આખી દુનિયાના સર્વેસર્વા તરીકે પોતાને ઓળખાવતા અને જગત જમાદાર તરીકે બની બેઠેલા અમેરિકામાં હમણાં જ પ્રમુખ પદ માટેની ચૂંટણી પૂરી થઈ અને વિજેતા ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષના અંતરાલ બાદ ફરી પાછા ચૂંટાયા. જોકે હજુ તેઓ 20 જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરી અમેરિકાના સત્તાવાર પ્રમુખ તરીકે સત્તાધીશ થશે. આમ પણ વર્ષોથી અમેરિકા વિશે કહેવાતું આવ્યું છે કે, અમેરિકાને છીંક પણ આવે તો દુનિયાના કેટલાય દેશોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. આ પહેલાં જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારે પણ તેમના લીધે કેટલાય દેશોની હવા ટાઇટ થઈ ગયેલી અથવા તો એમણે કરી દીધેલી. આ વખતે પણ એવું જ બનવાકાળ છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટવા માત્રથી લેબનોને ઇઝરાયેલ સાથે લાંબા સમયથી ચાલતા સંઘર્ષને લઈને યુદ્ધવિરામ કરવાની જાહેરાત કરી દીધી. પોતે પ્રમુખ તરીકે ચૂંટાયા બાદના ધરખમ ફેરફારો વિશે તો તેઓએ ચૂંટણી સભાઓમાં જ જોરશોરથી જણાવેલું અને અમેરિકા ફર્સ્ટના વિઝન સાથે જોરદાર પ્રચાર કરી તેઓ ચૂંટણી જીત્યા પણ ખરા.
જોકે અહીં વાત જરા જુદા સંદર્ભમાં કરવી છે. બદલાયેલ વૈશ્વિક પ્રવાહો સાથે ભારતે આવનારા સમયમાં કેવી રીતે પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે તેનો આધાર ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવ પર નિર્ભર છે. કારણ કે સમય મુજબ અમેરિકાના દુનિયાના દરેક દેશ સાથેના સંબંધોમાં બદલાવો આવ્યા છે. એક સમય હતો જ્યારે અમેરિકને ભારત સાથે મનમેળ ન હતો. ભારત પહેલાથી જ રશિયા તરફી હોવાના કારણે પણ અમેરિકાને વધારે મરચાં લાગતાં. એવામાં સન 1998 આસપાસ ભારતે પોખરણ રેન્જમાં અણુ પ્રયોગો કર્યા અને એ પણ અમેરિકાને અંધારામાં રાખીને. જેના કારણે સમસમી ગયેલા અમેરિકાએ કેટકેટલાય આર્થિક પ્રતિબંધો ભારત પર ઠોકી બેસાડેલા. આ ઉપરાંત યુપીએ સરકારના વખતમાં વખતોવખત ભારત તેમજ અમેરિકાના સંબંધોમાં ચડાવ-ઉતાર આવતો રહેતો. જેનું કારણ અમેરિકાની દાદાગીરી અને 'હું' પણાની સામે ભારત બિચારો થઈને હા ભેગી હા ભણીને બેસી રહેનાર દેશ હતો. વખત જતા એનડીએ સરકાર આવતા સમય અને સંજોગો બદલાતા ભારતે વૈશ્વિક સ્તરે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. જેના કારણે અમેરિકાને પણ દક્ષિણ એશિયામાં વધતા જતા ચીનના પ્રભાવને કાબુમાં રાખવા ભારતના સાથની જરૂર છે. કારણ કે ભારત એકલો એવો દેશ છે જે દક્ષિણ એશિયામાં ચીનનો પ્રભાવ એકલે હાથે ખાળી શકવા સક્ષમ હોય. આ ઉપરાંત અમેરિકા એ પણ જાણે છે કે ભારત પાસે દુનિયાનું સૌથી વિશાળ માર્કેટ છે કે જ્યાં તે પોતાની વિવિધ પ્રોડક્ટ્સ વેચીને તગડી કમાણી કરી શકે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત હિલેરી ક્લિન્ટનને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા એ પછી ભારત સાથેના તેમના સંબંધો સારા અને સુમેળ ભર્યા રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલેથી મિત્ર તરીકે ઓળખાવતા રહ્યા છે. એટલે આમ જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારત માટે ફાયદામાં રહેવાની છે.
