માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?
આજે યુદ્ધો માત્ર સરહદ પર જ નથી લડાતાં, શબ્દો વચ્ચે પણ લડાય છે. બોલીઓ વચ્ચે પણ લડાય છે. અરે શહેરો શહેરો ઝઘડે છે, કસ્બા કસ્બા ઝઘડે છે. ક્યાંક વડાપાઉં આપતી વખતે ઉચ્ચારેલો શબ્દ અન્ય ભાષા શીખવા મજબૂર કરી દે છે. તો વળી ક્યાંક દુકાન પર લગાવેલું બોર્ડ જોઈને ઘરાક પાછા વળી જાય છે, અંદર પ્રવેશ કરતાં જ નથી. આખા ભારતમાં આપણે સૌ જેને વધુ શિક્ષિત માનીએ છીએ એવા દક્ષિણ ભારતના હાલ હાલમાં આવા છે. ત્યાંના લોકો પોતાની માતૃભાષા માટે એટલા જાગૃત છે કે બહારથી ફરવા આવેલા પ્રવાસીઓને પણ તેઓ પોતપોતાની માતૃભાષામાં જ જવાબ આપતા જોવા મળે છે. અને એક આપણે છીએ કે આપણી માતૃભાષા દિવસેને દિવસે પાંગળી થતી જાય છે. પાનખરમાં જેવી રીતે વૃક્ષો ટપોટપ પોતાના પાંદડા ગુમાવે છે એવી રીતે ગુજરાતી લખવા, વાંચવા, સમજવાવાળા ઓછા થતા જાય છે. અરે કેટલાય તો બોલી પણ નથી શકતા અમુક શબ્દો. મેગેઝીનો પણ વાચકોના અભાવે સદંતર બંધ થઈ રહ્યા છે, જેનો ભારોભાર અફસોસ પણ છે. સોશિયલ મીડિયામાં માત્ર દેખાડા ખાતર જ્યારે વિશ્વ માતૃભાષા દિવસ હોય ત્યારે એક કે બે સ્ટેટ્સ મૂકી આપણે વર્ષોથી માતૃભાષાનું ગૌરવ લેવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો છે. આ રીતે આપણે જતન કરીએ છીએ આપણી માતૃભાષાનું.
બુર્જ ખલીફા બનાવવા માટે જેવી રીતે જમીનમાં ઊંડો ખાડો કરી મજબૂત પાયો બેસાડવો પડે એવી જ રીતે માતૃભાષાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ તેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી વ્યાપ્ત હોવા જોઈએ. એક દાખલો ઈઝરાયેલનો જોઈએ તો ત્યાં શરૂઆતના સાતેક વર્ષ સુધી કોઈ શિક્ષણકાર્ય શરૂ નહોતું થયું, વાત છે ઈઝરાયેલ દેશ જ્યારે આઝાદ થયો ત્યારની. કેમ? કેમ કે ત્યારે તે દેશ પાસે એક પણ ગ્રંથ, સાહિત્ય કે અન્ય વસ્તુઓ હિબ્રુ ભાષામાં ન હતી કે જે ત્યાંની પ્રજાને શિક્ષિત કરી શકે. તે વખતના ઈઝરાયેલના પ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું કે આપનો દેશ હવે આઝાદ છે તો આપને ત્યાં શિક્ષણનું માધ્યમ શું હશે? પ્રમુખ જવાબ આપતા કહે છે, બેશક હિબ્રુ ભાષા! તો વળી બીજો પ્રશ્ન એવો પૂછે છે કે અત્યારે તો તમારી પાસે એકપણ ગ્રંથ કે શાસ્ત્ર હિબ્રુ ભાષામાં નથી તો તેનું શું કરશો. આના નિરાકરણ માટે આઝાદ ઈઝરાયેલના વિદ્વાનોએ સતત સાત વર્ષ સુધી વિશ્વભરના અંગ્રેજી તેમજ અન્ય ભાષાના ગ્રંથોનું મહામહેનતે હિબ્રુ ભાષામાં ભાષાંતર કર્યું. જેથી આઝાદ થયેલ ઈઝરાયેલમાં સાત વર્ષ બાદ તેમની જ માતૃભાષામાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું. આવી ભાવના દરેકમાં હોવી જોઈએ.
