મોસમ બેહાલ, માનવ માલામાલ
'ટિંગ-ટોંગ' - ના! દરવાજા પર કોઈ મહેમાન નથી આવ્યા. પરંતુ... 'ગરમીએ માર્ચમાં 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો: હિટવેવની આગાહી', 'માર્ચમાં તાપમાન સરેરાશ કરતાં 1.86 ડિગ્રી વધારે રહ્યું, વર્ષ 1908 પછી તાપમાન માર્ચમાં 34 ડિગ્રી નજીક પહોંચ્યું: વરસાદ પણ 71 ટકા ઓછો પડ્યો', 'ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: લાલચોળ ગરમી પડશે, માનવજાત બફાશે', 'જળસ્તર વધતાં ગુજરાતમાં 539 કિમીમાં દરિયાના પાણી ઘુસ્યા', 'બેકાબૂ બની રહેલા તાપમાનના કારણે દેશને તેમજ સમગ્ર વિશ્વને માઠા પરિણામો ભોગવવા પડશે', 'વરસાદ ના આહલાદક મોસમના સ્થાને ભીષણ ગરમી નો માર' વગેરે વગેરે જેવી ગંભીર ઉપાધિ નું પોટલું લઈને દૈનિક સમાચારપત્રો માં પ્રગટ થતી હેડલાઈનો સમગ્ર માનવજાતને ભર ઊંઘમાંથી જગાડવા માટે દરવાજે દસ્તક દઈ રહી છે. આ બધી તો માત્ર એક જ સમાચારપત્રની હેડલાઇન ટાંગી છે, પરંતુ બીજા સમાચારપત્રોમાં પણ એકાત્રા આવા સમાચારો આવે જ છે.
તો... વાત જાણે એમ છે કે દેશભરમાં કાળજાળ ગરમી પડી રહી છે (હા, ક્યાંક ક્યાંક ભયંકર વરસાદ અને પૂરના સમાચારો પણ છે. દિલ્હી, કર્ણાટક, આસામ..) અને લોકો બટાકાની જેમ બફાઈ રહ્યા છે. તેવામાં કોલસાની તંગીના કારણે વીજળીનું ઉત્પાદન ઘટતાં આવી પડેલા વીજકાપ ના કારણે લોકો પરેશાન છે ત્યાં વધુ એક મોકાણના સમાચાર છે. United Office For Disaster Risk Reduction (યુએનડીઆરઆર) દ્વારા ક્લાઈમેટ ચેન્જ અને વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગ પર ગ્લોબલ એસેસમેન્ટ રિપોર્ટ બહાર પડાયો છે. આ રિપોર્ટમાં આગાહી કરાઇ છે કે, 'અત્યારની ગરમી તો પાશેરામાં પહેલી પૂણી છે.' ભારતમાં અત્યારે ઉનાળામાં 44-45 ડિગ્રી તાપમાન સામાન્ય થઈ ગયું છે. હવે પછીના એક દાયકામાં એવી અસહ્ય ગરમી પડશે કે જે 47 ડિગ્રીની આસપાસ હશે. આ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ ના કારણે વિશ્વમાં સતત દુર્ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ તેમાં પણ ઉછાળો આવશે. ગ્લોબલ વોર્મિંગની અસર ભારત સહિતના વિકસી રહેલા દેશોને સૌથી વધારે થાય છે. ભારત સહિતના દેશોના જીડીપીમાં દર વર્ષે 1.6 ટકા જેટલો આર્થિક ફટકો પડે છે. આ ઉપરાંત દુકાળનું પ્રમાણ 30 ટકા જેટલું વધશે. કમનસીબે આખી દુનિયા આ બાબતોની અવગણના કરીને સ્વયં વિનાશ તરફ આગળ વધી રહી હોવાની ચેતવણી પણ અપાઈ છે.
