મિડિયા: હેડલાઈન vs બેડલાઈન


વિશ્વના તમામ લોકશાહી દેશોમાં, મિડિયાને સંસદ, વિધાનસભા અને ન્યાયતંત્રની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટેના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. મિડિયાની સકારાત્મક ભૂમિકા કોઈપણ વ્યક્તિ, સંગઠન, જૂથ અને દેશને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે સમૃદ્ધ બનાવી શકે છે. આધુનિક સમયમાં, મિડિયાની ઉપયોગિતા, મહત્વ અને ભૂમિકા સતત વધી રહી છે. કોઈપણ સમાજ, સરકાર, વર્ગ, સંસ્થા, જૂથ કે વ્યક્તિ મિડિયાની અવગણના કર્યા વિના આગળ વધી શકે નહિ. મિડિયા આજના જીવનમાં એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. આમ જોઈએ તો મિડિયા એ એક સર્વાંગી પ્રણાલી છે. જેમાં પ્રિન્ટિંગ પ્રેસ, પત્રકારો, ઈલેક્ટ્રોનિક મિડિયા, રેડિયો, સિનેમા, ઈન્ટરનેટ વગેરે જેવા માહિતી સ્ત્રોતોનો સમાવેશ થાય છે. સમાજમાં મિડિયાની ભૂમિકા જોતાં તે સમાજમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ઘણું યોગદાન આપે છે અને તેની જવાબદારીઓ નિભાવવામાં સમાજ પર તે તેની કેટલીક સકારાત્મક અને કેટલીક નકારાત્મક અસરો પણ પાડે છે. આમ, સમાજમાં મીડિયાની શક્તિ, મહત્વ અને ઉપયોગીતામાં વધારો થવાથી, તેની સકારાત્મક અસરોમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ તે જ સમયે તેની નકારાત્મક અસરો પણ બહાર આવી છે.

સવા અબજની વસતિ ધરાવતા ભારત જેવા મોટા દેશમાં એક માનસિક રીતે અસ્થિર વ્યક્તિ કંઈક આડા-અવળું કરી નાખે (જેમાં કોઈને ખાસ કંઈ નુકશાન પણ ન થયું હોય) અને મોટો એવો હોબાળો થાય. એ આખો દિવસ ટીવીની ન્યૂઝ ચેનલ્સમાં મેઈન હેડલાઈન બને ! વ્યક્તિ કૂવામાં પડી એ સ્થાનિક કમનસીબ ઘટના રાષ્ટ્રીય પ્રાણપ્રશ્ન બની જાય. ટીવી ચેનલો પછી અખબારવાળા પણ પછીના દિવસે તેને મસમોટી હેડલાઇન બનાવીને છાપે. આટલી મહત્વની ઘટનાની નોંધ ન લે, તો હરીફાઈમાં પાછળ પડી ગયા કહેવાય ને! આમ, ચકડોળ ચાલતું રહે છે. કોઈ પણ મુદ્દા અંગે ગંભીરતાથી અભ્યાસ કરવાની જરૂર નથી. (આ તો ખરેખર આપણે ત્યાં ગેરલાયકાત ગણાય !) નવાં વિચાર કે નવા ઉકેલો શોધવાના નથી. લોકોની અગવડો ઘટે કે સગવડો વધે એ માટે કશી કામગીરી કરવાની નથી. કરવાનું એટલું જ છે કે સંસ્કૃતિ કે ધર્મના નામે કશો ટિસ્યૂ પેપરની કક્ષાનો ઈસ્યૂ શોધીને કાગારોળ કરી મૂકવાની છે. પશ્ચિમનો અદ્રશ્ય ખતરો બતાવીને જાણે પોતે જ તીસ માર ખાન હોય એવી રીતે વર્તશે. આમ પણ જેની પાસે અહીં વૉટબેન્ક, એના ચરણોમાં રિઝર્વ બેન્ક! દરેક સ્ટોરી ડેડલાઈન પહેલા સબમિટ કરવાની છે. એમાં કશું ક્રોસ-ચેક કરવાનો સમય રહેતો નથી. અડધી કલાકના ‘સ્પેશ્યલ’ પ્રોગ્રામમાં રૂપાળા ઢીંગલા-ઢીંગલી જેવા એન્કર્સ એકની એક લીટીઓ ફરી ફરીને લાવ્યા કરે છે. નક્કર નવી માહિતી એટલી જ, જેટલું પોપકૉર્નના પડીકામાં પ્રોટિન!

