मन्दिरम् सनातनम्


આસ્તિકને મન ઈશ્વર પૂર્ણ છે જ્યારે નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે. ઘણી વખત આ બંને વચ્ચે ભગવાન, ઈશ્વર, ધર્મ, મંદિર ઈત્યાદિક વિષયક ચર્ચાઓ જોર પકડતી હોય છે. ચર્ચાનો નિષ્કર્ષ તો કંઈ નીકળતો નથી કારણ કે તેનો ઉત્તર બંનેની શ્રદ્ધા પર નભતો હોય છે. ત્યારે સહજપણે લોકોમાં કેટલાક પ્રશ્નો ઉદ્દભવતા જોવા મળે. એવા જ બે-ત્રણ પ્રશ્નો અને તેના તર્કબદ્ધ ઉત્તરો...

પ્રશ્ન 1. મંદિર હોય તો જ હિન્દુ સંસ્કૃતિ ટકે તે વાત કેટલે અંશે સાચી છે?

જવાબ: આમ જોઈએ તો સનાતન હિન્દુઓ માટે મંદિર એ આપણી એક આગવી ઓળખ છે, આપણી અસ્મિતા છે. આ બધાથી પર, મંદિર એ આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો મૂળ આધારસ્તંભ છે. સદીઓથી આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિને મિટાવી દેવાનો તેમજ અસ્મિતાને ડૂબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે. હિન્દુઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા એનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર મંદિર છે. આજે સમગ્ર ભારતવર્ષમાં હજારો વર્ષ જૂના કેટકેટલાય મંદિરો જોવા મળે છે જે હજારો વર્ષ જૂની સનાતન હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે છે. ભારતવર્ષનો ઈતિહાસ આપણે જોઈએ તો ખ્યાલ આવે કે મંદિરો પર ભૂતકાળમાં કેટકેટલાય હુમલાઓ થયા અને તેને નષ્ટ કરવાના પ્રયત્નો થયા. આવા હીન કૃત્યો આજે પણ દુર્ભાગ્યવશ ચાલુ જ છે. ન માત્ર ભારતમાં જ પરંતુ ભારત કરતાં પણ વિકસિત અને સદ્ધર હોય એવા દેશો જેમ કે કેનેડા તેમજ ઑસ્ટ્રેલિયામાં પણ મંદિરો પર હુમલાઓ થાય છે. બાંગ્લાદેશમાં પણ તાજેતરની જે ઉથલપાથલ થઈ એના કારણે હિન્દુઓ અને મંદિરો પર અસંખ્ય હુમલાઓ થયા. દુનિયામાં તમામ ધર્મો પોતપોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હોય છે. આપણે પણ સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે પરંતુ જે તે દેશની સંસ્કૃતિને ઠેસ કે હાનિ પહોંચાડીને નહીં. અરે આપણી સંસ્કૃતિ તો સમગ્ર વિશ્વને એક કુટુંબ તરીકે માનનારી છે. પરદેશમાં બનેલા આપણા મંદિરો રાગ, દ્વેષ, દેખાદેખી કે હુંસાતુંસી માટે નહીં પરંતુ આપણી આવનારી આગામી પેઢીને આપણી સનાતન સંસ્કૃતિની સેવા, સમર્પણ, ભક્તિ દ્વારા સાચી ઓળખ મળી રહે તે માટે બાંધ્યા છે. આમ, મંદિરોનું હોવું એ સારા અને સ્વસ્થ સમાજની એક મૂળભૂત જરૂરિયાત છે. 

