ભારતમાં એક્ઝામિનેશન સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ નથી.

એલા એય, તારે કેવા પેપર જાય છે? મારે તો એકદમ મસ્ત મજાના જાય છે. ને એમાં પણ આ ત્રણ પેપરમાં મારે આટલા માર્ક્સ આવશે. પરંતુ યાર, આ બે પેપર માં થોડી નાની એવી ભૂલો થઈ ગઈ. અને આ બધાની સાથે સાથે, અરે ધૈર્ય! તને ખબર છે ગઇકાલે કોલકાતાએ પંજાબને શું હરાવ્યું છે કે વાત જ જવાદે. એકદમ ખખડાવી નાખ્યું. પણ યાર આ ચેન્નઈ સુપર કિંગ્સે આ વખતે કેપ્ટન બદલવાની જરૂર ન હતી. આમ પણ ધોનીનો તો આ છેલ્લો આઇપીએલ હતો વગેરે વગેરે… વાતો ચાલે છે. એવામાં ધૈર્ય અને સાર્થ બંને વાતો કરતાં હતા કે આપણે આ સૌરવ ગાંગુલીને પત્ર દ્વારા રજૂઆત કરવી જોઈએ કે પરીક્ષાના સમય દરમિયાન આઇપીએલનું આયોજન ન કરે. હા..હા..હા…


આ બંને વાતો કરતા હતા ત્યાં અનિકેત આવીને વચ્ચે બોલ્યો, આ પરીક્ષાને આઇપીએલ સાથે સરખાવીએ તો કેવું? એક મેચમાં 20-20 ની બે ગેમની જેમ 50-50 માર્કસના પેપરના બે ભાગ કરી દેવાના, દર 20 માર્કે 10 મિનિટનો એક બ્રેક આપવાનો, મેચમાં પાવર પ્લે ની જેમ શરુઆતનો અડધો કલાક કોઈ સુપરવાઈઝર જ નહીં ક્લાસરૂમમાં, દર 50 માર્કનો એક સેશન પૂરો થવા પર ચીયર ગર્લ્સ આવીને મસ્ત મજાના ડાંસ દ્વારા થોડું એવું મનોરંજન કરાવે. હેહેહે! બધાના મુખડા પર કેવી મંદ મંદ સ્માઈલ આવી ગઈ. ખેર! Jokes apart. આજનો મુદ્દો તો એવો છે કે જે ઘણા વર્ષો અગાઉ ચર્ચાઇ જવો જોઈતો હતો. ચર્ચાઓ તો ખૂબ થઈ, હજુ આજે પણ થાય જ છે - ઘરે ઘરે થાય છે, પાનના ગલ્લે થાય છે, શેરીના ખૂણે  થાય છે, ચૂંટણીઓ વખતે થાય છે. પણ આપણે તે બધી ચર્ચાઓને ત્યાં સુધી જ રાખી. છૂટા પડ્યા એટલે જાણે વાત પણ હવામાં વિલીન થઈ ગઈ. આપણે સુધારો લાવવાના માત્ર ફાંફાં જ મારતા રહ્યા અથવા તો મારી રહ્યા છીએ. માત્ર ડંફાસો જ મારી. પરિણામે પરિણામ આજ સુધી શૂન્ય જ રહ્યું. મને તો એ નથી સમજાતું કે જે પરિબળનો રાષ્ટ્રના વિકાસમાં ખૂબ જ અગત્યનો, મહત્વપૂર્ણ ફાળો હોય તેને જ શરૂઆતથી લઈને આજ સુધી કેમ નજર અંદાજ કરવામાં આવ્યું અથવા તો આવી રહ્યું છે. શિક્ષણ નામનું હથિયાર જે દેશ પાસે પાવરફૂલ હોય તેને આગળ વધતા રોકવો અસંભવ છે. જેમાં આપણે સૌ ટોચના બંધારણીય પદો પર રહેલા વ્યક્તિઓથી લઈને સ્કૂલના પ્રિન્સિપાલ / શિક્ષકો સુધીના બધા જ થાપ ખાઈ રહ્યા છીએ. પરિણામે વર્ષોની ભૂલોના કારણે આજે એવી પરિસ્થિતિ સર્જાયેલી છે કે જેનો ભોગ આજનો વિદ્યાર્થી (સ્કૂલ થી લઈને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ નો) સૌથી વધુ બની રહ્યો છે. થોડા ઘણા અંશે હું પણ તેમાનો જ એક છું. ગમે તેટલી 3 ઇડિયટ્સ જેવી ફિલ્મો બનાવી લઈએ, તેને જોઈને ગમે તેટલા વખાણ કરીએ પણ સમાજ અને સિસ્ટમની આંખ પર જે પટ્ટી બંધાયેલી છે તે હટવાનું નામ જ નથી લેતી. હા, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવી એનો આદર સ્વીકાર. કેમ કે તેને બનાવવા પાછળ ઘણું બધું રિસર્ચ, હજારો લોકોના અભિપ્રાય, ઘણા બધા તજજ્ઞો નો અભિપ્રાય વગેરેને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે. પરંતુ તેનું આઉટપુટ આવતા તો હજુ એકાદ દસકા જેટલો તો સમય લાગવાનો જ. કારણ કે જે દર દસ વર્ષે કામ થવું જોઈતું હતું તે 75 વર્ષમાં ફક્ત ત્રણ વાર જ થયું. 


