Warm Heating - Harm Hitting
બાકુ, અઝરબૈજાન સ્થિત World Meteorological Organization (WMO) (વૈશ્વિક હવામાન સંસ્થા) દ્વારા તાજેતરમાં જ તેનો રિપોર્ટ જાહેર કર્યો કે વર્ષ 2024 પૃથ્વી પરનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. ન માત્ર 2024 જ, પરંતુ 2024 ની શરૂઆતે 2023 નું વર્ષ પૃથ્વી પરના સૌથી વધુ ગરમ વર્ષ તરીકેની ઓળખ ધરાવતું હતું. આવું આજકાલનું નહીં પરંતુ કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. દરેક નવું વર્ષ તેની પાછળના વર્ષ પાસેથી ગ્લોબલ વોર્મિંગનો સરતાજ પોતાના નામે કરતું જાય છે.
માનવજાત ખુદ પોતાના પગ પર કુહાડો મારીને આવા અનેક રેકોર્ડ દર્જ કરાવી રહી છે. જેમ કે અત્યારે એકલા અમેરિકામાં જ છેલ્લા 10 વર્ષમાં આવેલું સૌથી ભયાનક બરફનું તોફાન અડધા ઉપરાંત અમેરિકાને ઘમરોળી રહ્યું છે. એવા જ સમયે ઑસ્ટ્રેલિયામાં ગરમી તેના ભયાનક સ્વરૂપે પહોંચી જેના સમાચાર પણ હમણાં વહેતા થયા. સમગ્ર પૃથ્વી પર ક્યાંક હાડ ગાળતી ઠંડી પડી રહી છે તો વળી ક્યાંક અંગો દઝાડતી ગરમી, ક્યાંક ભર શિયાળે માવઠા તો ક્યાંક ભૂકંપ. ઋતુઓ બદલાઈ રહી છે અને પર્યાવરણમાં ભયંકર અસંતુલન પેદા થઈ રહ્યું છે. આ બધા અકુદરતી ઘટનાક્રમ માનવજાતને સતત એ પૂર્વાભાસ કરાવી રહી છે કે આપણી દિવ્ય વસુંધરા હવે પહેલા જેવી રહેવા લાયક રહી નથી. હજુ આ બધી ઘટનાઓ ભયાવહ સ્વરૂપ ધારણ કરી તેના ભયંકર પરિણામો માટે માનવમાત્રને તૈયાર રહેવા આગાહ કરી રહી છે.
'ગરમીએ માર્ચમાં 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો: હિટવેવની આગાહી', 'માર્ચમાં તાપમાન સરેરાશ કરતાં 1.86 ડિગ્રી વધારે રહ્યું, વર્ષ 1908 પછી તાપમાન માર્ચમાં 34 ડિગ્રી નજીક પહોંચ્યું: વરસાદ પણ 71 ટકા ઓછો પડ્યો', 'ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: લાલચોળ ગરમી પડશે, માનવજાત બફાશે', 'જળસ્તર વધતાં ગુજરાતમાં 539 કિમીમાં દરિયાના પાણી ઘુસ્યા', 'બેકાબૂ બની રહેલા તાપમાનના કારણે દેશને તેમજ સમગ્ર વિશ્વને માઠા પરિણામો ભોગવવા પડશે', 'વરસાદ ના આહલાદક મોસમના સ્થાને ભીષણ ગરમી નો માર' વગેરે વગેરે જેવી ગંભીર ઉપાધિ નું પોટલું લઈને દૈનિક સમાચારપત્રોમાં પ્રગટ થતી હેડલાઈનો સમગ્ર માનવજાતને ભર ઊંઘમાંથી જગાડવા માટે દરવાજે દસ્તક દઈ રહી છે. પરિસ્થિતિ બગડતી જાય છે એ જોતાં 2030 સુધીમાં દર વર્ષે 560 મોટી દુર્ઘટનાઓ બનતી હશે. એક રિપોર્ટ પ્રમાણે 1970 થી 2000 ના સમયગાળા દરમિયાન દર વર્ષે 90 થી 100 જેટલી જ દુર્ઘટનાઓ બનતી. 1990ના દાયકામાં આ બધી દુર્ઘટનાઓના કારણે વર્ષે 7000 કરોડ ડોલરનું નુકસાન થતું, છેલ્લા એક દાયકામાં દર વર્ષે સરેરાશ 17000 કરોડ ડોલરનું નુકસાન થયું છે.
