દિવાળીનો તહેવાર પૂરો થતાં જ દેવઉઠી એકાદશીથી ભારતભરમાં લગ્નની સીઝનના દ્વાર ખૂલી રહ્યાં છે. જે આખી સીઝન બેએક મહિના સુધી ચાલશે. સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર આ સિઝનમાં આશરે ૫૦ લાખ જેટલા લગ્નો છે. જેના પગલે ભારતના અર્થતંત્રમાં છ ટ્રીલીયન રૂપિયા (૬ લાખ કરોડ) ઠલવાશે. આ તમામ લગ્નોમાં અબજોપતિઓ તેમજ સેલિબ્રિટીઝને ત્યાં યોજાનાર ભપકાદાર લગ્નોનો સમાવેશ નથી થતો. આ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકો લગ્નોમાં જે ખર્ચા કરતા હોય છે તે સરેરાશ રકમ ગણીને છ લાખ કરોડ રૂપિયા જેટલી છે. ગત વર્ષે આ સમયગાળાની મેરેજ સિઝનમાં ૩૫ લાખ લગ્નો થયા હતા અને આર્થિક તંત્રમાં 4.25 લાખ કરોડ રૂપિયા ઠલવાયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર આ વખતે માત્ર દિલ્હીમાં જ સાડાચાર લાખ લગ્નો છે. જેમાં દોઢ લાખ કરોડનો ખર્ચ થવાનો છે.
ગત નવેમ્બરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના એક મહત્વના પ્રોજેક્ટ એવા કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ પ્રસંગે આપણને સૌને 'Make In India' જેવું એક નવું જ સ્લોગન મળ્યું, 'Wed In India'. આ સ્લોગન આપણને ખરેખર એવા સમયે મળ્યું છે જ્યારે દેશના ઘણા મોટા ગજાના શ્રીમંતો પોતાના સંતાનોના લગ્ન પ્રસંગ વિદેશમાં યોજવા તત્પર હોય છે. આપણે જોઈ શકીએ કે આ એક સૂત્રમાં અત્યારના સમાજની વાસ્તવિકતાની સાથે સાથે દુરંદેશીપણું પણ છે. કેમ કે અત્યારે દેખાદેખી અને હુંસાતુંસીમાં હું બીજા કરતા આગળ છું અને હું બીજા કરતા શ્રેષ્ઠ છું એવો પોતાનો અહમ સંતોષવા અને સમાજની આવી વાહિયાત વાસ્તવિકતાની વચ્ચે લોકો બેંક લોન લઈને પણ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. લાખો કરોડોના પેકેજ સાથે લોકો વિદેશમાં જઈને ભપકાદાર લગ્ન સમારંભો યોજે છે. જેમાં ઈટલી, દુબઈ, થાઇલેન્ડ વગેરે જેવા સ્થળો તો હોટ ફેવરિટ છે.
ગૂગલ પર ઓનલાઈન સર્ચ કરતા માલુમ પડે કે અગણિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ આ નવા સ્લોગન પછી કેટકેટલાય ડેસ્ટિનેશન વેડિંગના એડવાન્સ બુકિંગ રદ કરવા પડ્યા છે. શ્રીમંત લોકો ભારતમાં જ ડેસ્ટીનેશન વેડિંગનો પ્લાન કરે છે. જેમાં રાજસ્થાનમાં જયપુર તેમજ ઉદયપુરના કેટલાક પેલેસ તેમના રજવાડી ઠાઠ માટે અને ગોવાના કેટલાક સ્થળો તેના રમણીય દ્રશ્યોના કારણે હોટ ફેવરિટ છે. કેટલાક શ્રીમંતો તો પહેલાની જેમ રાજા મહારાજાના મહેલોમાં ઠાઠમાઠથી પોતપોતાના લગ્ન સમારંભોનું આયોજન કરી રહ્યા છે. આવું કરવાથી મુખ્યત્વે બે પ્રકારના ફાયદાઓ થાય છે. એક તો સામાજિક અને બીજો આર્થિક.
સામાજિક ફાયદો એટલે કે જ્યારે એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં પોતાના લગ્ન સમારંભ માટે જાય ત્યારે ત્યાંના રીત-રિવાજો મુજબ, ત્યાંની વિધિ પ્રમાણે તેઓ પરણવાનો આગ્રહ રાખતા હોય છે. જેના કારણે જે તે રાજ્યની જે પ્રણાલી હોય છે તેનાથી એકબીજા અવગત થાય છે. પરસ્પર સંસ્કૃતિ ભિન્ન હોવાની, જેથી એકબીજા સુપેરે પરિચિત થાય છે. પરીણામે ભારતની પ્રાચીનતમ અને સમૃદ્ધ એવી પરંપરાઓ નવી પેઢીમાં પણ જળવાઈ રહે છે. બીજું મહેમાનો આસપાસના પ્રખ્યાત સ્થળોની મુલાકાત પણ ગોઠવે છે જેથી ડેસ્ટીનેશન વેડિંગના નામે પ્રવાસ પણ થઈ જાય છે. જેથી ત્યાંની લોકલ ઈકોનોમીને પણ ખાસ્સો એવો ટેકો મળે છે. એક સાથે બે કામ થઈ રહે, લગ્નના લગ્ન અને પ્રવાસનો પ્રવાસ. બંને એકસાથે એક જ બજેટમાં ગોઠવાઈ જાય છે.