"ભારતમાં એક્ઝામિનેશન સિસ્ટમ છે પરંતુ એજ્યુકેશન સિસ્ટમ નથી" આપ જાણો છો આ વાત કોણે કોને કહી હતી? ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહને ખુદ એના પોતાના સાયંટિફિક એડવાઈઝર ચિંતામણી નાગેશ રામસેતુ રાવ ઉર્ફે સી.એન.આર. રાવ સાહેબે કરી હતી, તેમણે વડાપ્રધાનને લખેલા એક પત્ર દ્વારા. બાદમાં આ પત્ર એ ખૂબ વ્યાપક ચર્ચા જગાવી. પત્રની આટલી ચર્ચા થવાનું કારણ તે જેના દ્વારા લખાયેલો હતો એ વ્યક્તિ ખુદ હતા. કારણ કે તે કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. રાવસાહેબ ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી માંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર, યુએસ થી ડોક્ટરેટનો (Phd) અભ્યાસ, આઇઆઇટી કાનપુરના કેમેસ્ટ્રી વિભાગના હેડ રહી ચૂકેલા અને દસ વર્ષ સુધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ (IISc) જેવી ઉત્કૃષ્ટ સંસ્થાના સર્વોચ્ચ વડા રહેલા. આ ઉપરાંત રાવસાહેબ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ ફેકલ્ટી રહી ચૂક્યા છે. આ ધુરંધર વ્યક્તિએ વડાપ્રધાનને લખેલા પત્રમાં રોષ ઠાલવ્યો છે. કાન આમળ્યો હતો સરકારનો - સિસ્ટમનો. એ પત્રમાં લખેલું હતું, "We (India) is having an examination system but not an education system. When young people stop taking / giving exams and do something worthwhile ? (ક્યારે આ દેશનું યૌવન સતત પરીક્ષાઓ આપવામાંથી મુક્ત થઈ, વાસ્તવમાં કશુંક ઉત્તમ - અગત્યનું કામ કરી બતાવશે?)" સાચી વાત પ્રતીત થાય છે એમની.  


આખી પરીક્ષા પદ્ધતિ જ ફેરવિચારણા માંગી લે છે. ઉદાહરણ તરીકે હું એક વાત કરું તો અમેરિકામાં હાઇસ્કૂલ પાસ કરનાર વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં એડમિશન મેળવવા માટે દેશભરમાં એમની રિઝનિંગ લોજિક જેવી વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા માપતી એક જ પરીક્ષા લેવામાં આવે છે. જે 'સેટ (SAT)' તરીકે ઓળખાય છે અને છેલ્લા લગભગ 96 વર્ષોથી એટલે કે 1926 થી લેવામાં આવે છે. એટલિસ્ટ આપણા જેવું તો નથી જ કે દેશની ઉત્કૃષ્ટ શિક્ષણ સંસ્થા માટે જેઈઈ અને અંતર રાજ્યની કોલેજો માટે ક્યાંક ગુજકેટ તો બીજે ક્યાંક વળી બીજી પરીક્ષા. જેઈઈ માં પણ બે પ્રકાર, જેઈઈ મેઇન અને જેઈઈ એડવાન્સ. એટલે આમ જોવા જઈએ ને તો આપણા દેશનો યુવાન એની યુવાનીનો ઘણોખરો ભાગ એક પછી એક પરીક્ષાઓ આપવામાં જ વિતાવે છે. એક પરીક્ષા પૂરી કરે ત્યાં બીજી પરીક્ષા આવીને ઊભી રહે, બીજી પરીક્ષા આપે ત્યાં ત્રીજી આવીને ઊભી રહે. અમુક સમયે તો હાલત કંતાયેલા કોથળા જેવી થઈ જાય છે. મેન્ટલી અને ફિઝિકલી એકદમ થાકી જાય છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે નાના બાળકો સિવાય કોઈ પાસે વેકેશન જ નથી. બધા જ નેક્સ્ટ કોર્સ, નેક્સ્ટ એક્ઝામ વગેરેની પાછળ સતત વળગેલા દેખાય છે. સતત ભીડમાં ચાલશું તો બીજાના ઠોંસા - ધક્કામુક્કી ખાઈને અને એમાંય આ 43 ડિગ્રી તાપમાનમાં શેકાઈને આપણું ખુદનું સંતુલન જાળવતા જાળવતા થાક તો લાગશે જ ને... એટલે કહેવાનો મતલબ પરીક્ષાને સાવ નાબૂદ નથી કરવાની પણ નિયંત્રણમાં લાવવાની છે. 


