12 યુનિવર્સલ લો

આપણે ગુજરાતીમાં એક સરસ કહેવત છે ને કે જેવું કરો તેવું ભરો. આઈન્સ્ટાઈને વડી અંગ્રેજીમાં એવું કહેલું કે 'Every action has an equal and opposite reaction'. આમ જોવા જઈએ તો બંને સિદ્ધાંતો એક જ છે. આપણે આ ધરતી પર રહીએ છીએ એનો મતલબ કે આપણે આ સમસ્ત બ્રહ્માંડનો પણ એક ભાગ છીએ. અણુ તો અણુ પણ છીએ ખરા. કેમ કે પૃથ્વી પણ તેનો જ એક ભાગ છે. એટલે આપણી એક એક ક્રિયાઓનો બ્રહ્માંડમાં પડઘો પડે છે અને તેની પ્રતિક્રિયા પણ બ્રહ્માંડ આપે છે. 


ઘણી વખત એવું થાય છે કે જ્યારે આપણે આધ્યાત્મિક નિયમો વચ્ચેના બારીક જોડાણોને સમજી શકતા નથી, ત્યારે આપણે સ્વાભાવિક રીતે અવરોધોનો સામનો કરતા હોઈએ છીએ. આપણો હેતુ સાર્થક થતો લાગતો નથી. હતાશા અને મૂંઝવણ ઘેરી વળે છે. ઘણી વખત એવો પણ અનુભવ થાય કે આપણે ભલે ગમે તેટલું સારું આયોજન કર્યું હોય છતાં પરિસ્થિતિ એકદમ વિપરીત હોય.


આ બધાથી વિપરિત, જે લોકો એકબીજા સાથે જોડાયેલા આ 12 સિદ્ધાંતોને જાણે છે અને તેની સમજણ સાથે જીવન જીવે છે તેઓ સામાન્ય રીતે અન્ય કરતા વધુ આત્મવિશ્વાસ સભર, શાંત અને તણાવમુક્ત જીવન વ્યતીત કરતા હોય છે. જ્યારે કોઈપણ વ્યક્તિગત કાર્ય હોય તો તે આ સિદ્ધાંતોની સામાન્ય સમાજ સાથે પ્રારંભ કરવાથી તેમાં નોંધપાત્ર તફાવત આવી શકે છે. આવા કુલ 12 સિદ્ધાંતો કાર્ય કરે છે અને જે આપણા જીવનને અસર કરે છે.


1. લો ઓફ વનનેસ (એકત્વનો સિદ્ધાંત):

એકત્વનો સિદ્ધાંત એ પાયાનો સિદ્ધાંત છે, જે મુજબ આપણા બ્રહ્માંડની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણી પાસેની દરેક પસંદગી, દરેક ઇચ્છા અને દરેક માન્યતાની અસર વિશ્વ અને આપણા જીવનમાં આસપાસના લોકો પર પણ પડશે. આપણે જે કંઈ કરશું તેના પડઘા તો પડવાના જ.


કેટલીકવાર આ અસર તાત્કાલિક અને સ્પષ્ટ હશે. ક્યારેક તે પ્રગટ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સિદ્ધાંત અનુસાર જીવવા માટે આપણે દરેક પ્રત્યે દયાભાવના રાખીને આપણે બધા એક છીએ તે ઓળખવું આવશ્યક બની રહે છે. જેને હું સમજી શકતો નથી તેમના પ્રત્યે હું વધુ કરુણા અને સ્વીકૃતિ કેવી રીતે બતાવી શકું? આ પ્રકારની ભાવના આપણને વધુ શક્તિશાળી તેમજ વધુ સહાનુભૂતિશીલ બનાવે છે.


2. લો ઓફ વાઈબ્રેશન (કંપનનો સિદ્ધાંત):

આપણી આસપાસ જડ અને ચૈતન્ય જે કંઈ પણ છે તેમાંથી સતત ને સતત વાઈબ્રેશન ઉત્પન્ન થયા કરે છે અને સતત ઊર્જાનું વહન કરે છે. આ બ્રહ્માંડની કોઈપણ વસ્તુ સ્થિર નથી. દરેકે દરેક વસ્તુ તેમજ પદાર્થમાંથી વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે. જો આ ઊર્જા સાથે આપણી જે મેળવવાની ઈચ્છા છે એની ઊર્જા મેચ થાય તો આપણે જે ઇચ્છીએ એ તુરંત જ પ્રાપ્ય બની રહે.


