યુથ અને કલ્ચર - ભૂલી સઘળી હકીકત સપનાની દુનિયામાં હું ખોવાણો

એક વખત એક જગ્યાએ પ્રશ્નોત્તરીમાં જય વસાવડા ને પૂછવામાં આવ્યું કે તમે આટલું બધું ફર્યા છો દુનિયામાં તો ભારતના યુવા માં અને બહારના યુવા માં શું ફેર છે? ત્યારે એમણે એક અદ્ભુત જવાબ આપેલો. એમણે ઉદાહરણ સાથે જણાવ્યું કે ભારતનો યુવાન કંઈક થાય એટલે તરત જ બોલે કે 'તને ખબર છે હું કોણ છું?' અને બહારનો યુવાન કંઈક થાય એટલે સૌથી પહેલા એમ બોલે કે 'હું તમારા માટે શું કરી શકું?' બસ, આટલો ફેર છે. આ હું કોણ છું અને હું શું કરી શકું એ બે વચ્ચેનો તફાવત જ કદાચ આપણને દુનિયાના બીજા દેશો કરતાં પાછળ પાડી દે છે.


આમ થવાનું કારણ એ કે આપણે આપણી સંસ્કૃતિ, આપણા વારસાને વીસરી રહ્યા છીએ. "વસુધૈવ કુટુમ્બકમ" જીભથી બોલીએ છીએ પરંતુ જીવથી નહીં. હમણાં જ એવા સમાચાર આવ્યા કે બીજા દેશની (લગભગ દક્ષિણ કોરિયાની) કોઈ છોકરીને મુંબઈના આવારા તત્વોએ હોળીના તહેવાર દરમિયાન હેરાન કરી જ્યારે એ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર લાઈવ હતી. આવા તો બીજા બે - ત્રણ કિસ્સાઓ બન્યા હમણાં થોડા જ સમયમાં. અતિથિને ભગવાન તરીકે ઓળખનારાઓના દેશમાં આવા દુર્વ્યવહાર અતિથિ સાથે! નથી લાગતું કે આજની યુવા પેઢી કોઈ કારણોસર વિચલિત થતી જાય છે. કારણ છે વેસ્ટર્ન વર્લ્ડના હાવી થતાં વિચારો. ના, વિરોધ નથી કરવાનો. સારું હોય તે આપણે હંમેશા લેવું જ જોઈએ, સ્વીકારવું જોઈએ. તેને અપનાવવામાં કંઈ ખોટું નથી. આપણા દેશના બંધારણમાં પણ જગતના કેટલાય દેશો ના સારા સારા મુદ્દાઓને વિગતવાર અભ્યાસ કરીને સમાવવામાં આવ્યા છે. પણ એનો મતલબ એવો તો નથી થતો ને કે આપણે જ કોઈ બીજા દેશનું બેઠે બેઠું બંધારણ અપનાવી લઈએ. કંઇક તો અલગ કે જે આપણું પોતાનું હોય, એ મુદ્દો - એ વિચાર તો હોવો જોઈએ ને. કંઇક એવો વિચાર કે જેના પર આપણને ગર્વ થાય કે હા, આ અમારું પોતાનું.


