અસરદાર સરદાર (સરદાર વિચાર સાંપ્રત, સવાલ આચારનો)

સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતા જ એક ભારતીય તરીકે અને એમાં પણ ખાસ એક ગુજરાતી તરીકે આપણી છાતી ગજગજ ફૂલી ઊઠે. આમ તો આ લેખ માટે ઓક્ટોબર મહિનો ઉચિત લેખાય પરંતુ સરદાર સાહેબના નિર્વાણદિને એમને શબ્દાંજલી અર્પવા માટે એક નાનો એવો પ્રયાસ. 


ક્ષણભરતો અસમંજસમાં પડી ગયો કે સરદાર સાહેબ વિશે શું લખવું. કેમ કે આટલું વિરલ અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલ વિશે કેટકેટલુંય લખાઈ ચૂક્યું છે અને ઘણુંબધુ બોલાઈ પણ ચૂક્યું છે. અને આમ પણ એમના માટે લખવા જતાં શબ્દો પણ ખૂટી પડે અને સમય પણ. આમ છતાં સરદારને મારી કલમ વડે રજૂ કરું તો લિડરશીપનો અલ્ટિમેટ સિદ્ધાંત કહી શકાય એવું પ્રચંડ વ્યક્તિત્વ નજર સમક્ષ પ્રતીત થાય. સરદાર (લીડર) કોણ થઈ શકે? જે નિર્ણયો લે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો અમલ કરાવી જાણે. નિર્ણય લેવો જ અઘરો હોય છે કોઈપણ બાબતમાં, બાકી કામ કરવાવાળાની તો આખી ફોજ મળી રહેવાની. એ પ્રતિભાવંત વ્યક્તિ જે પોલાદ જેવુ જિગર ધરાવે છે અને સાથે સાથે ગુલાબ જેવી મમતા. સરદારને ખૂબ નજીકથી જોતાં જણાઈ આવે કે તેઓ દ્રઢાગ્રહી હતા પરંતુ હઠાગ્રહી ન હતા. સામાન્ય રીતે આપણે ત્રણ હઠથી પરિચિત હોઈએ. સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ. વલ્લભભાઇએ જેવી રીતે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પદનો ત્યાગ કર્યો એ પરથી જ જણાઈ આવે કે તેઓ હઠાગ્રહી ન હતા. 


ખેર, આ તો માત્ર ઔપચારિક વ્યક્તિત્વ પરિચય થયો. પરંતુ આ સાથે એ પણ કબૂલવું જ પડે કે આઝાદી પછી સરદાર પટેલના ભારતની અખંડતા અને એકતા માટેના ઐતિહાસિક પ્રદાનનો ગાંધીજી અને નેહરૂ જેટલો જયજયકાર નહતો થયો. આવા રાષ્ટ્રીય નેતા સરદાર પટેલના પ્રદાનની ગુજરાત સિવાયના રાજ્યોમાં ગૌરવથી મસ્તક જુકી જાય એવી ઓળખ જ નથી. જેમ જેમ વ્યક્તિનું મૂલ્ય વધતું જાય તેમ તેમ તેની ટીકા પણ વધતી જાય. સરદાર સાહેબની પણ થતી. ઘણા લોકો એમ કહેતા કે તેઓ મૂડીવાદી હતા, ઘણા લોકો એમ કહેતા કે તેઓ કોમવાદી હતા તો ઘણા લોકો એમ કહેતા કે તેઓ ગાંધીવાદી હતા. પરંતુ આ બધાથી પર ઊઠીને તેમણે કંઈપણ જોયા વિના માત્ર દેશને એક કરવામાં અને દેશની અખંડિતતા જળવાય તે માટેના પ્રયાસો કર્યા. જે છેવટે સાર્થક નીવડ્યા. આ પરથી મને લાગે છે કે તેઓ બીજા કોઈ પણ વાદી નહીં પરંતુ 'રાષ્ટ્રવાદી' હતા. (એક આડવાત : જ્યારે પણ તમને એમ લાગે કે તમારી ટીકા થઈ રહી છે, ત્યારે સમજવું કે તમે પ્રગતિના પંથે છો. કોઈની ટીકા કરવી નહીં પરંતુ તમારી ટીકા થતી હોય તો થવા દેવી અને એ ટીકાઓની સીડી દ્વારા ઉપર ચડતા રહેવું.) 


