અમારા તો અઢારેય વાંકા
"કડક પગલાં લેવામાં આવશે...", ઓહ! માફ કરશો. કદાચ ફરીથી આ શબ્દો વાંચવા મળ્યા એ બદલ. હમણાંથી તો વખતોવખત આવા શબ્દો જોવા, વાંચવા કે સાંભળવા મળે છે. બારે મેઘ ખાંગાની જેમ ગુજરાતમાં જેવી રીતે ચોમાસું જામ્યું છે એ શરીરની અંદરના ઉકળાટને તો દૂર કરે છે પણ બહારના કકળાટને પણ સાથે સાથે લાવે છે. એ કકળાટ એટલે રોજિંદા અનુભવાતો અને સહન કરવાનો થતો ભ્રષ્ટાચારના ભોરિંગ સમા ખાડાઓ તેમજ ઉબડખાબડ રસ્તાઓનો. હમણાં જ થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા અહેવાલો જોઈએ તો વરસાદની ઋતુ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એકલા ગુજરાતમાં જ 3000 કિલોમીટર કરતાં પણ વધારે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને આશરે 16000 થી પણ વધારે ખાડાઓ પડ્યા છે. ગુજરાતની જનતા દરરોજ સરેરાશ 15 કરોડ જેટલી રકમનો ટોલ ટેક્સ ચૂકવી રહી છે છતાં રોડ પર મંગળ ગ્રહ પર ચાલતાં હોય એવી પ્રતીતિ થાય. ભારતમાં ખાડાની સમસ્યા આમ તો મહાભારત કાળથી ચાલી આવે છે. કર્ણના રથનું પૈડું પણ ખાડામાં જ ફસાઈ ગયેલું ને..! એટલે પ્રજા હવે ટેવાઈ ચૂકી છે અને આમ પણ ફરિયાદ કરવી તો કોને કરવી? નથી કોઈ સાંભળનાર કે નથી કોઈ અમલ કરનાર.
પેલી બોલિવૂડની અક્ષય કુમાર, રાજપાલ યાદવ અને જ્હોની લીવર અભિનીત એક ફિલ્મ યાદ છે, ખટ્ટા મીઠા? તેમાં પણ આખો એક પરિવાર સરકારી વિભાગોમાંથી મળતા રહેતા કોન્ટ્રાક્ટમાં કટકીઓ કરીને પોતાના ગજવા ભર્યા કરે છે. જેટલી રકમ મંજૂર થાય એમાંથી અમુક રકમ કોઈક નેતા લઈ જાય છે અને અમુક રકમ અધિકારીઓ લઈ જાય છે. છેલ્લે જેટલી રકમ બાકી રહે તેમાંથી કામકાજ માટે કંઈ માલ - મટીરિયલ ઉપલબ્ધ થતું નથી. છેવટે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરીને કામ પૂરું કરે છે. અમુક સમય બાદ એક પુલ તૂટતાં કેટલાક લોકો મૃત્યુ પામે છે અને આ તરફ કોન્ટ્રાક્ટરો એકબીજા પર દોષારોપણ કરવા લાગે છે. આવી કંઈક ફિલ્મની પટકથા છે અને એને અહીં ટાંકવાનો મતલબ એટલો જ કે એ તો માત્ર ફિલ્મ હતી પરંતુ એના જેવી હકીકત આપણે અહીં પણ રોજિંદી બની જ રહી છે.
