આજે દુનિયાના નકશામાં મધ્ય-પૂર્વમાં કેટકેટલાય દેશો છે. પરંતુ છાશવારે પર્શિયા (આજના ઈરાનનું) નામ જ સમાચાર માધ્યમોના મથાળા પર ચમકતું જોવા મળે છે કે ઈરાને હુથી, હિઝબોલ્લાહ કે પછી હમાસને હથિયારો પૂરા પાડ્યા. આમાં ઈરાનનો શું ફાયદો કે આખી દુનિયાની વિરુદ્ધમાં જઈને આ બધા જૂથોને સપોર્ટ કરે છે. આમ તો US અને ઈરાન વચ્ચે શરૂઆતમાં ઘણી સારી મિત્રતા હતી, તો પછી અચાનક બંને દેશો કૂતરા બિલાડાની જેમ શા માટે બાખડવા લાગ્યા? અમેરિકાએ ઈરાન પર જાતજાતના પ્રતિબંધો લગાવીને ઈરાનના આખા અર્થતંત્રને ડૂમો દઈ દીધો. શું, ક્યાં, શા માટે, કેવી રીતે... જાણો વિગતવાર બે ભાગની આ સિરીઝમાં.
બનાવ અને તે પહેલાનું બેકગ્રાઉન્ડ: હઝરત (અથવા પયગંબર) મુહમ્મદના મૃત્યુ પછી કોણ ખલીફા તરીકે જવાબદારી સંભાળશે એ બાબતે મુસ્લિમ સમાજમાં એક વિવાદ શરૂ થયો. (તેઓ પોતે એક આરબ ધાર્મિક અને રાજકીય નેતા તેમજ ઇસ્લામના સ્થાપક હતા. મુસ્લિમો તેમને માર્ગદર્શન આપવા માટે અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરોની શ્રેણીમાં છેલ્લા પયગંબર માને છે.) એક વર્ગ માનતો હતો કે હઝરત મુહમ્મદના મિત્ર હઝરત અબુ બકર ખલીફા બને. જ્યારે બીજો વર્ગ એવું માનતો હતો કે હઝરત મુહમ્મદના જમાઈ હઝરત અલી ખલીફા બને. આ વિવાદના કારણે મુસ્લિમ સમાજ બે જૂથોમાં વહેંચાઈ ગયો. જેમાં હઝરત અબુ બકરને ખલીફા માનનાર સુન્ની મુસલમાન તરીકે ઓળખાયા. જ્યારે હઝરત અલીને ખલીફા માનનાર શિયા મુસલમાન તરીકે ઓળખાયા. અત્યારે આખી દુનિયામાં શિયા મુસલમાન માત્ર ઈરાન, ઈરાક અને યમન જેવા દેશોમાં જ છે. જ્યારે અન્ય દેશોમાં (ભારત સહિત) સુન્ની મુસલમાનો બહુમતી ધરાવે છે. સમગ્ર પૃથ્વી પર જેટલી મુસલમાનોની વસતી છે તેમાં સુન્ની 85% સાથે બહુમતીમાં અને શિયા 15% સાથે લઘુમતીમાં છે. હવે આ બંને સમુદાયો શિયા અને સુન્ની વચ્ચે પહેલેથી જ સંઘર્ષ ચાલતો આવ્યો છે. જેથી મિડલ ઇસ્ટમાં કાયમને માટે સળગતી રહેતી આગ પાછળ પણ આ જ કારણ છે. અને આ વસ્તુ સમજ્યા વગર મિડલ ઇસ્ટનું ભૂગોળ સમજવું પણ અઘરું છે. ઈરાન પોતાના ઓઈલ અને અન્ય કુદરતી સંસાધનોના વિપુલ ભંડારના કારણે તેમજ તેના ભૌગોલિક સ્થાનના કારણે તે હંમેશાથી તાકાતવર દેશોની નજરમાં રહ્યું છે. ઈરાન પર નિયંત્રણ રાખવાથી સમગ્ર મિડલ ઇસ્ટને કાબૂમાં રાખી શકાય છે. ઉદાહરણ તરીકે ઈરાનને સ્પર્શતા પર્શિયન ગલ્ફ પર કોઈનું આધિપત્ય આવી જાય તો દુનિયામાં થતો 20% જેટલો ઓઈલનો વ્યાપાર ઠપ્પ થઈ જાય. સમય જતાં સંજોગોવસાત અમુક ઘટનાઓ એવી બની કે જેના કારણે ઈરાનની 28% જેટલી વસ્તી દારુણ ગરીબીમાં ધકેલાઈ ગઈ અને આવનારા બેએક વર્ષમાં બીજી 40% વસ્તી ગરીબીમાં ધકેલાઈ જશે.