ન કેવળ બંધારણ જ, ત્યાંના તહેવારો પણ આપણે એટલા જ હર્ષોલ્લાસ સાથે ઉજવવા જોઈએ જેટલા ઉત્સાહ અને ઉમંગથી આપણે આપણા તહેવારો ઉજવીએ છીએ. તો જ "વસુધૈવ કુટુંબકમ" ની ભાવના સાચી રીતે સાકાર થયેલી જણાશે. અને તેઓ પણ આપણા મુખ્ય તહેવારો પૈકીના અમુક ખૂબ આનંદપૂર્વક ઉજવે છે. અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન એવા વ્હાઈટ હાઉસમાં થતી દિવાળી ની ઉજવણીના ફોટોઝ આપણે જોઈએ જ છીએ ને. દુબઈમાં આવેલી દુનિયાની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલીફા' પણ ભારતના મુખ્ય તહેવારો ને લગતી રોશનીથી ઝળહળતી હોય છે અને આપણને શુભેચ્છા પાઠવે છે. એ બધા એક પણ વિરોધ વગર રાજી-ખુશીથી ઉજવણી કરે છે આપણા તહેવારોની. ને આપણે અહીં નાતાલ વખતે તો જાણે સોશિયલ મીડિયામાં વિરોધનો વંટોળ ચડે. યુવાનો તો ઠીક અમુક વાલીઓ પણ જોડાઈ જાય, "બાળકોને સાંતા નહીં સંત બનાવો." મારે એ બધા વાલીઓને કહેવું છે કે પહેલા બાળકોને એ જણાવો કે સંત એટલે શું અને કોને સંત કહેવાય. ("તમારી જાણ ખાતર અને નોલેજ માટે એ પણ જણાવું કે સાંતા ક્લોસ પણ એક સંત જ હતાં. પછી તેઓ સાંતા ક્લોસ તરીકે ઓળખાતા થયા. જેની એક આખી અલગ કથા છે.") એ જ બાળક મોટો થઈને કોઈ મંદિરે કે ક્યાંય પણ બીજે ભગવાધારી જુએ એટલે તરત જ એમની મજાક ઉડાવે. એને એ ખબર નથી પડતી કે સાધુ-સંતો સામે મળે તો નમસ્કાર કરાય. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે ગુરુઓને હંમેશા પગે લાગવું. રામ જેની પાસે ભણ્યા એ ગુરુ વશિષ્ઠ, કૃષ્ણ જેની પાસે ભણ્યા એ ગુરુ સાંદિપની, આ ઉપરાંત ગુરુ દ્રોણ, વાલ્મિકી ઋષિ, ગુરુ અગસ્ત્ય, ઋષિ ભારદ્વાજ, ગૌતમ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ વગેરે જેવા ભવ્ય પ્રતિભા, અખંડ તેજ તેમજ જ્ઞાનના વિપુલ ભંડારો ધરાવતા ઋષિમુનિઓ કોઈ મજાક નું પાત્ર હતા? આજે શાળા કે કોલેજોના શિક્ષકોને માન-સન્માન તો દૂર એમને એમના નામથી બોલાવતા થઈ ગયા છે. અંગ્રેજી કવિતાઓ બાળકોને હોંશે હોંશે ગોખાવનાર મા-બાપોમાંના કેટલાએ સંસ્કૃત સુભાષિતોના ગુજરાતી અનુવાદો પણ વાંચ્યા? બાળકના પેરેન્ટિંગથી જ માતૃભાષાથી દૂર રાખવામાં આવે છે જેથી ભવિષ્યમાં તે પોતાની માતૃભાષા પણ લખી - બોલી કે વાંચી નથી શકતો. છે આવા ઘણા! મારી સાથે અભ્યાસ કરતા મારા સહપાઠીઓમાંના ઘણા ગુજરાતી ભાષાનો એક શબ્દ પણ સરખી રીતે લખી નથી શકતા કે ઇફેક્ટીવલી બોલી નથી શકતા. વારે તહેવારે ભારત પ્રેમ નો ઝંડો સોશિયલ મીડિયામાં ફરકાવવા નીકળી પડનારાઓ શુદ્ધ ગુજરાતી (હિન્દીની વાત તો બહુ દૂરની છે!) બોલી કે લખી પણ નથી શકતા! મારું કહેવાનું એમ થાય છે કે તમે ભલે પિત્ઝા ને પાસ્તા ખાવ, બર્ગર ખાવ પણ પાછળ લાપસી અને શીરો ભૂલાતો જાય છે ને ત્યાં પ્રશ્નો ઊભા થાય છે. ચાઇનીઝ મંચુરિયન ખાતા ખાતા પાછા મોહનથાળ નો વાંક કાઢો એ તો કેમ ચાલે. મેંદો પચશે નહીં હો, જોજો. હીહીહી!


