આચારની સીઝનમાં વધતો ભ્રષ્ટાચાર
આમ તો બંનેમાંથી કોઈને પણ સિઝન સાથે ખાસ કંઈ લેવાદેવા નથી. બંને બારેમાસ ખવાય છે. ફેર માત્ર એટલો કે એક ટેબલ ઉપરથી ખવાય છે અને બીજું ટેબલ નીચેથી, હીહીહી. સામાન્ય રીતે જોઈએ તો ભ્રષ્ટાચારની કોઈ સુગઠિત વ્યાખ્યા બાંધી શકાતી નથી. કારણ કે આ માટે બધાનો દૃષ્ટિકોણ અને મંતવ્યો બંને અલગ અલગ હોવાના. આમ પણ કોઈ એક વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે અથવા તો કરાવે છે એ માનવામાં ન આવે એવું છે. કેમ કે ભ્રષ્ટાચાર એ સામુહિક છે. કોઈ એક વ્યક્તિ, વિષય કે વસ્તુ સાથે સંબંધિત નથી. આજુબાજુ બધે પ્રામાણિક લોકો હોય તો એકાદ વ્યક્તિ ભ્રષ્ટાચારી બની શકે નહીં. અથવ તો તેની હિંમત ન થાય. આ પેલી કેન્સરની ગાંઠ જેવું છે. શરીરમાં જેમ એક કોષ કેન્સરની અસરથી સંક્રમિત થાય ત્યારબાદ ધીમે ધીમે અન્ય કોષોને પણ પ્રભાવિત કરે છે અને સમય જતાં આખુ અંગ જ કેન્સરની ઝપટમાં આવી જાય એવી જ રીતે એક વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવતી પહેલ ધીમે ધીમે સમાજમાં પ્રસરતા તમામ લોકો તેનાથી એક યા બીજી રીતે પ્રભાવિત થયા વગર રહેતા નથી. પરિણામે સમગ્ર સમાજને અંદરથી ખોખલો કરી મૂકે છે. સ્વ. નગીનદાસ સંઘવી એક સરસ દૃષ્ટાંત આપતા જણાવતા કે, દરેક માણસના શરીરમાં ગરમાવો તો હોય જ છે પણ આ તાપમાન પ્રમાણસર હોય ત્યાં સુધી માણસના જીવતર કે તેની કાર્યશક્તિને નુકસાન થતું નથી પણ શરીરનું તાપમાન વધે તો તેને તાવ આવ્યો કહેવાય છે, અને આ તાપમાન 103 - 104 ડિગ્રી સુધી વધે ત્યારે તે જીવલેણ પણ નીવડી શકે છે. તેમ ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે ત્યારે આખા સમાજને એક યા બીજી રીતે જીવલેણ નીવડે છે.
ખરેખર અત્યારની સ્થિતિમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ્ત છે કે કોણ કોને દંડે? ઉદાહરણ તરીકે કોઈ સરકારી અધિકારીએ તમારી ફાઈલ આગળ વધારવા માટે પૈસાની માંગણી કરે છે અને તમે ભ્રષ્ટાચાર સામે ન્યાયની લડત લડવા અદાલત સમક્ષ પ્રસ્તુત થાવ છો તો ત્યાં પણ જજ બની બેઠેલો વ્યક્તિ દૂધે ધોયેલો છે એ કપાળ પર લખેલું તો હશે નહીં. તાજેતરમાં જ માનનીય દિલ્હી હાઈકોર્ટના એક જજના ઘરેથી લાખો કરોડો રૂપિયાની ખેપ બરામદ થઈ. આ સમાચાર હજુ પણ સમાચાર માધ્યમોની હેડલાઇન્સ પરથી ઉતર્યા નથી. એવામાં સમાચાર આવ્યા કે બિહારમાં એક મહિનામાં આશરે 15 જેટલા પુલ ધરાશાયી થયા છે. દર બીજા દિવસે એક પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. એક તો મધ જોઈને લાળ છૂટે એવા મલાઈદાર ટેન્ડર પાસ કરાવવાના અને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ હલકી ગુણવત્તા સાથેના માલ - મટીરીયલનો ઉપયોગ કરીને કન્સ્ટ્રક્શન શરૂ કરવાનું. એ પણ આમ જનતા દ્વારા ઉપયોગમાં લેવાય એ પહેલાં જ ઢીમ ઢળી ચુક્યું હોય એવું. આમ પણ હલકી માનસિકતા ધરાવતા લોકો પરથી અપેક્ષા પણ શું રાખી શકીએ? પૈસા અને સમય બંનેની બરબાદી. પણ વિચારવા જેવું ખરું કે ક્યારેય કોઈ સરકારી અધિકારી કે નેતાના ઘરની દીવાલ કેમ ધરાશાયી નથી થતી. પ્રજાના પૈસે પોતાનો લાભ ખાંટવામાં જ રસ ધરાવતા આવા લોકોને ન્યાયતંત્ર પાસેથી દાખલો બેસાડી શકાય એવી સજા પણ નથી થતી. ધીમે ધીમે સામાન્ય જનતાનો ભ્રષ્ટ તંત્ર પરથી વિશ્વાસ જ ઊઠી જાય છે, ખાસ કરીને યુવા વર્ગનો. એટલે જ તો વિદેશમાં જઈને ઠરીઠામ થવાનું પ્રમાણ વધ્યું છે. સરકારી ઓફિસોમાં લાંચરૂશ્વત આપ્યા સિવાય કશું કામ થઇ શકતું નથી તેવી ટીકાઓ માનનીય સર્વોચ્ચ અદાલતે વારંવાર કરી છે અને અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ પોતાનું કામ કઢાવવા માટે લાંચ આપ્યાની કબૂલાતો પણ કરી છે.