આપણને એમ લાગે કે આવી ચેતવણી તો વર્ષોથી અપાય જ છે ને તેમાં કશું નવું નથી. વાત સાચી છે પરંતુ આપણે સુધરતા નથી તેના કારણે વિનાશ વધતો જાય છે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પર નજર કરીશું તો પણ તેની વિનાશકતા સમજાશે. આપણે એમેઝોન, કેલિફોર્નિયા, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગતી આગ ના સમાચાર બહુ સાંભળ્યા છે. હવે ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે ભારતમાં 2021 માં જંગલોમાં અચાનક આગની 6201 દુર્ઘટના બની હતી. યુએનડીઆરઆર માં દાવો કરાયો છે કે, દુનિયામાં અત્યારે દર વર્ષે 350 થી 500 મધ્યમ અને મોટી દુર્ઘટનાઓ બને છે. પરિસ્થિતિ બગડતી જાય છે એ જોતાં 2030 સુધીમાં દર વર્ષે 560 મોટી દુર્ઘટનાઓ બનતી હશે. આ રિપોર્ટ પ્રમાણે 1970 થી 2000 ના સમયગાળા દરમિયાન દર વર્ષે 90 થી 100 જેટલી જ દુર્ઘટનાઓ બનતી. 1990ના દાયકામાં આ બધી દુર્ઘટનાઓના કારણે વર્ષે 7000 કરોડ ડોલરનું નુકસાન થતું, છેલ્લા એક દાયકામાં દર વર્ષે સરેરાશ 17000 કરોડ ડોલરનું નુકસાન થયું છે. આ બધું થવા પાછળનું કારણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું થોકબંધ ઉત્પાદન જવાબદાર છે. જેમાં ચીન 22 ટકા સાથે પ્રથમ સ્થાને છે, અમેરિકા 17 ટકા સાથે બીજા સ્થાને છે, 10 ટકા સાથે યુરોપિયન યુનિયન ત્રીજા સ્થાને છે અને 7 ટકા સાથે ભારત ચોથા સ્થાને છે. જંગલો ન હોવાના કારણે સમસ્યા વધુ વકરે છે. 1970 માં વિશ્વમાં 40 ટકા વિસ્તારમાં જંગલો હતા, જે અત્યારે લગભગ 30 ટકા જેટલા છે. વિશ્વમાં દર મિનિટે 25 હેક્ટર (36 ફૂટબોલ મેદાન) જેટલા વૃક્ષો કપાઈ રહ્યા છે. ભારતમાં આદર્શ રીતે 33 ટકા જંગલોનો વિસ્તાર હોવો જોઈએ જે માત્ર 12 ટકુડી જ છે.
ઋતુઓ બદલાઈ રહી છે ને પર્યાવરણમાં ભયંકર અસંતુલન પેદા થઈ રહ્યું છે. ગરમી વધતા હિમખંડો પણ ઝડપથી ઓગળવા લાગ્યા છે. જેથી દરિયાના પાણીનું સ્તર પણ વધે છે. આખા ભારતમાં ગુજરાતના દરિયાકાંઠા પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ગુજરાત ના ટોટલ દરિયાકિનારાના લગભગ 539 કિમીમાં દરિયાના પાણી ઘુસ્યા છે. ટૂંકમાં ગુજરાતનો દરિયાકાંઠો માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, વાયુમંડળમાં ગરમી ઉત્પાદિત કરતાં ગેસના ઉત્સર્જન ના લીધે દુનિયાભરમાં તાપમાન વધી રહ્યું છે, પરિણામે સમુદ્રની જળસપાટી વધી રહી છે. વિશ્વભરમાં દરિયાઈ જળ સ્તર વધી રહ્યું છે. ગુજરાત સહિતના દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર રાષ્ટ્રીય તટિય અનુસંધાન કેન્દ્ર, ચેન્નઈ વર્ષ 1990 થી રિમોટ સેન્સિંગ ડેટા અને જીઆઈએસ મેપિંગ ટેકનિકથી નજર રાખી રહ્યું છે. દેશના 6907 કિમી દરિયાકાંઠા વિસ્તારનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, 34 ટકા કાંઠે જળસ્તર અલગ છે, 40 ટકા જળસ્તર સ્થિર છે અને 26 ટકા દરિયાઈ વિસ્તારમાં જળસ્તર વધવા પામ્યું છે. ગુજરાતમાં 27 ટકા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસ્તરમાં વધારો થયો છે. એટલે કુલ મળીને 537.5 કિમી વિસ્તારમાં દરિયાના પાણીનું સ્તર વધ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિસ્તારોમાં 2 મીટર સુધી જળ સ્તર વધી શકે છે. ગુજરાતમાં કંડલા, ઓખા, ભાવનગર, ભરૂચ, સુરત અને દહેજ સહિતના વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે. દેશમાં કુલ મળીને 6907.18 કિમી તટીય વિસ્તાર પૈકી 2318.31 કિમી વિસ્તારમાં દરિયાના પાણી આગળ વધ્યા છે.