છાપામાં નામ છપાય એ માટે કુબેરપતિઓ પણ ગલૂડિયાંની જેમ ગલોટિયાં ખાય છે. ટીવીમાં ચહેરો ચમકે એટલે જાણે સાક્ષાત મોહિનીએ અમૃતકુંભમાંથી સોનાનો કટોરો પીવડાવ્યો હોય એવો હરખ આડોશી પાડોશીઓને થાય છે. માટે મિડિયામાં જે કંઈ ઝગમગે છે, એ જ ખરા હીરો-હીરોઈન લાગે છે. ક્વોલિટી કે કામની ફિકર નથી કરવાની, ફેમ એન્ડ ફોર્ચ્યુનનો જ હિસાબકિતાબ કરવાનો છે. સડી ગયેલી શિક્ષણ પદ્ધતિ અને કોહવાઈ ગયેલી ધાર્મિકતાને લીધે ભારતમાં મિડિયા જ ‘ટીચર એન્ડ પ્રીચર’ના રોલમાં છે. ‘ઈન્સ્ટન્ટ વેવ’ તેમાંથી જ જાગે છે. જો વઘુ જોવાતી ચેનલ્સ કે વઘુ વંચાતા અખબારો જ અવૈજ્ઞાનિક, પછાત, સંકુચિત, ગેરબંધારણીય, બિનલોકશાહી ખબરોને પવન દેવાનું બંધ કરે તો તેના અંગારા આપોઆપ રાખ બની જાય ! પ્રોબ્લેમ મિડિયા નથી. પ્રોબ્લેમ છે, વી ધ પીપલ ઑફ ઇન્ડિયા! આપણે સાસ-બહુની સિરિયલ્સ વર્ષો સુધી જોયા કરવી છે, અને પોતાના વાંક ન દેખાય માટે ગાળો એકતા કપૂરને ભાંડવી છે. ક્રાઈમના ન્યૂઝ વિના અત્યારે છાપું ખાંડ વિનાની ચા જેવું લાગે છે. આપણે જ મિડિયાને ટાઈમપાસ એન્ટરટેઈનમેન્ટનાં કૂવામાં ગબડાવી દીઘું છે. જરાક નવીનતાસભર, ઉંડાણસભર, અભ્યાસપૂર્ણ પેશકશ થાય કે આપણે કંટાળીને ભાગી છૂટીએ છીએ. 

મિડિયાની ભૂમિકા સચોટ માહિતી આપનારની હોવી જોઈએ. મિડિયા દ્વારા સમાજને વિશ્વભરમાં બનતી ઘટનાઓ વિશે માહિતી મળે છે. તેથી, મિડિયાએ ખાતરી કરવી જોઈએ કે આ માહિતી વાસ્તવિક છે. માહિતીને વિકૃત કે ભ્રષ્ટ કરવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ. સમાજના લાભ અને જ્ઞાન માટે, માહિતીને તેના મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. મિડિયાની પ્રસ્તુતિ એવી હોવી જોઈએ કે તે સમાજને માર્ગદર્શન આપી શકે. સમાચાર અને ઘટનાઓની પ્રસ્તુતિ એવી હોવી જોઈએ કે તે જનતાને માર્ગદર્શન આપી શકે.

મિડિયાએ નિર્ભયતાથી જાહેર જાગૃતિ વધારવા, ભ્રષ્ટાચારને ઉજાગર કરવા, સત્તાને તર્કસંગત રીતે નિયંત્રિત કરવા અને જાહેર કલ્યાણને પ્રોત્સાહન આપવામાં ફાળો આપ્યો છે, પરંતુ તેણે લોભ, ભય, દ્વેષ, સ્પર્ધા, દુષ્ટ ઇચ્છા અને રાજકીય કાવતરાઓના જાળમાં ફસાઈને તેની ભૂમિકાને પણ કલંકિત કરી છે. વ્યક્તિગત અથવા સંસ્થાકીય સ્વાર્થ માટે પીળી પત્રકારત્વ અપનાવવું, બ્લેકમેલ દ્વારા અન્યનું શોષણ કરવું, મસાલેદાર સમાચારોને પ્રાથમિકતા આપવી અને તેને વિકૃત કરવી, રમખાણો ઉશ્કેરતા સમાચાર પ્રકાશિત કરવા, ઘટનાઓ અને નિવેદનોને વિકૃત કરવા, ભય અથવા લોભથી શાસક પક્ષની ખુશામત કરવી, બિનજરૂરી રીતે કેટલાકની પ્રશંસા અને મહિમા કરવો અને અન્યની ટીકા કરવી, આજે મિડિયા દ્વારા આચરવામાં આવતી અસંખ્ય અયોગ્ય પ્રથાઓમાં શામેલ છે. અકસ્માતો અને સંવેદનશીલ મુદ્દાઓને અતિશયોક્તિ કરવી, અને પ્રામાણિકતા, નૈતિકતા, સમર્પણ અને હિંમતને લગતી વાર્તાઓને અવગણવી એ સામાન્ય મિડિયા લાક્ષણિકતાઓ બની ગઈ છે. આ વર્તન સમાજમાં અરાજકતા અને અસંતુલનમાં ફાળો આપે છે. મિડિયા તેના સમાચાર દ્વારા સામાજિક અસંતુલનને સંતુલિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મિડિયા તેની ભૂમિકા દ્વારા સમાજમાં શાંતિ, સંવાદિતા, એકતા અને સૌજન્યની ભાવનાને પ્રોત્સાહન આપી શકે છે. સામાજિક તણાવ, સંઘર્ષ, મતભેદ, યુદ્ધ અને રમખાણોના સમયમાં, મીડિયાએ અત્યંત સંયમથી કાર્ય કરવું જોઈએ. 

મિડિયાની બહુપક્ષીય ભૂમિકાને ધ્યાનમાં લેતા, એવું જરૂરથી કહી શકાય કે આજે તે વિનાશક અને લાભદાયી બંને ભૂમિકાઓમાં ઉભરી આવ્યું છે. હવે સમય આવી ગયો છે કે મિડિયા પોતાની શક્તિનો ઉપયોગ જાહેર હિત માટે કરે અને સમાજને માર્ગદર્શન આપે જેથી ભવિષ્યમાં તે ભસ્માસુર ન બને.

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?