રિલેશનનું રિવોલ્યુશન

સંબંધ... આમ જોઈએ ને તો સંબંધ એટલે જીવનના સૌંદર્યને ધીમે-ધીમે ખોલતી કેડી. સંબંધ માત્ર સૌંદર્યને ખોલતો જ નથી, પરંતુ સાથે સાથે ખીલવે પણ છે. સંબંધ એક એવી વસ્તુ છે જેના દ્વારા તમે તમારા મનમાં રહેલી લાગણીઓને સરળતાથી સામેની વ્યક્તિને વ્યક્ત કરી શકો છો, વર્ણવી શકો છો. તમે જો જો, અજાણી વ્યક્તિ સાથે તમે સરળતાથી ખુલીને વાત નહીં કરી શકો. એ માટે તમારે જે - તે વ્યક્તિ સાથે કંઈક રિલેશન જોડવું પડશે. સંબંધો તો ઘણા પ્રકારના હોય શકે છે. જેમાં અમુક તો નક્કી હોય છે, આપણે કંઇ જ બદલાવ નથી કરી શકતા. પરંતુ બાકીના સંબંધો તો આપણે જાતે જ દુનિયા રખડીને, નવા નવા લોકોને મળીને, તેમનો હાવભાવ - મળતાવડાપણું જાણીને, તેમના અંતરંગ ને ઓળખીને બનાવવાના હોય છે. આ જે  બાકીના સંબંધો છે કે જે વ્યક્તિએ પોતાએ બનાવવાના હોય છે તે જ વ્યક્તિની સફળતા સુનિશ્ચિત કરે છે. હા, આ વિષય ઉપર અમેરિકામાં પીટર્સબર્ગ, પેન્સિલવેનિયા સ્થિત પ્રખ્યાત કાર્નેગી યુનિવર્સિટીરિસર્ચ કર્યું છે. તેના અવલોકનમાં જણાવાયું છે કે વ્યક્તિની સફળતાનો 85% આધાર તેના માનવીય સંબંધો કેવા છે તેના પર રહેલો છે. તેની પાસે ટેકનિકલ નોલેજ કેટલું છે તેનો ફાળો માત્ર 15% જ છે. બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પણ હજારો-લાખો લોકો સાથે આત્મીયતાનો સંબંધ કેળવ્યો હતો જેથી આજે પણ તે વિશ્વસ્તરે પુજાય છે. 


સંબંધ એટલે સંવાદિતાનો બંધ (પુલ). જેમ ઇંટ - પથ્થર કે સિમેન્ટના બનેલા બંધની મજબૂતાઈ શરૂઆતમાં થોડી થોડી વારે પાણી પાવાથી વધે છે તેવી જ રીતે સંવાદિતાના બંધ એટલે કે સંબંધોને મજબૂત કરવા તેને સમય આપવો પડે છે. સંવાદિતા ત્યારે જ સધાય છે જ્યારે પરસ્પર સુમેળ હોય, પરસ્પર સ્નેહ હોય. આ કોઈ ચોક્કસ જગ્યાએ જ લાગુ પડે અથવા તો ચોક્કસ સંબંધોમાં જ લાગુ પડે એમ નહીં, પરંતુ જ્યાં જ્યાં સંબંધોની વાત આવે ત્યાં ત્યાં લાગુ પડે છે. આ લેખનું શીર્ષક જ એવું છે. સંબંધ એટલે રિલેશન અને રિલેશન મતલબ રિ+લેશન. જ્યાં એકવાર સ્નેહ થયા પછી ફરી ફરીને સ્નેહ થયા રાખે, ટૂંકમાં ફરી ફરી કરવાનું લેશન એટલે રિલેશન - સંબંધ. સંબંધોમાં માત્ર સ્નેહ જ નહીં ક્યારેક ક્યારેક ખટ્ટ-મીઠાં ઝગડાઓ પણ હોય છે. અને સમજી લેવું કે જે કોઈ સંબંધમાં ક્યારેય ઝગડાઓ ન હોય તો તે સંબંધ દિલથી નહીં દિમાગથી નિભાવવામાં આવી રહ્યો છે. ઘનિષ પટેલે (મારા પપ્પા) એકવાર કહેલું કે ઝગડો ક્યારેક જરૂરી છે. કેમ કે તે એકબીજા પ્રત્યેના સ્નેહને રિચાર્જ કરે છે. જે એકબીજાને સન્માન નથી આપી શકતાં, એકબીજાની કદર નથી કરી શકતા તે ક્યારેય કોઈ સંબંધને નથી નિભાવી શકતા. 