મને ઘણીવાર લાગે છે કે આપણે Apps પરના Apes થઈ ગયા છીએ. જે કંઈ જતન કરવું છે સંસ્કૃતિનું એ માત્ર એપ્સ પર જ કરવું છે અને એ પણ બીજાંને દેખાડવા ખાતર. પશ્ચિમમાંથી તો ટ્રેન થી લઈને ટી-શર્ટ સુધીનું અપનાવ્યું, પેન્ટ થી લઈને પ્લેન સુધીનું અપનાવ્યું અને આ બધું અપનાવવામાં આપણે આપણી ખુદની સંસ્કૃતિ, આપણો ભવ્ય વારસો, આપણા ખુદ ના વિચારો આ બધુ જ બાયપાસ કરી રહ્યા છીએ. આપણને છેને બહારની વસ્તુઓ ખૂબ fascinating (રસપ્રદ - મોહક) લાગે છે. તરત જ ગમી જાય એટલે પાછા સ્વીકારી પણ ફટાફટ લઈએ. ભારતની બહાર બધું સારું અને ભારતમાં બધું નઠારું છે એવી માનસિકતા ઘર કરી ગઈ છે. પણ ભારતનું જે ઉત્કૃષ્ટ છે એના વખાણ તો દૂર એમાં ઊંડા ઉતરવામાં કેટલો રસ છે? ડિપ્રેશનમાં રહેલા એ યુવાનો જે ઈન્સ્ટાગ્રામ પર કોઈ બીજાએ મુકેલી શ્રી કૃષ્ણની સ્ટોરી અથવા તો તેમનું મોટીવેશનલ ક્વોટ લાઈક, શેર કરશે અને પોતાની સ્ટોરીમાં પાછુ મૂકી દુનિયાને જ્ઞાન બાંટતા બાંટતા રાત્રે બે વાગ્યા સુધી આંટા મારશે. પણ પોતાના ઘરની નજીક આવેલા મંદિરે જઈને કૃષ્ણને જ રૂબરૂ નહીં મળે. કેમ કે એને ખ્યાલ જ નથી, નથી એની પાસે રસ્તો કે જે એને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવે. જે એને સનાતન મૂલ્યો શીખવે. પેરેન્ટ્સ પૈસા કમાવવામાં વ્યસ્ત છે, ટીવી ચેનલો નેતાઓને બેસાડી ધર્મના નામે ઉશ્કેર્યા કરે છે, યૂટ્યુબ વાળા વિકેન્ડ કેમ માણવું એ બતાવે છે, સિરિયલો સાસુ - વહુના ઝગડાથી ભરેલી હોય છે. આવા ટોક્સિક વાતાવરણની વચ્ચે ઉછરેલા બાળકને શું ખબર હોવાની સંસ્કૃતિની? પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ એક વખત કહેલું કે પહેલાના સમયમાં જીજાબાઇ હતા જેથી શિવાજી મહારાજ જેવું વ્યક્તિત્વ પાક્યું અને અત્યારે જીઓ બાઈ છે. (ખીખીખી) એમાં પછી સીધી રિલ્સ જ ડાઉનલોડ થયેલી આવે ને. આજના યુવા ને માત્ર પાર્ટી માં રસ છે, પારાયણમાં નહીં. હું કહું છું કે બંને જરૂરી છે. બહારના લોકો સાથે ખુદને જોડવા હશે તો અમુક પાર્ટીમાં પણ જવું પડશે અને પોતાને પોતાની સાથે જોડાવું હશે તો પારાયણમાં જવું પડશે. ત્યારે બંને સાઈડ બરાબર નું બેલેન્સ થશે.