દર વખતે કંઈક અઘટિત દુર્ઘટના ઘટે એટલે દરેક પ્રજાજનના મનમાં ઉદ્દભવતો એક જ વેધક પ્રશ્ન હોય છે, આ બધું અટકશે કે નહીં? કારણ કે હવે તો એક આખી ઘટમાળ ચાલુ થઈ છે, એક પછી એક દુર્ઘટનાઓની. દર વખતે દુર્ઘટનાઓ તો બદલાતી રહે છે પરંતુ શબ્દો નહીં. કંઈક થાય એટલે એક જ વસ્તુ સાંભળવા મળે, "કડક પગલાં લેવાશે". પંરતુ એ પગલાં ક્યારે લેવાશે, કોણ લેશે અને કેવા લેવાશે એ કંઈ જ નહીં. દરેક દુર્ઘટનાઓ પોતાની સાથે એક સબક લઈને આવતી હોય છે પરંતુ અહીં તંત્રના મગજમાં એ વાત ઉતરતી નથી. થોડા વર્ષો પૂર્વે જ્યારે અમદાવાદમાં કાંકરિયા ખાતે રાઇડ દુર્ઘટના થઈ ત્યારે જો બોધપાઠ લીધો હોત તો બાકીની તમામ દુર્ઘટનાઓ નિવારી શકાય તેમ હતી. પણ હંમેશની જેમ જૈસે થે! અણઘડ તંત્ર અને શાસકો પાસેથી અપેક્ષા પણ શું રાખી શકીએ? ત્યારબાદ મોરબી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનામાં કેટલાય લોકોના દુઃખદ મૃત્યુ થયા. પરંતુ આ વખતે રાજ્યભરના તમામ ઝૂલતા પુલોની તપાસ કરવામાં આવી. માત્ર ઝૂલતા પુલોની જ, હોં..! કેમ કે ત્યારે તો માત્ર ઝૂલતો પુલ જ તૂટેલો ને એટલે. બીજું બધું તો સબ સલામત હૈ નું લેબલ પામેલું હતું. એ ઘટના બાદ દ્વારકામાં કરોડોના ખર્ચે બનાવેલ સુદામા સેતુ પુલને હજી હાલની તારીખે પણ ખોલવામાં નથી આવ્યો. નપાણીયા તંત્રની વધુ એક ઘોર બેદરકારી. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં થોડા વધુ પૈસાની લાલચમાં ક્ષમતા કરતા કંઈક વધારે વિધાર્થીઓ બેસાડી દીધા એમાં જળાશયની વચ્ચે બોટ દુર્ઘટના થઈ. બાર બાળકો અને બે ક્ષિક્ષકો સહિત 14 લોકોના દુઃખદ અવસાન થયેલા. ત્યારબાદ પણ તંત્રએ રાજ્યભરમાં માત્ર બોટિંગ બંધ કરાવીને સંતોષ માન્યો. સુરતમાં જ્યારે તક્ષશિલા કોમ્પલેક્ષના સૌથી ઉપરના માળે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી ત્યારબાદ રાજ્યભરમાં ચાલતા ગેરકાયદે તેમજ ફાયર NOC ન હોય તેવા તમામ ટ્યુશન ક્લાસીસો પર રીતસરની તવાઈ ચલાવવામાં આવી. ફાયર NOC પણ માત્ર ટ્યુશન ક્લાસીસો માટે જ. હોસ્પિટલો કે ગેમ ઝોન કે અન્ય કોઈ ઈમારતો માટે નહીં!!! અમદાવાદ શ્રેયસ હોસ્પીટલમાં રાત્રે 3 વાગ્યાના અરસા દરમિયાન લાગેલી આગમાં કેટલાય કોરોના દર્દીઓ ઊંઘમાં જ મૃત્યુ પામેલા. રાજકોટ ગેરકાયદે ચાલતાં TRP ગેમઝોનમાં આગના કારણે અને યોગ્ય બહાર નીકળવાનો રસ્તો ન હોવાથી બાળકો સહિત આશરે 33 લોકો ભડથું થઈ ગયા. ત્યારબાદ પણ સરકારે માત્ર રાજ્યના તમામ ગેમઝોનને સીલ કરી તપાસનું નર્યું ડિંડક આદર્યું. અહીં પ્રશ્ન એ થાય કે આટલું તોતિંગ બિલ્ડિંગ ઊભું થઈ જાય અને વ્યાપારિક પ્રવૃતિઓ શરૂ કરી દેવામાં આવે ત્યાં સુધી તંત્ર અને તેના અધિકારીઓ ક્યાં હોય છે અને શું કરતા હોય છે? મંજૂરીઓ કોણ કોની પાસેથી મેળવે છે? છેવટે છટકબારીઓ શોધવા અને જવાબદારીઓમાંથી બચવા એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. છેલ્લે તમામનો એકસરખો જવાબવહીની જેમ ગોખેલો જવાબ હોય છે, આ અમારી ફરજમાં નથી આવતું.