થોડું અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. વર્તમાન સમયે સંબંધોને ડગમગતા રોકવા તેના મૂળભૂત આધારસ્તંભ તરીકે આપણે ક્યા ચાર આયમો લઈ શકીએ તો એ છે - TAAC. Tolerance, Acceptance, Adjustments, Compromise. 

પ્રથમ છે Tolerance - મતલબ સહનશીલતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે બાંદ્રા ફેમિલી કોર્ટમાં જે કેસો આવે છે છૂટાછેડાના એમાં પાંચ ટકા જેટલા કેસો 60 કે તેથી વધુ ઉંમરના લોકો હોય તેના હોય છે. લગ્નજીવનના 35-40 વર્ષ પછી પણ પરસ્પર સહયોગ કેળવાતો નથી. ને કેળવાય છે તો જળવાતો નથી. અને તેના કારણો જાણીને તો હજુ વધારે આશ્ચર્ય થશે. ટોપ ટેન કારણો પૈકીનું એક કારણ છે "પંખાની સ્પીડ". હા, એકને પાંચ ની સ્પીડ જોતી હોય તો બીજાને બે ઉપર રાખવો હોય. પરંતુ પરસ્પર સહયોગ સાધીને પંખાની સ્પીડ 3 ઉપર કરવા સહમત નથી થતાં. બીજું એક કારણ એ છે કે, “I feel that my husband doesn’t have modern dressing sense.” (મને લાગે છે કે મારા હસબન્ડને સ્ટાઈલીશ કપડાં પહેરવાની ખબર જ નથી પડતી.) બોલો લ્યો! હવે 60 વર્ષે એને ક્યાં ફેશન શોમાં ભાગ લેવા જવું હશે? સહન નથી કરવું જરા પણ. સહનશીલતા જ નથી. પરિણામે આવી ગૌણ બાબતોમાં સંબંધોનો અંત આવે છે.  

દ્વિતીય છે Acceptance - મતલબ સ્વીકૃતિ. જે જેવા છે એવો જ એનો સ્વીકાર. આપણી અપેક્ષાઓને દૂર રાખી, આપણી ઈચ્છાઓને આપણાં સુધી જ રાખી સામેવાળી વ્યક્તિ જેવી છે તેવી જ સ્વીકારી લેવી તે પ્રેમનું પહેલું પગથિયું છે. અંગ્રેજીમાં એક ખૂબ સરસ ક્વોટ છે, "You don’t need someone to complete you. You only need someone to accept you completely." મતલબ તમારે એવા કોઈ વ્યક્તિની જરૂર નથી કે જે તમને પૂર્ણ કરે. પરંતુ તમારે એવા વ્યક્તિની જરૂર છે કે જે તમને પૂર્ણ રીતે સ્વીકારે. સ્વીકૃતિનો અર્થ એ નથી કે હંમેશા તમારી સામેવાળી વ્યક્તિ સાથે સંમત થવું, અસંમત થવા માટે પણ સંમત થવું ઠીક છે. સ્વીકૃતિ એ સામેવાળી વ્યક્તિના મૂલ્યોની વેલ્યૂ (કદર) કરવી એ છે. 


તૃતીય છે Adjustments - મતલબ સમાયોજન, મેળ થવો. સ્વીકાર તો થયો સામેની વ્યક્તિનો. પરંતુ બંનેનો સ્વભાવ તેમજ બંનેની પ્રકૃતિ અલગ અલગ હોવાની. સ્વાભાવિક છે. તો એકબીજાની ખુશી માટે સમાયોજન (Adjustment) એ પરસ્પર વિશ્વાસ વધારવામાં મદદ કરે છે. સફળ સંબંધોનો માર્ગ આમ તો થોડા ઘણા ટ્વીટ્સ અને રહસ્યોથી ભરપૂર છે. જેમાં adjustment ભરપૂર રોમાંચ સાથે અજાયબીઓ ખડી કરી શકે છે. બસમાં કોઈકના ઠોંસા - ધક્કા ખાઈને પણ બેસવા માટેની થોડી જગ્યાનું આપણે adjustment કરી લઈએ છીએ, છેલ્લે બાકી થોડી એવી જગ્યામાં ઊભા રહેવા માટે પણ આપણે ખુદને એડજસ્ટ કરી જ લઈએ છીએ. તો સંબંધોમાં આપણે કેમ ન કરી શકીએ ?


