ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું જ, પરંતુ સાથે સાથે ઉત્સવપ્રધાન દેશ પણ છે. આપણાં દેશમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશે કે જ્યારે દેશના કોઈને કોઈ ખૂણે કોઈ તહેવાર ન ઉજવાતો હોય! આમ તો સમગ્ર ભારતવર્ષમાં દરેકે દરેક તહેવારોનું અનોખું મહાત્મય છે. પછી એ મકર સંક્રાંતિ હોય કે રક્ષાબંધન, જન્માષ્ટમી હોય કે નવરાત્રી. દરેક તહેવારની સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી હોય છે. એમાં પણ આ બધામાં મુખ્ય એવો દિવાળીનો તહેવાર કંઈક વિશેષ જ મહત્વ ધરાવે છે. દિવાળી આવતા પહેલાં કેટલાય દિવસોથી જોવાતી તેની રાહ, ઘરની સાફ-સફાઈ, પોતાના તેમજ પરિવારના સભ્યો માટે અવનવી ખરીદીઓ માટેની ઉત્સુકતા વગેરે પણ એક ઉત્સવ પહેલાનો ઉત્સાહ પૂરો પાડે છે. ત્યારબાદ દિવાળી તો પોતે જ હર્ષોલ્લાસ સાથે ઉત્સાહ - ઉમંગ લઈને આવે છે.
ઐતિહાસિક રીતે આસો મહિનાના અમાસના દિવસ સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. જેમાં ભગવાન શ્રી રામ પોતનો વનવાસ પૂરો કરી માતા જાનકી તેમજ અનુજ લક્ષ્મણ સાથે પાછા અયોધ્યા આ જ દિવસે પધાર્યા હતાં. જેથી આ આનંદના અવસરને લોકોએ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. અન્ય એક કથા શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે આ દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર તેનું સાચું નામ નહોતું, પરંતુ તે બધાને નર્ક સમાન ત્રાસ આપતો હતો એટલે બધા તેને નરકાસુર કહેતાં હતા. જયારે કૃષ્ણએ આ ત્રાસથી મુક્તિ અપાવી ત્યારે લોકોએ ઘેર ઘેર દીવાઓ પ્રગટાવીને તેની ઉજવણી કરી. એવું મનાય છે કે આ નરકાસુરનો વધ જ્યારે થયો તેનાથી પણ પૂર્વે ઘણા લાંબા સમયથી દીવા પ્રગટાવવાની સંસ્કૃતિ અને પરંપરા ચાલી રહી છે.
આમ જોઈએ તો દિવાળી તહેવારોનો રાજા કહેવાય છે. આપણને પ્રાયમરી સ્કૂલમાં દર વર્ષે જ્યારે દિવાળી પર ગુજરાતી ભાષામાં નિબંધ લખવાનો આવે એટલે આ વાક્ય પણ ભૂલ્યા વગર લખાતું. રાજાનો ઠાઠમાઠ અલગ હોય, તેનો માભો અલગ જ હોય અને તેનો પ્રભાવ ચોતરફ વ્યાપેલો હોય. એવી જ રીતે બધા તહેવારોમાં દિવાળીનો પણ એક અલગ જ માભો હોય છે. બધા તહેવારોમાં શિરોમણી સમાન કોઈ તહેવાર હોય તો તે છે દિવાળી. જોકે હવે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ દિવાળીની સાથે જોડાયેલી બધી બાબતો બદલવા લાગી છે. દિવાળી કાર્ડસના મોબાઈલ મેસેજીસ, દીવડાની રોશની સીરીઝ, રંગોળીને બદલે સ્ટીકર્સ અને બીજું ઘણું બધું… પણ એમાં હાથનો ‘ટચ’ નથી. જાતે જે કરો, એમાં સમય આપવો પડે. એટલે જ રેડીમેઈડ કરતા હેન્ડમેઈડનું મૂલ્ય વઘુ છે. અને દિવાળીમાં હજુ એકમાત્ર એવી હેન્ડમેઈડ બાબત ગાયબ થઈ નથી અને થવાની પણ નથી. એ છે સાફસફાઈ. આમ તો જાતે જ બધા સાફસફાઈ કરતાં હોય છે અમુક રઈસ લોકોને બાદ કરતાં. કેમ કે તેઓ પૈસા આપી બીજા પાસે સાફસફાઈ કરાવી લેતા હોય એમાં જોઈએ એવો ચાર્મ નથી મળતો. એમાં પણ કુટુંબ જો સંયુક્ત હોય તો સાફસફાઈમાં શતરંજ પણ રમાઇ શકે. અમુક દાંડ નણંદ કે જેઠાણી નવી વહુને માથે કામ નાખી પોતે છટકી જાય. એવામાં કંઈક ઢોળાય કે કોઈનાથી કંઈ આઘુપાછું થયું એટલે વાંક કાઢીને તાડૂકવાનું કોઈના ઉપર! રસોડાના કદી દોડતા ન હોય એવા ઘોડા પર બરણીઓ ગોઠવવામાં વળી કોઇ પરોપકારી પુરૂષ મદદ કરાવવા જાય, તો ‘તમને ખબર ન પડે’ એમ કહી તુચ્છ ગણીને ખદેડી મૂકે. આવી બધી હોહા તેમજ ઢિકા પાટુ ખાઈને પછી ઘર જે ચમક મારે એ જોવાની પણ અલગ જ મજા છે.
