એક વખત ક્લાસમાં શિક્ષકે એક અડધો પાણીથી ભરેલો ગ્લાસ ટેબલ પર મૂક્યો. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે થોડી વાર આ ગ્લાસ સામે જુઓ અને વિચાર વિમર્શ કરો. ત્યારબાદ હું તમને બધાને એક પ્રશ્ન પૂછીશ કે તમે લોકોએ શું જોયું. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડી ગયા કે આ અડધા ભરેલા ગ્લાસને જોઈને વળી શું વિચાર વિમર્શ કરવો ને શિક્ષક પણ શું આવો ખોટો ટાઈમ પાસ કરે છે. પાણીથી ગ્લાસ અડધો ભરેલો છે એ દેખાય તો છે એમાં એ પાછું શું પૂછશે? એટલે થોડીવારમાં બધા એકબીજા સામે જોઈને જાતજાતની ચર્ચાઓ કરવા લાગ્યા.
થોડા સમય બાદ શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, તમે બધાએ આ અડધા ભરેલા ગ્લાસને જોઈને શું અવલોકન કર્યું? અમુક વિદ્યાર્થીઓએ હાથ ઊંચો કર્યો અને જણાવ્યું કે ગ્લાસ એ પાણીથી અડધો ભરેલો છે. શિક્ષક હકારમાં માથું હલાવતા બોલ્યા, બરાબર છે. વળી પાછો એ જ પ્રશ્ન પૂછ્યો, હજી તમને બધાને આ અડધા ભરેલા ગ્લાસને જોઈને શું દેખાય છે? ત્યારે એકાદ હોંશિયાર વિદ્યાર્થીએ જણાવ્યું કે સાહેબ આ ગ્લાસ તો અડધો ખાલી છે. શિક્ષકે એને પણ જણાવ્યું, હા એ પણ સાચું. આ સંભાળતા જ બધા અંદરોઅંદર ગણગણ કરવા લાગ્યા કે લે આય સાચું..!
વળી પાછું શિક્ષકે જણાવ્યું કે હજી એક જવાબ છે. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સૌને લાગ્યું કે અડધો ગ્લાસ ભરેલો છે અને અડધો ખાલી છે એ તો સમજ્યા પણ આના સિવાય વળી શું જવાબ હોય શકે? એટલે શિક્ષક સમજાવતા બોલ્યા કે આ ગ્લાસ આખો ભરેલો છે. સૌ એકબીજાના મોં સામે તાકી રહ્યા. હેં..! સાહેબ આ વળી શું નવું લાવ્યા? એટલે સાહેબે ચોખવટ કરતા જણાવ્યું કે ગ્લાસ અડધો પાણીથી ભરેલો છે અને અડધો હવાથી ભરેલો છે. ત્યારે બધાને સમજાયું કે સાહેબનો ગ્લાસ તરફ જોવાનો દૃષ્ટિકોણ જ આખો અલગ છે.
આવું જ જિંદગીના સંજોગો સાથે છે. જીવનનું ગણિત પણ આ બાબતે થોડું અટપટું છે. સામસામે રાખેલી બે વ્યક્તિઓને જો એક નંબર બતાવવામાં આવે તો એક માટે એ 6 હશે જ્યારે બીજા માટે એ 9 હશે. અને બંને પોતપોતાના સાચા સાબિત કરવા અને સામે વાળાને ખોટો સાબિત કરવા ધારદાર દલીલો કરશે. પણ એકપણ વ્યક્તિ પોતાનું સ્થાન કે પોતાનો દૃષ્ટિકોણ ફેરવી સામેવાળા વ્યક્તિના સ્થાન કે દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન સુદ્ધાં નહીં કરે. એટલે આક્ષેપબાજી ચાલુ જ રહે. દરેક સંજોગ કે પરિસ્થિતિને જોવાના અલગ અલગ દૃષ્ટિકોણ હોય છે. ઉપરના જ ઉદાહરણની વાત કરીએ તો કોઈને ગ્લાસ અડધો ખાલી લાગ્યો તો વળી કોઈને ગ્લાસ અડધો ભરેલો લાગ્યો. એવામાં કોઈ અનુભવી વ્યક્તિ આવી તો એમને ગ્લાસ આખો ભરેલો લાગ્યો. એટલે ક્યાંક ક્યાંક જીવનમાં અનુભવ પણ અગત્યનો રોલ ભજવતો હોય છે. આપણે જે નજરે દુનિયા જોઈએ છીએ, તે જ આખરે વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. આપણે જેવા હોઈએ તેવી જ આ દુનિયા આપણને લાગે છે. જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો આપણને બધું જ સકારાત્મક દેખાશે અને જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ નકારાત્મક હશે તો આપણને આ દુનિયામાં કશું જ સારું કે સકારાત્મક નહી જ દેખાય.
