ઓસ્ટ્રેલિયન રીફ


આજથી શરૂ કરીને લગભગ 15,000 વર્ષ પહેલાંની આ વાત છે. ઓસ્ટ્રેલિયાના ઉત્તર - પૂર્વના રાજ્ય એવા ક્વિન્સલેન્ડ ખાતે આવેલ દરિયાકિનારા ની ભૌગોલિક જગ્યા તદ્દન ખુલ્લી હતી. તે જગ્યા સમુદ્રની બહાર હતી અથવા તો સમુદ્ર તે પછીથી શરૂ થતો હતો. ત્યારે હિમયુગ ચાલતો હોવાને કારણે ઘણું ખરું પાણી ઉત્તર તેમજ દક્ષિણ ગોળાર્ધમાં હિમ સ્વરૂપે સંગ્રહિત હતું. ઘણા વર્ષો એમ જ વીત્યા. કશી નવાજૂની ન બની. પરંતુ સમયનું ચક્ર ફરતા હિમના થરો પીગળ્યાં. એક સાથે મોટા પ્રમાણમાં હિમ પીગળવાથી સમુદ્રની સપાટી ઊંચી આવી. પરિણામે પ્રશાંત મહાસાગરનું પાણી ક્વિન્સલેન્ડના પૂર્વ કાંઠે ચડી આવ્યું. જે પાણી પોતાની સાથે 'પોલિપ' નામના સૂક્ષ્મ જીવોને પણ લાવ્યું. આ 'પોલિપ' ના સમૂહને અંગ્રેજીમાં 'Coral (કોરલ)' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

કોઈ આપણને પૂછે કે જગતનું સૌથી મોટામાં મોટું બાંધકામ કયું? તો આપણે સહેજે જવાબ આપીએ કે 'ચીનની દીવાલ'. સ્વાભાવિક છે કે એની લંબાઈ 3460 કિલોમીટર જેટલી છે તો એ જ મોટું બાંધકામ હોવાનું. પરંતુ એ જવાબ ખોટો છે. જગતના સૌથી મોટા બાંધકામનો વિક્રમ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યના કાંઠે આવેલી "ગ્રેટ બેરિયર રીફ" નામની ખંડીય છાજલી ના નામે છે. લંબાઈમાં આમ તો તે ચીનની દીવાલ કરતાં ટુંકી છે. પરંતુ તેનો ઘેરાવો 1,33,000 ચોરસ કિલોમીટર (As per National Oceanic and Atmospheric Administration, An official website of United States Gov) છે અને પહોળાઈ 60 થી 250 કિલોમીટર જેટલી છે. મુખ્યત્વે ચુનાનું બાંધકામ ધરાવે છે. તેનો ઘણો ખરો ભાગ (40-50 મીટર) આમ તો સમુદ્રમાં ડૂબેલો રહેતો હોવાના કારણે તેના કદનો ખ્યાલ આવતો નથી. આટલું મોટું બાંધકામ કોઈ મજૂરો ને બદલે 3 મીલીમીટરના સૂક્ષ્મ Coral/પરવાળાએ કર્યું છે અને બાંધકામ હજી ચાલુ છે. તેના કદનો ખ્યાલ આમ અડછતે લેવો હોય તો જગતની 7 અજાયબી પૈકીની એક એટલે ઇજિપ્તના ગ્રેટ પિરામિડ જેવા લગભગ 80,00,000 જેટલા પિરામિડો આ ગ્રેટ બેરિયર રીફના ચૂના વડે બની શકે તેમ છે. સફેદ ચૂના જેવો પદાર્થ ઓંકી કાઢીને તે ગ્રેટ બેરિયર રીફનું બાંધકામ કરે છે. આ 3 મીલીમીટરનો 'પોલિપ' ચૂનો બહાર કાઢે છે અને જેવો ચૂનો કઠણ થાય એટલે તરત જ પોલિપ મૃત્યુ પામે છે અને માત્ર તેનું હાડપિંજર બાકી રહે છે. જેમાં બીજા પોલિપનું જોડાણ થાય એટલે ક્રમશઃ આખી પર્વતમાળા રચાતી જાય.

