કાશ્મીરને જન્નતના બદલે દોઝખ બનાવતા ઇસ્લામિક જેહાદની સામે 56" ક્યારે?
આઝાદી પછી ભારત સામે યુદ્ધ સહિત તમામ ક્ષેત્રોમાં વારંવાર વામન પુરવાર થનાર પાકિસ્તાન લગભગ 80 ના દાયકાથી પ્રોક્સી વોર દ્વારા આતંકવાદને સતત પ્રોત્સાહન આપીને પોતાના અંતિમ વિકલ્પ તરીકે ભારત સામે શિંગડા ભરાવી રહ્યું છે. પાકિસ્તાની શાસકોએ વાવેલા બીજના મૂળિયા આજે એટલી હદે જમીનમાં વ્યાપ્ત થઈ ચૂક્યા છે કે કાશ્મીરના ચિનાર (એક જાતનું વૃક્ષ) પર સતત પાનખર જ રહે છે. કાશ્મીરની હાડ થીજાવતી ઠંડી હવા આજે પોતાની સાથે બારુદની વાસ લઈને ફરે છે. જેનું સાક્ષી કાશ્મીરની કાશ્મીરિયત સહિત આખુંય ભારત વખતોવખત બનતું આવ્યું છે.
તાજેતરમાં જ કાશ્મીરના મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે જગમશહૂર એવા પહલગામમાં મઝહબના નામે મોન્સ્ટર થઈને ફરતા રહેતા જેહાદી જડસુઓએ ઉપસ્થિત પર્યટકોમાંથી હિન્દુઓને અલગ કરીને તેમને ઠાર કરી દીધા. સમાચાર વહેતાં થતાં જ દેશ આખો સમસમી ઉઠ્યો. બાદમાં એવા પણ સમાચાર આવ્યા કે આ હિચકારી હુમલા માટે કેટલાક સ્થાનિક લોકોએ પણ મદદ કરેલી. જેના પરથી સમજી શકાય કે આ માત્ર એક લડાઈ નથી, વાયડાઈ પણ છે. સમગ્ર કાશ્મીરના મોટા ભાગના લોકોમાં એક ખાસ પ્રકારની નફરત ધરાવતી વિચારધારાવાળી માનસિકતા જોવા મળે છે. નાનપણથી જ બાળકોના મનમાં ઇસ્લામી શાશન વગરના દેશો પ્રત્યે ધૃણા જોવા મળે છે. બાળકોના સ્કૂલિંગથી જ આધુનિક વિચારધારાને શેતાન તરીકે અને ત્રાસવાદને હીરો તરીકે ઠસાવી દેવામાં આવે. જેથી આગળ જતાં એ બારુદી વિચારને આસપાસના લોકો ચુસ્ત મઝહબી બનાવવા માટે પલિતો ચાંપી કાશ્મીરને કાયમ માટે સળગતું રાખવામાં પૂર્ણરૂપ ભૂમિકા અદા કરે છે. અત્યારે સામાન્ય સંજોગોમાં ભલે શાંતિ દેખાતી હોય પરંતુ સમગ્ર કાશ્મીરની બહુમતી પ્રજા કાશ્મીરિયત ભૂલીને જેહાદી માનસિકતા તરફ ધકેલાઈ ચૂકી છે.
આ ઘટનામાં જમ્મુ કાશ્મીર પ્રશાસન પણ શંકાના દાયરામાં છે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે અને પ્રશાસનની જવાબદારી ઉપરાજ્યપાલના હાથમાં છે છતાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીની મજબૂત સ્થિતિ નીચેના સ્તર સુધી છે. કેન્દ્રીય શાસન અને સેના દેશની સીમાની રક્ષા કરવા માટે જવાબદાર છે. પ્રદેશનું પ્રશાસન તે પ્રદેશની અંદરની ગતિવિધિ પર નજર રાખે છે. આ આતંકવાદી ઘટનામાં 2 પાકિસ્તાની અને 2 કાશ્મીરી લોકો સામેલ હતા. પાછળથી જોકે લોકલ કાશ્મીરી લોકોના સમાવેશની સંખ્યા પણ વધી. મતલબ કે બનેલ ઘટના મુજબ પ્રદેશના લોકો પણ શામેલ હોવાથી ક્ષેત્રીય પ્રશાસને કેન્દ્રીય પ્રશાસનને સહયોગ કરેલ નથી. કાશ્મીર પ્રશાસન ક્યારેય ઈચ્છતું નથી કે કાશ્મીરની અંદર હિન્દુ પ્રવેશ કરે અને એવી જ ઈચ્છા પાકિસ્તાન ધરાવે છે. બીબીસીએ કાશ્મીર ખીણમાં બની રહેલી ઘટનાઓ મુદ્દે સુરક્ષા બાબતોના જાણકાર હોય તેવા કેટલાક લોકો સાથે વાત કરી. તેમના કહેવાનો અર્થ એવો હતો કે, ચરમપંથીઓ એવું દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે કે કાશ્મીરમાં બધું બરાબર નથી. ભારતીય સેનાના ઉત્તરી કમાનના પૂર્વ જનરલ કમાન્ડિંગ ઑફિસર (GOC) દીપેન્દ્રસિંહ હૂડાએ જણાવ્યું હતું કે, આતંકવાદી, સરકારના એ દાવાને ખારિજ કરવા માગે છે કે હવે બધું થાળે પડી ગયું છે. સરકારનું કહેવું છે કે ચૂંટણી થઈ. સરકાર પણ બની ગઈ છે. કાશ્મીરમાં પર્યટકો પણ આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું, “અત્યારે જે આતંકવાદી ઘટનાઓ બની રહી છે, તેને આ સંદર્ભમાં જોવી જોઈએ. તેના દ્વારા તેઓ સંદેશ આપી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં બધું બરાબર નથી. તેથી આતંકવાદી એવા ટાર્ગેટ પસંદ કરી રહ્યા છે.”