સરદારના પ્રસંગો તો આપણને ઘણા સાંભળવા મળે છે. પરંતુ તેની પાછળ આપણે અર્થઘટન કેવું કરીએ છીએ તે જાણવું જરૂરી છે. આપણે આપણાં જીવનમાં પણ સરદારનું સ્થાન માત્ર અભ્યાસક્રમોમાં પૂછાતા પાંચ માર્કના પ્રશ્નો જેટલું જ રાખ્યું છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલુ જ છે કે સરદારના વખાણ કરવા સહેલા છે પરંતુ તેમની નજીક રહેવું અઘરું છે (તેમને અનુસરવા અઘરા છે). આટલું જાણ્યા પછી પણ મનમાં સહજ પ્રશ્ન થતો આવ્યો છે અને એ એ છે કે, “Why this society hasn’t found another Sardar Patel yet? (હજુ સુધી આ સમાજ બીજા સરદાર પટેલને કેમ ન શોધી શક્યો?)” આપણે હજારો કરોડોની પ્રતિમા તો બનાવી લીધી પરંતુ પ્રતિભા ઘડવાનું ચૂકી ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો પ્રતિમા છે, એવી પ્રતિભા કેમ ઘડાય? એવું તો શું ખૂટે છે જે આપણને બીજા સરદારની પ્રતીતિ કરાવતા રોકે છે? માત્ર એક જ વસ્તુ જે મને લાગે છે કે આપના સૌમાં ખૂટે છે, એ છે એમના મૂલ્યોનું આચરણ. "સરદાર વિચાર સાંપ્રત, સવાલ આચારનો". સરદાર સાહેબના વિચારો તો બધે છવાયેલા છે પરંતુ મુશ્કેલી ત્યાં આવે છે જ્યારે એમના વિચારો / મૂલ્યો પર ચાલવાનું આવે. અહીં ગુલઝારનો એક શેર જે એકદમ બંધ બેસે છે. 

बहुत छाले हैं उसके पाँव में, कम्बख़्त जरूर उसूलों पे चला होगा। 

એકદમ સાચી વાત છે. એ જે કરી શકતા હતા એ તો કદાચ આપણે ન કરી શકીએ. બાકી આજે ઘણા સરદાર થઈ ગયા હોત અને એ બધા સરદારોની ભીડમાં સરદાર વલ્લભભાઇ પટેલ ક્યાંક ખોવાઈ ગયા હોત. કોણ થઈ શકે સરદાર? આપણે પણ બની શકીએ સરદાર. એના માટે ત્રણ મુખ્ય બાબતો અનિવાર્ય છે. 1) જે વ્યક્તિમાં ગાંધી જેવી શાલીનતા હોય. 2) જે વ્યક્તિમાં કૃષ્ણ જેવી કુનેહ હોય. 3) જે વ્યક્તિમાં સરદાર વલ્લભભાઇ જેવુ મનોબળ હોય. આ ત્રણેય બાબતોનો ત્રિવેણિસંગમ જેનામાં જોવા મળે એ સરદાર વલ્લભભાઇએ સૂચવેલ રસ્તા (મૂલ્યો) પર છે એમ સમજવું. આપણે ત્યાં એવું છે કે લોકોને અભ્યાસ કરવાની ટેવ નથી પરંતુ સીધા અભિપ્રાય આપવાની ટેવ છે. આમ પણ લોકોની તાસીર જ છે કે રોકડી ને સાચી વાત કહેવાવાળો માણસ ગમતો નથી. ઈશુ ખ્રિશ્તે જ્યારે લોકો સમક્ષ બે સાચી ને બે પ્રેમભરી વાતો કહી ત્યાં તો લોકોએ એમને ક્રોસ પર લટકાવી દીધા. દૂરંદેશી સ્વભાવ ધરાવતા સરદાર વલ્લભભાઈએ પણ કશ્મીર પ્રશ્ન વિશે જે સૂચનો આપેલા તેને અવગણવામાં આવેલા. જેના કડવા ફળ તેમજ જુનાગઢ અને હૈદરાબાદના મીઠાં ફળ ભારતની જનતા ભોગવી રહી છે. આ બાબત પર રાજમોહન ગાંધી પણ લખે છે કે, સરદાર કહેતા કે, 'ભારત કશ્મીર પ્રશ્ને જે રણનીતિ અખત્યાર કરે છે તે ગંભીર પરિણામોને જન્મ આપશે.' આમ સરદારના દૂરંદેશીપણાનો કલમ 370 નાબૂદ થઈ એ પહેલાની પરિસ્થિતી જોતાં ખ્યાલ આવી જાય. 