સવાલ એક જ વાતે આવીને અટકે છે કે, દુર્ઘટના થાય પછી જ બધા કેમ જાગે છે? તમામ દુર્ઘટનાઓ પછી આખા રાજ્યની એને લાગતી જ તમામ વસ્તુઓ તપાસવા માટેના કેમ આદેશો થાય છે? કોઈ એક જગ્યાએ લાગેલી આગના કારણે જો ફાયર NOC ન હોવાનું બહાર આવે તો રાજ્યની તમામ સરકારી તેમજ ખાનગી ઈમારતોમાં એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ તો હોસ્પિટલમાં આગ લાગે તો હોસ્પિટલો પાછળ દોડે, બાકી બધું સુરક્ષિત છે. ગેમઝોન હોય તો ગેમઝોનની પાછળ દોડે. આમ કરવા જતાં પાછળથી ક્યાંક ટ્યુશન ક્લાસમાં પણ આગ લાગે છે એ ધ્યાનમાં રહેતું નથી. કોઈપણ કામના ધારાધોરણો જ નથી. સામાન્ય જનતાનો જીવ લેતી કોઈપણ દુર્ઘટનાઓ પછી કડક તપાસના નામે નર્યું ડિંડક અને ચવાઈ ગયેલી નિંદાનો ગોલ્ડ મેડલ જો ઓલમ્પિકમાં હરીફાઈ થાય તો આપણને જ મળે!
માનનીય હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને સૂચન કરેલું કે, ખાનગી વ્યક્તિઓને પુલોના રિપેરિંગનો કરાર આપતી વખતે તેમની ક્ષમતા, નિપુણતા સહિતની બાબતોની ચકાસણીની જવાબદારી રાજ્ય સરકારની છે. આ ઉપરાંત બહુ માર્મિક ટકોર કરતાં જણાવેલું કે, વ્યક્તિનું જીવન અથવા ઐતિહાસિક ધરોહર બેમાંથી એકપણ ખોવું યોગ્ય નહીં લેખાય. અદાલતમાં જે પુલો જૂના થઈ ગયા છે અને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેવા પુલોને બંધ કરી દેવાની ખાતરી પણ સરકાર તરફથી આપેલી હતી. પરંતુ આ તમામ ખાતરીઓ કે હૈયાધારણાઓ ગંભીરા પુલ દુર્ઘટનાને પગલે બિલકુલ ઠાલા અને સરકારની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉઠાવનારા બની રહ્યા છે.
ખરેખર તો વિદેશના શહેરો જોઈએ ત્યારે ખબર પડે કે વાસ્તવમાં શહેર કેવું હોવું જોઈએ. સ્માર્ટ સિટી તો આ બધાની પહોંચની પણ બહાર છે. ઠેકઠેકાણે પડેલા ખાડા સહિત ખાડે ગયેલી ટ્રાફિક સેન્સ. ભારતના કેટલાય અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો પછી હજુ પીવાલાયક પાણી નથી પહોંચ્યું. બિસ્કિટના એક પેકેટની ખરીદી પર લગતા ટેક્સથી લઈને પગારમાંથી કપાતા ટેક્સ સુધી ડગલેને પગલે પ્રજા ટેક્સ ચૂકવે છે. છતાં સુવિધાના નામે શું? મીંડુ! ફરવા જઈએ તો આતંકવાદીઓનો ડર, પાર્કમાં જઈએ તો રાઈડ તૂટવાનો ડર, રસ્તામાં પુલ તૂટવાનો ડર.. દરેકના માથા ભાંગે એવા આ બધાને ધકેલવા ક્યાં? સરકારની મહેરબાની છે કે ચોમાસામાં ખાડાઓ તો મળી જાય છે.

Comments
Post a Comment