બધા દેશો અત્યારે પોતપોતાનું ગણિત કામે લગાવીને ટ્રમ્પ પ્રમુખ બનતા કોણે કેટલું ભોગવવું પડશે અને કોને કેટલો લાભ થશે એના અનુમાનો ડોનાલ્ડ ટ્રમ્પના પહેલાના કાર્યકાળ પરથી લગાવી રહ્યાં છે. જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન ભારત-અમેરિકા સંબંધો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે ઘણા દેશો અમેરિકાથી નર્વસ છે પરંતુ આપણે તેમાં નથી. વિદેશ મંત્રીએ વધુમાં એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પ્રથમ ત્રણ લોકોમાંના એક હતા જેમના ફોનનો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ આપ્યો હતો. યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો ભારત-યુએસ સંબંધોને અસર કરી રહ્યા છે કે કેમ તે અંગે કોઈએ પૂછતાં વિદેશ પ્રધાને કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ ખરેખર ઘણા યુએસ પ્રમુખો સાથે તાલ મિલાવ્યો છે. તે જે રીતે આ સંબંધોને એક નવું સ્વરૂપ આપે છે એના પરથી કહી શકાય કે સમગ્ર વિશ્વ ભારતની પ્રશંસા કરી રહ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેનો સંબંધ 21 મી સદીના સૌથી વ્યૂહાત્મક અને પરિણામલક્ષી સંબંધો પૈકીનો એક છે. યુનાઇટેડ સ્ટેટ્સ એક અગ્રણી વૈશ્વિક શક્તિ તરીકે ભારતના ઉદ્દભવ અને શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સમર્થન આપે છે. બંને દેશો વચ્ચે વધતા આર્થિક સંબંધોને કારણે 2022-23માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.
ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021-22માં USD 119.5 અબજની સામે 2022-23માં 7.65% વધીને USD 128.55 થયો છે. યુએસમાં નિકાસ 2021-22માં USD 76.18 બિલિયનની સામે 2022-23માં 2.81% વધીને USD 78.31 બિલિયન થઈ, જ્યારે આયાત લગભગ 16% વધીને USD 50.24 બિલિયન થઈ. આંતરરાષ્ટ્રીય સહકારની જો વાત કરવામાં આવે તો, યુનાઇટેડ સ્ટેટ્સ ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘ, G-20, એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) પ્રાદેશિક ફોરમ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં નજીકથી સહયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સે 2021 માં બે વર્ષની મુદત માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતનું જોડાવાનું સ્વાગત કર્યું અને સુધારેલ યુએન સિક્યુરિટી કાઉન્સિલને સમર્થન આપ્યું જેમાં ભારતનો કાયમી સભ્ય તરીકે સમાવેશ થાય છે.
ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) પર યુનાઈટેડ સ્ટેટ્સ સાથે ભાગીદારી કરતા બાર દેશોમાં ભારત પણ એક છે. ભારત ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA) નું સભ્ય છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ સંવાદ ભાગીદાર છે. ભારત સરકાર દ્વારા વિકાસ અને સુશાસન પર આપવામાં આવેલા ભારને કારણે દ્વિપક્ષીય સંબંધોને પુનઃજીવિત કરવાની અને સહયોગ વધારવાની તક ઉભી થઈ છે.
ઉચ્ચ સ્તરીય રાજકીય મુલાકાતોના નિયમિત આદાન-પ્રદાનથી દ્વિપક્ષીય સહકારને સતત વેગ મળ્યો છે. આજે, ભારત-યુએસ દ્વિપક્ષીય સહયોગ ખૂબ વ્યાપક પ્રમાણમાં અને બહુ-ક્ષેત્રીય છે. જેમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયબર સુરક્ષા, ઉચ્ચ તકનીકો, પરમાણુ ઊર્જા, અવકાશ તકનીકો અને એપ્લિકેશન્સ, સ્વચ્છ ઉર્જા, કૃષિ અને પર્યાવરણ તેમજ આરોગ્ય જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારત અને યુએસ વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને માહિતીઓના આદાન-પ્રદાનની આવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર રીતે વધી છે. વડાપ્રધાન મોદીએ 26-30 સપ્ટેમ્બર 2014 ના રોજ યુએસની મુલાકાત લીધી; તેમણે રાષ્ટ્રપતિ ઓબામા, યુએસ કોંગ્રેસના સભ્યો અને યુ.એસ.ના વિવિધ રાજ્યો અને શહેરો સહિત રાજકીય નેતાઓ સાથે બેઠકો યોજી અને પ્રમુખ ઓબામાના મંત્રીમંડળના સભ્યો સાથે વાતચીત કરી ભારત અને અમેરિકાના સંબંધોને એક નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટેની પહેલ કરેલી. ત્યારબાદથી એ ગ્રાફ સતત વધતો જ રહ્યો છે. આ ઉપરાંત 25-27 જાન્યુઆરી 2015 ના રોજ ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત મુલાકાત દરમિયાન બંને પક્ષોએ દિલ્હી ખાતેથી મિત્રતાની ઘોષણા કરી અને એશિયા-પેસિફિક તેમજ હિંદ મહાસાગર ક્ષેત્ર માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન અપનાવ્યું.
આમ, અવારનવાર બંને દેશોના નેતાઓ દ્વારા હોટલાઈન તેમજ શિખર સંમેલનોમાં થતી રહેતી વાતચીત અને મુલાકાતોના કારણે આજે ભારત અને અમેરિકાના સંબંધો સોળે કળાએ ખીલ્યા છે. જે આવનારા ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં પણ ભારત માટે ફાયદામાં રહેશે.
Comments
Post a Comment