સન 1800 ની સાલ આસપાસ ઈરાનમાં ફાત-અલી શાહ કઝર નામના રાજાનું રાજ હતું. પરંતુ ત્યાં શિયા મુસ્લિમ વધારે હોવાથી ત્યાંના ધાર્મિક નેતા જે હોય એ 'ઉલેમા' તરીકે ઓળખતા. એમાં પણ જે ભણેલા હોય તે "આયાતોલ્લાહ" તરીકે ઓળખાતા. એ સમયે ઈરાનની એક સરહદ હિન્દુસ્તાન સાથે સ્પર્શતી હતી અને ઉત્તરની સરહદ રશિયા સાથે સ્પર્શતી. ભારત એ વખતે આઝાદ ન થયું હોવાથી બ્રિટિશ શાસન નીચે હતું. આમ બંને સુપરપાવર (રશિયા અને બ્રિટન) વચ્ચે ઈરાન ફસાયેલું હતું. મોકો મળતાં જ રશિયા ઈરાન પર આક્રમણ કરીને તેની સાથે 'ટ્રીટી (સંધિ) ઓફ ગુલીસ્તાન' કરે છે. પણ ઈરાનની એક સરહદ બ્રિટન સાથે લાગતી હોવાથી બંને દેશો ઈરાનને લઈને જંગ ન્હોતા ઈચ્છતા. આથી રશિયાએ સંધિ અંતર્ગત વ્યાપારી તેમજ લશ્કરી અધિકારો મેળવી લીધા. ત્યારબાદ 1848 માં રાજા નાસિર અલ-દિન શાહ ઈરાનના રાજા બને છે. 1856 માં બ્રિટન પણ એક સંધિ કરે છે, જેના અંતર્ગત રશિયાની જેમ બ્રિટનને એ તમામ હક્કો દક્ષિણ વિસ્તારમાં પ્રાપ્ત થાય છે. આમ લડાઈ કર્યા વગર બંનેએ પોતપોતાનો હિસ્સો લઈ લીધો. 1892 ની સાલ આવતા આવતા ઈરાનમાં રાજાનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું અને ઉલેમાનું વર્ચસ્વ વધવા લાગ્યું. 1896 માં મિર્ઝા નામના વ્યક્તિએ રાજાની હત્યા કરી નાખી. જેથી તેમના પુત્ર મુઝફ્ફર અદ-દિનને રાજા બનાવવામાં આવે છે. આ જ સમયે બ્રિટનમાં રહેતો અને વ્યવસાયે ખાણકામનું કામ કરતો વિલિયમ ડિઆર્કીને ધ્યાનમાં આવે છે કે ઈરાનમાં ઓઈલ નીકળવાની ભરપૂર શક્યતાઓ છે. જેના આધારે વિલિયમ રાજા મુઝફ્ફર અદ-દિન સાથે આવનારા 60 વર્ષ માટે ઓઈલ ગોતવા અને જો મળે તો અધ્યતન ટેક્નોલોજી વડે તેને ઉલેચવા માટે કરાર કરે છે. અને આ દરમિયાન જે ઓઈલ મળે અને જેટલો નફો થાય તેનો 60% જેટલો ઈરાનને મળવો જોઈએ એ નક્કી કરે છે. ઘણા સમય સુધી વિલિયમે પ્રયાસો કર્યા પરંતુ ઓઈલ મળતું ન હતું. છેવટે વિલિયમના બધા પૈસા વપરાઈ ચૂક્યા હતા, જેથી બ્રિટિશ સરકારે તેને પૈસા આપીને ઓઈલ શોધવાનું શરૂ રખાવ્યું. ધીમે ધીમે 1908 માં જેકપોટ હાથ લાગે છે. એક મોટી ઓઈલ ફિલ્ડ ઈરાનમાં પ્રાપ્ત થાય છે. બેશક સંધિ પ્રમાણે જેનો નફો બ્રિટિશરો પાસે જવાનો હતો. ધીમે ધીમે બધું કરાર મુજબ આગળ તો વધે છે, પરંતુ અહીં ઈરાનના લોકોને થોડું વસમું લાગે છે કે અમારી માલિકીનું તેલ અને તેના દ્વારા થતો નફો કોઈ અંગ્રેજ આવીને લઈ જાય છે. અને હવે અહીંથી ઈરાનની અંદર મુશ્કેલીઓની શરૂઆત થાય છે.