આમ જોઈએને તો કોઈપણ ભાષા એ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે. આપણી માતૃભાષામાં આપણે આપણા વિચારો અને આપણી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ અને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી હોતો. હા, અન્ય ભાષાનો વિરોધ નથી. અન્ય ભાષાઓ શીખવી એ સારી જ વાત છે પરંતુ હજી ગુજરાતીનો એક શબ્દ બોલવામાં ફાંફા પડતા હોય (વળી અમુકને તો અહીં 'ફાંફા' એટલે શું એ પણ સમજાવું પડે) ને સ્પેનિશ ભાષા શીખવા જાય. વાલીઓ પણ હોંશે હોંશે પોતાના દીકરા કે દીકરી પર ગૌરવ લેતા બીજાને બડાઈ હાંકતા ફરે કે મારા સંતાનો તો સ્પેનિશ શીખવા જાય છે. અંગ્રેજી કવિતાઓ બાળકોને હોંશે હોંશે ગોખાવનાર મા-બાપોમાંના કેટલાએ સંસ્કૃત સુભાષિતોના ગુજરાતી અનુવાદો પણ વાંચ્યા? બાળકના પેરેન્ટિંગથી જ માતૃભાષાથી દૂર રાખવામાં આવે છે જેથી ભવિષ્યમાં તે પોતાની માતૃભાષા પણ લખી, બોલી કે વાંચી નથી શકતો. છે આવા ઘણા! મારી સાથે અભ્યાસ કરતા મારા સહપાઠીઓમાંના ઘણા ગુજરાતી ભાષાનો એક શબ્દ પણ સરખી રીતે ન્હોતા લખી શકતા કે ન્હોતા બોલી શકતા. વારે તહેવારે ભારત પ્રત્યે પોતાના અપાર પ્રેમનો ઝંડો સોશિયલ મીડિયામાં ફરકાવવા નીકળી પડનારાઓ શુદ્ધ ગુજરાતી (હિન્દીની વાત તો બહુ દૂરની છે!) બોલી કે લખી પણ નથી શકતા! કહેવાનું તાત્પર્ય એટલું જ થાય છે કે તમે ભલે પિત્ઝા ને પાસ્તા ખાવ, બર્ગર ખાવ પણ પાછળથી લાપસી અને શીરો ભૂલાતો જાય છે ને ત્યાં પ્રશ્નો ઊભા થાય છે. ચાઇનીઝ મંચુરિયન ખાતા ખાતા પાછા મોહનથાળનો વાંક કાઢો એ તો કેમ ચાલે, હીહીહી. ટૂંકમાં સ્પેનિશ કે અંગ્રેજી કે અન્ય કોઈપણ ભાષાને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય. તેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
વાલીઓમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની હરીફાઈ થતી જોવા મળે છે. તેઓના મતે ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક પ્રગતિ કરવામાં કે કરિયર બનાવવામાં નિષ્ફળ જાય છે, કારણ કે આજે જ્યાં જુઓ ત્યાં માત્ર અંગ્રેજીની જ બોલબાલા છે. ઘણી વખત તો આસપાસના લોકો અથવા તો મિત્રવર્તુળની દેખાદેખીના કારણે વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં બેસાડતા હોય છે. પરંતુ એમને એ ખબર નથી હોતી કે બાળકના મનમાં કોઈપણ વિચાર તેની માતૃભાષામાં જ ઉદ્દભવે છે. પછી એ કોઈપણ જગ્યા કે પ્રાંત હોય. મનોવિજ્ઞાન પણ આ વાતની પુષ્ટિ કરે છે કે બાળકનો જ્યાં જન્મ થાય ત્યાંની માતૃભાષા જ સૌપ્રથમ સમજતા અને વિચારતા શીખે છે. સ્વાભાવિક છે કે પછીથી કોઈ પણ મૂળ વિચાર તેના મનમાં માતૃભાષામાં જ જન્મવાનો. કવિ નર્મદે પણ ખૂબ જ સરસ કહ્યું છે “મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો જરા પણ અફસોસ નથી. પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” આફ્રિકાના ગાંધીજી તરીકે ઓળખાતા નેલ્સન મંડેલા કહે છે કે “કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે, પણ તેને તમે એની માતૃભાષામાં સમજાવી શકો તો એ હૃદય સુધી પહોંચે છે.”
આમ, માતૃભાષા એટલે મારી પોતાની ભાષા. જેનાથી મારી ઓળખાણ છે. માતૃભાષા એટલે મારી માતાની ભાષા. માતૃભાષા બોલતાં જ જેમાં "મા" નો ભાવાર્થ છલકાય છે. માતાના ગર્ભમાંથી જ જે ભાષાનું જ્ઞાન આપણને થાય તે ભાષા એટલે આપણી માતૃભાષા. બોલ્સફર્ડ નામના અંગ્રેજ લેખકે કહ્યું છે કે, “માત્ર એક જ ભાષા દ્વારા આપણા ભાવોની સ્પષ્ટ વ્યંજના સંભવિત છે. કેવળ એક જ ભાષાના શબ્દોની સૂથમતમ વ્યંજનાને આપણે સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ અને તે ભાષા એ આપણી માતૃભાષા.” જે ભાષા આપણને બોલતાં શીખવે, જેના શબ્દો આપણને પોતીકા લાગતા હોય, જે ભાષા મમતા અને વાત્સલ્ય બંનેથી ઉભરાતી હોય તે એટલે આપણી માતૃભાષા. આમ તો દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો આરંભ માતૃભાષાથી જ થાય છે. વ્યવહારનું જ્ઞાન દરેક વ્યક્તિ માતૃભાષામાં સહજતાથી મેળવે છે. માતૃભાષામાં જેટલો વ્યક્તિનો સર્વાંગી એટલે કે માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ સરળતાથી થઈ શકે એટલો અન્ય કોઈ પણ ભાષામાં થતો નથી. કેમ કે આપણી આસપાસનું વાતાવરણ જ માતૃભાષા સાથે સુસંગત હોય છે. જેમાં અન્ય કોઈ ભાષાનો અવકાશ રહેતો નથી. બાળક મનના ભાવોને માતૃભાષામાં સરળતાથી વ્યક્ત કરતા સરળતાથી અને સહજતાથી શીખી જાય છે. વળી સંકટના સમયે તો મુખમાંથી માતૃભાષાના જ ઉદ્ગારો સહજ રીતે સરી પડે છે, ખીખીખી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ લખ્યું છે: માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
આ૫ણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા કોઈ કવિએ ખુબ જ સરસ લખ્યું કે,
અમને વહાલી ગુજરાતી,
છે માબોલી ગુજરાતી.
અમને વહાલી ગુજરાતી,
હેમચંદ્રની ગુજરાતી.
નરસિંહ મીરાંની ગુજરાતી,
વીર નર્મદની ગુજરાતી.
ગાંધીગીરા છે ગુજરાતી,
સહુ કોઇની ગુજરાતી.
ધન્ય ધન્ય છે ગુજરાતી,
ધન્ય ધન્ય છે ગુજરાતી.

Comments
Post a Comment