ઇતિહાસ તપાસતા માલૂમ પડે કે મંદિરોની અનિવાર્યતા માટે અદ્વૈત સિદ્ધાંતના પ્રખર પ્રવર્તક શ્રીમદ્‌ આદિ શંકરાચાર્ય છેક બદ્રીનાથ સુધી જઈને બદ્રીનાથ મંદિરની સ્થાપના કરેલી. આ ઉપરાંત જો મંદિરોની અનિવાર્યતા જ ન હોત તો આજીવન અકિંચન રહીને ભારતભરનું પરિભ્રમણ કરનાર ભગવાન સ્વામિનારાયણ માથે પથ્થરો ઊંચકીને શા માટે મંદિરો બાંધે? ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીને જો મંદિરોની જરૂરિયાત ન સમજાઈ હોત તો એમણે આ શબ્દો ઉચ્ચાર્યા ન હોતઃ 'આપણે સાવ પૃથ્વીના પાર્થિવ માનવો જ છીએ. હું તો કહું છું કે તમે મંદિરમાં જાવ. મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી. આપણે નમ્રતા અને પશ્ચાત્તાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ. ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ એ માત્ર પથ્થરની ઈમારત નથી પરંતુ તેમને મન તો આ ચૈતન્ય તત્ત્વ છે. મંદિરોને તોડવા એ તો આપણા ધર્મનો જ વિનાશ છે, કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહસ્થાન છે. લાખો-કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે. આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જો જો કેવા ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે.' (જે તાજેતરમાં જ આપણે સૌએ બાંગ્લાદેશની ઘટનાઓ પરથી જોયું.) ગાંધીજીએ સન ૧૯૩૯માં રચાવેલું દિલ્હીનું બિરલા મંદિર તેનું સાક્ષી છે. 

ચારેય ગ્રંથોમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ એવા ઋગ્વેદમાં પણ મંદિર તેમજ મૂર્તિપૂજનના સ્ત્રોત મળી આવે છે. પુરાતત્વવિદોને પ્રાચીન સ્થળોએ ઉત્ખનન દરમિયાન હડપ્પા તેમજ મોંહે-જો-દરોમાંથી મૂર્તિપૂજાનું સમર્થન કરતા અવશેષો પ્રાપ્ત થયેલા. એક રિપોર્ટ અનુસાર અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉ. ગોવર્ધનદાસ શર્માએ બાગોર નામના સ્થળે કરેલા પુરાતત્ત્વીય ખોદકામને લીધે, ભારતમાં ઈ.સ. પૂર્વે ૭૦૦૦-૮૦૦૦ વર્ષ પહેલાં મૂર્તિપૂજા અને મંદિર પરંપરા હોવાનું સિદ્ધ થયું છે. આ ઉપરાંત ભારતભરમાં કેટકેટલાય સ્થળોએથી ખોદકામ દરમિયાન વર્ષો જૂના મંદિરોના અવશેષો અને ક્યાંક ક્યાંક તો આખા મંદિરો પણ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના સંભલમાં બે ત્રણ જૂના મંદિરો મળી આવ્યા. જે દર્શાવે છે કે મંદિર તેમજ મૂર્તિપૂજા પ્રાચીન સમયથી જ આપણી પરંપરાનો એક ભાગ છે. સન 627 થી 644 દરમિયાન ભારત આવેલા ચીની યાત્રી હ્યુ-એન-ત્સંગે આશરે 90 કરતાં પણ વધારે મઠમંદિરોમાં નિવાસ કર્યો હતો. જેની યાદીમાં અફઘાનિસ્તાનના ગઝનીથી (કારણ કે ત્યારે ભારત એક વિશાળ સામ્રાજ્ય સ્વરૂપે હતું) લઈને પુષ્પકલાવતી, તક્ષશિલા, શ્રીનગર અને છેક ગુજરાતમાં ભરૂચ, જુનાગઢ અને વલ્લભીપુર સુધીના સ્થળોનો સમાવેશ થાય છે. હ્યુ-એન-ત્સંગ લખે છે તે મુજબ, આ એવાં મઠમંદિરો હતાં કે જ્યાં સરેરાશ 1000 થી 10,000 સુધીની સંખ્યામાં સાધુઓ વસતાં હતાં. (ઉપરોક્ત સંદર્ભ પૂ. અક્ષરવત્સલ સ્વામીના પ્રવચનના કેટલાક અંશો)

પ્રશ્ન 2. હિન્દુ સંસ્કૃતિ ટકાવવા માટે આટલા ભવ્ય અને દિવ્ય મંદિરો બાંધવાની શી જરૂર છે?

