મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - અમેરિકાનો પ્રવેશ


અગાઉના ભાગ 1 માં આપણે જોયું કે મજલિસ હટાવવાને બદલે રેઝા શાહ ખાન પહલવી પૂરું નિયંત્રણ પોતાની પાસે રાખી લે છે અને પોતે ઈરાનનો રાજા બને છે. (સાથે એ પણ લખેલું કે જો પર્શિયન ગલ્ફ (જે અત્યારે હોર્મુઝની ખાડી તરીકે ઓળખાય છે) ઉપર કોઈનું આધિપત્ય આવી જાય તો દુનિયામાં થતો 20% જેટલો ઓઈલનો વ્યાપાર ઠપ્પ થઈ જાય. તો આ લખાય છે ત્યારે ઈરાનની સંસદમાં પર્શિયન ગલ્ફને સંપૂર્ણ કબ્જામાં લેવા ઠરાવ પસાર થઈ ચૂક્યો છે. ઈરાનની સિક્યુરિટી કાઉન્સિલની મંજૂરી મળે એટલી જ રાહ છે. જો આવું થશે તો પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ ભડકે બળશે.) રેઝા શાહ ખાન સત્તારૂઢ થતાં જ પોતે ઈરાનમાં ધરખમ ફેરફારો કરાવે છે. પાશ્ચાત્ય જગતના વિચારો સાથે તેણે ઈરાનને બખૂબી જોડી દે છે. આજના રૂઢિચુસ્ત ઈરાન કરતાં તદ્દન વિપરીત નીતિનિયમો અને ધારાધોરણો લાગુ કરેલા. જેમ કે મહિલાઓને બુરખો "પહેરવા" પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. (હાલમાં તો મહિલાઓ બુરખો પહેર્યા વગર બહાર પણ નીકળી નથી શકતી.) પુરુષોને હેટ (ટોપી) અને યુરોપિયન સ્ટાઈલના કપડા પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. મહિલાઓને નોકરી માટે પ્રોત્સાહિત કરવામાં આવી અને ફિલ્મો જોવા માટેનો પ્રતિબંધ પણ દૂર કરવામાં આવ્યો. આ બધું રેઝા શાહ ખાન પોતાની ઈચ્છા અનુસાર કરતો હતો. આ બધું કરવા માટે તેણે ટેક્સ પણ વધારી દીધો કે જેના કારણે ઈરાન પાસે મૂડી આવે. પરંતુ આ કારણે ઈરાનનો જે ગરીબ વર્ગ હતો એની હાલત ખૂબ જ ખરાબ બનતી ગઈ. જેના કારણે એ વર્ગ રેઝા શાહ ખાનથી ખૂબ નારાજ હતો. 

