મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - એક નજર આ તરફ



રેઝા શાહ ખાને આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીને દેશ નિકાલ કરી દીધા બાદ હવે આગળ... ખોમૈનીને મન એવું કે દેશ કોઈ રાજા ન ચલાવી શકે અને નીતિનિયમો માત્ર અલ્લાહ જ નક્કી કરી શકે, નહીં કે કોઈ રાજા. શરિયા કાનૂન મુજબ દેશ ચાલવો જોઈએ અને આ સમગ્ર પ્રક્રિયાને તેણે નામ આપ્યું, "વેલાયત-એ-ફાકી". દેશનિકાલ પામેલ ખોમૈની ભાષણો ઇરાકમાંથી આપતા પણ એનો જુવાળ ઈરાનમાં ઊઠતો અને આંદોલનનો વધુ તીવ્ર બનતા ગયા. પરિસ્થિતિઓની આવી ઘટમાળ સર્જાવાને કારણે ઇરાકના સદ્દામ હુસૈનને પર ડર પેઠો કે ઇરાકની શિયા મુસલમાનોની વસ્તી ઇરાકમાં પણ આંદોલનો શરૂ ન કરે. જેના કારણે ખોમૈનીને ત્યાંથી પણ દેશનિકાલ કરી દેવામાં આવ્યા. સતત ચાલતાં આંદોલનોના કારણે રેઝા શાહ ખાને અમુક અણઘડ નિર્ણયો લીધા જેના કારણે લોકોમાં વધુ રોષ ભભૂક્યો. 

તારીખ 6 જાન્યુઆરી, 1978 ના રોજ રેઝા શાહ ખાન આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈની વિશે સમાચારપત્રોમાં કંઈક ખોટું છપાવે છે જેના લીધે આંદોલન કરનારા લોકો વધારે ભડકે છે. અમેરિકાએ ઈરાનને જણાવ્યું કે રોજિંદી બનતી રહેતી ઘટનાઓ જો તમારાથી કાબૂમાં ન આવતી હોય તો અમેરિકા પોતાનું સૈન્ય મોકલી તેને કાબુમાં લેશે. અમેરિકાના આ પગલાએ જાણે બળતામાં ઘી હોમ્યું. છેવટે પરિસ્થિતિ કાબુ બહાર જતા, ઈરાનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો. નાગરિકોના તમામ મૂળભૂત હકો તાત્કાલિક અસરથી નાબૂદ કરી દેવામાં આવે છે. તેમ છતાં વિરોધનો વંટોળ ચાલુ જ રહ્યો અને ધીમે ધીમે ઈરાનનું આખું અર્થતંત્ર ખસ્તાહાલ થયું. ડિસેમ્બર 2, 1978 માં બેકાબૂ થયેલી પરિસ્થિતિથી ભાગીને પોતાના કેન્સરનો ઇલાજ કરાવવાના બહાને રેઝા શાહ ખાન અમેરિકા ભાગી છૂટે છે. રાજા ભાગતા જ ખોમૈની ફરીથી ઈરાનમાં પ્રવેશ મેળવે છે અને તરત જ રાજા તથા પ્રધાનમંત્રીને પદ પરથી હટાવે છે. ત્યારબાદ એપ્રિલ 1979 માં મતદાન કરાવે છે અને એમાં 98% લોકોનો મત એવો પડે છે કે ઈરાનમાં ન તો રાજાશાહી હોવી જોઈએ કે ન તો લોકતંત્ર હોવું જોઈએ. પરંતુ ઈરાન ઇસ્લામિક રિપબ્લિક તરીકે રહેવું જોઈએ. અને આ રીતે એક ઇસ્લામિક રિપબ્લિક દેશનું સર્જન થાય છે. જેને ત્યાંના લોકો ઇસ્લામિક ક્રાંતિ તરીકે ઓળખે છે, જેણે ઈરાનને હંમેશ માટે બદલી નાખ્યું. 

