હેં..! નવો સમુદ્ર?


હજારો લાખો વર્ષ પહેલાં જ્યારે સૂર્યમાંથી પૃથ્વીનું સર્જન થયું ત્યારે તે આગનો ગોળો હતી. ધીમે ધીમે પૃથ્વીનો ઉપરનો પોપડો ઠંડો પડતા અને અનેક ભૂસ્તરીય ઉથલપાથલ થતાં મહાસાગરોનું નિર્માણ થયું હતું. જેથી પૃથ્વી પર પાણી ઉદ્દભવતા સજીવસૃષ્ટિ પાંગરી. આજે પણ સમગ્ર પૃથ્વીના 71% જેટલું પાણી મહાસાગરો દ્વારા સચવાયેલું પડ્યું છે. જેમાં મુખ્ય પાંચ મહાસાગરોનો સમાવેશ થાય છે. સૌથી મોટો કહી શકાય એવો પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર. સામાન્ય સંજોગોમાં ધરતીની અંદર સતત ને સતત કંઇકને કંઇક હલચલ થતી રહેતી હોય છે. 


પરંતુ હમણાં થોડા સમય પહેલાં વર્ષ 2020 માં આવેલા અમુક રીપોર્ટસ જાણવા મળ્યું એ અનુસાર પૃથ્વી પરનો બીજા નંબરનો સૌથી મોટો ખંડ આફ્રિકા બે ભાગમાં વિભાજીત થવા લાગ્યો છે અને જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ આખી ઘટના ઈથોપિયાની છે જે આફ્રિકા ખંડથી ધીમે ધીમે અલગ થઈ રહ્યો છે. એવું એટલા માટે કે રાતા સમુદ્રથી લઈને મોઝામ્બિકની (દક્ષિણ આફ્રિકા ખંડના પૂર્વ ભાગમાં) વચ્ચે East African Rift કહેવાતી આફ્રિકી તિરાડ વધતી જાય છે અને તેનો ફેલાવો હાલની તારીખે આશરે 4000 માઈલ (6400 કિલોમીટર) જેટલો લાંબો અને 30-40 માઈલ (48-64 કિલોમીટર) જેટલો પહોળો છે. 

આ દરાર વર્ષ 2005 માં ઈથોપિયાના રણમાં સૌપ્રથમ વખત દેખાયાના અરસામાં જ પૃથ્વીનો એ વિસ્તાર લગભગ 420 થી પણ અધિક ધરતીકંપથી હચમચી ઊઠ્યો હતો. 2005 માં ઉત્પન્ન થયેલ આ દરાર પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ (EARS) નો જ એક ભાગ છે, જેમાં દરારો અને પૃથ્વીમાં પડતી તિરાડોનું આખું નેટવર્ક છે. જે લગભગ 25 મિલિયન વર્ષો પહેલા જ્યારે આફ્રિકામાં વાંદરાઓની પ્રથમ પ્રજાતિ વિકસિત થઈ રહી હતી ત્યારે તેનું અસ્તિત્વ સામે આવ્યું હતું (વાક્ય સંદર્ભ: ડિસ્કવર મેગેઝિન). રિપોર્ટ પ્રમાણે ત્યારે આ દરાર માત્ર 10 દિવસોની અંદર જ લગભગ 56 કિલોમીટર જેટલી લાંબી થઈ ગઈ હતી. વૈજ્ઞાનિકો જોકે ઘણાં વર્ષો પહેલાં જ દક્ષિણ આફ્રિકા ખંડના વિભાજનની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. આ બાબતે સાયન્સ જર્નલ જીયોફિઝિકલ રિસર્ચ લેટરમાં પણ સ્ટડી પ્રકાશિત થયો છે, કે જે આફ્રિકા ખંડની વિભાજીતની થિયરી આપે છે. આવનારા સમયમાં જો આ હકીકત બને તો તેના માટે પૃથ્વીનો ઉપરનો પોપડો જે ટેકટોનિક પ્લેટ્સ પર ટકેલો છે એ વિશે થોડું સમજવું પડશે. 

