શાકાહાર VS માંસાહાર (જો આખી દુનિયા શાકાહારી થઈ જાય તો..?)


'હું જાણે લાંબી નીંદરમાંથી હવે જાગ્યો છું. જો તમને પર્યાવરણની પડી હોય તો પહેલા તમારા ભોજનથી એ બાબતે શરૂઆત કરો. કુદરત સાથે એ પહેલો સંબંધ છે. મોટી ક્રાંતિ ન કરી શકો તો શાકાહારી બનો જીવનમાં.' ઉપરોક્ત વિધાન ટાઈટેનિક અને અવતાર જેવી ફિલ્મોના દિગ્દર્શક જેમ્સ કેમેરૂને એક વખત એક ઇન્ટરવ્યુ દરમિયાન કહેલું. 

શીર્ષકની ટેગ લાઈન વાંચીને સ્વાભાવિક પણે એવું લાગી આવે કે આણે પાછા ટાઢા પહોરના ગપ્પા મારવાનું ચાલુ કર્યું..હે ને! આખી દુનિયા શાકાહારી થઈ જાય એવું તો શક્ય જ નથી. એકસાથે કંઈ બધા થોડા ઘાસપૂસ ખાવા લાગે. પણ રખે જો એવું થાય અને જગતની તમામ વસ્તી જો માંસાહાર ત્યજી શાકાહાર તરફ વળે તો પાછો બીજો વિચાર એ આવે કે તો તો અનાજ-કઠોળ તેમજ શાકભાજીની વૈશ્વિક માંગ જબરદસ્ત વધી જાય. જેના લીધે જે પહેલાથી જ શાકાહારી હતા એમને પુષ્કળ માત્રામાં ખોરાકની તંગી વર્તાય. રિપોર્ટ પ્રમાણે જગત આખું જો માંસાહાર ત્યજી શાકાહાર તરફ વળે તો પણ અનાજ-કઠોળ તેમજ શાકભાજી એટલા પ્રમાણમાં સુલભ રીતે પ્રાપ્ત બની રહે કે આખી દુનિયામાં જેટલા પણ લોકો ભુખમરાનો ભોગ બનતા હોય (વર્ષ 2021 પ્રમાણે 82 કરોડ લોકો) તે બધાને પૂરતું બે ટંકનું ભોજન મળી રહે. 

આપણી વસુંધરા 510.1 million km² (51 કરોડ ચોરસ કિલોમીટર) નો ભૂમિભાગ ધરાવે છે. જેમાંથી માત્ર 38% જેટલો ભાગ જ ખેતી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે તે સિવાયનો બીજો મોટા ભાગનો પ્રદેશ નદી-નાળા તેમજ સમુદ્ર દ્વારા રોકાયેલો છે. તેમ છતાં તમામ પ્રકારના શાકભાજી અને ફળો તેમજ તમામ પ્રકારના અનાજ અને કઠોળનો પાક લેવા માટે આટલી જમીન પૂરતી છે. વિ.જ્ઞાનકોષ પુસ્તકના સંદર્ભ પ્રમાણે તો જગતમાં હજી પણ હાલની વસ્તી કરતા જો 200 કરોડ લોકો વધી જાય તો પણ કુલ 10 અબજ (કારણ કે પૃથ્વી પરની હાલની વસ્તી 8 અબજની ઉપર થોડી એવી છે) લોકોના ભરણપોષણ માટે ખેતરો દ્વારા પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળી શકે છે. PETAનું કહેવું છે કે માંસાહાર માટે પ્રાણીઓને પાળવા વધુ નુકસાનકારક છે કારણ કે પ્રાણીઓ ઘણું અનાજ ખાય છે અને તેની સરખામણીએ તેનાથી ઘણું ઓછું માંસ, ડેરી પ્રોડક્ટ્સ અથવા ઈંડા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે કોઈ પ્રાણીથી એક કિલો માંસ લેવા માટે તેને 10 કિલો અનાજ ખવડાવવું પડે. દુનિયાભરમાં માત્ર પ્રાણીઓ જ 8.70 અબજ લોકોની કેલરીની આવશ્યકતા બરાબરનું ભોજન ખાય છે, જે ધરતી પરની હાલની માનવ વસ્તીથી પણ ઘણું વધારે છે. વર્લ્ડવોચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં 6 માંથી 1 વ્યક્તિ રોજ ભૂખ્યો રહે છે. આવું એટલે પણ કારણકે માંસના ઉપયોગમાં અનાજનો દુરુપયોગ થાય છે. જ્યારે માણસ જો સીધું અનાજ ખાય તો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે. વૈજ્ઞાનિકોએ વખતોવખત ચેતવણી પણ આપી છે કે આપણે આવનારા સમયમાં અનાજની ભયંકર અછતનો સામનો કરવો પડી શકે છે કારણકે મોટાભાગે અનાજ લોકોને બદલે પ્રાણીઓને ખવડાવવામાં આવે છે.