જવાબ: શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ એક મંદિર આ પૃથ્વીનું આયુષ્ય એક હજાર વર્ષ જેટલું વધારી દે છે અથવા તો લંબાવી દે છે. પરંતુ વાત જ્યારે સમગ્ર હિન્દુ સંસ્કૃતિને ટકાવવાની આવે ત્યારે આપણે જાણી શકીએ કે અમુક વિસ્તારોમાં આવેલી નાની નાની દેરી અથવા નાના મંદિરો સમગ્ર હિન્દુત્વનો ભાર પોતાના પર ન સહી શકે. અર્વાચીન કાળથી જ આપણે જોઈએ તો ખૂબ મોટા મંદિરો પોતાના કળા કૌશલ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ બની રહ્યા છે. જેમાં પત્થરો પર અદભૂત નકશીકામ કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું દર્શન કરાવવામાં આવે છે. જેમાં આપણે મોઢેરા તેમજ કોણાર્કના સૂર્યમંદિરોનો સમાવેશ કરી શકીએ. આ ઉપરાંત દક્ષિણ ભારતના તો કેટકેટલાય મંદિરો હજારો વર્ષોથી આજે પણ અડીખમ ઊભા છે. મોટું મંદિર હોય એનો અર્થ એવો થયો કે ભારતીય સંસ્કૃતિના અનેક મૂલ્યો તેમજ વિરાસતોનું તેજપુંજ પોતાનામાં સમાવી લે છે અને આસપાસ પ્રસરાવે છે. પોતાની અદભૂત કોતરણી વડે જે તે સમયની સંસ્કૃતિનો સમગ્ર પરિચય આપી દે છે. મોટા મંદિરો બાંધવાનો અર્થ એ કે પોતાનામાં એકસાથે ઘણું બધું સમાવી લે છે. મંદિરે આવનાર લોકોના એકબીજા પ્રત્યે સંપ સુહદભાવ થકી એક સારા સમાજનું પણ નિર્માણ થાય છે મંદિરો થકી તો એ તો સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય. સરવાળે એનો જ પડઘો આવનારી પેઢીને અસર કરશે. 

મંદિરો હોવાના ફાયદાઓ વિશે જોઈએ તો... ઘણા લોકો કહે કે ઘડપણમાં ગોવિંદ ભજશું. પણ ઘડપણ આવશે કે કેમ એ આપણને ખબર નથી. શરીર તો ક્ષણભંગુર છે. આ વિધાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા. આમ તો મંદિરે આવવામાં ઉંમરનો બાધ હોતો નથી. પરંતુ ઢળતી ઉંમરે જો સત્સંગ હોય, ભગવાનમાં શ્રદ્ધા હોય તો મોક્ષના દ્વાર ખૂલી શકે છે. થોડા સમય પહેલા અમેરિકાની પ્રખ્યાત Duke University એ નિયમિત રીતે મંદિરે જનારા અને મંદિરે ન જનારા લોકો પરનાં દસ વર્ષના રિસર્ચ પરથી એવું તારણ કાઢ્યું કે જે લોકો નિયમિત મંદિરે જાય છે તેમનામાં મંદિરે ન જનારા લોકો કરતાં હૃદયરોગ ન થવામાં લગભગ 40 થી 50% જેટલો ફાયદો છે. 

આ ઉપરાંત બીજી વાત કરી કે જે લોકો નિયમિત મંદિરે જનારા છે એમના સ્વભાવમાં, પોતાની પ્રકૃતિમાં અને પોતાના ગુસ્સામાં અને ઇમોશનલ ઈમબેલેન્સમાં મંદિરે ન જનારા લોકો કરતાં વધારે કાબૂમાં છે. એટલે આપણા શાસ્ત્રોમાં લખાયેલ બધી વાતો અહીં સાચી ઠરે છે. એટલે આમ જતે દહાડે પણ વ્યક્તિ જો સારો માણસ બની શકે તો પરિવારમાં એક આધારસ્તંભની ભૂમિકા ભજવી શકે છે. 

આમ આવનારી પેઢીને આપણો આ ભવ્ય વારસો આપવા માટે તેમજ એક પ્રખર હિન્દુ તરીકે આપણી પોતાની અસ્મિતા જાળવવા મંદિરોનું હોવું આવશ્યક છે જ. પ્રથમ મનુષ્ય તરીકે ઓળખતા મહર્ષિ મનુ રચિત મનુસ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે, धर्मो रक्षति रक्षितः ભાવાર્થ એવો થાય કે, "धर्म की रक्षा करने पर रक्षा करने वाले की धर्म रक्षा करता है।"

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?