યે દોસ્તી…
‘યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે…’ દોસ્તીનું નામ પડતાં જ કદાચ સૌથી પહેલા આપણને શોલે ફિલ્મનું આ ગીત અને સાથે સાથે જય-વીરુ ની મજેદાર જોડી યાદ આવે, બરાબર ને! દોસ્તો, દોસ્તી એ આ ગોળા (પૃથ્વી) પરનો સૌથી રોમાંચક, મજેદાર, ચટાકેદાર અને લહેજતદાર વગેરે જેવા અનેક ખ્યાલોમાં ડૂબાડી શકીએ એવું કલરફુલ, બ્લીશફુલ અને જોયફુલ રિલેશન છે.
દોસ્તી એ એક એવો સંબંધ છે જે આપણે ખુદ બનાવીએ છીએ. બાકીના બીજા સંબંધો તો જન્મતાવેંત જ આકાર લેવા માંડે છે. તે લોહીનો સંબંધ નથી છતાં લોહીના તમામ સંબંધો નું પ્રતિબિંબ એમાં ઝીલાય છે. મિત્ર એટલે એક એવી વ્યક્તિ જે સગો ન હોવા છતાં સગાથી વિશેષ હોય. જેના મનમાં તમારા પ્રત્યે કોઈ પણ જાતની કડવાહટ હોતી નથી. જે હંમેશા તમારી સાથે હોય. એક જાણીતી કહેવત છે ને કે, 'મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ હોય ને દુઃખમાં આગળ હોય'. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતે મિત્રતા નિભાવવાનું શરૂ કરીએ. આજના આ ઓનલાઇન યુગ અને એમાં પણ સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સ બનાવવાના જમાનામાં 'કૃષ્ણ - સુદામા' ની જોડી મળવી મુશ્કેલ છે. દોસ્તો - યારો - દિલદારો, યાદ રાખો કે ફેસબુક ફ્રેન્ડ્સ એ મિત્રો નથી, એ માત્ર ફ્રેન્ડ લિસ્ટ નું શો-ઓફ છે.
સાચી દોસ્તી તો એ જ કહેવાય જેમાં એકબીજાની સંવેદનાઓ અને એકબીજા પ્રત્યે રહેલી ભાવનાનાં વાયરલેસ તારથી કમ્યુનિકેશન (વાતચીત) થઈ શકતું હોય,તમારા મન માં રહેલી વાત અને તમે જે કહેવા જાવ એ પહેલા સામેવાળાને ખબર પડી જતી હોય, એકબીજા સાથે રહેવાથી મન હંમેશા તરોતાજા રહેતું હોય અને માનસિક શાંતિ અનુભવાતી હોય, જેમાં હૈયું એક હારે હામ અને હિલોળા લેવા તૈયાર થતું હોય, જેમાં એકબીજા માટે ખરેખર આદર, સત્કાર, સ્નેહ અને સુમેળભર્યો ભાવ રહેતો હોય એવા વાતાવરણમાં દોસ્તી નો કુમળો છોડ ઉગે છે અને સમય જતાં ઘનઘોર, ગાઢ વટવૃક્ષ તરીકે પરિણમે છે. જે દોસ્તીનું આ રિલેશન લાઇફ લોંગ ટકાવી રાખવા માટે કારણભૂત બને છે. અને ખરી મિત્રતા તો બાળપણમાં અથવા તો કોલેજકાળમાં જ બંધાતી હોય છે, જેમ કે હેરી પોટર અને હરમાઈની.
આમ તો દોસ્તીના દિવસો હોતા જ નથી, વર્ષો હોય છે અને એ પણ માત્ર બે - ચાર નહીં, ઘણા બધા વર્ષો. જેને નિભાવવામાં જ આખી જિંદગી નીકળી જાય છે. મિત્રતા એટલે તો સાથે મળીને ધમાલ, મસ્તી અને મૂર્ખાઈ કરવાની મુક્તિ. આ એક એવું રિલેશન છે જ્યાં આવું બધું કરવા માટેનો ચાર્મ જળવાઈ રહે છે, પછી ભલેને ઉંમર ગમે તેટલી કેમ ન હોય. Age doesn't matter. સામાન્ય રીતે સતત એક - બે વરસ સુધી આપણે આપણી પોતાની વાતો કરીને કોઈને મિત્ર ન બનાવી શકીએ, પરંતુ સામી વ્યક્તિ માં રસ લઈને એને બે મહિનામાં દોસ્ત બનાવી શકો.