માંસાહાર મૂકવાથી અને જો બધા લોકોના શાકાહારી થવાથી સૌથી મોટો ફાયદો જો હોય તો તે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં થતો ઘટાડો છે. આપણે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પૃથ્વી પર વધતા જતા તાપમાનની ચિંતા કરીએ છીએ. એ માટે વાહનો તેમજ ઉદ્યોગો દ્વારા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઓછું કઈ રીતે થાય એ પ્રયાસો કરીએ છીએ, જાતજાતના પ્રતિબંધો લગાવીએ છીએ. પરંતુ અહીં માંસાહાર કરતા લોકો દ્વારા તાપમાન વધારવામાં જે યોગદાન પ્રાપ્ત થાય છે એ સંદર્ભે વિચાર કરતા જ નથી. દાખલા તરીકે ચાર-પાંચ સભ્યોનો પરિવાર માંસાહાર કરતો હોય તો બે કાર કરતાં પણ વધુ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે. આપણે આ સિવાયના તમામ મુદ્દાઓને વિચારણામાં લઇએ છીએ, પણ માંસાહાર ત્યજવા અંગે કશું વિચારતા નથી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે દુનિયામાં જો લાલ માંસ ખાવાનું પણ બંધ કરી દેવામાં આવે તો ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં 60 ટકા જેટલો માતબર ઘટાડો આવી જાય. અત્યારે પૃથ્વીની કુલ 35% જમીનમાંથી 12 billion acres જમીન ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માંસાહાર કરતા લોકો માંસ માટે પશુપાલન પણ વધારે પ્રમાણમાં કરતા હોય છે માટે પશુઓની રહેણી-કરણી માટે ફાળવવામાં આવતી જમીન પણ નાનીસૂની હોતી નથી. હવે જો બધા લોકો શાકાહારી થઈ જાય તો તે જમીન જંગલો કે ખેતીના કામમાં ઉપયોગમાં લઈ શકાય. કારણ કે પછી પશુઓ માટે ઘાસચારાનો સવાલ પણ રહેતો નથી. તેથી પૃથ્વી પર જેમ હરિયાળી વધે એમ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટે. જે છેવટે તાપમાન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે.

