ઈઝરાયેલ & પેલેસ્ટાઇન (અત:થી ઇતિ)
7 ઓક્ટોબર નો દિવસ હતો. હું અન્ય વિષય પર આર્ટિકલ લખવા બેઠો હતો. ત્યાં જ સમાચાર આવ્યા કે દુનિયાના એકાદ ખૂણે બમ ફૂટ્યો. નવી નવી માહિતી શોધતું રહેતું મારું મગજ એ દિશામાં તરત જ સક્રિય થયું ને ખાંખાખોળા શરૂ કરતાં ખબર પડી કે એ ખૂણો એટલે મિડલ-ઇસ્ટ માં આવેલ ઈઝરાયેલ અને ગાઝા સ્ટ્રીપ (પટ્ટી). ખરેખર તો એકાદ બોમ્બ નહોતો ફૂટ્યો પરંતુ આ વખતે તો પેલેસ્ટાઇને રીતસરની આતશબાજી કરેલી. સવારે 6:30 વાગ્યે, ગાઝા ને નિયંત્રિત કરી રહેલા ઈરાન સમર્થિત પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન 'હમાસ' નું એ પરાક્રમ કહેતા કે મૂર્ખામી (મૂર્ખામી એટલે કે તેણે 'ઈઝરાયેલ' પર હુમલો કર્યો અને આ લખાય છે ત્યારે તેના ગંભીર પરિણામો 'રોકેટ વેગે' તેની તરફ આવતા હશે) હતી. સમાચારીક સ્ત્રોતો અનુસાર ઓચિંતા જ હમાસે માત્ર 20 મિનિટમાં 5000 જેટલા રોકેટો ઈઝરાયેલ તરફ ફાયર કરેલા. ઈઝરાયેલ અને મોસાદ બંને ઓચિંતા આવી રહેલા આટલા મોટા 'હુમલા' સામે ઊંઘતા ઝડપાયા. સદભાગ્યે ઇઝરાયલની દુનિયામાં અતિ આધુનિક ગણાતી 'આયર્ન ડોમ' એર ડિફેન્સ પ્રણાલીને કારણે ઘણી એવી જાનહાનિ ટળી. આશરે 85-90% જેટલા રોકેટો (આશરે 4400-4500 રોકેટો) આયર્ન ડોમે હવામાં જ આંતરી લીધેલા. છતાં 300-400 લોકોના મૃત્યુ થયા. (આયર્ન ડોમ એ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે જે 2012 થી કાર્યરત છે. જે બે ઇઝરાયેલી કંપનીઓ - રાફેલ ડિફેન્સ સિસ્ટમ્સ અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવી હતી. વિશ્વની સૌથી મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં ત્રણ વિભાગ છે. 1. રડાર: જે આવનારા રોકેટને શોધી કાઢે છે. 2. કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમ: જે હુમલાનું સ્તર નક્કી કરે છે અને મિસાઈલને ગાઈડ કરે છે તેના પર ત્રાટકવા માટે. 3. ઇન્ટરસેપ્ટર: સિસ્ટમ નક્કી કરે પછી આવનારા રોકેટને પ્રહાર કરતા પહેલા તેનો હવામાં જ નાશ કરવાનો પ્રયાસ કરે છે.) વળતા પ્રહાર તરીકે ઈઝરાયેલના વડાપ્રધાને 'We are at War' કહીને છેલ્લા 75 વર્ષ બાદ war શબ્દનો પ્રથમ વખત ઉલ્લેખ કરીને કાયદેસર યુદ્ધનું એલાન કર્યું... ખેર આ બધું તો સમાચાર માધ્યમોમાં આપણે સૌ જોઈએ જ છીએ અને રોજ વાંચીએ જ છીએ.