કોઈ પણ સંજોગો સર્જાય ત્યારે તે ઘટના પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ જો અપનાવવામાં આવે તો હંમેશા ફાયદો થતો હોય છે. કંઈ ફાયદો નહીં તો અંતે કંઇક ને કંઇક શીખવા તો મળતું જ હોય છે. હકારાત્મક અભિગમ વળતરલક્ષી હોય છે. પ્રખ્યાત વિજ્ઞાની થોમસ આલ્વા એડિસન 67 વર્ષનાં હતાં ત્યારે તેમની લેબોરેટરીમાં આગ લાગી. ખૂબ મોટું નુકસાન થયું. બધું જ સળગીને ભસ્મીભૂત થઈ ગયું. પરંતુ તેમણે અભિગમ અપનાવ્યો કે પોતાની અણઆવડતથી નુકસાન થયું છે તો હવે નવા વિચારોથી ફરીથી શરૂઆત કરીશું અને કામ કરીશું. આમ કોઈનું અહિત કે નુકસાન કરવાના વિચારને જો બાજુ પર મૂકવામાં આવે તો એક નવો જ દૃષ્ટિકોણ અને એક નવી જ વિચારધારા નજર સામે પ્રતીત થતી જોવા મળે છે. કોઈપણ પરિસ્થિતિ પ્રત્યે હકારાત્મક અભિગમ કે હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી અનેક પ્રકારના રસ્તાઓ ને અનેક પ્રકારની શક્યતાતો ખુલી શકે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે દૃષ્ટિકોણ એટલે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે આપણી આસપાસના વાતાવરણ પ્રત્યેનો અભિગમ કે વલણ. દૃષ્ટિકોણ એ આપણા માનસમાં ઉદ્ભવતા વિચારોની ઊપજ છે જે દેખી શકાતો નથી પરંતુ રોજિંદા જીવનમાં આપણી વાણી અને આપણા વર્તને કરીને છતો થતો હોય છે.
દૃષ્ટિકોણને જો સહેલાઈથી સમજવો હોય તો એના માટે એક સરસ મજાની નાની એવી વાર્તા છે. એક વખત ચાર સુરદાસ જંગલમાંથી પસાર થતા હતા. તેમને જંગલમાં અજાણતાં એક વિશાળકાય હાથીનો ભેટો થયો. હવે બધા અંધ હતા એટલે પોતપોતાની રીતે હાથીનો સ્પર્શ કરવા લાગ્યા. એક સુરદાસે તેના કાન ઝાલ્યા ને સ્પર્શ કરતાં કોઈને પૂછ્યું કે, “ભાઈ, આ શું છે ?” ત્યારે મહાવતે કહ્યું, “આ હાથી છે.” બીજા સુરદાસે હાથીની સૂંઢ પકડી, ત્રીજા સુરદાસે હાથીનો પગ પકડ્યો અને ચોથા સુરદાસે હાથીનો કાન પકડ્યો. હવે બધાએ પોતપોતાની રીતે તેમણે જે ભાગ પકડ્યો હતો તેના પરથી હાથીનું વર્ણન કરવા લાગ્યા. જેણે હાથીનો કાન પકડ્યો હતો તેણે હાથીને સૂપડા જેવો વર્ણવ્યો, જેણે પગ પકડ્યો હતો તેમણે થાંભલા જેવો વર્ણવ્યો, જેણે સૂંઢ પકડી હતી તેમણે મોટા જાડા દોરડા જેવો અને પૂછડી પકડી હતી તેમણે પાતળી દોરડી જેવો વર્ણવ્યો. હાથી તો જેવો હતો તેવો તેવો જ હતો પરંતુ ચારેયે વર્ણન જુદું જુદું કર્યું. તેનું કારણ ચારેયના દૃષ્ટિકોણ જુદા હતા. આમ આ વાર્તા પરથી આપણે જાણી શકીએ કે વ્યક્તિ બદલાતાં જે-તે વસ્તુ, વ્યક્તિ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાતો હોય છે.