સન 1933 માં ઈરાનમાં જે એંગ્લો પર્શિયન ઓઈલ કંપની હતી તેમાં ઈરાનનો હિસ્સો 16% હતો, જે રેઝા શાહ ખાને વધારીને 20% કરી નાખ્યો. પરંતુ ઈરાનની જનતાને આ પણ સ્વીકાર્ય ન હતું. ઈરાનની જનતાને ઈરાનના ઓઈલ ઉપર સંપૂર્ણ ઈરાનનો અધિકાર જોઈતો હતો. અન્ય કોઈપણ દેશની દખલગીરી સામે ઈરાનની પ્રજાને વાંધો હતો. આ દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય છે જેમાં બ્રિટન અને રશિયા બંને એક તરફ હતા અને આગળ જતાં અમેરિકા પણ આ બંનેના ગ્રુપ સાથે જોડાઈ ગયું. પરંતુ ઈરાન દ્વિતીય વિશ્વયુદ્ધમાં તટસ્થ હતું. વિશ્વયુદ્ધ દરમિયાન વિજેતા બનવા તરફ જર્મનીનું પલડું ભારે દેખાતા રેઝા ખાને જર્મની સાથે વ્યાપાર અને ઓઈલ બાબતે વાતચીત શરૂ કરેલી. આ તરફ બ્રિટન અને રશિયા બંને જર્મનીની વિરુદ્ધમાં હતા. તે બંને ન્હોતા ઈચ્છતા કે જર્મની ઈરાનમાં પ્રવેશ કરે. કેમ કે જો જર્મની ઈરાનમાં પ્રવેશ કરે તો રાજનૈતિક અને કૂટનીતિક દ્રષ્ટિએ તે અમેરિકા, રશિયા અને બ્રિટન પર મજબૂત પકડ જમાવી શકે તેમ હતું. ઈરાનની જર્મની સાથે ઓઈલ બાબતે શરૂ થયેલી વાતચીત પણ બ્રિટનને પોતાની ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ માટે ગંભીર ખતરારૂપ લાગી. જેથી આ બાબતને લઈને બ્રિટન અને રશિયાએ ઈરાનને સમજાવવાના અને જર્મનીને ઈરાનમાંથી બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા. પરંતુ ઈરાન માટે એ શક્ય ન બનતાં છેવટે તે આ ચારેય સુપરપાવર અમેરિકા, રશિયા, બ્રિટન અને જર્મની વચ્ચે ફસાયેલું હતું. અંતે વાત ન બનતાં, બ્રિટન અને રશિયા બંને ઈરાન પર આક્રમણ કરે છે. બંને દેશો એવું બહાનું આગળ ધરે છે કે આ હુમલો પ્રવર્તમાન વિશ્વયુદ્ધના કારણે જર્મનીને ઈરાનમાંથી બહાર કાઢવા માટે છે. કારણ કે તે બંને દેશોનો વિશ્વયુદ્ધનો મહત્વનો પુરવઠો જેમ કે હથિયારો, અનાજ, પેટ્રોલિયમ વગેરે ઈરાનમાંથી પસાર થતો હતો અને જો ઈરાન પર જર્મનીનું આધિપત્ય હોય તો બ્રિટન અને રશિયા બંને માટે વિશ્વયુદ્ધમાં કપરી પરિસ્થિતિ સર્જાય. 

હવે અહીંથી જગતજમાદાર બની બેઠેલા અમેરિકાનો પ્રવેશ થાય છે ઈરાનની અંદર. બ્રિટન અને રશિયાનો સાથ દેવા માટે અમેરિકા ટ્રેન દ્વારા જરૂરી પુરવઠો પહોંચતો કરે છે. આ ઉપરાંત બ્રિટન અને રશિયાનો સાથ દેવા અમેરિકાએ પોતાના યુદ્ધ વિમાનો પણ ઈરાનની અંદર ઉતારી દીધેલા. બ્રિટને અને રશિયાએ કરેલા હુમલાના કારણે ઈરાનમાં મોંઘવારી માઝા મુકે છે (એક અહેવાલ મુજબ ફુગાવો 400% જેટલો વધી જાય છે), ખાવાપીવાની વસ્તુઓની તીવ્ર તંગી સર્જાય છે અને કેટલીય જગ્યાએ ભૂખમરો પણ સર્જાય છે. સાથે સાથે અમેરિકા ઈરાનના પણ સપોર્ટમાં આવે છે અને ઈરાનને જે પણ ચીજવસ્તુઓની જરૂર હતી તે અમેરિકા પહોંચતું કરે છે. કારણ કે અમેરિકાને પણ ઈરાનની અંદર પોતાનું નિયંત્રણ જોઈતું હતું. યુદ્ધ સમાપ્તિ પછી બ્રિટન અને અમેરિકા તો ઈરાનમાંથી વિદાય થાય છે પરંતુ રશિયા ઈરાન માટે મોટી મુસીબત નોતરે છે અને ઈરાનના બળવાખોરો સાથે મળીને ઈરાનમાંથી અઝરબૈજાન અને કુર્દિશ રિપબ્લિક નામના બે ટુકડાઓ વિભાજિત કરે છે. આ તરફ ઈરાન પર પોતાનું પ્રભુત્વ વધારવા અમેરિકા UN માં પહોંચે છે અને રશિયા ઈરાનમાં અનધિકૃત રીતે વર્ચસ્વ ધરાવે છે એવી હવા બનાવી રશિયાને ઈરાનમાંથી બહાર કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું (કારણ કે અન્ય તમામ દેશોની હાલત એકદમ કફોડી હતી અને અમેરિકા જાપાને કરેલા પર્લ હાર્બર પરના હુમલા સુધી એકદમ તટસ્થ હતું. જેના કારણે તેના અર્થતંત્રમાં પણ ઘોડા જેવી તાકાત હતી.) અને તેના જોરે ઈરાનના ઓઈલ પર ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ વધારતું ગયું. ઓઈલની સાથે સાથે અમેરિકા ઈરાનના વ્યક્તિગત મામલાઓમાં પણ દખલ કરવા લાગે છે. આ તરફ ઈરાનની પણ મજબૂરી કે તે ચૂં કે ચા કરી શકે તેમ ન હતું. કારણ કે સન 1953 થી 1963 ના સમયગાળા દરમિયાન અમેરિકા માત્ર ઈરાનને જ $500 મિલિયન ડોલરની ખેપ પહોંચાડતું હતું. 