આર્થિક ફાયદો એટલે કે જ્યારે શ્રીમંત લોકો ભારતમાં જ ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરે તો દેશના પૈસા દેશમાં જ રહે છે. એક અંદાજ પ્રમાણે શ્રીમંતો દર વર્ષે આશરે 75 હજાર કરોડથી લઈને 1 લાખ કરોડ જેટલી માતબર રકમ ડેસ્ટીનેશન વેડિંગ પાછળ ખર્ચે છે. હવે જો ભારતમાં જ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવે છે આટલી મોટી રકમ દેશમાં જ રહે અને બહાર જતાં અટકે. આ ઉપરાંત આટલા મોટા અને ભવ્ય આયોજનો પાછળ અલગ અલગ ઘણા બધા વિભાગોને પણ થોડી ઘણી કમાણી થઈ રહે છે. ડેકોરેશન, લાઇટિંગ, મંડપ, કેટરિંગ સર્વિસ, વિડિયોગ્રાફી - ફોટોગ્રાફી, સાઉન્ડ સિસ્ટમ વગેરે જેવા તમામ વિભાગોમાં કામ કરતા હજારો લોકોને રોજગારી પણ મળી રહે છે અને તે બધાના હાથમાં પૈસો પણ ફરતો રહે છે.
ડેસ્ટીનેશન મેરેજ પ્લાન કરાવનારા અવનવા કોન્સેપ્ટ પણ લાવતા હોય છે. તે બધા જ ખર્ચાળ હોય છે પરંતુ આમ જોઈએ તો તે આર્થિક તંત્રમાં તેજીનો સંચાર કરનારા હોય છે. થોડા સમય પહેલા લગ્ન વખતે ઘેર દરજીને બેસાડીને ધરના સભ્યોના કપડાંનું નાપ લેવામાં આવતું. હવે ડ્રેસિંગ માટેનો ક્રેઝ વધતાં બ્રાઇડ્સ તેમજ ગૃમ્સના રેડીમેઇડ ડ્રેસની કિંમત જ હજારોથી શરૂ કરીને લાખોમાં હોય છે. શ્રીમંત લોકોને ત્યાં તો લગ્નના વિવિધ પ્રસંગોમાં કોણે શું પહેરવું એ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા નક્કી થતું હોય છે.
અત્યારના સમયમાં સોશ્યલ મિડીયા પાછળ પણ મેરેજનું અલાયદું બજેટ ફાળવવામાં આવે છે. સોશ્યલ મિડીયા પર કંકોત્રી, રીમાઇન્ડર, કાર બુકીંગ, લાઇવ લોકેશન વગેરે મોકલવામાં આવે છે. શ્રીમંતોના ભપકાદાર લગ્નોમાં કંકોત્રી પાછળ વિશેષ ખર્ચ કરાય છે. કેટલાક લોકો સામાન્ય ડિઝાઇનની કંકોત્રી છોડીને સ્પેશ્યલ આર્ટીસ્ટ પાસે કંકોત્રી તૈયાર કરાવે છે. દરેક કંઇક ને કંઇક નવું કરવા મથે છે અને લોકોમાં તેમની વાહવાહી ઉભી થાય તેવા પ્રયાસો કરતાં હોય છે.
એવી જ રીતે લગ્ન પહેલાંની ફોટોગ્રાફી પાછળનો નવો કોન્સેપ્ટ ઉભો થયેલો છે. મેરેજની ફોટોગ્રાફીમાં એન્ગેજમેન્ટ ફોટો, પ્રી વેડીંગ, સંગીત સંધ્યા, રીસેપ્શન, લગ્ન, વિદાય વગેરે પ્રસંગોને આવરી લેતું અલગ અલગ પેકેજ હોય છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેમજ હવે ડ્રોન મારફતે ફોટોગ્રાફીનો ક્રેઝ પણ વધુ જોવા મળી રહે છે.
એવી જ રીતે તાજા ફૂલો, કાર શણગારવી, લગ્ન મંડપમાં એન્ટ્રી વખતનો શણગાર વગેરે પણ એડવાન્સ બુક કરાવવા પડે છે. આ વર્ગ માટે પણ મેરેજ સિઝન ચાંદી ચાંદી સમાન હોય છે. આવી દેખાદેખીના પગલે તો આશરે છ લાખ કરોડ ભારતીય અર્થતંત્રમાં તેજીનો પ્રાણ ફૂંકશે. આમ, હવે સમાજના તમામે તમામ વર્ગને તગડી કમાણી કરાવી આપનાર મેરેજ સિઝન એક ઉદ્યોગ સમાન બની ગઈ છે.
ગત વર્ષે આપણે સૌએ સમાચાર માધ્યમોમાં જોયું તેમ ભારતમાં આશરે 35 લાખ જેટલા લગ્નો હતાં. અને ભારતમાં આખા વર્ષ દરમિયાન લગ્નની સીઝન દરમિયાન થતાં કુલ બિઝનેસને આંકડાકીય સ્વરૂપે જોઈએ તો લગભગ સાડા ચાર થી પાંચ લાખ કરોડનો બિઝનેસ લગ્ન સમારંભોના આયોજનો પાછળ થાય છે. જેમાંથી અગાઉ ઉલ્લેખ કર્યો તેમ એકાદ લાખ કરોડ રૂપિયા વિદેશમાં જતા રહે છે. હવે આ પૈસાને ભારતમાં જ રોકવા અને બહાર જતા અટકાવવા આ સ્લોગન સાર્થક પુરવાર થઈ શકે તેમ છે.
Comments
Post a Comment