મહાભારતનું એક એવું પાત્ર જે પહેલેથી છેલ્લે સુધી ધર્મ અને ન્યાયને વળગી રહ્યું...
સમગ્ર મહાભારતમાં શ્રી કૃષ્ણ પછી જો કોઈ સંતુલિત પાત્ર હોય તો તે છે કુરુવંશના દાસી પુત્ર એવા વિદુર. પ્રચંડ જ્ઞાની અને એટલા જ ધીરજવાન. તેમના શબ્દોમાં મેરુ જેવી મક્કમતા છતાં આક્રમકતા શૂન્ય બરાબર. કહેવાય છે કે તેમને કોઈ વરદાન દ્વારા નહીં પરંતુ પોતાના જ જ્ઞાન દ્વારા ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. સ્વયં બૃહસ્પતિના શિષ્ય એવા ગંગાપુત્ર ભીષ્મ તેમના ગુરુ હતા. મહાભારતકાળ દરમિયાન ઘણા લોકોને કોઈને કોઈ શ્રાપને કારણે જન્મ લેવો પડ્યો હતો. સ્વયં યમરાજ પણ આનાથી અસ્પૃશ્ય ન હતા. પૌરાણિક કથાઓ અનુસાર, યમદૂતોએ ઋષિ માંડવ્યને ભૂલથી શૂળીએ ચડાવી દેતા તેમણે યમરાજને મૃત્યુલોકમાં જન્મ લેવાનો શ્રાપ આપેલો. જેથી વિદુરનું અવતરણ પૃથ્વી પર થયેલું.
લાક્ષાગૃહના પ્રસંગથી તો આપણે સૌ સુપેરે પરિચિત છીએ. શકુનિએ દૂર્યોધન સાથે મળીને પાંડવોનું ઢીમ ઢાળવા એક ષડયંત્ર રચ્યું. વાર્ણવતના મેળામાં દર વર્ષે રાજા ધૃતરાષ્ટ્ર જતા હતા, પરંતુ એક વખત દુર્યોધને યુવરાજ યુધિષ્ઠિરને મોકલવા માટે ધૃતરાષ્ટ્રને મનાવ્યા. યુધિષ્ઠિરને ત્યાં રહેવા માટે પુરોચન નામના શિલ્પી પાસે એક ભવ્ય ભવનનું નિર્માણ કરાવ્યું. આ તરફ ખૂબ ચપળ એવા વિદુરને તેમના ગુપ્તચર મારફતે બાતમી મળી કે કશીક નવાજૂની થવાની છે. પુરોચને ભવનની બનાવટમાં ઘી, કપૂર, ભૂસું અને લાખનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જેથી તે લાક્ષાગૃહ તરીકે ઓળખાતું હતું. આટલી જાણ થતાં જ વિદુર આખુ ષડયંત્ર સમજી જાય છે. જેથી પાંડવોને આગાહ કરવા તેઓ તેમના મહેલમાં જાય છે પરંતુ કોઈ કારણોસર પાંડવો ત્યાં મળતા નથી. જેથી વિદુર ખૂબ ઉચાટમાં યુધિષ્ઠિર તેમજ અન્ય પાંડવોને ગોતે છે પરંતુ છેક મોડી રાત્રે તેમનો ભેટો થાય છે. પરંતુ કઠણાઈ એવી કે જ્યારે પાંડવો મળે છે ત્યારે શકુનિ અને દુર્યોધન પણ આવી પહોંચે છે જેથી વિદુર યુધિષ્ઠિરને ચેતવી શકતા નથી. આ એમના માટે મોટી વિમાસણ હતી. પરંતુ વિદુર તો વિદુર હતા. તેમણે પોતાની બુદ્ધિ વાપરી અને અલગ રીતે પાંડવોને આગાહ કરવાનું શરૂ કર્યું. મહાભારતમાં પણ આ પ્રસંગનો ઉલ્લેખ છે અને કેટલાંક વર્ષ પૂર્વે નેટવર્ક નામની કોલમમાં વિદુરના એ ઉચ્ચારો છપાયેલા. જે અહીં શબ્દશઃ રજૂ કર્યા છે.
- જે હથિયાર લોખંડ કે બીજી કોઈ પણ સામગ્રીમાંથી બનેલું નથી. તે સૌથી તીક્ષ્ણ છે, જે આ હથિયારને જાણી જાય છે તે બચી જાય છે.