પ્રસ્તુત લેખમાં તેના ઇતિહાસ તરફ દૃષ્ટિ કરવાની છે કે ખરેખર મૂળ મુદ્દો શું છે જેના પર બંને દેશો આટલા વર્ષોથી સામસામી તલવારો ઉગામે છે (હવે તો મિસાઇલો) અને જેના કારણે આખી દુનિયાને વિશ્વ યુદ્ધ 3 ના ભણકારા વખતો વખત સંભળાય છે. એ ઇતિહાસ કે જેણે આ લેખની સાથે (પહેલાં જે લખાવાનો હતો એ, ખીખીખી) સમગ્ર વિશ્વના ઇતિહાસ તેમજ ભૂગોળને બદલી નાખ્યો. વાંચો એ રસપ્રદ તેમજ રોચક ઇતિહાસ આ લેખમાં...
દુનિયાના નકશામાં નજર કરતા એકદમ વચ્ચે અને સહેજ ઉત્તર પશ્ચિમમાં નજર કરતાં આંગળીના વેઢામાં સમાઈ જાય એવો નાનો દેશ ઈઝરાયેલ નજર સામે આવે અને ત્યાં જ નખમાં સમાઈ જાય એવો નાનો પ્રદેશ પેલેસ્ટાઇન પણ દેખાઈ આવે. માંડ 95 લાખ જેટલી વસ્તી છે. આખો દેશ મુખ્ય ત્રણ પ્રદેશમાં છે. જેમાં ઈઝરાયેલ, વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપ આ ત્રણ છે. સમગ્ર ઝઘડાનું મૂળ અને તેની શરૂઆત 'જેરુસલેમ' શહેરમાંથી થયેલી. હજારો વર્ષો પહેલાં આખો પ્રદેશ "Kingdom of Israel" તરીકે ઓળખાતો અને ત્યાં ઝ્યુસ (જે અત્યારે યહૂદી તરીકે ઓળખાય છે. આગળ પણ ઝ્યુસ નામે જ ઉલ્લેખ આવશે) લોકો રહેતા. ઝ્યુસ કિંગ સોલોમોનનું ત્યાં રાજ ચાલતું એ વખતે. તે સમયમાં તેના સામ્રાજ્યની રાજધાની હતી જેરુસલેમ. આ શહેરમાં જ કિંગ સોલોમોને ઝ્યુસનું પ્રથમ મંદિર બનાવ્યું અને જેનું નામ તેમણે રાખેલું 'ટેમ્પલ માઉન્ટ'. વર્ષો આમ જ વીત્યા. 586 BC (Before Christ - એટલે કે ભગવાન ઇસુના જન્મ પહેલા) બેબીલોનીયન આવ્યા. તેમણે પોતાના મનસ્વી સ્વભાવના કારણે આ મંદિર તોડી પાડ્યું. તેમના ગયા બાદ અમુક વર્ષો પછી પર્શિયન (મૂળ આજના ઈરાનના) લોકો આવ્યા. તેમણે તે મંદિર પાછું બનાવ્યું. જેનું નામ બદલાવી તેમણે 'સેકન્ડ ટેમ્પલ' એવું રાખ્યું. વર્ષો બાદ રોમન લોકો આવ્યા. એના પર તો દુનિયા જીતી લેવાનું જાણે ભૂત સવાર હતું એટલે એમણે સેકન્ડ ટેમ્પલ તોડી નાખ્યું. જેમાં સેકન્ડ ટેમ્પલની માત્ર એક દિવાલ બચી. જે આજે 'વેસ્ટર્ન વોલ' તરીકે ઓળખાય છે અને ટેમ્પલ માઉન્ટની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત છે. રોમન લોકોએ ઘણી હિંસા ફેલાવી. ઘણા ઝ્યુસ લોકોને માર્યા. જેનાથી બચવા ઘણા ઝ્યુસ ત્યાંથી ભાગ્યા અને ઘણા વિસ્થાપિત થયા.