ચતુર્થ છે Compromise - મતલબ સમાધાન. અરે જે વ્યક્તિ જતું કરી શકે એ બધું જ કરી શકે. ક્યારેય કોઈ બાબતે સામેની વ્યક્તિ સાથે ગેરસમજ થાય, વૈચારિક મતભેદ થાય તો પણ આપણે એનું માન રાખીને તત્પૂરતું જતું કરી દેવાનું. પછી યોગ્ય સમયે તે જ વાત ફરીથી સમજાવવા પ્રયત્ન કરવાનો. આમ કરવાથી બંને વ્યક્તિઓનું માન જળવાશે અને તમે શરૂઆતમાં નમ્યા હતા તે સામેવાળાને વધારે ગમશે. જે તમારી વેલ્યુ હતી પહેલા તેના કરતાં પણ વધારશે. 


છૂટા પડતાં તો બધાને આવડે; સહનશીલતા, સ્વીકૃતિ, સમાયોજન અને છેલ્લું છે સમાધાન આ ચાર પાયાઓને બેલેન્સ કરીશું તો ભેગું રહેતા આવડશે. ભેગું રહેતા શીખવાનું છે. આજે કેટલાય સંયુક્ત કુટુંબો કાચના ટુકડાઓની જેમ વેરાઈને અલગ - થલગ પડી ગયા છે. કેટકેટલાય દોસ્તીના સંબંધો, પ્રેમપ્રકરણના સંબંધો, ભાઈ-ભાઈના સંબંધો વગેરે જેવા અનેક સંબંધો તૂટે છે જેના મૂળમાં આ ચાર પાયાઓનો જ અભાવ હોય છે. ઘણીવાર સંબંધ ગમે તેટલો અતૂટ હોય, ગમે તેટલો પ્રગાઢ હોય, ગમે તેટલો અપૂર્વ હોય, ગમે તેટલો વિશ્વાસ હોય એકબીજા ઉપર પણ ક્યારેક પરસ્પર વિશ્વાસને પણ શ્વાસ લેવાની જરૂર હોય છે. જો સંબંધોમાં એકબીજાની હૂંફ હશે તો ક્યારેય હાંફ નહીં ચડે. આપણે ઘણીવાર પરસ્પર સંબંધોમાં પૂર્ણવિરામ મૂકી દઈએ છીએ પરંતુ ખરેખર ત્યાં અલ્પવિરામ મૂકવાની જરૂર હોય છે. 


મંદી માત્ર આર્થિક જ નથી આવતી. ક્યારેક સામાજિક જીવનમાં સંબંધોમાં પણ આવે છે. સંબંધો રૂંધાવાનું મુખ્ય કારણ આપણી સામે વાળી વ્યક્તિ પાસે રહેલી અપેક્ષાઓ છે. આપણી અપેક્ષાઓ જ સંબંધો બગાડે છે. સાયકોલોજી અનુસાર વ્યક્તિએ ખૂબ જ વધારે પડતો પ્રેમ, લાગણી કે સ્નેહ દર્શાવવો ન જોઈએ. એમ કરવા જતાં ઘણી વાર એનું મહત્વ જ નથી રહેતું… 


ઓફબિટ્સ…

જે મળ્યા'તા એ બધાયે મિત્ર - પાડોશી થયા 

જે બચ્યા'તા એ જ લોકો વિઘ્નસંતોષી થયા 


માંડ જે ગઇકાલમાંથી બહાર આવ્યા તે બધા,

આજમાં જીવ્યા નહીં, ને કાલના જોશી થયા 


એક રાતે ચંદ્ર ઊતરી આવેલો ફૂટપાથ પર,

સિગ્નલો ઊંઘી ગયેલા, રસ્તાઓ દોશી થયા


આ ઊલટભરના ઉમળકાઓનું કરવાનુંય શું?

ના, અવાજો નીકળ્યા કે ના જ ખામોશી થયા 


આપણે મહાલ્યા છીએ બસ આપણાં રસ્તા ઉપર 

ના નડેલાં કોઈને તેથી જ નામોશી થયા. 


- અંકિત ત્રિવેદી


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?