આઝાદ ભારત માટે તો સરદાર વલ્લભભાઇ પટેલનું સૌથી મોટું પ્રદાન એમણે જે ભરતકામ કરીને દેશને એક તાંતણે બાંધ્યો એ છે. લોર્ડ માઉન્ટબેટને તો ત્યાં સુધી કહેલું કે ભારત જે રીતે ટુકડાઓમાં વહેંચાયેલો છે એ જોતાં તેને એક થવામાં વીસેક વર્ષ જેટલો સમય લાગી જશે. પરંતુ આ તો સરદાર વલ્લભભાઇ પટેલ હતા, જેમણે લોર્ડ માઉન્ટબેટનના એ વિધાનને મમરાની જેમ પગતળે કચડીને માત્ર 90 દિવસ જેટલા ટૂંકા ગાળામાં આ ભગીરથ કાર્યને એક જ ઝટકે પાર પાડ્યું. જે માટે તો સરદાર સાહેબનો આભાર માનીએ તેટલો ઓછો પડે. બીજી સરદાર પટેલની એક ખાસ વાત જે મને ખૂબ ગમે એ એ છે કે એમને બરાબર ખ્યાલ રહેતો કે ક્યારે કામ સાથે અટેચ થવું (જોડાવું) અને ક્યારે કામ સાથે ડિટેચ થવું (અલગ થવું). ચાલુ કોર્ટે જ્યારે એમને એમની પત્નીના મૃત્યુનો તાર મળ્યો ત્યારે સહેજ પણ ભાવુક થયા વગર કે સહેજ પણ પ્રતીભાવ આપ્યા વગર તારને ખિસ્સામાં મૂકીને પોતાનો કેસ ચાલુ રાખ્યો. આ એમનો કર્તવ્યયોગ / કર્મયોગ દર્શાવે છે. એકવાર ઉંચાઇએ પહોંચી ગયા બાદ પણ ત્યાં ટકી રહેવા માટે સતત પાંખો ફફડાવતું રહેવું પડે. આપની અંદરના મમત્વનો ત્યાગ કરવો પડે. આ બધા ઉપરાંત સૌથી જરૂરી, આપણી અંદર બેઠેલો સરદાર જાગે તો બીજો સરદાર પેદા થઈ શકે આ સમાજમાં. સરદાર એ થઈ શકે જેનું વ્યક્તિત્વ એકદમ પારદર્શક હોય, વ્યવહારમાં નીડરતા હોય અને જેનો સ્વભાવ એકદમ નિખાલસ હોય. જે વ્યક્તિ પોતાના નાગરિકધર્મ અને રાષ્ટ્રધર્મને અન્ય કોઈપણ ધર્મથી ઉપર ઊઠીને જોઈ શકે એ સરદાર બની શકે. 


છેલ્લે વિકાસકુમારની એક કવિતા જે ખુબ સરસ રીતે સરદાર સાહેબને શબ્દોમાં રજૂ કરે છે…


નિ:શબ્દ કા મેં શબ્દ હું, સ્તંભ નિરાધાર કા,

સાર્વભોમ સત્ય હું મેં, શૂન્ય કે આકાર કા,

પ્રેમ કા પ્રતિબિંબ હું મેં, આંશુ કિસી ઉપહાર કા,

સાર્વભોમ સત્ય હું મેં, શૂન્ય કે આકાર કા,

મેં જન્મ કા ઉપસર્ગ હું, પ્રત્યેય મૃત્યુ કે અવતાર કા,

સાર્વભોમ સત્ય હું મેં, શૂન્ય કે આકાર કા,

મેં અનાહત નાદ હું, મેં મૌન કા સંવાદ હું,

સાર્વભોમ સત્ય હું મેં, શૂન્ય કે આકાર કા…


આટલા મોટા સવા અબજના દેશમાં આટલુંય કોઈ ન કરી શક્યું એટલે એ મુઠ્ઠી ઊંચેરા થઈ સૌને વ્હાલાં છે. 


"જોડાણ કર્યું છે અસરદાર,

ને માટે હૈયે વસે છે સરદાર."


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?