એક ઘૂંટાતું રહસ્ય

 

વર્ષો પહેલાં ગુજરાતમાં આવેલા કોડીનારના દેદાની દેવડી ગામમાં હોળીના અંગારા પર ચાલવાની ધાર્મિક પરંપરા યુવાનો અને પુરુષો દ્વારા શરૂ કરાઈ હતી તે આજે વર્ષો બાદ પણ જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. ન માત્ર આ બે ચાર ગામો પૂરતું જ, પરંતુ ભારતના ઘણા ભાગમાં ધાર્મિક પરંપરાના ભાગરૂપે આ વર્ષોથી જોવા મળતું આવ્યું છે. પરંતુ આજે વાત કંઈક અલગ છે અને અલગ દ્રષ્ટિકોણથી કરવી છે.

પ્રસ્તુત સમગ્ર લેખને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૂલવતા પહેલા તેના વિશેનો ઈતિહાસ જોઈએ તો અંગારા પર ચાલવાના ખેલનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર પહેલવહેલો વ્યક્તિ સેમ્યુઅલ લેંગ્લી નામનો અમેરિકન હતો. એકવાર સન 1900ની સાલમાં સેમ્યુઅલ લેંગ્લી દક્ષિણ પ્રશાંત મહાસાગરના તાહિતી નામના ટાપુની મુલાકાતે ગયો હતો. એ વખતે તેણે ત્યાંના કેટલાક નાગરિકોને સળગતા કોલસા પર ચાલતા જોયા. સૌથી વધુ ધ્યાનાકર્ષક તો એ હતું કે અંગારા પર લાંબુ અંતર કાપ્યા છતાં તેમના પગમાં ફોલ્લા પડતા ન હતા. પગના તળિયે દાઝ્યાનું નિશાન પણ ન હતું. લેંગ્લી સાથેના કોઈ વ્યક્તિએ તત્પુરતો એવો ખુલાસો આપ્યો કે જંગલમાં હંમેશાં ઉઘાડા પગે ફરતા આ લોકોના પગના તળિયા નાજુક ન રહેતા એકદમ નક્કર બની ગયા હોય. જેથી અંગારા સાથેનો સંપર્ક તેમને દઝાડે નહીં. પણ આ વાત લેંગ્લીના ગળે ન ઉતરી.

આ એવો સમય હતો જ્યારે ભારતમાં પણ આવા પ્રસંગો બનતા હતા. સન 1905માં કાશ્મીરમાં જન્મેલા ખુદા બક્ષ નામના જાદુગરે તો ગોરી ચામડીવાળા લોકોને રીતસર મોઢામાં આંગળા નાખતા કરી દીધા. જેણે સમગ્ર યુરોપ તેમજ પશ્વિમ જગતમાં અનેક ખેલ - કરતબ કરી બતાવ્યા. જેના કારણે લંડન યુનિવર્સિટીનો અગ્રણી ભૌતિકશાસ્ત્રી આકર્ષાઈને વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા તેના અમુક મદદનીશો સાથે એક વખત હાજર રહ્યો. તેમણે સળગતા અંગારાનું તાપમાન માપ્યું જે ખાસ્સું એવું વધારે હતું. જેના લીધે ખુદા બક્ષના પગના તળિયે કોઈ નુકસાન પહોંચે છે કે કેમ એ તપાસવા તેણે કપડાના ટુકડાને એક પગના તળિયે બાંધ્યો. જાદુગર ખુદા બક્ષે ત્યારબાદ અંગારા પર 4.5 સેકન્ડમાં પહેલીવારમાં અને બીજીવા૨ તેના કરતાં પણ સહેજ ઓછા સમયમાં ચાલી બતાવ્યું. આ પ્રયોગ વખતે અંગારાનું તાપમાન આશરે 800° ફેરનહિટ જેટલું હતું. પ્રયોગને અંતે પેલા ભૌતિકશાસ્ત્રીએ ખુદા બક્ષના પગ તપાસી જોયા તો તળિયા બિલકુલ નરવા હતા એટલું જ નહીં, પણ કોટનનો ટુકડો પણ એવો જ હતો. તળિયાનું ટેમ્પ્રેચર પણ લગભગ નોર્મલ હતું. આવું કેમ બન્યું? આનું શું કારણ? આવા કેટકેટલાય પ્રશ્નોના વૈજ્ઞાનિક જવાબો હવે મળી ગયા છે. વાંચો હેરતંગેજ કરનાર કરતબના નક્કર અને વૈજ્ઞાનિક સમજણ સાથેના ઠોસ કારણો. 

એક કારણ એ કે જેને લિડેનફ્રોસ્ટ ઇફેક્ટ કહે છે. ઈ.સ. 1756 માં જર્મન સંશોધક જોહાનિસ લિડેનફ્રોસ્ટે શોધી કાઢ્યું તેમ અત્યંત ગરમ ચમચી પર રેડેલું પાણીનું ટીપું ઘડીકમાં બાષ્પીભવન પામતું નથી. લાંબો સમય ઉછળકૂદ કરતું રહે છે. ચમચી સહેજ ઓછી ગરમ હોય તો ટીપાનું બાષ્પીભવન થવામાં સહેજે વાર ન લાગે, પરંતુ તાપમાન અતિશય વધારે હોય ત્યારે અમુક મિનિટ સુધી એ ટીપાનું અસ્તિત્વ નાબૂદ થતુ નથી. પાણીનું ટીપું એટલા માટે લાંબો સમય ટકી રહે કે તેની નીચે રચાતું વરાળનું આવરણ ધગધગતી ચમચી સાથે તેનો પરબારો સંપર્ક થતો રોકે છે. પરિણામે ચમચીનું તાપમાન અતિશય હોવા છતાં ટીપાની અને ચમચીની સપાટી વચ્ચે બારીક એવું અંતર રહે જેથી ટીપાંને ખાસ વરતારો જણાતો નથી. અમેરિકન ભૌતિકશાસ્ત્રી ડૉ. જર્લ વૉકરના મતે અંગારા પર ચાલનારા લોકોનો સિક્રેટ પણ લિડેનફ્રોસ્ટ ઇફેક્ટ કહેવાતા સિદ્ધાંત પર આધારિત છે. ગરમીના માહોલમાં તેમના પગના તળિયામાં ગરમીના જે પ્રસ્વેદબિન્દુઓ બાઝ્યા હોય તે અંગારા પર ચાલતાં વરાળમાં રૂપાંતર પામી રક્ષણાત્મક કવચ રચે છે. આવા ખેલ કરનારા ઘણા લોકો સળગતા અંગારા પર ચાલવાનું શરૂ કરતા પહેલાં તેમના પાણીમાં પલાળીને ડગલાં માંડે છે. 