આ સમય દરમિયાન ઈરાનની મજલિસના જ એક વ્યક્તિ મોહમ્મદ મોસાદિક અમેરિકાની આ નીતિઓની વિરુદ્ધમાં આંદોલન શરૂ કરે છે. જેને ઈરાનના લોકોનું પણ ખૂબ સમર્થન મળે છે. જેને લઈને તે ઈરાનના ઓઈલને રાષ્ટ્રીય સંપતિ જાહેર કરે છે અને ફરમાન બહાર પાડે છે કે અમેરિકા કે બ્રિટનના બદલે હવે ઈરાન જ પોતાના ઓઈલનું ઉત્પાદન કરશે અને વ્યાપાર કરશે. જેની વ્યાપક અને ઊંડી અસર પડતા મોહમ્મદ મોસાદિકને ઈરાનના પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે. આના પ્રત્યુત્તર તરીકે અમેરિકા અને બ્રિટને કેટલાય આર્થિક પ્રતિબંધો ઈરાન પર ઠોકી બેસાડ્યા અને આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કર્યું. છતાં ઈરાને મચક ન આપતાં અમેરિકા અને બ્રિટન ઈરાનમાં CIA (અમેરિકાની કુખ્યાત જાસૂસી સંસ્થા) અને MI6 (બ્રિટનની જાસૂસી સંસ્થા) ને મોકલે છે અને રેઝા શાહ ખાનને પુનઃ સમર્થન આપીને ઈરાનના પ્રધાનમંત્રી મોહમ્મદ મોસાદિકને સત્તા પરથી દૂર કરે છે અને ઈરાનનો સંપૂર્ણ કબજો રેઝા શાહ ખાન પોતાની પાસે લઈ લે છે. આવી રીતે ફરીથી ઓઈલનો સંપૂર્ણ કારોબાર/વ્યાપાર અમેરિકા તેમજ બ્રિટનની કંપનીઓને મળવા લાગ્યો. 

સન 1963 આવતાં સમગ્ર પરિસ્થિતિમાં વધુ ગરમાવો આવવાનું શરૂ થાય છે. જેવી રીતે મોહમ્મદ મોસાદિકે અમેરિકા વિરુદ્ધ આંદોલન શરૂ કરેલું તેવી જ રીતે આ વખતે આયાતોલ્લાહ (પ્રથમ ભાગમાં જોયું તે રીતે શિયા મુસલમાનોમાં સૌથી વધુ ભણેલા અને સૌથી મોટા ધાર્મિક નેતા જે હોય તે) રુહોલ્લાહ ખોમૈની અમેરિકાની વિરુદ્ધ આંદોલન શરૂ કરે છે અને ભાષણો આપે છે અને ઈરાનમાં ઉલેમા તેમજ આયાતોલ્લાહ જેવા લોકો જ્યારે આવા ભાષણો આપે તો લોકોમાં તેની ખૂબ ઈજ્જત હોય છે. જેથી ખૂબ જલ્દી લોકોનું સમર્થન પ્રાપ્ત થાય છે. આ તરફ રાજાને (રેઝા શાહ ખાનને) લાગ્યું કે આંદોલન ખૂબ ઝડપથી વધી રહ્યું છે તો તેણે આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીને જેલમાં ધકેલી દીધા. તેમ છતાં લોકોનું આંદોલન શરૂ રહેતાં, 4 નવેમ્બર 1964 ના દિવસે આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીને દેશ નિકાલ કરી દેવામાં આવે છે અને ઈરાક મોકલી દેવામાં આવે છે. પછી શું, કયારે, કેવી રીતે, કોના દ્વારા, શા માટે...? વધુ આવતા અંકે.

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?