- આગ શરીરને બાળે છે, આત્માને નથી બાળી શકતી. જે આત્માની રક્ષા કરે છે તે જીવી જાય છે.
- અત્યારે પલાશ ફૂલોના ખીલવાની ઋતુ છે. તે ખીલે છે ત્યારે એવું લાગે છે જાણે ઝાડમાં આગ લાગી હોય. તો હે દૂર્યોધન કહે, જંગલની આગમાં કોણ બચી શકે છે? જાડી બુદ્ધિનો દૂર્યોધન તો જવાબ આપી શકતો નથી. જેથી ક્રમશઃ કાકા વિદુર બધાને પૂછે છે અને સૌથી છેલ્લે યુધિષ્ઠિરને પૂછે છે. યુધિષ્ઠિર જવાબ આપતા કહે છે કે જંગલની આગમાં ઉંદર બચી જાય છે, કારણ કે તે દરમાં રહે છે. આવી કેટલીય બધી વાતો અને ઉખાણાએ યુધિષ્ઠિરને રાતભર વિચારતા કરી મૂકેલા. વહેલી સવારે જ્યારે બધા યુધિષ્ઠિર સહિત પાંચેય પાંડવ અને કુંતીને વળાવવા જાય છે ત્યારે કાકા વિદુરને માત્ર પાંચ સેકન્ડ માટે યુધિષ્ઠિર સાથે વાત કરવાનો સમય મળે છે. તેઓ ચપળતાપૂર્વક જણાવતા કહે છે કે, જ્યાં રોકાવ ત્યાં સૌથી પહેલા એ તપાસ કરજો કે બહાર નીકળવાનો દરવાજો ક્યાં છે?
અત્યારે ગુપ્તચર એજન્સીઓ જે રીતે કાર્ય કરતી હોય છે અને દેશ પર આવનાર સંકટને આવ્યા પહેલાં જ નષ્ટ કરી નાખે છે એ જ રીતે આવા છુપા ષડયંત્રોને કઈ રીતે ડામવા એ વિદુર સારી પેઠે જાણતા. મહાભારતકાર લખે છે કે જો વિદુર પાંડવોના બદલે કૌરવોના પક્ષે રહીને લડ્યા હોત તો પાંડવોનું જીતવું ખૂબ મુશ્કેલ બની જાત. વિદુર પોતે પાંડવોના પક્ષે રહ્યા કેમ કે તેઓ હંમેશથી સત્ય અને ધર્મના પક્ષે રહેતા. પરંતુ અહીં તેઓ યુદ્ધ લડતા નથી. સ્વયં ભગવાન વિષ્ણુએ આપેલું ધનુષ તેઓ તોડી નાખે છે. વિદુરની તમામ નીતિઓના કેન્દ્રમાં ન્યાય અને ધર્મ હતા. કપટ દ્વારા રાજ્યને કેમ આગળ લાવવું એવી કપટતા ધરાવતી નીતિ તેઓની ક્યારેય હતી જ નહીં. આ કારણે જ તેઓ કોઈના પણ પક્ષમાં આવ્યા વગર માત્ર ધર્મ અને ન્યાયના પક્ષમાં જ બોલતા.