ભ્રષ્ટાચાર એક માનસિકતા છે. આગલી પેઢીને ભ્રષ્ટાચારમાં ડૂબેલી જોઈને એની પછીની પેઢી પણ તેને અનુસરે છે. બીજી પેઢી આગળની પેઢીને જોઈને ભ્રષ્ટાચારને ‘પાર્ટ ઑફ સિસ્ટમ’ ગણે છે અને એને સહજતાથી લેવા માંડે છે. રાજકારણીઓ અને અમલદારો જો ભ્રષ્ટાચારી બને છે તો એમાં પ્રજાની ઉદાસીનતા પણ એટલી જ કારણભૂત છે. ભારત જેવા દેશમાં ભ્રષ્ટાચાર ટોચથી તળિયા સુધી છે. લાઇસન્સરાજ, સરકારી બાબુઓની અમર્યાદિત સત્તા, લોભી રાજકારણી જમાત, સામાન્ય નાગરિકની ઉદાસીનતા, પારદર્શકતાનો અભાવ, આ બધી ભારતીય તંત્રને કોરી ખાતી ઉધઈ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું કે, નવી પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત થવાનું ત્રણ જણ જ શીખવી શકે - માતા, પિતા અને શિક્ષક! વિધાર્થીની કોલેજની સીટ પણ જો પૈસા આપીને મેળવેલી હોય તો ભ્રષ્ટાચારની બાબતમાં એની પાસેથી શું કાંદો કાઢી લેવાનો? સૌથી મોટો યક્ષ પ્રશ્ન જ એ છે કે આચરણમાં લાવવું કઈ રીતે? કેમ કે વોટ્સએપ દ્વારા થતું રહેતું ફાસ્ટ ફોરવર્ડિયું જ્ઞાન અત્યારે બધા પાસે છે. પરંતુ જેવો કોઈ ટ્રાફિક પોલીસ રસ્તામાં ઊભો રાખશે એટલે ગજવામાંથી ગાંધીબાપુ બહાર કાઢશે. નાગના બચ્ચાની જેમ દૂધ પાઈને ભ્રષ્ટાચારના રાક્ષસને મોટો કરનાર પણ આમ જનતા જ છે. ન માત્ર ટ્રાફિક પોલીસ પાસે જ પરંતુ તમામ ક્ષેત્રોમાં પોતાનું કામ ન થતાં, વ્યક્તિ ક્યાંકને ક્યાંક કોઈ રીતે છેડા અડાડવાનો પૂરતો 'ખંતથી' પ્રયત્ન કરશે. કેમ કે રાહ જોવી પોસાય તેમ નથી ને!
વ્યાવસાયિક મકાનો, ઔદ્યોગિક એકમો તેમજ રહેણાંક મકાનોમાં છાશવારે લાગતી આગની ઘટનાઓ છતાં પછી જ ખબર પડે કે જે તે ઈમારત પાસે ફાયર સેફ્ટીના સાધનો જ ન હતા. એ પહેલાં બધી પૂર્વ મંજૂરીઓ કઈ રીતે મેળવાય છે અને શા માટે મંજૂર કરવામાં આવે છે એનો આજ સુધી પત્તો નથી લાગ્યો. સરકારી કચેરીઓમાં ચાલતી લોલંલોલનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માણસો પણ જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં આપવાના બદલે ન કરવાના વિવાદોમાં રચ્યા પચ્યા રહે છે. ભ્રષ્ટાચાર નાબૂદી અંગે માત્ર ઉપદેશો આપ્યા કરવાથી અથવા સમાજ હિતની દુહાઇઓ આપવાથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી. તેવી જ રીતે ભ્રષ્ટાચાર અટકાવવા માટે અને ભ્રષ્ટાચારીને સજા કરવા માટે કાયદા જરૂરી હોવા છતાં માત્ર કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી. થવાનો છે તો માત્ર જાગૃત બનીને. કેવી રીતે? વાંચો નીચેનો પ્રસંગ...
એક સજ્જન સહકુટુંબ બસની મુસાફરી કરી રહ્યા હતાં. ત્યાં લખ્યું હતું કે પાંચ વર્ષથી ઉપરનાની ટિકિટ લેવી ફરજિયાત છે. એવામાં કન્ડક્ટર ટિકિટ લેવા આવતો દેખાયો. તેને આવતો જોઈ સજ્જનની બાજુમાં બેઠેલા એક દોઢ ડાહ્યા સજ્જને કહ્યું કે તમારો દીકરો પાંચ વર્ષથી કરતા નાનો છે એમ જણાવી દ્યો એટલે પૈસા બચી જશે, ટિકિટ નહીં લેવી પડે. દીકરો આ વાત સાંભળતો હોય છે અને એને ખબર છે કે હું સાત વર્ષનો થયો છું. કન્ડક્ટર આવતા સજ્જન વ્યક્તિ દીકરાની પણ ટિકિટ લે છે અને પેલા દોઢ ડાહ્યાને કહે છે, રૂપિયાથી વધારે મહત્વ મૂલ્યનું છે. બાળકમાં તેનું સિંચન થાય એ મારે માટે મહત્વનું છે અને એ માટે આપણે પણ નિયમોનું પાલન કરવું રહ્યું. "કૂવામાં હોય તો હવાડામાં આવે" એ કહેવત અહીં બરાબર લાગુ પડે છે.

Comments
Post a Comment