વન્ય જીવોનાં સંરક્ષણ માટે વૈશ્વિક ધોરણે કાર્ય બજાવતી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફન્ડ (ટૂંકમાં WWF) સંસ્થાએ હિમાલયની પીગળતી હિમસરિતાઓ વિશે થોડા સમય પહેલા એક રીપોર્ટ પ્રગટ કરેલો. વૈજ્ઞાનિક રીપોર્ટ પર્યાવરણને લગતો હોય તો સ્વાભાવિક રીતે તે ચિંતાજનક હોય. WWF નો રીપોર્ટ પણ પ્રકૃત્તિવિદોને ચિંતા કરાવે તેવો છે. હિમાલયની પર્વતમાળામાં હજારો હિમનદીઓ આવેલી છે, જેમનો કુલ વિસ્તાર લગભગ 37,000 ચોરસ કિલોમીટર જેટલો થાય છે. WWF ના મતે આ વિસ્તાર પૈકી 67% જેટલા વિસ્તાર પર ગ્લોબલ વૉર્મિંગની માઠી અસરો જોવા મળી છે. પૃથ્વીના વધતા સરેરાશ તાપમાનને લીધે બરફ ક્રમશઃ પીગળતો જાય છે અને હિમ-નદીઓ ખૂબ જ ઝડપથી પોતાનું કદ (વિસ્તરણ) સંકોચી રહી છે. થોડા સમય પહેલા લદાખ તેમજ તેની આસપાસના કાશ્મીરના કેટલાક વિસ્તારોના દૃશ્યો સોશિયલ મીડિયામાં ફરતા થયેલાં. જેમાં સ્પષ્ટરૂપે હિમ-નદીઓએ પોતાનું કદ સંકોચી ત્યાં રચેલો મેદાન પ્રદેશ જોઈ શકાતો હતો. સફારીના અભ્યાસ પ્રમાણે ગંગા નદીનું ઉદગમસ્થાન ગંગોત્રી વાર્ષિક 23 મીટર લેખે સંકોચન પામી રહી છે. પ્રસ્તુત લેખ માટે સફારીના વર્ષો જૂના અમુક લેખોનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે તેનસિંગ અને હિલેરીએ જ્યારે ખુમ્બૂ હિમનદીના રસ્તે એવરેસ્ટ પર આરોહણ કર્યું હતું એ વખતે હિમનદીનો જે વ્યાપ હતો તે આજે સાઈઠ-સિત્તેર વર્ષ પછી લગભગ ચારેક કિલોમીટર જેટલો ઘટી ગયો છે. ઉત્તર-પશ્ચિમે તજિકિસ્તાનમાં આવેલી (બંને ધ્રુવ પ્રદેશ સિવાયની) જગતની સૌથી મોટી હિમનદી ફેડચેન્કોમાં પણ પીછેહઠનો દોર જોવા મળ્યો છે. હિમાલય પર્વતમાળાની હિમસરિતાઓ જો હાલની પરિસ્થિતિ પ્રમાણે પીછેહઠ કરતી જશે તો ઇ.સ. 2100 સુધીમાં તેમનું અસ્તિત્વ લગભગ નાબૂદ થશે એવું WWF ના તજજ્ઞોનું માનવું છે. દક્ષિણ એશિયાની અડધાથી વધુ પ્રજાને ત્યારે પીવાના પાણીની તંગી વર્તાયા વગર રહેવાની નથી.