હવે જેટલા ઝ્યુસ (યહૂદીઓ) બચેલા તેમાંથી કોઈ એકાદ પરિવારમાં જીસસ ક્રાઇસ્ટ (ભગવાન ઇસુ) નો જન્મ થાય છે. તેમના જન્મની અનેક કથાઓ - દંતકથાઓ આપણે જાણીએ છીએ. ઈસુ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમણે ઝ્યુસ લોકોની માન્યતાઓ, સિદ્ધાંતો તેમજ રીતિરિવાજોથી અલગ થઈને પોતાના અલગ સિદ્ધાંતો તેમજ માન્યતાઓ પ્રસ્થાપિત કરવાનું શરૂ કર્યું. (ઉદાહરણ તરીકે જેમ ભગવાન બુદ્ધ મૂળ હિન્દુ હતા. પરંતુ તેમણે અલગ થઈને બુદ્ધિઝમની શરૂઆત કરી.) તેવી જ રીતે જિસસે ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી. તેમનો પ્રભાવ વધવા લાગતા આ વાત ઝ્યુસ લોકોને ન ગમી. આથી તેમણે જેરુસલેમમાં ક્રોસ પર કિલ (ખીલા) ઠોકીને ઈસુને લટકાવી દીધા, જેમાં તેમનું મૃત્યુ થયું. તેમના આ પગલાને કારણે ચારેબાજુ ઝ્યુસ લોકો પ્રત્યે નફરત અને અણગમો વધવા લાગ્યા. રોમનોનો ઝ્યુસ પર પ્રભાવ વધતા ઝ્યુસ લોકો ત્યાંથી ભાગ્યા અને અલગ અલગ પ્રદેશોમાં જઈને, ખાસ કરીને યુરોપમાં જઈને વસ્યા. આ બાજુ જ્યાં જીસસને લટકાવાયેલા ત્યાં રોમન રાજા 'કોન્સન્ટાઈન ધ ગ્રેટ' એ ચર્ચ બનાવ્યું જેનું નામ રાખ્યું 'ચર્ચ ઓફ ધ હોલી સેપલકર'.
ત્યારબાદ ઘણા વર્ષો પછી આરબો આવ્યા. અરબ આર્મીએ પણ થોડા ઘણા અંશે જુલમ-સિતમ ગુજાર્યા. ત્યારબાદ અરબ આર્મીએ જેરુસલેમમાં જ્યાં ઝ્યુસનું સેકન્ડ ટેમ્પલ હતું ત્યાં 'ડોમ ઓફ ધ રોક' અને 'અલ અક્સા' મસ્જિદ બનાવી. આ બંને સ્થળ જેરુસલેમમાં અત્યારે પણ હયાત છે. કુરાન એ શરીફમાં પણ આ સ્થળ વિશે લખાયેલ છે કે મહંમદ પયગંબરે આ સ્થળ પર પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ પથ્થર પર પગ રાખી જન્નત તરફ પ્રયાણ કર્યું હતું (ત્યાં ડોમ ઓફ ધ રોક છે). અલ અક્સા મસ્જિદ એ મુસ્લિમો માટે મક્કા અને મદીના પછીનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હવે આ બધુ જ્યાં સ્થિત છે તેને ઝ્યુસ લોકો 'ટેમ્પલ માઉન્ટ' કહે છે, જ્યારે મુસ્લિમ લોકો 'હરમ અલ શરીફ' કહે છે. જેરુસલેમ શહેરમાં અલ અક્સા મસ્જિદ છે ત્યાં નોન મુસ્લિમ (જે મુસ્લિમ ન હોય તે) લોકો માટે પ્રવેશ વર્જિત છે. જેથી ઝ્યુસ લોકો અંદર જઈ શકતા નથી. ઝ્યુસ લોકો છેલ્લા હુમલા વખતે જે દિવાલ બચી ગયેલી ત્યાં પૂજા અર્ચના કરી શકે છે. આ બંને સ્થળેથી 2 કિલોમીટર દૂર 'ચર્ચ ઓફ ધ હોલી સેપલકર' આવેલું છે, જે ખ્રિસ્તીઓનું પવિત્ર સ્થળ છે. એટલે આમ જોઈએ તો આ ટોટલ 32 એકરનો વિસ્તાર ખ્રિસ્તી, મુસ્લિમ તેમજ ઝ્યુસ (યહૂદી) લોકો માટે ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ બધાને કારણે જેરૂસલેમનું ધાર્મિક તેમજ રાજનીતિક મહત્વ અતિશય વધી જાય છે અને જેના પર અત્યારે ઈઝરાયેલનું (યહૂદીઓનું) આધિપત્ય છે. જે અન્ય કોઈથી સહન નથી થતું.