સમય સાથે પરિવર્તન અનિવાર્ય છે. દરેક બાબતોમાં બદલાવ જરૂરી છે. તો જ ખુદને બદલી શકીએ. બાકી તો હજુ જૂના જમાનાના ટિપિકલ જીવનધોરણ પ્રમાણે ન જીવતા હોત. કહેવાતા સંસ્કૃતિ રક્ષકોએ પણ આ બાબતને ગૌણ કરવાના બદલે આના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તેને આજની પેઢીને અનુકૂળ આવે તેમ ફેરફારો કરવા જ જોઈએ. કેમ આપણે બળદગાડાને બદલે ચમકતી મોટર કાર ચલાવતા થઈ ગયા? કેમ કબૂતર ને બદલે હાથમાં રહેલા મોબાઈલ થી વાત કરતા થઈ ગયા? ફરતે પાંદડા વિંટવાના બદલે કેમ જીન્સ પહેરતા થઈ ગયા? ફેરફાર તો ત્યાં પણ થયો સમય અનુસાર. તો પછી જૂની પુરાણી વાતોને સંસ્કૃતિના નામે આપણે ધરાર કેમ ઠોકી બેસાડીએ છીએ આજની પેઢી પર. એમને એવું કંઈ નથી સમજાતું. એમને તો સાદી અને સરળ ભાષામાં એમના જીવનધોરણને માફક આવવું જોઈએ. સ્પ્રિંગ ને જેટલી જોર થી દબાવો તેટલી જ તે વધુ જોરથી ઉછળે છે. માટે બધામાં થોડી છૂટછાટ ની જરૂર તો ખરી. સમયાનુસાર વર્ષોથી ચાલી આવતી એકધારી ઘરેડમાં ફેરફાર ન થવાના કારણે યંગસ્ટર્સને એમાં કંઈ રસ જાગે એવું લાગતું નથી. જો આજની પેઢીને જૂનો વારસો આપવો હોય તો એમની વિચારશક્તિ પ્રમાણે વડીલોએ અનુકૂળ થવું પડશે ને અનુકૂળ કરવું પડશે. બાકી પેઢી દર પેઢી હજુ સંસ્કૃતિ અને સભ્યતાથી તેઓ દૂર જતા રહેશે.


આના માટે કોઈ રોકેટ સાયન્સ નથી કામે લગાડવાનું. પણ ત્રણ પ્રશ્નો પર વિચાર કરવો અનિવાર્ય છે. 1. શું સમયની સાથે પ્રત્યેક માર્ગ બદલાતા નથી જતા? 2. શું સમય હંમેશા નવા પડકારો લઈને નથી આવતો? 3. તો પછી વીતેલા સમયનો અનુભવ નવી પેઢીને કઈ રીતે લાભ આપી શકે? એટલે જ આગળ લખ્યું ને કે જૂની પુરાણી વાતોને સંસ્કૃતિના નામે આપણે ધરાર કેમ ઠોકી બેસાડીએ છીએ આજની પેઢી પર? એ બધી વાતોને આજની પેઢીને અનુકૂળ આવે તેમ ફેરફારો સાથે ફરીથી મઠારીને યંગસ્ટર્સ સામે રજૂ કરીશું તો તે પણ વ્હાલપૂર્વક અને ભાવપૂર્વક વધાવશે. બદલાવ ન આવવાનું કારણ એ છે કે વડીલોએ જે યાતનાઓ સહન કરી, જે કષ્ટો વેઠ્યા એ તો અત્યારની પેઢીને કંઈ છે જ નહીં. બધા પોતપોતાના સરસ મજાના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને જ આવે છે ને આવતા વેંત હાર્ડવેર પણ મળી જાય છે. જે જરીપુરાણા વિચારો ધરાવતી ઓલ્ડ જનરેશનને માફક નથી આવતું અથવા ખાસ તો સહન નથી થતું. તેઓને મનમાં એવો વસવસો હોય છે કે અમે આટલું ભોગવીને આવ્યા ને આ બધાને તો તરત જ સાહ્યબી છે એટલે પછી તેઓ સંસ્કૃતિના નામે હથોડા ઉગામવાનું શરૂ કરે છે જે યંગ જનરેશનને માફક ન આવતા ધીમે ધીમે કરીને દૂર જતા રહે છે અને પછી આપણે એ સમસ્યા લઈને બેસીએ છીએ. તેમના ગયા બાદ આપણે મનન ચિંતન કરવાનું ચાલુ કરીએ છીએ. સંસ્કૃતિને સમયની માંગ અનુસાર આધુનિક બનાવવાની છે. ઓરીજીનલ મૂલ્યો ન વીસરી જવાય એમ.


બાકી છેલ્લે જતાં જતાં ઠાકોરજીને એક જ પ્રાર્થના કરવાની રહે,

"त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये।"


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?