ગ્લોબલ વૉર્મિંગની આવી નઠારી અસરોમાં પણ આજકાલ અમેરિકા, કેનેડા, રશિયા, નોર્વે તથા ડેન્માર્ક જેવા દેશોને કરોડો ડૉલરની બરકત દેખાય છે. આ પાંચેય દેશોનો ડોળો હાલ ઉત્તર ધ્રુવ પ્રદેશ પર મંડાયેલો છે કે જ્યાંનો બરફ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થયેલા વધારાને કારણે ક્રમશઃ ઓગળી રહ્યો છે અને માટે આર્કટિક સમુદ્રની સપાટી પર ધીમે ધીમે જગ્યા થઈ રહી છે. પર્યાવરણની દૃષ્ટિએ જુઓ તો સ્થિતિ ચિંતાજનક છે. હવે આર્કટિક સમુદ્ર પરથી હિમચાદરનો સાથરો સંકેલાતો જાય છે એ સ્થિતિ ઉપરોક્ત દેશો માટે લાભદાયી છે. કારણ કે આર્કટિક સમુદ્ર પર બારેમાસ જામેલો રહેતો બરફ ગ્રીન હાઉસ ઇફેક્ટના લીધે ધીમે ધીમે નાબૂદ થયા બાદ ત્યાંના સમુદ્રમાં શારકામ વડે પેટાળમાં રહેલા સંભવિત પેટ્રોલિયમ હસ્તગત કરી શકાય તેમ છે. આ ઉપરાંત દક્ષિણ ધ્રુવ ખંડની જેમ ઉત્તર ધ્રુવ પ્રદેશ ખડકોની બનેલી નક્કર સપાટી ધરાવતો નથી. બલકે, બરફના તરતા ચક્કા જેવો છે. ગ્રીન હાઉસ ઇફેક્ટને લીધે એ ચક્કો ક્રમશઃ ઓગળી રહ્યો છે. નાસાના ઉપગ્રહોએ કાઢેલા તારણ મુજબ છેલ્લાં કેટલાંક વર્ષમાં ઉત્તર ધ્રુવ પ્રદેશની ઉનાળુ હિમચાદરનો વ્યાપ લગભગ 15% ઘટી ગયો છે. પરિણામે વખત જતાં આર્કટિક સમુદ્ર ખુલ્લો થતાં અમેરિકા, કેનેડા, રશિયા, નોર્વે તથા ડેનમાર્ક ત્યાં પોતાનાં વ્યાપારી જહાજોનો ટ્રાફિક ચલાવી શકે તેમ છે. પરિણામે પાંચેય દેશો અત્યારથી જ આર્કટિક સમુદ્ર પર પોતપોતાનો હક્ક જમાવવાની તૈયારી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય જળ સંધિ અનુસાર દરેક દેશ પોતાના સાગરકાંઠાથી 400 કિલોમીટર સુધીના સમુદ્ર પર કાનૂની હક્ક ધરાવી શકે છે. પરંતુ આ પાંચેય દેશો તો છેક ઉત્તર ધ્રુવ સુધી પહોંચ્યા છે.
આ બધી ઘટનાઓનો ઘટનાક્રમ સર્જવા પાછળનું કારણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, મિથેન જેવા વાયુઓનું થોકબંધ ઉત્પાદન જવાબદાર છે. જેમાં ચીન 22 ટકા સાથે પ્રથમ સ્થાને છે, અમેરિકા 17 ટકા સાથે બીજા સ્થાને છે, 10 ટકા સાથે યુરોપિયન યુનિયન ત્રીજા સ્થાને છે અને 7 ટકા સાથે ભારત ચોથા સ્થાને છે. જંગલો ન હોવાના કારણે સમસ્યા વધુ વકરે છે. 1970 માં વિશ્વમાં 40 ટકા વિસ્તારમાં જંગલો હતા, જે અત્યારે લગભગ 30 ટકા જેટલા છે. વિશ્વમાં દર મિનિટે 25 હેક્ટર (36 ફૂટબોલ મેદાન) જેટલા વૃક્ષો કપાઈ રહ્યા છે. ભારતમાં આદર્શ રીતે 33 ટકા જંગલોનો વિસ્તાર હોવો જોઈએ જે માત્ર 12 ટકુડી જ છે.
એટલું તો નક્કી છે કે જે રીતે આપણે સતત કલાઇમેટ ચેન્જ દ્વારા સર્જાતી આપત્તિઓને અવગણી રહ્યા છીએ એટલું જ ભવિષ્યમાં આપણે તેનું નુકસાન ભોગવવું પડશે. જો કે ગરમીએ જે રીતે માઝા મૂકી છે એ જોતાં માનવીએ કુદરતનો જે વિનાશ વાળ્યો છે એમાંથી પ્રકૃતિને કળ વળતા સમય તો લાગશે જ... (સંદર્ભ સાભાર: UN, WMO, સફારી, ન્યુઝ ફોકસ - GS)

Comments
Post a Comment