હવે થોડા વધુ ફ્લેશ બેકમાં (ઇતિહાસમાં) જઈએ. ઈસ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટને તેના સોગઠાં ગોઠવવા માટે ઝ્યુસ લોકો માટે ઈઝરાયેલ નામના અલગ દેશનો પ્રસ્તાવ કર્યો / માંગણી કરી. તે વખતે કોઈ પણ દેશ એવી અવસ્થામાં જ નહોતો કે પોતાનો મત રજૂ કરી શકે, કેમ કે વિશ્વયુદ્ધ ચાલતું હતું. આથી તેનો લાભ ઉઠાવીને બ્રિટને 'બેલ્ફોર્ડ ડીકલેરેશન (સંધી)' માં જણાવી દીધું. ચારેક વર્ષ બાદ 1918માં બ્રિટન વિશ્વયુદ્ધમાં જીત્યું અને અગાઉ કરેલા પ્રસ્તાવ મુજબ તેણે બધા ઝ્યુસ લોકોને પેલેસ્ટાઈનમાં મોકલવાનું શરૂ કર્યું. ઈસ 1878 માં પેલેસ્ટાઈનમાં 4.7 લાખની વસ્તી હતી, જેમાં ઝ્યુસ માત્ર 25,000 જ હતા. 1914માં એ વધીને 85,000 થયા. બ્રિટને સમગ્ર યુરોપમાંથી બધા ઝ્યુસને મોકલવાનું ચાલુ રાખ્યું અને પેલેસ્ટાઈનમાં તેની વસ્તી ધીમે ધીમે વધવા લાગી. આરબોને પહેલેથી જ ઝ્યુસ નહોતા ગમતા અને ઉપરથી તેની વસ્તી વધતા બ્રિટનનું આ પગલું તો તેને જરા પણ ન ગમ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી UN નું ગઠન થયું અને બ્રિટનને લાગ્યું કે પેલેસ્ટાઇન હવે અમારા કબજામાં નથી. આથી UN એ પ્રસ્તાવ રજૂ કર્યો અને જણાવ્યું કે ઝ્યુસ લોકોને ઈઝરાયેલ નામનો અલગથી દેશ આપવો અને તેમાં જ પેલેસ્ટાઈન નામનો દેશ બનાવી પેલેસ્ટિનિયનને આપવો. ઉપરાંત જેરુસલેમ તટસ્થ રાખવું. આમ UN માં પ્રસ્તાવ પાસ થતાં ઈઝરાયેલનું ગઠન થયું અને બ્રિટનનું આધિપત્ય સમાપ્ત થયું. બ્રિટનનો હાથ ઉપરથી જતાં જ બધા આરબ દેશોએ ભેગા મળીને ઈઝરાયેલ પણ હુમલો કર્યો. પણ તેઓ એ વાતથી અજાણ હતા કે ઇઝરાયલની પ્રજા એવી તો ખુમારી વાળી કે પોતાના આધિપત્ય માટે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ગમે તે કરવા તૈયાર હતી અને અત્યાર સુધી એક પણ યુદ્ધ હારેલા નહોતા. આરબ દેશોમાં ઈજીપ્ત, લેબનોન, જોર્ડન, સીરિયા, સાઉદી અરેબિયા, યમન અને ઈરાક હતા જ્યારે સામે ઈઝરાયેલ એકલું અટૂલું. છતાં આ બધા સામે ઈઝરાયેલ જીત્યું અને UN એ આપેલી કુલ જમીન કરતા વધુ જમીન પોતે કબ્જે કરી.