વિશ્વના સુપ્રસિદ્ધ લેખિકા હેલેન કેલર કહે છે કે, 'ખુશીનો એક દરવાજો જ્યારે બંધ થાય છે તો બીજો ખુલી જાય છે, પરંતુ આપણે કાયમ બંધ દરવાજાને એટલા સમય સુધી જોતા રહીએ છીએ કે આપણને એ દરવાજો દેખાતો નથી જે આપણા માટે ખુલી ગયો છે.' આપણે આપણી પિન એક જ જગ્યાએ ચોંટેલી રાખીએ છીએ જેથી આગળની શક્યતાઓ વિશે વિચારી નથી શકતા. કદાચ કોઈ પૂછે કે આ સૃષ્ટિ કેવી છે તો જવાબ મળશે કે એકદમ સરસ છે. કોઈ કહેશે કે ખરાબ છે. પરંતુ ખરેખર સૃષ્ટિ સારી કે ખરાબ તો હોતી જ નથી. જેને ખરાબ લાગે છે તો તે ખરાબી સૃષ્ટિમાં નહીં પરંતુ જોનારની નજરમાં છે. એક જાણીતી દંતકથા છે કે દુર્યોધનને જગતમાં કોઈ સારો માણસ જોવા મળ્યો નહિ અને યુધિષ્ઠીરને જગતમાં કોઈ ખરાબ માણસ દેખાયો નહિ. દુર્યોધન અને યુધિષ્ઠીરને એક-એક રુપિયો આપીને તેનાથી આખા ઓરડાને ભરી દેવાનું કહ્યું તો દુર્યોધને ઓરડાને ઉકરડાથી ભરી દીધો જ્યારે યુધિષ્ઠીરે દીવાના પ્રકાશથી ઓરડાને ભરી દીધો. ફેર માત્ર વિચારધારાનો જ છે બધે. પછી એ વર્ષો પહેલાનો સમય હોય કે અત્યારનો સમય.
માનો કે કોઈ અકસ્માતમાં કોઈનો હાથ કપાઈ જાય તો તેણે એક હાથ બચી ગયો તેમ માનીને આનંદની અનુભૂતિ કરવી કે જે નુકસાન વેઠવાનું થયું તેના રોદણાં રોવા? અંતે તો એ આપણા ઉપર જ છે કે આપણે એ દર્દભરી વાતને કઈ રીતે સ્વીકારીએ છીએ. મૂળ વાત તો એ જ છે કે જીવન આનંદમય લાગવું જોઈએ. જે આનંદને સ્વીકારે છે તે વ્યક્તિ હોંશિયાર છે. ફૂલનો સ્વીકાર છે તો કાંટાનો પણ સ્વીકાર છે. પ્રશંસા પ્રિય છે તો ટીકાને પણ પ્રસન્નતાથી સ્વીકાર કરવાની. માટીને ઘડીને માટલું બનાવાય છે અને ધાતુને ઘડીને દાગીના બનાવાય છે. આમ, માણસને ઘડવા માટે તેને પ્રશંસાથી પસવારવાની, ટીકાથી ટપારવાની તેમજ સંઘર્ષોમાં શેકાશે ત્યારબાદ તે સમાજને ઠંડક આપતો થશે.
Comments
Post a Comment