જેવી રીતે લોકતંત્રમાં જનતા સર્વોપરી હોય, રાજાશાહીમાં રાજા રાજ કરે એવી જ રીતે ખોમૈની Theocracy અમલમાં લાવ્યા. જે અનુસાર અલ્લાહે મોકલેલ ઉલેમાઓ અંતિમ નિર્ણય લઈ શકશે અને તેને સુપ્રીમ લીડર તરીકે ઓળખવામાં આવ્યા. આ સુપ્રીમ લીડરની નીચે રાષ્ટ્રપતિ, સંસદ, ચૂંટણી પ્રક્રિયા વગેરે થતું અને હાલમાં પણ એમ જ થાય છે. આ સુપ્રીમ લીડરના વડપણ હેઠળ જ ઈરાનમાં શરિયા કાનૂન લાવવામાં આવ્યો અને તમામ અધિકારો ઉલેમાને આધિન રાખવામાં આવ્યા. આ કાનૂન મુજબ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ નામના એક વિશેષ લશ્કરી બળની રચના કરવામાં આવી. જેનું મુખ્ય કાર્ય Theocracy ની સુરક્ષા કરવાનું હતું. જેના કારણે ભવિષ્યમાં લશ્કરી શાસન દ્વારા તખ્ત પલટાવવાનો અથવા તો સુપ્રીમ લીડરને હટાવવાનો પ્રયાસ ન થઈ શકે. હાલમાં પણ આ સમગ્ર પ્રક્રિયા લાગુ જ છે. હાલના સુપ્રીમ લીડર સૈયદ અલી ખામૈની અમેરિકા અને ઇઝરાયેલ સામે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલુ રાખવા બાંયો ચડાવે છે જે આપણે જાણીએ છીએ. ઈરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશન બાદ આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ એવી વાત કરી જેના લીધે આસપાસના તમામ મુસ્લિમ રાષ્ટ્રોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું. તેણે કહ્યું, "અલ્લાહ સિવાય કોઈ વ્યક્તિનું રાજ હોવું કોઈ દેશ ઉપર એ ખોટું છે. અમે બાકીના દેશોમાં પણ આવી ક્રાંતિ લાવીશું." કારણ કે મધ્ય-પૂર્વના લગભગ તમામ રાષ્ટ્રોમાં રાજા જ પોતાનું રાજ ચલાવતા હતા. હાલની તારીખે પણ જોઈએ તો કતાર, જોર્ડન, સાઉદી અરેબિયા, ઓમાન વગેરે તમામ દેશોમાં રાજાશાહી જ છે (લોકતંત્ર છે પણ તેની ઉપર રાજાશાહી જ સર્વોપરી છે). ઈરાક આ બાબતને (અને અન્ય કેટલીક રાજદ્વારી તેમજ સરહદી પ્રદેશોની તકરારને લીધે) વધુ ગંભીરતાથી લઈને (કારણ કે પોતે ઈરાનની બાજુમાં જ આવેલો દેશ) ઈરાન પર આક્રમણ કરી બેસે છે. પણ ઈરાકે જેવું વિચારેલું એવું બન્યું નહીં. ઇરાકને જોર્ડન, સાઉદી અરેબિયા, કુવૈત વગેરે તમામ દેશોનો સહયોગ હતો. તમામ દેશો ઈચ્છતા હતા કે ઈરાનને હરાવી દેવામાં આવે. આ તરફ આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ પણ નીમ લઈને બેસેલા કે જ્યાં સુધી ઇરાકના સુન્ની લીડર સદ્દામ હુસૈનને હટાવી ન દે ત્યાં સુધી જંપીને ન બેસવું. 

ઈરાક તેમજ ઈરાનનું આ યુદ્ધ 1980 થી 1988 સુધી ચાલે છે પણ અંતે કોઈ સમાધાન નીકળતું નથી. છેવટે UN મધ્યસ્થી કરે છે અને યુદ્ધ વિરામ કરાવે છે. ત્યારપછીના વર્ષે એટલે કે 3 જૂન 1989 ના રોજ બિમારીના લીધે આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈની અવસાન પામે છે. ઈરાનમાં ખૂબ લોકપ્રિય એવા નેતાના અવસાનથી મોટી સંખ્યામાં લોકો (અહેવાલ મુજબ આશરે 10.2 મિલિયન લોકો 32 કિલોમીટરથી વધુ લાંબા વિસ્તારમાં) ભેગા થાય છે. ત્યારબાદ પછીના જ દિવસે 4 જૂનના રોજ હવે કોણ સુપ્રીમ લીડર બનશે એ માટે ચૂંટણી થાય છે. જેમાં 74 માંથી 60 વોટ અલી ખામૈનીને પ્રાપ્ત થાય છે. આજની તારીખે પણ ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામૈની જ છે. દેશમાં સર્જાયેલી પરિસ્થિતિઓ માટે જોવાની વાત એ કે કોઈપણ પરિસ્થિતિમાં ઈરાન અમેરિકા સાથે મિત્રતા કરી શકે તેમ ન હતું. કેમ કે ઈરાનમાં જે સુપ્રીમ લીડર બનેલા એ ઇસ્લામિક રિવોલ્યુશન (ક્રાંતિ) કરીને બનેલા જેમાં કેન્દ્રીય પરિબળ મુખ્યત્વે અમેરિકા જ હતું. લોકોને અમેરિકા વિશે સાચી કે ખોટી વાતો કરીને જ આંદોલન માટે પ્રેરેલા. જેના લીધે તમામ આંદોલનો સફળ થતા હતા. આ તરફ અમેરિકા પણ ઇસ્લામિક રિવોલ્યુશનને state sponsored terrorism તરીકે ઓળખાવે છે.