ઈસ. 1964માં આરબો અને ઇજિપ્તે PLO (પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન) નામનું સંગઠન રચ્યું. જેનો મૂળ ઉદ્દેશ્ય પેલેસ્ટાઈનને ઈઝરાયેલ પાસેથી પાછું મેળવી લેવાનો હતો. ત્રણ વર્ષ બાદ ઇજિપ્તના પ્રમુખે (યાસિર તેરાન) આરબો સાથે મળીને 'સ્ટ્રેઇટ્સ ઑફ તીરાન' (ઇઝરાયેલના નકશામાં દક્ષિણ તરફ સાવ નીચેની પૂંછડી જે સમુદ્ર તરફ અડેલી છે તે વિસ્તાર) ના રસ્તાને બ્લોક કરી દીધો. તેને બ્લોક કરવાથી ઈઝરાયેલ સંકટમાં આવી પડે. તેનો બધો પુરવઠો ઠપ્પ થઈ જાય. કેમ કે જમીનના માર્ગે તે આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલું હતું અને જો તીરાનને પણ બ્લોક કરે તો ઈઝરાયેલ સમુદ્ર માર્ગે પણ કોઈ આવાજાહી કરી શકે નહીં. આમ કરવાથી ઈઝરાયેલ વળતો હુમલો કરશે એ પહેલેથી ખબર હોવાથી બધા આરબ રાષ્ટ્રોએ સંયુક્ત રીતે ઈઝરાયેલ પર હુમલો કર્યો. પરંતુ ઈઝરાયેલ એ કોનું નામ... માત્ર 6 જ દિવસમાં આ બધા આરબ રાષ્ટ્રોને ધૂળ ચટાડી ઈઝરાયેલ એકલા હાથે જીત્યું અને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ. આ યુદ્ધ જીતવા પાછળનું કારણ તેની જાસૂસી એજન્સી 'મોસાદ' હતી. તેના માટે એમ કહેવાતું કે મોસાદ ને દુશ્મન ક્યારે પાણી - પેશાબ માટે ઊભો થાય છે અને ક્યારે ક્યા સૈનિકની કેટલા વાગ્યે શિફ્ટ પૂરી થાય છે અને બીજો સૈનિક ક્યારે અને કેટલા વાગ્યે પોતાની નવી શિફ્ટ પર આવે છે એ પણ ખબર હતી. અને આની વચ્ચે જે બે - પાંચ મિનિટ નો સમયગાળો હોય તેમાં ઈઝરાયેલે હુમલાઓ કરીને જીત મેળવી. આટલી સદ્ધર અને બુદ્ધિચાતુર્ય ધરાવતી તેની જાસૂસી સંસ્થા છે (જેની વિગતે વાત પછી ક્યારેક). આ જીત મળી ત્યારથી ગાઝા સ્ટ્રીપ અને વેસ્ટ બેંક ઈઝરાયેલ કંટ્રોલ કરે છે. આટલી કારમી હાર મળ્યા પછી આરબો ધીમે ધીમે આમાંથી નીકળી ગયા. ઇજિપ્તે પ્રમુખ યાસિરની આગેવાનીમાં ઘણા હુમલાઓ કર્યા પરંતુ એક પણ વખત દુશ્મન ઈઝરાયેલ પર ફાવ્યો નહીં.