આ પોલિપનું કદ એકદમ સૂક્ષ્મ હોવાના કારણે બાંધકામ પણ મંથર ગતિએ આગળ ચાલે. એટલે સફારી સામયિકના આખા અહેવાલ પ્રમાણે જોઈએ તો, સરેરાશ 20 લાખ પોલિપે માંડ એક ટન પરવાળા રચાય છે. આવા સંજોગોમાં પરવાળાની છાજલી પણ વાર્ષિક ફક્ત 1.00 મીલીમીટરના દરે ઊભી તેમજ 0.22 મીલીમીટરના દરે આડી ફેલાય છે. હવે આ 2300 કિલોમીટર જેટલી લાંબી અને 60 થી 250 કિલોમીટર જેટલી પહોળી નયનરમ્ય છાજલીનું સર્જન થવામાં 15,000 વર્ષ જેટલા સમયમાં કેટલા અબજો પોલિપનો ભોગ લેવાયો હશે? ગ્રેટ બેરિયર રીફમાં આશરે 9000 થી વધારે પ્રજાતિઓનું ઘર છે. હજી પણ ઘણી વધારે પ્રજાતિઓની ઓળખ માટે સમયાંતરે રિસર્ચ કરવામાં આવે છે. 

સફારી નોંધે છે તેમ રીફ વિપુલ પ્રમાણમાં જૈવવિવિધતા ધરાવતી હોવાથી તેમાં નોંધપાત્ર જળચરો હોવાના. અને એ એવા જળચરો હોવાના કે જે રીફ પર નભતા હોય. પરંતુ આ જળચરો પર નભતા અન્ય જળચરો પણ જેમ છોટા ભીમ લડડું માટે ટુન ટુન માસીના ઘર તરફ દોટ મૂકે તેમ આ બધા રીફ તરફ દોટ મૂકે છે. આ પ્રજાતિઓ પોતાના અસ્તિત્વ માટે કોરલ - રીફ - જળચરો પર આધારિત જટિલ અને નાજુક ઇકોસિસ્ટમ બનાવવા માટે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. પોલિપ ફ્લોરોસન્ટ રસાયણો ઉત્પન્ન કરે છે જે શેવાળને તેજસ્વી સૂર્યથી રક્ષણ આપે છે - લગભગ સનસ્ક્રીનની જેમ. શર્કરા બનાવવા માટે શેવાળ સૌર ઊર્જાનો ઉપયોગ કરવા પ્રકાશસંશ્લેષણનો ઉપયોગ કરે છે. આ રીતે શેવાળ કોરલ માટે ખોરાક અને ઓક્સિજન (પ્રકાશસંશ્લેષણની આડપેદાશ) પ્રદાન કરે છે. જ્યારે કોરલ રક્ષણ કરે છે અને શેવાળ માટે પોષક તત્વો પૂરા પાડે છે. કોરલ અને શેવાળ ચોક્કસ તાપમાન શ્રેણીમાં ટકી રહેવા માટે એકસાથે વિકસિત થયા છે. આબોહવા પરિવર્તનને કારણે સમુદ્ર નું તાપમાન વધવાથી, શેવાળ કોરલ માટે ઝેરી ઉત્પાદનો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે, જે બદલામાં શેવાળને બહાર કાઢે છે. આ પ્રક્રિયાને બ્લીચિંગ કહેવામાં આવે છે કારણ કે કોરલ સફેદ થઈ જાય છે. 2018ના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રેટ બેરિયર રીફના લગભગ એક તૃતીયાંશ ભાગને બ્લીચિંગ થી નોંધપાત્ર નુકસાન થયું છે. સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું હતું કે મોટા પ્રમાણમાં પરવાળા ગરમ થતા પાણીમાં લગભગ તરત જ મૃત્યુ પામ્યા હતા. આબોહવા પરિવર્તનથી વૈજ્ઞાનિકોએ અગાઉ વિચાર્યું હતું તેના કરતાં પણ વધુ જોખમ સૂચવે છે. કેમ કે પત્તા ના મહેલમાંથી એક પત્તું કાઢો એટલે બાકીના આપોઆપ પડી ભાંગે છે. તેવી જ રીતે આ ઈકોસિસ્ટમનો ભાગ રહેલા કોઈ એકને પણ જો છેડવામાં આવે તો આખી સાયકલ પડી ભાંગે તેમ છે.