રાજા ધૃતરાષ્ટ્ર જ્યારે વિદુર સાથે વાર્તાલાપ કરે છે ત્યારે વિદુરે જણાવેલા કેટલાક સુવાક્યો કે જેમાંના અમુકને આજે પણ વિદુરનીતિ તરીકે ઓળખવામાં આવે છે. નેટવર્ક કોલમમાં છપાયેલ કેટલાક સૂત્રો જે સૂચવે છે કે ચાણક્યનીતિ સાથે વિદુરનીતિ પણ કેટલી મહત્વપૂર્ણ છે. ધ્રુતરાષ્ટ્ર કહે છે, મારું શરીર બળી રહ્યું છે. ઇન્દ્રિયો શીથીલ પડી ગઈ છે. ત્યારે વિદુર જણાવે છે, કમજોર મનુષ્યની હાલત વારંવાર આવી થાય છે. કારણ કે તે અજાણતા પોતાનાથી બળવાન વ્યક્તિ સાથે શત્રુતા વહોરી લે છે. મહારાજ તમે પણ એ જ ભૂલ કરી બેઠા છો. પોતાનાથી અધિક બળવાન સાથે શત્રુતા કરી છે. તમે બીજાના અધિકાર પર તો નજર નથી નાખી રહ્યા ને? કારણ કે આ બધાથી જ રાતની ઊંઘ અને ઇન્દ્રિયો બેચેન રહે છે. વધુમાં જણાવતા વિદુર કહે છે, જે પોતાની યોગ્યતાથી સુપેરે પરિચિત હોય, એ પ્રમાણે કલ્યાણકારી કાર્ય કરતો હોય, જેનામાં દુ:ખ સહન કરવાની શક્તિ હોય, જે વિપરીત પરિસ્થિતિમાં પણ ધર્મપથ પરથી વિચલિત નથી થતો એ જ સાચો જ્ઞાની છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, તમે ધર્મ પરાયણ અને વિદ્વાન છો. બુદ્ધિમાન અને મહાત્મા છો. આ મનોસ્થિતિમાં હું શું કરું? તમે ધર્મયુક્ત નીતિવચનોથી મારી ચિંતાને શાંત કરવાની કૃપા કરો. વિદુર કહે છે, સદ્દગુણ, શુભ કર્મ, ભગવાન પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ, યજ્ઞ, દાન, જનકલ્યાણ આદિ જ્ઞાનીજનના શુભ લક્ષણ છે. જેના કાર્ય, વ્યવહાર, ગોપનીયતા, સલાહ અને વિચાર કામ પૂરું થાય પછી જ આપણે જાણી શકીએ તે વ્યક્તિ જ્ઞાની કહેવાય છે. જે પોતાની સાંસારિક બુદ્ધિને ધર્મ અને અર્થમાં લગાડે છે, જે માગણીઓથી સદૈવ દૂર રહી પુરુષાર્થમાં રત છે, તે જ્ઞાની છે. વિવેકશીલ અને બુદ્ધિમાન વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને તુચ્છ સમજીને તેની ઉપેક્ષા નથી કરતા. કોઈ પણ કાર્યને કર્તવ્ય સમજીને કરે છે. તેઓ વ્યર્થના કોઇ પણ વિષય પર વાતચીત નથી કરતા. જે વ્યક્તિ દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા નથી રાખતી, નાશવંત વસ્તુ માટે શોક નથી કરતી અને વિપદ આવી પડે તો ગભરાતી નથી તે વ્યક્તિ જ્ઞાની છે. જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કાર્યનો આરંભ કર્યા બાદ તેને વચ્ચેથી રોકતી નથી, સમય બરબાદ નથી કરતા તા પોતાના મનને નિયંત્રણમાં રાખે છે તે વ્યક્તિ જ્ઞાની છે.
વિદુર આગળ બોલે છે કે, જે વ્યક્તિ સન્માન મેળવીને ના અહંકાર કરે છે તથા અપમાનથી ન તો પીડિત થાય છે. જે જળાશયની જેમ સદૈવ ક્ષોભ રહીત અને શાંત છે તે જ્ઞાની છે. જે વ્યક્તિ તમામ ભૌતિક વસ્તુઓની વાસ્તવિકતાને જાણે છે, જે વ્યક્તિ તમામ પ્રકારના કાર્યો કરવામાં નિપુણ હોય, જે વ્યક્તિ એવા પણ કાર્યો જાણતી હોય જે બીજા ન કરી શકે, એ જ્ઞાની છે. જે વ્યક્તિ પોતાનું કાર્ય છોડીને બીજાના કામમાં હાથ નાખે છે, મિત્રના કહેવા પર તેના ખોટા કામમાં તેનો સાથ આપે છે તે વ્યક્તિ મૂર્ખ છે. જે વ્યક્તિ હિતેચ્છુઓનો ત્યાગ કરી દે છે. પોતાના શત્રુઓને ગળે લગાડે છે અને પોતાનાથી શક્તિશાળી લોકો સાથે શત્રુતા રાખે છે તે વ્યક્તિ મહામૂર્ખ છે.
મહાત્મા વિદુરને એવો શાપ હતો કે તેમની વાત પર વિશ્વાસ નહીં કરવામાં આવે. જે રાજ્યની તેમણે - વર્ષો સુધી સેવા કરી એ જ રાજ્યને ચલાવનારા ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને ક્યારેય તેમને સાંભળ્યા નહીં, જેના પરિણામે દુર્યોધને મહાભારતનું યુદ્ધ નોતર્યું અને પોતાનો તેમજ પોતાના કુળનો વિનાશ નોતર્યો. (સંદર્ભ સાભાર: GS નેટવર્ક, Google)

Comments
Post a Comment