ખેર, અહીં સમજવાની વાત એ છે કે ખરા અર્થમાં દિવાળીનો મતલબ શું છે? આપણે આપણી સમજણ પ્રમાણે ઘણાબધા અર્થ કર્યા પણ વાસ્તવમાં દિવાળીના દરેક દિવસ પાછળ એક અર્થ રહેલો છે. દિવાળીના તહેવારના મુખ્ય ચાર દિવસ છે. જેમાં પ્રથમ છે, વાક બારસ (વાઘ બારસ નહીં). વાક એટલે વાણી. માં સરસ્વતીની પૂજા. સારી કળા, સારું સાહિત્ય, સારું સંગીત વગેરેનો અભ્યાસ કરી શબ્દને પોંખવો. સંગીત, કળા, સાહિત્યને આદર આપવો.
દ્વિતિય દિવસ છે ધનતેરસ. ના, ધન નહીં પરંતુ આરોગ્યના દેવી 'ધન્વંતરી' ની પૂજા. આપણને ગુજરાતીઓને તો 'ધનતેરસ' આ આખા શબ્દમાંથી ધન એટલું તો માંડ દેખાય, હીહીહી. અરે લક્ષ્મીપૂજન દિવાળીએ તો કરવાનું આવે જ છે તો પાછું અત્યારે ધનતેરસના દિવસે પણ કરવાનું? ધનતેરસે આરોગ્ય એટલે હેલ્થ (સ્વાસ્થ્ય)ના દેવી એવા ધન્વંતરીની પૂજા કરવાની હોય છે. આપણું મન હંમેશાથી ધન ખરીદવાની પાછળ જ હોય છે અને ન જાણે કેટલા સમયથી આપણે આવા મનઘડંત ખ્યાલોમાં રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે જ દોટ મૂકીને સોનું ખરીદવા પહોંચી જઈએ છીએ. દિવસ સારો જ છે ખરીદવા માટે. પરંતુ 'ધનતેરસે' ધનનું માયતમ ('મહાત્મય' રે...) છે જ નહીં. ખરેખર તો આપણે આપણી, પરિવારની તથા સ્નેહીજનોના સારા સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે તેમજ સુખાકારી માટે કામના કરવાની હોય છે. ખરા અર્થમાં ધનતેરસનો મતલબ આ છે.
ત્રીજો દિવસ એટલે કાળી ચૌદસ. સામાન્ય રીતે આપણે એમ સમજીએ કે ઘરમાંથી કકળાટ કાઢવાનો દિવસ એટલે કાળી ચૌદસ. રોડ વચ્ચે ચોકમાં કુંડાળા કરીને કકળાટ કાઢીએ અને પછી આખું વર્ષ કોઈક આપણી ઘરે આવીને કકળાટ કરે કે મારા ઘરની સામે કુંડાળા કરીને કેમ જતા રહ્યા, એમ નહીં..! કાલિકા એટલે પરાક્રમના દેવી. કોઈએ સરસ વાત કહેલી છે કે, ફક્ત એક ટકો જોઈએ મહોબ્બતમાં, બાકીના નવ્વાણું ખર્ચી નાખ હિંમતમાં. તો વાત અહીં હિંમતની છે. પછી ભલે એ કોઈપણ ક્ષેત્રમાં હોય. આત્મવિશ્વાસની સાથે હિંમત તેમજ પરાક્રમની પૂજા કરવાનો દિવસ છે.
અને છેલ્લો દિવસ એટલે દિવાળી. માં લક્ષ્મીની પૂજા. લક્ષ્મી વગર તો આ જગતના કર્તાહર્તા સ્વયં ભગવાન વિષ્ણુને પણ ન ચાલ્યું તો આપણા જેવા પામર જીવોને કેમ ચાલે? સમગ્ર વિશ્વના કેન્દ્રમાં લક્ષ્મી છે. ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જેણે કોઈનો તિરસ્કાર નથી કર્યો. વિજ્ઞાનનો તિરસ્કાર નથી કર્યો, શ્રુંગારનો તિરસ્કાર નથી કર્યો, પ્રેમનો તિરસ્કાર નથી કર્યો કે લક્ષ્મીનો તિરસ્કાર નથી કર્યો. ઉલટાનું લક્ષ્મીને તો દેવી બનાવીને સૌથી મોટો તહેવાર એમના નામે કર્યો.
આમ, સરસ્વતી એટલે નોલેજ, ધન્વંતરી એટલે હેલ્થ, કાલિકા એટલે કરેજ અને લક્ષ્મી એટલે વેલ્થ. જેની પાસે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન હોય અને દુનિયાના કોઈ પણ પડકારનો સામનો કરવાની અને નિર્ણય લેવાની હિંમત જો હોય, તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકો એટલી નિયમિતતા જો તમારામાં હોય, તબિયત સાચવવામાં એટલો સંયમ જો હોય અને જીવનભર કોઈ બીજા પર આધાર ન રાખવો પડે અને ઓશિયાળા ન બનીએ એવી વેલ્થ જો તમારી પાસે હોય તો આ ચારેય વસ્તુ ભેગી થાય અને તેનું સંતુલન જળવાય ત્યારે નવા વર્ષનો રોજ ઉત્સવ આવે...
Comments
Post a Comment