સ્ટારફિશ આમ હાનિકારક ન લાગે, પરંતુ આ ઝેરી જીવો કોરલ ખાય છે. પ્રજનન ઋતુ દરમિયાન દરેક માદા સ્ટારફીશ લગભગ 6 કરોડ ઈંડા મૂકતી હોય છે. તેથી તેને અટકાવવાનું તો સહેજે શક્ય નથી. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ સ્ટારફિશ 1985 થી 2012 સુધીમાં અડધાથી વધુ રીફને નુકસાન પહોંચાડી ચૂકી છે. સદનસીબે, ઘણા લોકો ગ્રેટ બેરિયર રીફનું રક્ષણ કરવા માટે ઉત્સાહી છે. નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ડૉ. એરિકા એસ. વૂલ્સી પરવાળાના ખડકો પર સંશોધન કરે છે. ડૉ. વૂલ્સી 'ધ હાઈડ્રોસ' ના સીઈઓ છે. ડૉ. વૂલ્સી અને તેના સાથીદારો પ્રયોગશાળામાં જોઈ શકાય તેવા નમૂનાઓના 3D સંસ્કરણો બનાવવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી નો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો સમય જતાં રીફને થયેલું નુકસાન જોઈ શકે છે અને દરેક ખૂણાનું વિગતવાર માપ લઈ શકે છે.

સફારીએ ચિંતાજનક વાત નોંધી છે તેમ (શબ્દે શબ્દ રજૂ કરું છું), ભૂતકાળનો કલાવારસો મનાતી ગ્રેટ બેરિયર રીફનું ભાવિ સલામત નથી. સૂક્ષ્મ પરવાળા (પોલિપ) તેનું સર્જન કરે તેના કરતાં વધુ ઝડપે ભાંગફોડિયા તત્વો એ નકશીકામને તોડી રહ્યા છે. દરિયાઈ પર્યાવરણનું નાજુક માળખું પણ સાથોસાથ તૂટવા લાગ્યું છે. આ તત્વોનું સમુહવાચક નામ છે તારામાછલી અથવા સ્ટારફીશ, જેમણે ગ્રેટ બેરિયર રીફનો 1/3 હિસ્સો લગભગ કોરી ખાધો છે. સ્પીસીસનું નામ Crown of Thorns છે. પરવાળાનો ચૂનો (કેલ્શિયમ કાર્બોનેટ) તેમનું ભોજન છે, જે આરોગવા માટે દરેક તારામાછલી પહેલા તેના પેટને ભેખડ રૂપી પરવાળાના સંપર્કમાં લાવે છે અને પછી પાચકરસોનો સ્ત્રાવ કાઢે છે. આ acid  આલ્કલાઈન ચૂનાને પીગાળી નાખે, એટલે તારામાછલી પોષક દ્રાવણને ચૂસે છે. સંગેમરમરની યાદ અપાવતું કલાત્મક સર્જન ક્રમશઃ ખતમ થઈ જાય છે.

આ સ્ટારફીશને કોરલ ખાતા અટકાવવા માટે આમ તો નગણ્ય એવો એક ઉપાય છે. અંગ્રેજીમાં જેને Red Decorator Crab કહેવાય છે. યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના એક સમુદ્રશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, આ કરચલો રોજની ચાર - પાંચ સ્ટારફીશ આરોગી જાય છે. હવે આ કરચલાભાઈ પર જ સમગ્ર ગ્રેટ બેરિયર રીફનું ભાવિ નિર્ભર છે. સંદર્ભ સાભાર: સફારી, National Oceanic and Atmospheric Administration (US), National Geographic (Education), BBC.

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?