24 કલાક સતત કામ -- આ બધી ઘટનાઓનો ત્યારે કોઈ અર્થ નહીં હોય. આપણે માણસ છીએ, કોઈ કમ્પ્યુટર નથી. જીવનનો આનંદ માણો.'
છેલ્લે, જગતના રત્નો એના પર પ્રકાશ પડે ત્યારે ચમકતા હોય છે. ભારતના આ "રતન" (TATA) ના પ્રકાશમાં આખો દેશ ચમકતો હતો! (Para. FB પોસ્ટ)
Comments
Post a Comment