સન 1979 આવતાં લોકોમાં અસંતોષ વધતો ગયો અને અંદરોઅંદર ગણગણાટ પણ વધતો ગયો. તેમણે મન એવું હતું કે રાજા હવે માત્ર એક પ્યાદું બનીને રહી ગયો છે. જેથી તે ખાળવા તેમણે એક નવી નીતિ અપનાવી. જેમ આગળ ઉલેમા વિશે વાત કરી તો એમણે લોકોના સહયોગથી રાજાશાહીને તો ચાલતી રાખી પણ સાથે સાથે એક ઇસ્લામિક બંધારણ પણ લાગુ કર્યું. આ નીતિ અનુસાર રાજા પોતાનું રાજ કરતો રહેશે પણ ઉલેમા પાસે પણ સત્તા હશે અને જેનું નામ તેમણે રાખ્યું, 'મજલિસ' (મૂળ અરેબિક શબ્દ, જેનો ગુજરાતી અર્થ થાય મેળાવડો - બેઠક). જેવી રીતે ઈંગ્લેન્ડમાં રાજા અને રાણી હોય છે પરંતુ સાથે સાથે તેમને સંસદ પણ છે જે કાયદાઓ ઘડે છે એવી રીતે ઈરાને પણ શરૂ કર્યું. આ મજલિસ પૂર્ણપણે ધાર્મિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવતી હોવાથી તેના નિયમો પણ તેમણે એ રીતે જ રાખ્યા અને શિયા મુસ્લિમને ઈરાનનો મુખ્ય ધર્મ ઘોષિત કરવામાં આવ્યો. તારીખ 16 જુલાઈ 1909 માં રાજા મુઝફ્ફર અદ-દિનનું મૃત્યુ થાય છે અને ગાદી પર તેનો જ પુત્ર મુહમ્મદ અલી શાહ આવે છે. તે મજલિસની વિરોધમાં હતો. તેના માનવા પ્રમાણે રાજા પાસે કોઈ સત્તા જ નહોતી રહેતી. જેથી ઈરાનના સૈન્યની મદદથી મજલિસના નેતાઓને જેલમાં ધકેલે છે. પરંતુ તેના આ પ્રયાસથી લોકો વિફરે છે અને રાજા પર હુમલો કરાવે છે. જેથી બીકના માર્યા તે રશિયા ભાગી જાય છે. આ એવો સમય હતો જ્યારે ઈરાનમાં કોઈ રાજાનું શાશન ન હોવાથી ઈરાનનું શાશન પૂર્ણપણે મજલિસના હાથમાં હતું. પરંતુ ઈરાનના બંધારણ પ્રમાણે રાજાનું હોવું અનિવાર્ય હતું. જેથી મજલિસ વચ્ચેનો રસ્તો અપનાવીને રાજાના 11 વર્ષના દિકરાને ગાદી પર બેસાડે છે.
વર્ષ 1914 આવતાં વિશ્વયુદ્ધ શરૂ થાય છે. વિશ્વયુદ્ધના કારણે પહેલાં પોતાનું ઘર સંભાળવામાં ભલીવાર દેખાતા રશિયા ઈરાનમાંથી વિદાય લે છે. પરંતુ બ્રિટનને ઈરાનનું ઓઈલ જોઈને જાણે મધલાળ છૂટતી હોય, ગમે તેમ કરીને તે પોતાના કારખાના તેમજ ઉદ્યોગો શરૂ રાખવા મક્કમ હતું. આથી બ્રિટનને ઈરાન છોડવું કોઈપણ સંજોગોમાં પાલવે તેમ ન હતું. આ તરફ બ્રિટનની ઘોષિત લૂંટના કારણે મજલિસ 1919 માં તેને ઈરાન છોડવા અને બદલામાં મળતી આર્થિક સહાય બંધ કરવા જણાવી દે છે. બ્રિટન આટલું મોટું નુકસાન સહી શકે તેમ ન હોવાથી બીજો માર્ગ અપનાવે છે. તે ઈરાનના તત્કાલીન લશ્કરી વડા રેઝા શાહ ખાન પહલવી પાસે પોતાનું ધાર્યું કરાવવા સોગઠાં ગોઠવે છે. રેઝા શાહ ખાન પહલવીને બ્રિટનનો સધિયારો મળતાં જ મજલિસમાં નેતાઓને પૈસા આપીને અથવા ડરાવી ધમકાવીને અને છતાં પણ ન માને તો તેમની હત્યા કરાવીને અન્યોને પોતાની તરફ કરે છે. આમ મજલિસ હટાવવાને બદલે રેઝા શાહ ખાન પહલવી પૂરો કંટ્રોલ પોતાની પાસે રાખી લે છે અને પોતે ઈરાનનો રાજા બને છે. વધુ આવતા અંકે...
Comments
Post a Comment