તળિયાં ન દાઝવાનું બીજું રહસ્ય એ છે લિડેનફ્રોસ્ટ ઇફેક્ટ હળવી થયા પછી સળગતા અંગારા અને પગના તળિયા વધુ સમય એકમેકના સંપર્કમાં આવતા નથી. ઉતાવળે ચાલતો વ્યક્તિ તેનું પગલું દર અડધી સેકન્ડે કે તેના કરતાં પણ ઓછા સમયમાં ભરી લે છે જેથી અંગારા પર પડેલો પગ તરત ઉપડી જાય છે. પરિણામે લાંબુ અંતર હોય તો પણ વારાફરતી અંગારા પર પડતો પગ અડધી સેકન્ડ કરતા વધુ તેના સંપર્કમાં આવતો ન હોવાથી અંગારો તેનો પરચો બતાવી શકતો નથી. આમ પણ ખેલ કરનારાઓના પગની ચામડી જંગલમાં રહેતા પેલા આદિવાસીઓની જેમ જાડી હોવાથી. જેથી એકસાથે બે ફાયદાઓ થાય છે.

ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર ઊંચું તાપમાન ધરાવતા પદાર્થની ગરમી બીજા પદાર્થને ત્રણ રીતે ટ્રાન્સફર થાય છે. એક તો ગરમ પ્રવાહી કે ગરમ વાયુ પોતાના કરતાં ઓછા તાપમાનના પ્રવાહી કે વાયુ તરફ ગતિ કરે. બીજી તરફ સૂર્ય જેવા તત્વ વિકિરણો દ્વારા પોતાની ગરમીનું પ્રસારણ કરે છે, જેમાં બે પદાર્થો વચ્ચે ડાયરેક્ટ સંસર્ગ થવો જરૂરી નથી. ત્રીજા રસ્તામાં ગરમ તેમજ ઠંડા પદાર્થો એકમેકને સ્પર્શતા હોય છે. ફાયરવૉકિંગ દરમ્યાન એ જ સ્થિતિ જોવા મળે છે, છતાં મોટા પ્રમાણમાં હીટ ટ્રાન્સફર ન થવાનું રહસ્ય એ કે કોલસો ગરમીનો સારો વાહક નથી. સળગતા કોલસાની thermal conductivity ઓછી હોય છે. અંગારાને બાઝતી રાખની thermal conductivity હજી ઓછી છે. પરિણામે અંગારાનું તાપમાન હજારો સેલ્શિયસની આસપાસનું હોવા છતાં એ ગરમીનું ઘડીકમાં સ્થાનાંતર ન થાય, એટલે કોલસા સાથે અલપઝલપનો સંપર્ક ધરાવતા પગનાં તળિયાં દાઝે નહીં. કલાબાજો એટલા જ તાપમાને ગરમ થયેલા ધાતુના કોઈ પદાર્થ પર વિના દાઝ્યે ચાલી દેખાડે ત્યારે માનવું કે તેણે સાચે જ જાદુની કરામત યોજીને ફાયરવૉકિંગનો અજુગતો ખેલ કરી બતાવ્યો.

છેલ્લો એક નિયમ જે અનેકોવખત સ્કૂલમાં કરેલો હશે, તે પ્રમાણે સાદા કાગળના પાત્રની અંદર પાણી ભર્યા બાદ નીચે જ્યોત મૂકવામાં આવે તો પાણી ઉકળશે, પરંતુ કાગળને કંઈ નહીં થાય. કાગળ નીચે જ્યોત મૂકવામાં આવે તો તો કાગળ સળગવો જોઈએ. પરંતુ અહીં એવું થતું નથી. કાગળનું જ્વલનબિંદુ 350° સેલ્શિયસ છે, જ્યારે 100° સેલ્શિયસના એકધારા તાપમાને ઉકળતું પાણી ગરમીને એ જ્વલનબિંદુ સુધી પહોંચવા દેતું નથી. વધારાની ગરમીને તે સતત શોષતું રહે છે. અહીં શરીરમાં તળિયાની ગરમીને શોષવાનું કામ લોહીનું છે. અંગારા પર ઘડીકવાર પૂરતો મંડાયેલો પગ તત્પુરતો ફરી ઊંચકાય ત્યારે પરિભ્રમણ કરતું લોહી તળિયાની કેટલીક ગરમીને ખેંચી લે છે. આમ, અંગારા પર અગનખેલ શક્ય બનવાનાં કારણો ઘણાં છે, પરંતુ તેમાં તંત્ર મંત્રને કોઈ સ્થાન નથી. સમજવા માટે માત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જ જરૂરી છે. (સંદર્ભ સાભાર: University of Pittsburgh, NatGeo, Safari, ftloscience)

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?