FYI: આપણી ધરા કુલ પાંચ આવરણ દ્વારા બનેલી છે. જેમાં પ્રથમ આવરણ તરીકે Crust (પોપડો) જેના પર આપણે રહીએ છીએ. ત્યારબાદ અપર લેયર, લોઅર લેયર આવે અને સૌથી નીચે આઉટર કોર કે જે લાવા તરીકે ઓળખાતા પ્રવાહી આવરણનું બનેલું છે અને ત્યારબાદ ઈનર કોર જે ઘન પદાર્થોનું બનેલું છે. આપણી પૃથ્વી હાલમાં મુખ્ય એવી 7 મોટી અને 8 નાની એમ મળીને કુલ 15 જેટલી ટેકટોનિક પ્લેટ્સ પર વસેલી છે. સામાન્ય ભાષામાં સમજીએ તો ધરતીનું લીથોસ્ફિયર એ ઘણી ટેકટોનિક પ્લેટ્સમાં વહેંચાયેલું છે. પૃથ્વીના નિર્માણના સમયથી જ આ પ્લેટો ખૂબ જ મંદ ગતિએ પોતાના સ્થાનથી વિચલિત થતી રહે છે અને આગળ પાછળ, ઉપર નીચે કોઈપણ દિશામાં સરકતી રહે છે. સામાન્ય રીતે આ પ્લેટ એક વર્ષમાં 4 થી 5 મિલીમિટર જેટલી પોતાના સ્થાન પરથી ખસે છે. ભૂસ્તર વિજ્ઞાન પ્રમાણે લીથોસ્ફિયરની નીચે એસ્થેનોસ્ફિયર રહેલું છે જેના પર આ પ્લેટ્સ ધીમે ધીમે સરકતી હોય છે. સામાન્ય સંજોગોમાં એસ્થેનોસ્ફિયરનો પ્રવાહ અને પ્લેટોનો દબાવ તેને ગતિશીલ બનાવે છે. ક્યારેક વધુ પડતો દબાવ આ ટેકટોનિક પ્લેટ્સને તોડી નાખે છે. જેનાથી પૃથ્વીની સપાટી પર તિરાડો પડી જાય છે. જે હાલ આફ્રિકાના કેસમાં બની રહ્યું છે. હવે પ્લેટોના ટકરાવાના કારણે દર વખતે પૃથ્વીમાં તિરાડો પડે એવું જરૂરી નથી. ઘણી વખત બે પ્લેટના ટકરાવાથી બંનેમાંથી કોઈ પ્લેટ બીજી પ્લેટ પર દોઢે પણ ચડી જાય છે. વર્ષો પહેલાં આપણો જે હિમાલય છે ત્યાં મહાસાગર ઘૂઘવતો હતો એ વાત આપણે જાણીએ છીએ. તો પછી હિમાલયનો જન્મ કેવી રીતે થયો? જવાબ છે ભારતીય ઉપખંડની ટેકટોનિક પ્લેટ કે જે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં હતી એ ધીમે ધીમે સ્થાનાંતર કરીને ઉપરની તરફ સરકી અને એશિયાઈ પ્લેટની સાથે જોરદાર ટક્કર થવાથી એકમેકની ઉપર ચડી ગઈ જેના કારણે હિમાલયનું નિર્માણ થયું. (FYI: ભારતીય ઉપખંડની પ્લેટ હાલમાં આજની તારીખે પણ ઉપરની તરફ સરકી રહી છે અને એશિયન પ્લેટ જોડે દબાણ યુકત ઘર્ષણ અનુભવે છે. જેના કારણે વહેલો મોડો એકસાથે સેંકડો અણુબોમ્બ ફાટે એવો શક્તિશાળી ભૂકંપ હિમાલયન ક્ષેત્રોમાં આવવાનો છે.)  