(સંદર્ભ : ગુજરાત સમાચાર - 11 એપ્રિલ)
જો આ જ ઝડપે પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું તો આવનારા સમયમાં મોસમમાં ખતરનાક ફેરફારો આવશે. વરસાદનું પ્રમાણ અને પેટર્ન એ હદે બદલાઈ જશે કે અનેક સ્થળોએ કારમો દુષ્કાળ પડશે. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજની ઊપજમાં ભયજનક ઘટાડો થશે. અને કરોડો લોકો ભૂખમરાનો ભોગ બનશે. (તાજેતરમાં જ ઘઉંનું ઉત્પાદન ઘટતાં અટકાવાયેલ તેની નિકાસ) આકરી ગરમી પોતાની સાથે જળસંકટ પણ લાવે છે. નીતિપંચના એક રિપોર્ટ અનુસાર 2030 સુધી દેશમાં સૌને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું શક્ય નહીં બને. જેમાં દિલ્હી, બેંગલોર, ચેન્નાઇ, હૈદરાબાદ જેવા શહેરો હશે. વર્ષ 2030 સુધીમાં દેશના 40 ટકા લોકો પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરતા હશે. દુષ્કાળની પરિસ્થિતિ થી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યો સમાવિષ્ટ છે. આ લખાય છે ત્યારે રાજસ્થાનમાં અત્યારે પણ પીવાના પાણી માટે ટ્રેન દોડાવવી પડી રહી છે.
બીજા એક રિપોર્ટ અનુસાર છેલ્લા દોઢ સો વર્ષમાં દિલ્હીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતાના તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો થઈ ગયો છે. એ જ રીતે મુંબઈ અને ચેન્નઈમાં પણ તાપમાન વધી રહ્યું છે. કલાઇમેટ ચેન્જ ના મૂળ રાજકારણ અને કોર્પોરેટ જગતની સાંઠગાંઠ સાથે પણ જોડાયેલા છે. દેશના મોટા મોટા ઉદ્યોગો વેપાર વધારવા ના ચક્કરમાં જંગલોનો આડેધડ સફાયો કરી રહ્યા છે. આડેધડ થતા ખાણકામે પણ જંગલોને સારું એવું નુકસાન પહોંચાડ્યું છે. આગળ જતાં વરસાદનું પ્રમાણ અને પેટર્ન એ હદે બદલાઈ જશે કે અનેક સ્થળોએ કારમો દુષ્કાળ પડશે. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજની ઊપજમાં ભયજનક ઘટાડો થશે.અનિશ્ચિત મોસમના કારણે સ્થાનિક લોકોનું સ્થળાંતર વધશે જેના પરિણામે સામાજિક અસ્થિરતા પેદા થશે અને લોહિયાળ સંઘર્ષો થશે. પર્યાવરણમાં થઈ રહેલા આ ફેરફારના પરિણામે ભારતમાં બે પ્રકારના બદલાવ જોવા મળી રહ્યા છે. એક છે તાપમાનમાં વધારો અને બીજો છે મોનસૂનની પેટર્નમાં ફેરફાર. આ બંને પ્રકારના ફેરફારો દેશની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઈ શકે છે / થઈ રહ્યા છે. વર્લ્ડ બેન્કે પણ થોડા વખત પહેલા તેના એક રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે જો કલાઇમેટ ચેન્જ ને લઈને જરૂરી પગલાં ન લેવામાં આવ્યા તો 2050 સુધીમાં દેશના 60 કરોડ લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે.
એટલું તો નક્કી છે કે જે રીતે આપણે સતત કલાઇમેટ ચેન્જ દ્વારા સર્જાતી આપત્તિઓને અવગણી રહ્યા છીએ એટલું જ ભવિષ્યમાં આપણે તેનું નુકસાન ભોગવવું પડશે. જો કે ગરમીએ જે રીતે માઝા મૂકી છે એ જોતાં માનવીએ કુદરતનો જે વિનાશ વાળ્યો છે એમાંથી પ્રકૃતિને કળ વળતા સમય તો લાગશે જ…
પ્રસ્તુત લેખમાં ઘણી માહિતીઓ સચોટ રીતે લેવાની હોવાથી તે માટેનો ઘણોખરો સંદર્ભ છેલ્લા અમુક મહિનામાં પ્રકાશિત થયેલ ગુજરાત સમાચાર સમાચારપત્રના 'ન્યૂઝ ફોક્સ' માંથી લેવામાં આવ્યો છે.
Comments
Post a Comment