3. લો ઓફ કોરસ્પોન્ડન્સ (સંવાદનો સિદ્ધાંત):

આ સિદ્ધાંત પ્રમાણે સમસ્ત બ્રહ્માંડના બધા જ (એટલે કે આપણે) અને સમસ્ત બ્રહ્માંડનું બધું જ એક પેટર્ન અનુસરે છે અને તે પ્રમાણે જ બધું ચાલે છે. આપણે જે વિચારીએ છીએ તે પણ એક પેટર્ન પ્રમાણે જ વિચારીએ છીએ અને જે ઘટનાઓ ઘટિત થાય છે તેની પણ એક પેટર્ન છે. જો આ પેટર્ન તોડવામાં આવે તો નવું સર્જન શક્ય બને છે અને તે પ્રમાણે ફરીથી એક નવી પેટર્ન બનવાની શરૂ થાય છે જે આપણી ઈચ્છા મુજબની હોય.


4. લો ઓફ એટ્રેકશન (આકર્ષણનો સિદ્ધાંત):

વાઉ, આ આવ્યું કંઈક મજા આવે એવું, ખીખીખી. ભાગ્યે જ કોઈ હશે જેણે આના વિશે ન સાંભળ્યું હોય. બધા લો માંથી સર્વાધિક જાણીતો હોય તો તે આ છે. પણ આપણે જોકે અલગ દૃષ્ટિકોણથી જોઈએ છીએ.


આપણે જેની સતત ઝંખના કરતા હોઈએ તેની ફળશ્રુતિ રુપે વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે. અને આ વાઈબ્રેશનના પરિણામે જ આકર્ષણ ઉત્પન્ન થાય છે. પરિણામે આપણે જેની તીવ્ર ઝંખના કરતા હોઈએ એ આકર્ષણનો સિદ્ધાંત અપાવી દે પરંતુ તેના માટે આપણી ઈચ્છાની તીવ્રતા પણ અત્યંત ઘનિષ્ઠ હોવી જરૂરી છે.


5. લો ઓફ ઇન્સ્પાયર્ડ એક્શન (પ્રેરિત કર્મનો સિદ્ધાંત):

આગળના લો માં આપણે જોયું કે કંઈક મેળવવા આપણે ઈચ્છા ઉત્પન્ન કરીએ છીએ. પણ એના માટે મહેનત કરવી જરૂરી છે, ખાલી ઈચ્છા કરવાથી તરત મળી ન જાય. હા, તેવા સંયોગો બ્રહ્માંડ જરૂરથી નિર્માણ કરે છે (જે આપણે પ્રથમ લો માં જોયું). પરંતુ તે સંયોગોને વરવા આપણે જહેમત ઉઠાવી પડે.


એટલે બધું એકબીજા દ્વારા પ્રેરિત છે. આપણે કંઈક મેળવવાની તીવ્ર ઈચ્છા કે ઝંખના કરીશું, તેને અનુરૂપ સંયોગો એ બ્રહ્માંડ નિર્માણ કરી આપશે અને એટ્રેકશન દ્વારા આપણે તેના પ્રત્યે કેટલા હકારાત્મક છીએ એ પ્રમાણે ફળશ્રુતિ થશે. ટૂંકમાં, તમારે તે વસ્તુ તરફ પ્રેરિત પગલાં લેવા પડશે જે તમે ઇચ્છો છો. ભલે તે એક મોટું કે નાનું પગલું હોય.


6. લો ઓફ પર્પેચ્યુઅલ ટ્રાન્સમ્યુટેશન ઓફ એનર્જી (નિરંતર ઊર્જા પરિવર્તનનો સિદ્ધાંત):