બેક ટુ ધ પોઈન્ટ, East African Rift (આફ્રિકન દરાર) ત્યાંની આફ્રિકન પ્લેટને બે ભાગમાં વિભાજીત કરે છે. વિજ્ઞાનની ભાષામાં જ્યારે લીથોસ્ફિયર Horizontal Expanding Force (ક્ષિતિજ વિસ્તારક બળ)ની નીચે હોય છે ત્યારે તે ફેલાઈને પાતળી થઈ જાય છે, જેને ભૂસ્તરીય ભાષામાં રિફ્ટ કહે છે. સામાન્ય રીતે રીફ્ટ કોઈપણ ઉપખંડની તૂટવાની પ્રાથમિક પ્રક્રિયા છે. જો એવું થયું તો એક નવા મહાસાગરની રચના થઈ શકે છે. સમયાંતરે આ દરાર જો વધશે તો તેની અસર સોમાલિયન અને નુબિયન ટેકટોનિક પ્લેટ્ પર થશે. આ બંને પ્લેટ ઈથોપિયાના ઉચ્ચ પ્રદેશમાં મળે છે. આ અફાટ પ્રદેશ ત્રણ ટેક્ટોનિક પ્લેટની સીમાઓ પર ટ્રિપલ જંકશનનું કેન્દ્રબિંદુ છે: ન્યુબિયન, સોમાલી અને અરેબિયન. આ બધા જીબુટી અને એરિટ્રિયા નજીક મળે છે, જે પૃથ્વીની સપાટી પર એક વિશાળ Y આકાર બનાવે છે.

હવે ઈથોપિયાના ઉચ્ચ પ્રદેશમાં કેટલોક ભાગ સમુદ્ર સ્તરથી નીચે છે. જેથી જેમ જેમ દરાર મોટી થતી જશે તેમ તેમ સમુદ્રનું પાણી આમાં ભરાતું જશે અને એક નવા જ સમુદ્રનું નિર્માણ થશે જે સોમાલિયન પ્લેટને દૂર ધકેલતો જશે. આવી રીતે સોમાલિયા અને દક્ષિણ ઈથોપિયા અલગ થઈ જશે અને દક્ષિણ આફ્રિકા ખંડ હાલના ક્ષેત્રફળ કરતા નાનો થઈ જશે. નવા મહાસાગરની રચનાના પરિણામે યુગાન્ડા અને ઝામ્બિયા જેવા લેન્ડલોક દેશો પણ ભવિષ્યમાં પોતાનો દરિયાકિનારો ધરાવતા હશે. એક ઉદાહરણ: પાછલા 30 મિલિયન વર્ષોમાં અરેબિયન પ્લેટના ધીમે ધીમે આફ્રિકા ખંડથી દૂર જવાના કારણે હાલનો રાતો સમુદ્ર (Red Sea) અને એડનની ખાડીનું નિર્માણ થયું છે. આ એક વિશાળ ભુવૈજ્ઞાનિક સંરચના છે કે જે ઉત્તરી સીરિયાથી લઈને પૂર્વી આફ્રિકાના મોઝામ્બિક સુધી વિસ્તરેલી છે. જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આફ્રિકાના નવા મહાસાગરને બનવામાં ઓછામાં ઓછાં 10 મિલિયન વર્ષ (એક કરોડ વર્ષ) જેટલો સમય લાગી શકે છે. 

ખેર, આફ્રિકન પ્રદેશમાં ટેકટોનિકનું ભવિષ્ય અત્યારે તો અસ્પષ્ટ છે. આ પ્રદેશ સોમાલી અને ન્યુબિયન પ્લેટોના કારણે દરિયાઈ તટપ્રદેશ ક્યારે બનશે અને હાલનો રાતો સમુદ્ર અને એડનના અખાતમાં કેવી રીતે તેનો ફેલાવો આગળ વધશે તેના પર હજુ પણ કોઈ સર્વસંમતિ નથી. એક મોડેલમાં, ક્રિસ્ટોફર સ્કોટનો "ફ્યુચર વર્લ્ડ" ટેક્ટોનિક નકશો દર્શાવે છે કે આજથી 50 મિલિયન વર્ષો પછી, સોમાલીયન અને ન્યુબિયન પ્લેટોના અથડાવાથી હાલમાં જે રાતો સમુદ્ર અને એડનનો અખાત છે તે અદૃશ્ય થઈ જશે. સંદર્ભ સાભાર: Britannica, Discover Magazine, Times of India, EOS (2020માં પ્રકાશિત થયેલ રિસર્ચ પેપર)

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?