આમ પણ અમેરિકાનો ઈતિહાસ જોતા તે પોતાના હિત સિવાય ક્યાંય માથું મારતું નથી. આજની તારીખે પણ આખી દુનિયામાં સૌથી વધુ તેલનો ભંડાર ધરાવતા સૌપ્રથમ પાંચ દેશોમાં વેનેઝુએલા, સાઉદી અરેબિયા,ઈરાન, કેનેડા અને ઇરાક છે. જેમાંના ત્રણ તો મધ્ય-પૂર્વમાં જ છે કે જ્યાંથી વિશ્વ આખાનો ઓઈલનો પુરવઠો નિયંત્રિત થાય છે. હવે સહેજ જુદા પરિપ્રેક્ષ્યથી જોઈએ તો મધ્ય-પૂર્વના આ એવા દેશો છે જેની પાસે એકપણ પરમાણુ હથિયાર નથી. સામે પક્ષે બીજા તમામ દેશો પાસે મળીને કુલ 18 થી 20 હજાર જેટલા પરમાણુ હથિયારો છે. કેટલીક વૈશ્વિક તાકાતો મધ્ય-પૂર્વના દેશોને પરમાણુ હથિયારો બનાવતા રોકવા માટે બધું જ કરી છૂટશે. અહીં પ્રશ્ન થાય કે ઈરાન તો પરમાણુ હથિયાર બનાવે છે, તો એનું શું? તો અત્યારે એની પાછળ પણ ઘણી રાજનીતિ ચાલે છે. જેમ કે મધ્ય-પૂર્વમાં અત્યારે માત્ર ઇઝરાયેલ પાસે જ પરમાણુ હથિયારો છે. એટલે મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ ખૂબ મોટી તાકાત તરીકે વર્ચસ્વ ધરાવે છે. જ્યાં સુધી ઇઝરાયેલ પાસે જ પરમાણુ હથિયારો રહેશે ત્યાં સુધી અમેરિકા પણ મધ્ય-પૂર્વમાં પોતાની મનમાની કરી શકશે. આ તરફ ચીન અને રશિયા સહેજ પણ નથી ઈચ્છતા કે અમેરિકા પોતાની મનમાની કરે. જેના લીધે બંને દેશો છુપી રીતે ઈરાનને સહયોગ કરે છે. અને એ વાત પણ સ્વીકારવી રહી કે ઈરાન માત્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે એની પાસે પરમાણુ હથિયારો હશે. આ વિસ્તારમાં કાયમ માટે શાંતિ સ્થાપવા ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવા આવશ્યક છે. નહીંતર ઇઝરાયેલ એક તરફી હકુમત ચારે બાજુએ ચલાવ્યા કરશે. ઈરાન પાસે પરમાણુ હથિયાર આવતા જ આ લડાઈ એક સંતુલિત અવસ્થામાં આવી જશે. કેમ કે દુનિયા પરમાણુ હથિયાર ધરાવતા કોઈપણ દેશોને ક્યારેય લડવા દેતી નથી, જેમ કે ભારત-પાકિસ્તાન. આમ, ઈરાનને પરમાણુ હથિયારો આપીને આ આખા ક્ષેત્રમાં સંતુલન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની વિરુદ્ધમાં રહેલા દેશી નથી ઈચ્છતા કે એકલું અમેરિકા આ ક્ષેત્રમાં રાજ કરે, જેથી તે ઈરાનને ટેક્નોલોજી અને રો-મટીરિયલ પૂરું પાડીને મદદ કરે છે. 

પરમાણુ હથિયાર માટે કુદરતી રીતે મળતું 238 ગ્રેડનું યુરેનિયમ ન ચાલે. આથી તેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ગ્રેડ 235 માં ફેરવવામાં આવે છે અને તે માટે 90% શુદ્ધિકરણ થયેલું યુરેનિયમ હોવું જરૂરી છે. આ આખી પ્રક્રિયાને Uranium Enrichment કહે છે. અહેવાલો અનુસાર ઈરાને યુરેનિયમની 60% જેટલી શુદ્ધિ કરી લીધી છે, 90% સુધી પહોંચવામાં માત્ર 30% જ બાકી છે. એ પૂર્ણ થતાં જ ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી યુરેનિયમ સુલભ બની રહેશે. આ અટકાવવા માટે ઇઝરાયલે મોસાદના જાસૂસો મારફતે ઈરાનના કેટલાય પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરાવી દીધી છે. જેના લીધે ઇરાનનો પરમાણુ પ્રોગ્રામ વખતોવખત પાછળ ધકેલાઈ રહ્યો છે. આર્થિક રીતે ખૂબ ખર્ચાળ આ પ્રક્રિયા ઈરાન માટે બીજી મોટી મુસીબત છે. કેમ કે અમેરિકાએ કેટકેટલાય પ્રતિબંધો ઈરાન પર લગાવ્યા છે. જોકે હવે આગળ શું થાય એના પર સૌની નજર રહેશે. 

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?