એક નજર કરીએ અહિંસાના દેશ એવા ભારત પર... અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (USDA) ના એક રિપોર્ટ મુજબ ભારતે વર્ષ 2023 દરમિયાન કુલ 14,75,000 ટન ગૌમાંસ નિકાસ કર્યું હતું. આ આંકડો માત્ર નિકાસનો જ છે. ઘર આંગણે ગાયને માતા સમાન માનનારાઓના દેશમાં ખપતનો આંકડો કેટલો હોય એ તો રામ જાણે. ગૌમાંસ નિકાસ કરવા બાબતે આ આંકડો દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલ (30,12,000 ટન) પછી તરત જ બીજા ક્રમે આવે છે. ત્યારબાદ અમેરિકા (14,22,000 ટન) સાથે ત્રીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશભરની (ખાસ કરીને ગુજરાતની) યુવાપેઢીમાં નોનવેજ ખાવાનો ચસ્કો દિનપ્રતિદિન વધતો જાય છે. યુવાપેઢીની આ નાદાનિયતને પહોંચી વળવા દુનિયામાં પ્રતિદિન 20 કરોડ મરઘાં-મરઘીનો ભોગ લેવાય છે અને દર મિનિટે 1,40,000. ભારતમાં રોજના 75,80,000 મરઘાં-મરઘીની કતલ થાય છે. ભારતમાં ઘુસી આવેલ વિદેશી બ્રાન્ડ એવી KFC ને પૂરા પાડવામાં આવતા ચિકન માટે ઉછેરવામાં આવતા મરઘાં-મરઘીના ફાર્મમાં સામાન્ય રીતે તેમનું આયુષ્ય 40-42 દિવસ કરતા વધુ હોતું નથી.  

ગૂગલ પર સર્ચ કરતાં માલૂમ પડે કે 'ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન'માં છપાયેલા એક અભ્યાસલેખ અનુસાર અને શિશિર રામાવતના અભ્યાસ પ્રમાણે એક શાકાહારી માણસની સરખામણીમાં એક માંસાહારી માણસના ખોરાક માટે ૧૭ ગણી વધારે જમીન જોઈએ, ૧૪ ગણું વધારે પાણી જોઈએ અને ૧૦ ગણી વધારે ઉર્જા જોઈએ. અલ નીનો તેમજ ગ્લોબલ વોર્મિંગના લીધે એક તો પૃથ્વી પર ખેતીલાયક જમીન, પાણી, ઉર્જા, જંગલોની અછત સતત ને સતત વધી રહી છે એવામાં જગતના માંસાહારીઓનું પેટ ભરવા માટે વધુમાં વધુ ખર્ચાતા પરિબળો પણ આ જ છે.

સ્વિત્ઝર્લૅન્ડની કૃષિ અનુસંધાન સંસ્થા એગ્રોસ્કોપ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ એક અધ્યયનમાં જાણ્યું હતું કે પ્રતિ 100 ગ્રામ પશુ પ્રોટીન ઉત્પાદન માટે 370 વર્ગ મીટર ભૂમિ અને 105 કિલો કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષની જરૂર પડે છે. એટલું જ નહીં પ્રોટીન જો બીન્સ, વટાણા કે બીજા છોડમાંથી પ્રાપ્ત કરવામાં આવે તો માત્ર એક વર્ગ મીટર ભૂમિ અને 0.3 કિલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. 2015ના એક અધ્યયનમાં સૂચન આપવામાં આવ્યું હતું કે જો બધા નવ અબજ લોકો શાકાહાર અપનાવી લે તો ખેતીની પારંપરિક રીતોની જગ્યાએ ઑર્ગેનિક ખેતી અપનાવીને પણ પેટ ભરી શકાય છે. સ્વીડનના ઉપભોક્તાઓના ખર્ચની આદતો પર વિસ્તૃત અધ્યયન કરતાં અર્થશાસ્ત્રી જેનિના ગ્રાબ્સને જાણવા મળ્યું કે શાકાહાર અપનાવવા પર ખાવા-પીવા પર થતો ખર્ચ 10 ટકા સુધી ઘટી જાય છે.

આમ, તમામ રીતે જોઈએ તો વિગન બનવાની ગ્રીન ફેશનમાં "લોકો મૃત્યુ પછીના જીવનની ચર્ચા કરે છે, પણ મનુષ્યની ભૂખનો ભોગ બનતા પ્રાણીઓ માટે તો જીવન પહેલા જ મૃત્યુ આવી જાય છે! (Jv)'' (સંદર્ભ સાભાર: PETA, USDA, DB, BBC, Various Blogs)

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?