આ ઉપરાંત તે પત્રમાં રાવસાહેબે ચોખ્ખું લખી નાખ્યું કે, "ભારતની એક પણ એવી શિક્ષણ સંસ્થા નથી કે જે આધુનિક વિકસિત દેશોની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની સમકક્ષ મુકાબલા માટે ઊભી રહી શકે." તેથી જ તો આપણું યુવાધન વિદેશ અભ્યાસ માટે જાય છે અને પછી ત્યાં જ સેટલ થઈ જાય છે. અહીં ન રહેવાનું મુખ્ય કારણ, પૂરતો અવકાશ જ નથી. આટલો બધો સમય અહીં અભ્યાસ કર્યા પછી પણ પૈસા અને સમયની બરબાદી જણાતી હોય તો તે ખરેખર બંને બાજુથી વિચારવા જેવુ છે. ના, માત્ર વિચારવાનું જ નહીં, આખી સિસ્ટમને જ જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર છે અને તેના સ્થાને ત્વરિત નવી શિક્ષણ વ્યવસ્થા કે જે સૌથી પહેલા વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને સમજમાં આવે. ત્યારબાદ શિક્ષણવિદો અને કહેવાતા રાજકીય ગુરુઓને પલ્લે પડે. 


"સા વિદ્યા યા વિમુક્તયે" - અર્થાત, મુક્તિ આપે એ જ વિદ્યા. આ સૂત્રને આપણે માત્ર શાળા - કોલેજો ની દીવાલો પર ટાંગ્યુ જ છે. આપણે એ સુત્રને જ મુક્તિ આપી દીધી છે. એ સુત્રનો જ દેશનિકાલ કરી દીધો છે. ન તો મુક્ત થયા આપણે કે ન મુક્ત થયું શિક્ષણ. કોઈ ટેક્નોલોજી આપણને જોતી હોય તો આપણે બીજા દેશો સાથે  અલગ અલગ કરાર અંતર્ગત મેળવીએ છીએ. તો શું આપણે શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે એકાદ - બે દેશોનો રેફરન્સ પણ ન લઈ શકીએ? આવું કરવા જતાં સરકારને કોણ રોકે છે? અત્યારે જગતની સૌથી સારી એટલે કે નંબર 1 શિક્ષણ વ્યવસ્થા સાથે ફિનલેન્ડ સૌથી સર્વોચ્ચ સ્થાન ઉપર છે. જે દેશમાં બાળકની સ્કૂલિંગ ની શરૂઆત સામાન્ય રીતે 7 વર્ષથી કરવામાં આવે છે, નહીં કે આપણી જેમ બાળકની ઉંમર ના ત્રીજા કે પાંચમા વર્ષથી જ અને તેમાં પણ શરૂઆતના એકથી બે વર્ષ તો પ્રાથમિક શિક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રહી વાત પરીક્ષાની તો જ્યાં સુધી બાળકનું સ્કુલિંગ ચાલે ત્યાં સુધીમાં માત્ર બે જ પરીક્ષા આપવાની. જ્યારે આપણે અહીં સ્કૂલબેગ ને હોમવર્ક નો ભાર ઓછો હોય તેમાં વળી પરીક્ષા ના બોજ નીચે બાળકો સાવ દબાઈ જાય. (ફિનલેન્ડમાં સ્કુલિંગ માં બાળકો ને હોમવર્ક આપવામાં આવતું નથી.) ક્લાસરૂમમાં પણ એમને મનગમતી પ્રવૃતિઓ કરવાની છૂટ અને દર 45 મિનિટના એક લેકચર પછી 15 મિનિટનો એક નાનો બ્રેક. (ભાવેશ લખાણી સાહેબે ખૂબ સરસ અને વિગતવાર એમના લેખમાં વર્ણન કરેલું થોડા સમય પહેલા.) સાઇકોલોજી અનુસાર કોઈપણ વ્યક્તિ 45 મિનિટથી વધુ કોઈ એક વિષય કે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આમાંથી આપણે કંઈ પણ આપણી સ્કૂલ કે કોલેજોમાં અમલ નથી કરાવતા. 


આમ, કોઈ એક વસ્તુની પાછળ આંધળી દોટ મૂકવાના લીધે ઘણા અગત્યના ક્ષેત્રોના ઝરણાં આ તેજીની ગરમીમાં સુકાઈ જાય છે. 


વધુ આવતા અંકે .....



Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?