પરંતુ અહીં સવાલ એ થાય કે આટઆટલા હુમલાઓ થવા છતાં અને એ પણ વખતોવખત, કેમ આપણી સરકાર એકાદ એકશન લઈને જગ આખામાં ઢંઢેરો પીટવા બેસી જાય છે. જમ્મુ કાશ્મીરના ઉરી ખાતે આવેલા આર્મી કેમ્પ પરના હુમલા વખતે POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં સર્જિકલ સ્ટ્રાઈક કરીને સંતોષ માની લીધેલો અને જોરશોરથી મીડિયામાં જણાવેલું કે આતંકવાદીઓના લોન્ચપેડનો સફાયો કરી દેવામાં આવ્યો છે. જો એવું જ હતું તો પછી પુલવામાં વખતે CRPF ના કાફલા પર થયેલ હુમલા વખતે એટલા જંગી પ્રમાણમાં RDX ક્યાંથી આવેલું? બેશક એ પણ સરહદ પારથી જ આવેલું, સ્વાભાવિક છે. ત્યારે આપણે એર સ્ટ્રાઈક કરીને સંતોષ માન્યો. આ વખતે તો સાફ થયેલા આતંકવાદીઓનો જુમલો પણ ખાસ્સો એવો વધારે હતો, આશરે 250 - 300 કે એના કરતાં વધારે. એ માટે ભારતીય વાયુ સેનાના જવાનોને અભિનંદન. પણ વાત અહીં સરકારની ઈચ્છાશક્તિની છે. કેમ હુમલો થાય એ પછી જ એકશન લેવામાં આવે અને એ પણ સમ ખાવા પૂરતું. છાશવારે સરહદ પારથી થતા છમકલાઓમાં જવાનો શહીદ થતાં રહે છે. આતંકી પ્રવૃતિઓ અને ડ્રગ્સના કાળા કારોબાર બે રોકટોક ચાલ્યા કરે છે. સુરક્ષા દળોની સતર્કતાના કારણે ડ્રગ્સ પકડાય છે એ ઘણી મોટી સફળતા છે પરંતુ જે મોકલનાર છે એ તો ક્યારેય હાથમાં આવ્યા નથી.
આ બધી રોજિંદી ઘટનાઓ અને પછી જોવા મળતો સરકારી બેઠકોનો ધમધમાટ અને છેલ્લે સરકારી જવાબો જેવા કે, આંતકવાદીઓએ ગંભીર પરિણામો ભોગવવા પડશે, હુમલાખોરોને પકડીને તેમને મુંહતોડ જવાબ અપાશે, આતંકી પ્રવૃતિઓમાં સામેલ કોઈને પણ છોડવામાં નહીં આવે વગેરે વગેરેથી પ્રજા કંટાળી ચૂકી છે. માત્ર એક જોરદાર જવાબ આપીને કાયમ આપણી પીઠમાં જે શૂળ ભોંકાયા કરે છે તેને કેમ આપણે નાબૂદ નથી કરી શકતા? જો ઈઝરાયેલ કરી શકે, અમેરિકા કરી શકે જગ આખામાં તો આપણે તો એક પાડોશી મુલ્ક સાચવવાનો છે, એ પણ ન કરી શકીએ? તો પછી દર વર્ષે સંરક્ષણ પાછળ આટલું તોતિંગ બજેટ ફાળવીને નવા નવા હથિયારોના પરીક્ષણ કરીને દુનિયા આખીને સંદેશ શું ઇમેઇલ કરવાનો? જરૂર પડે ત્યારે એનો ઉપયોગ ન કરી શકીએ તો તો પછી એને બનાવ્યા કરીને શું કરવાનું? આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે જમીન ભારતની પોતાની છે એ પણ આપણે દેશના દુશ્મનો પાસેથી પાછી નથી લઈ શકતા તો એને દુનિયા શું ધૂળ સુપરપાવર માને. મૂળ તો આપણે જગ આખાને રાજી રાખવામાં પાછળ રહી ગયા છીએ. સુપરપાવર એમ જ બડાઈઓ હાંકવાથી નથી બનાતું, ક્યારેક જરૂર હોય ત્યારે ધડાકા પણ કરવા પડે છે. ત્યારે દુનિયાના કાનેથી બેરાશ દૂર થશે અને ભારતની ધાક પડશે.
અત્યારે બિનકાશ્મીરી એટલે કે આમ ભારતીયને કાશ્મીરની કાશ્મીરિયત જોઈને જેટલું સુકુન પ્રાપ્ત થાય અને તરત જ બીજો વિચાર મનમાં એ આવે કે AK-47ની બુલેટ ક્યાંકથી આવીને વીંધી ન નાખે. વર્તમાન કેન્દ્ર સરકારે કલમ 370 ને નાબૂદ કર્યા બાદ આતંકવાદને મહદ્અંશે ડામવામાં સફળ રહી પણ એ પહેલાં સરેરાશ ભારતીયને કાશ્મીરમાં પગ મૂકતા ડર લાગતો. વગર વિઝાએ પાકિસ્તાનના પ્રવાસે ગયા હોઈએ એવો આભાસ સતત થયા કરતો. આ ડર હજી પણ આંતકવાદીઓ કાયમ રાખવા માંગે છે જેથી તેમને ત્યાં પૂરતી સ્વતંત્રતા મળી રહે. જોઈએ હવે આ તાજેતરની ઘટના પછી કેન્દ્ર સરકાર દ્વારા શું આકરા પગલાંઓ લેવામાં આવે છે. કે પછી જૈસે થે!

Comments
Post a Comment