આપણી આસપાસની દરેક વસ્તુ સતત પ્રવાહમાં છે. આપણે કોઈ એક્શન કરીએ તો તેનું રીએકશન પણ આવે જ છે. જો સારું કામ કરીએ તો સ્વાભાવિક છે કે તેનું રીએકશન પણ સારું જ આવશે. પરંતુ ઘણી વાર પ્રશ્ન થાય કે આપણે તો કંઈ ખરાબ કામ નથી કર્યું તો પછી આવું ખરાબ રીએકશન કેમ આવ્યું? તેનો જવાબ ભૂતકાળમાં રહેલો છે. ત્યારે કંઇક ખરાબ કામ થયેલું હોય તો તેનું રીએકશન ખરાબ આવ્યું હોય. જેનાથી આપણે આવેશમાં આવીને પાછું કંઇક ખોટું કામ કરી બેસીએ જેનું રીએક્શન પણ પાછું ખરાબ આવે. એટલે આમ નેગેટિવ સાઈકલ ચાલ્યા કરે. પણ જો તેને બ્રેક કરી દઈએ તો 'નિરંતર ઊર્જા પરિવર્તનનો સિદ્ધાંત' હકારાત્મકતા તરફ દોરી જશે.


7. લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ (કાર્યકારણનો સિદ્ધાંત):

બ્રહ્માંડના સૌથી સરળ નિયમોમાંનો એક, કાર્યકારણનો સિદ્ધાંત એમ કહે છે કે બધી ક્રિયાઓની અનુરૂપ પ્રતિક્રિયા હોય છે અને દરેક અસર કોઈને કોઈ કાર્યમાંથી ઉત્પન્ન થઈ હોય છે. જે કંઈ ક્રિયા કે ઘટના બને છે તેની પાછળ કંઇક કારણ રહેલું હોય છે. આપણું આધ્યાત્મિક જીવન આપણી આસપાસના વિશ્વને પ્રભાવિત કરી શકે છે, જેનાથી સકારાત્મક અથવા નકારાત્મક પ્રતિક્રિયાઓ થઈ શકે છે. તેવી જ રીતે, આપણું ભૌતિક વાતાવરણ આપણી આધ્યાત્મિકતા પર અસર કરી શકે છે, પછી ભલે તે સારું હોય કે ખરાબ.


8. લો ઓફ રીલેટીવીટી (સાપેક્ષતાનો સિદ્ધાંત):

એ ના હો, આ ઓલા લાંબા લાંબા ગૂંચળાવાળા વાળ છે એ ભાઈનો (આઈન્સ્ટાઈન રે...) સાપેક્ષવાદનો સિદ્ધાંત નથી.


આ સિદ્ધાંત દૃષ્ટિકોણ સૂચવે છે. આપણી આસપાસ જે જે ઘટનાઓ ઘટે છે એની સાથે આ સિદ્ધાંતને કોઈ લેવા દેવા નથી. પણ આપણે તે ઘટનાઓ પ્રત્યે કેવો દૃષ્ટિકોણ કેળવીએ છીએ તે મહત્વનું છે. ઘટનાઓ સારી કે ખરાબ હોતી નથી. માત્ર તેનું અર્થઘટન સારું કે ખરાબ હોય છે. તેને આપણે કેવી રીતે જોઈએ છીએ એ વસ્તુ મહત્વની છે. કોઈ પણ ઘટના પ્રત્યે આપણે જો હકારાત્મક અભિગમ કેળવીએ તો જીવન આપણને કંઈક સારું આપવા માટે બાધ્ય બની જાય છે અને એવો જ આપણો અભિગમ કાયમ ને માટે રહે છે, એકદમ પોઝીટીવ.


9. લો ઓફ પોલારીટી (ધ્રુવીયતાનો સિદ્ધાંત)

ઉત્તર ધ્રુવ હોય તો દક્ષિણ ધ્રુવ પણ હોવાનો જ. સિક્કાની પણ કેમ બે બાજુ હોય છે. બેલેન્સ રાખવા માટે પણ આ જરૂરી છે. જેમ જીવનમાં એકદમ સારાસારી હોય તો સાથે વિરોધાભાસી ઘટનાઓ પણ બનતી જ હોય છે. કોઈની સાથે બ્રેકઅપ થયું હોય તો ત્યારે કંપનીમાં મળેલા પ્રમોશનનો કોઈ અર્થ રહેતો નથી. આ સિદ્ધાંત સમજી લેવાથી એ ચોક્કસ ખબર પડી જાય છે કે ખરાબ પરિસ્થિતિમાં મનની અવસ્થાને જાળવવાની છે અને સારી પરિસ્થિતિમાં છકી નથી જવાનું. ભલે આપણે ગમે તે સંજોગોમાંથી પસાર થતા હોઈએ, આની સમજણ એ બેલેન્સ રાખતા શીખવે છે.