મિત્ર એ છે જે તમારામાં એક આખું અલાયદું વિશ્વ જન્માવે. દરેક મિત્ર એક નવું વિશ્વ લઈને આપણી પાસે આવે છે અને એ વિશ્વ એવું હોય છે જે એ મિત્રના આવવાના કારણે જ સર્જાતું હોય છે. વળી પાછું, એ દોસ્તના મળ્યા પહેલા આ દુનિયા હોતી નથી અને એના ગયા પછી પણ રહેતી નથી. જ્યાં કોઈપણ જાતની ચિટિંગ છે ત્યાં ફ્રેન્ડશિપ નથી. જો આપણે એમ વિચારતા હોય કે સામેવાળી વ્યક્તિ આપણી આ નબળાઈ કે ખામીઓને નહીં સ્વીકારે અથવા તેને છુપાવવાનો પ્રયત્ન કરીએ તો વાસ્તવમાં આપણે સામેવાળા ને સારું લગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ મિત્રતા નથી. ફ્રેન્ડશિપમાં તો દિલ ખોલીને જેવા છીએ તેવા ખુલ્લા થઈ જવાનું હોય છે. આમાં એક પ્રકારની હળવાશ હોય છે.
અમેરિકાના મહાન તત્વચિંતક (Philosopher) હેન્રી ડેવિડ થોરો એ મિત્રતા પર એક ખૂબ સરસ વાત કહેલી, "The language of friendship is not words but meaning. મૈત્રી એ અર્થની ભાષા છે, શબ્દોની નહીં." અને આપણે સૌ તેનો અર્થ સમજવાને બદલે શબ્દોની માયાજાળમાં ફસાઈને રહી ગયા. જો મિત્રતાને ખરેખર લાઇફ લોંગ ટકાવી રાખવી હોય તો તેની મુખ્ય ત્રણ કી (ચાવીઓ) છે. જતું કરતા શીખવું, સહન કરતા શીખવું અને અપેક્ષા ન રાખવી. નાની નાની વાતો પાછળની આપણી અપેક્ષાઓ જ ફ્રેન્ડશિપના પતન માટે જવાબદાર બની રહે છે. W. H. Auden નામના એંગ્લો-અમેરિકન કવિ 20 વર્ષ જેટલા લાંબા સમય સુધી રિસર્ચ કર્યા બાદ માત્ર બે શબ્દોના નિષ્કર્ષ પર આવ્યા અને એ હતા "Kindness" અને "Communication".
અહીં મને બોવ સરસ મજાની એક કવિતા યાદ આવે છે…
પારકાં ને ક્યાં શોધવા અહીં,
પોતાના ખોવાઈ ગયા.
રેતી જેવા હતા સપના મારા,
મોજાં થી ધોવાઈ ગયા.
વિતેલી વાતોને યાદ કરી તો,
આંસુ છલકાઈ ગયા.
સંબંધો તો ઘણા મળ્યા મને પણ,
અમુક દિલમાં સચવાઇ ગયા.
યાદોની તિજોરી ખોલી જ્યારે,
આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા,
જે દિલ પર છવાઈ ગયા...
દરેક વ્યક્તિ પાસે જીવનના દરેક તબક્કે એક મિત્ર તો હોવો જ જોઈએ. પરંતુ નસીબદાર તો એ હોય જેનો એક જ મિત્ર જીવનના દરેક તબક્કે સાથે હોય. ખુશ રહેવા માટે અને સુખી રહેવા માટે દરેકના જીવનમાં એક એવા ફ્રેન્ડ નું સ્થાન તો હોવું જ જોઈએ જેની સાથે તમે ખુલ્લા દિલે, એકદમ હળવાશ સાથે બધી જ વાતો કરી શકો. જે તમારી સૌથી વધુ close (નજીક) હોય. પરંતુ તે વ્યક્તિને એ ખબર ન હોવી જોઈએ કે તમારા જીવનમાં એનું એ સ્થાન છે. તેથી જ સ્વસ્થ જીવન માટે મિત્રો હોવા જરૂરી છે. હાર્વર્ડ યુનિવર્સિટી નો 80 વર્ષ જૂનો અભ્યાસ એવું કહે છે કે વ્યક્તિઓની ખુશી અને આનંદ માટે પૈસા અને સફળતા કરતાં સારા મિત્રો વધુ મહત્વના છે.
એરિસ્ટોટલ પણ મિત્રો વિશે જણાવે છે કે ત્રણ પ્રકારના મિત્રો હોય છે. 1) ગુણનાં મિત્રો 2) લાભના મિત્રો 3) મજાનાં મિત્રો …
Now, the choice is yours :)
દોસ્તીનો પાવરપંચ,
Care will be in heart, not in words.
Anger will be in words, not in heart.
- TRUE FRIENDSHIP
Comments
Post a Comment