છેવટે આ બધાથી કંટાળીને PLO એ two state ઓફર મૂકી જેમાં બંને દેશોને સ્વતંત્ર સરકાર રચી સ્વતંત્ર દેશનું સંચાલન કરવાનું હતું. પરંતુ ઈઝરાયેલને ભવિષ્યની ચિંતા સતાવતી હતી કે આગળ જતા આરબો શક્તિશાળી થઈ જાય અને ફરીથી ઈઝરાયેલ પર હુમલો કરે તો ત્યારે બચવું અશક્ય બને. પરંતુ ત્યારે તત્પુરતી તેણે હા માં હા ભણી અને 13 સપ્ટેમ્બર 1993 ના રોજ અમેરિકામાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન પ્રમુખની હાજરીમાં બંને દેશોએ સંધિ પર સહી કરી. વિશ્વને લાગ્યું કે હવે બંને દેશો શાંતિથી રહી શકશે. પણ ઈઝરાયેલએ આગળ જતાં એક પણ કરાર ન અનુસર્યો. જેથી પેલેસ્ટાઇનના નાગરિકોને ઈઝરાયેલ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો...
અને ત્યાંથી પ્રવેશ થાય છે, 'હમાસ' નો...
મુખ્યત્વે પેલેસ્ટાઇનના જ લોકોએ 1987માં બનાવેલું ગેરીલા વોરફેર માટેનું સુન્નીઓનું આતંકવાદી સંગઠન છે. તેનું પૂરું નામ Hamas: Harakah al-Muquwamah al-Islamiyah છે. અંગ્રેજીમાં ભાષાંતર કરીએ તો, Islamic Resistance Movement થાય. જેનો વડો ઇસ્માઇલ હેનીપેહ છે. હમાસે સ્થાપના વખતે તેના ચાર્ટરમાં સ્પષ્ટપણે બે લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કર્યા હતા. યહૂદી રાજ્યનો અંત અને જોર્ડન નદીથી ભૂમધ્ય સમુદ્ર સુધી ઇસ્લામિક રાજ્યની રચના. આમ તેનો હેતુ પેલેસ્ટાઇનને ઈઝરાયેલ પાસેથી આઝાદી અપાવવાનો છે. (આતંકવાદી સંગઠનની માન્યતા USA, Canada, UK, Japan, Australia, Israel વગેરે દેશોએ આપેલી છે). હમાસના ઈરાન સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધો છે. તેનું મૂળ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા સાથે છે, હમાસને 1990ના દાયકાની શરૂઆતથી ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા ભંડોળ અને સશસ્ત્ર તાલીમ આપવામાં આવતી. 2020 માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અહેવાલ આપ્યો હતો કે ઈરાને હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદને વાર્ષિક $100 મિલિયનથી વધુની મદદ કરી છે. હમાસ મુખ્યત્વે ગાઝા સ્ટ્રીપથી સંચાલન કરે છે. અને ગાઝા સ્ટ્રીપ એ 141-સ્ક્વેર-માઇલનો વિસ્તાર છે જે ઇઝરાયેલના દક્ષિણપશ્ચિમ બાજુએ સ્થિત છે. ઇજિપ્ત, ઇઝરાયેલ અને ભૂમધ્ય સમુદ્રની સરહદે આવેલો આ પ્રદેશ 20 લાખથી વધુ પેલેસ્ટિનિયનોનું ઘર છે. ઇસ.1948 થી 1967 સુધી ગાઝા પટ્ટી પર ઇજિપ્તનો કબજો હતો. પરંતુ 1967ના છ-દિવસીય યુદ્ધના પરિણામે ઇઝરાયલે ગાઝા પટ્ટી પર નિયંત્રણ મેળવ્યું. હમાસને પીઠબળ મુખ્યત્વે આરબ દેશો જ પૂરું પાડે છે. તેના પૈસાના તેમજ શસ્ત્રોના જોરે જ આટલું લડી શકે છે. છેલ્લા 30-35 વર્ષોથી હમાસને (પેલેસ્ટાઇનને પણ) લાગે છે કે ઈઝરાયેલનો તેના વિસ્તાર પર કબજો છે. અને છેલ્લા ત્રીસેક વર્ષોથી હિંસા અવિરત ચાલુ જ છે. ગૂગલ પર સર્ચ કરતા જાણવા મળે છે કે અત્યાર સુધીમાં થયેલા હુમલાઓમાંથી કુલ 87 જેટલા હુમલાઓનો ડેટા ઉપલબ્ધ છે. અગણિત તો કેટલાય હશે. અને લગભગ 1000+ લોકો મૃત્યુ પામ્યા છે. ઈસ. 1947 થી લઈને 2023 સુધીમાં ઈઝરાયેલ કુલ 17 મોટા યુદ્ધો લડ્યું છે (world of statistics પ્રમાણે).