10. લો ઓફ રીધમ (લય નો સિદ્ધાંત)

દરેક ઘટના એક રિધમ પ્રમાણે ઘટિત થતી હોય છે. જેમ કે માણસમાં વૃદ્ધત્વ આવવું, ઋતુઓમાં પાનખર આવવી વગેરે.. જે નક્કી થયેલું છે એ એના નિશ્ચિત સમયે ચાલ્યા જ કરવાનું. એમાં જો આપણે પ્રશ્નો ઉઠાવીએ તો પણ એ ચાલ્યા જ કરવાનું.


વ્યક્તિના જીવનમાં આવતા ફેરફારો સામે જો વ્યક્તિ પ્રતિકાર કરવાનું છોડી દે તો એ સૌથી મોટો ઉપકાર કર્યો કહેવાય. કેમ કે નેગેટિવ વાઈબ્રેશનના કારણે અવારનવાર આવતા રીએકશનથી મનસ્તાપ ઘટી જાય છે.


11. લો ઓફ જેન્ડર (જાતિનો સિદ્ધાંત):

આ સિદ્ધાંતને સ્ત્રી અને પુરૂષ એવા જાતિભેદ સાથે કોઈ લેવા દેવા જ નથી. મુખ્યત્વે આ સિદ્ધાંત ઊર્જાની વાત કરે છે. જેના પણ બે પ્રકાર છે. માસ્ક્યુલીન અને ફેમિનાઈન. યીન અને યાંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ.


આપણા બધામાં બંને ઉર્જાનો ચોક્કસ જથ્થો હોય છે અને જો આપણે અધિકૃત રીતે અને આનંદથી જીવવું હોય તો બંને પ્રકારો વચ્ચે સંતુલન બનાવી રાખવાનો માર્ગ શોધવો અતિ આવશ્યક છે. દરેક પ્રકારની ઊર્જા તમારા જીવનમાં કેવી ભૂમિકા ભજવે છે તે વિશે અવગત રહેવું જોઈએ. આ બંને વચ્ચે બેલેન્સ કરનારી વ્યક્તિ સુખી થઈ શકે એવું નિષ્ણાતોનું કહેવું છે.


12. લો ઓફ કમ્પન્સેશન (વળતરનો સિદ્ધાંત):

આગળના સિદ્ધાંતોમાં જોયું તેમ આપણે કોઈ વસ્તુ માટે તીવ્ર ઝંખના કરી અને તે મેળવવા માટે મહેનત પણ કરી. તેમ છતાં આપણને જેવું જોઈતું હતું એવું ફળ પ્રાપ્ત ન થયું. હવે? ગીતામાં પણ શ્રી કૃષ્ણે કહ્યું છે કે કર્મના ફળ પર તારો અધિકાર નથી, માત્ર કર્મ કરવા પર છે.


બ્રહ્માંડને વધારે ખબર છે કે આપણા માટે શું વધારે સારું છે. માટે આપણે જે ઇચ્છીએ તે નહીં પરંતુ તેને જે આપવું હશે તે પ્રમાણે આપશે. કેમ કે આપણો દરેક કણ બ્રહ્માંડ સાથે જોડાયેલ છે અને આપણા તમામ વાઈબ્રેશન એ ત્વરિત વેળાએ અને સારી રીતે ઝીલે છે. માટે આપણે બ્રહ્માંડની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરી શકતા નથી.


આમ, આ 12 સિદ્ધાંતો ન કેવળ આધ્યાત્મિક પરંતુ સામાજિક અને વ્યવહારિક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે, જે આપણા જીવનની સફરને પ્રકાશિત કરે છે. તેમને સમજવું એક સ્પષ્ટતા, એક અલગ ઉકેલ લાવે છે અને આપણને સમજદારી સાથે જીવનના શિપને અનંત બ્રહ્માંડમાં નેવિગેટ કરવાની શક્તિ આપે છે અને અમર્યાદ સંભવિતતાના દરવાજા ખોલે છે. આ સિદ્ધાંતો સાથે સંરેખિત થઈને, આપણે બ્રહ્માંડની લય સાથે સુમેળ સાધી શકીએ છીએ. સુખ, અભિવ્યક્તિ અને આધ્યાત્મિક વિકાસ તરફ આપણી યાત્રાને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?