બંનેની સોય એક જ વાતે અટકી છે, અને એ છે 'જેરુસલેમ'. પેલેસ્ટિનિયનને લાગે છે કે ઇઝરાયેલી ફોર્સ અલ અક્સા મસ્જિદમાં ઘૂસે છે અને વેસ્ટ બેંકમાં ઘણી રેડ કરી એમાં આશરે 200 લોકોને માર્યા. જ્યારે ઈઝરાયેલ એમ માને છે કે એ લોકો આતંકવાદીઓ હતા. હિંસા કરીને તેઓ મસ્જિદમાં ઘૂસી જાય છે. જ્યારે પેલેસ્ટિનિયન કહે છે કે ઈઝરાયેલ અંદર ઘુસી લોકોને બહાર કાઢી મારે છે અને સાથે એમ પણ માને છે કે ઇઝરાયેલીઓનું વેસ્ટ બેંકમાં શું કામ? એટલે ટૂંકમાં બંનેને પોતપોતાની થિયરીઝ છે જેના કારણે આ કોકડું ઘણા લાંબા સમયથી વણઉકેલાયેલ છે.
છેલ્લે અમુક પ્રશ્નો સહેજે થાય કે,
- જગ આખામાં પેહેલા નંબરે આવે એવી જાસૂસી સંસ્થા 'મોસાદ' જેની પાસે છે એ દેશ ઈઝરાયેલ આટલા મોટા 'આતંકવાદી હુમલા' ના આગોતરા ઇનપુટ્સ કેમ ન મેળવી શક્યો?
- CIA ને પણ છેવટ સુધી કેમ કોઈ સગળ ન મળ્યા?
- હમાસ પાછળ કોનું પીઠબળ છે? આટલા મોટા પ્રમાણમાં હથિયારો તેની પાસે કોણે પહોંચતા કર્યા?
જે હોય તે. વાસ્તવિકતા તો એ છે કે અત્યારે ભયંકર યુદ્ધ ચાલુ છે અને કહેવત છે ને કે સૂકા ભેગુ લીલુ પણ બળે. એની જેમ બંને દેશો વચ્ચે આમ જનતાનો ખો નીકળી જવાનો છે. કેમ કે ઇઝરાયલની પહેલેથી જ પોતાના દેશ અને પોતાના નાગરિકો માટે એકધારી નીતિ રહી છે કે કોઈ પોતાના એક નાગરિકને મારે તો સામે પોતે 10 જણાનો ખાત્મો કરે છે. આંતકવાદ જરા સરખો પણ ચલાવી લેવામાં આવતો નથી. ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધાના પણ અનેક દાખલાઓ છે. રાષ્ટ્રીય કટોકટી વખતે કોઈ જ પ્રકારનું રાજકારણ નથી કરતા એ લોકો. વિપક્ષ પણ વર્તમાન સરકાર સાથે જોડાઈને સંયુક્ત સરકાર રચી દેશ વિરોધી તત્વોનો જડમૂળથી ખાત્મો કરવામાં લાગી જાય છે.
આ વાત ભારતના તમામ શાસકોએ ઈઝરાયેલ પાસેથી ખાસ શીખવા જેવી છે.
ખેર... આપણી પાસે પણ ઘણી સાચી ખોટી થિયરીઝ હશે જ. તેમાં ઉલજવાને બદલે ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરતા જે હકીકત છે તે જાણીને અવગત રહીએ...
નોંધ: પ્રસ્તુત લેખ આતંકવાદનું જરા પણ સમર્થન કરતો નથી.
Comments
Post a Comment