"એવોર્ડ્સમાં આલ્ફ્રેડ નોબેલનો 'બેલ 🔔' કેમ વાગે છે?"
Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms toward perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action—
Into that heaven of freedom, my Father, let my country awake.
- Rabindranath Tagore
અખંડ ભારતવર્ષને ઉદ્દેશીને લખાયેલી આ પાણીદાર રચના રવીન્દ્રનાથ ટાગોર (મૂળ નામ - રબિન્દ્રનાથ ટાગોર, બંગાળી ઉચ્ચારણ મુજબ) રચીત "ગીતાંજલિ" ની છે. એ રવીન્દ્રનાથ ટાગોર કે જેમને સન 1913 માં આખા વિશ્વનો સૌથી પ્રતિષ્ઠીત એવોર્ડ અને હવે તો મહામૂલો એવો નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલો સાહિત્યના ક્ષેત્રમાં એમના અદભૂત ખેડાણ બદલ. 1913 માં ગીતાંજલિ નામના એમના ગ્રંથની સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવેલી. આ સાથે જ સમગ્ર ભારતમાં સૌપ્રથમ નોબેલ એનાયત થયો હોય તો તે આપણા ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરને થયેલો. ત્યારબાદ એમ તો આઠ નોબેલ પારિતોષિક એનાયત થયેલા ભારતના રત્નોને અલગ અલગ ક્ષેત્રોમાં.
પરંતુ સાવ અચાનક જ આલ્ફ્રેડભાઈ નોબેલને આ પુરસ્કારની સાથે સાથે યાદ કરવાનું કારણ? આ ડિસેમ્બરમાં એમની પુણ્યતિથિને લગભગ સવાસો વર્ષ જેટલો સમય એટલે કે પ્લેટિનમ - સિલ્વર જ્યુબીલી પૂર્ણ થઈ રહી છે અથવા તો થઈ ચૂકી છે. એવામાં 'ઈશાવાસ્ય ઉપનિષદ' નું એક સુત્ર છે, 'તેન ત્યક્તેન ભુંજીથા:'. આનો અર્થ એવો થાય કે, જે ત્યાગ કરે છે તે ભોગવી જાણે છે. ત્યાગીને ભોગવી જાણો, સાવ સામાન્ય સમજ કરીએ તો... આપણા એ સૂત્રને આલ્ફ્રેડ નોબેલે સૂચિતાર્થ કર્યું છે. આ એ વ્યક્તિ છે કે જેણે આ જગતને લગભગ 355 અલગ અલગ શોધોની ભેટ આપી છે. જેમાં સૌથી ખ્યાતનામ શોધ જો કોઈ હોય તો એ અને જે શોધે આલ્ફ્રેડ નોબેલને જગ આખામાં નામના અપાવી તે હતી 'ડાયનામાઈટ' ની શોધ. જે 1867માં તેણે કરી અને તે શોધના લીધે પોતે આખી દુનિયામાં 'મોતના સોદાગર' તરીકે ઓળખાવાનો હતો.
ઇ.સ.1888ની આ ઘટના છે. બન્યું એવું કે ખતરનાક વિસ્ફોટક ડાઇનામાઇટની શોધ કરનારા આલ્ફ્રેડ નોબેલના ભાઇનું એકાએક અવસાન થયુ. ત્યાંના લોકલ સમાચારપત્રવાળાએ ભુલમાં ને ભુલમાં આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયુ છે એવા સમાચાર છાપ્યા. સમાચારપત્રનું મથાળુ હતુ “મોતના સોદાગરની ધરતી પરથી વિદાય”. અને આ ઉપરાંત એમા લખેલ હતુ કે ‘અગાઉ ક્યારેય નહોતા મરતા એટલી ઝડપથી લોકોને મારવા માટેનો રસ્તો શોધીને તેના દ્વારા ધનવાન બનેલા માણસનું ગઇકાલે મૃત્યુ થયુ’. આ શબ્દો વાંચતાની સાથે જ આલ્ફ્રેડ નોબેલનું ચિત એકદમ ચકરાવે ચડ્યુ. ‘શું દુનિયા મને મારા મૃત્યુ બાદ મોતના સોદાગર તરીકે ઓળખશે? લોકોને મારી મારીને હું ધનવાન બન્યો છુ એ વાત આ જગત યાદ રાખવાનું છે મારા ગયા પછી? હું એવું બિલકુલ નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે ઓળખે. મારે દુનિયાને મારો પરિચય ‘મોતના સોદાગર’ તરીકે નહી કંઇક જુદી રીતે જ આપવો છે.’
છેવટે ઘણા વિચારો તેમજ ઘણું મનોમંથન કર્યા બાદ આ માણસે 7 વર્ષની ઊંડાણપૂર્વકની વિચારણાના અંતે 27મી નવેમ્બર 1895ના રોજ એક વસિયત (વીલ) તૈયાર કર્યુ અને પોતાની તમામ સંપતિ દાનમાં આપીને એક ટ્રસ્ટની રચના કરી. જેનું નામ રાખ્યું, 'નોબેલ ફાઉન્ડેશન'. પોતાની તમામ સંપતિમાંથી વેરાઓ બાદ કર્યા પછીની 94% રકમનું એક ભંડોળ ઉભુ કર્યુ જે તે સમયે 31,225,000 સ્વીડીસ ક્રોનર (લગભગ 23 કરોડ પાંત્રીસ લાખ રૂપિયા) નું હતુ. દાનની બધી જ રકમમાંથી એક ભંડોળ ઉભુ કર્યુ અને એ ભંડોળ પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું સૌથી મોટુ ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. આખા જગત માટે કંઇક અલગ જ પ્રભાવશાળી કામ કે શોધ કરનાર લોકોને આ નોબેલ પારિતોષિક એનાયત કરવાની શરૂઆત થઈ. સામાન્ય રીતે ઓકટોબરના પ્રથમ અઠવાડિયા દરમિયાન અલગ અલગ ક્ષેત્રોમાં જે વિજેતા થયેલા હોય તેનું નામ જાહેર કરવામાં આવે છે. શરૂઆતમાં જુદા જુદા પાંચ મહત્વના ક્ષેત્રોમાં જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, મેડીસીન અને શાંતિ (પાછળથી 1969માં અર્થશાસ્ત્રને ઉમેરવામાં આવ્યુ. એટલે અત્યારે 6 ક્ષેત્રમાં આ પુરસ્કાર અપાય છે). આ ભંડોળનું વર્તમાન મૂલ્ય 1,70,20,00,000/- સ્વીડીશ ક્રોનર( લગભગ 1237 કરોડ રૂપિયા) જેટલુ થાય છે અને આ ભંડોળના વ્યાજની જે રકમ મળે એમાંથી દર વર્ષે લોકકલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર લોકો અને સંસ્થાને સન્માનિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. પુરસ્કારની રકમ દર વર્ષે બદલાતી રહે છે. અત્યારે લગભગ 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (1.1 મિલિયન યુએસ ડોલર) (bbc news પ્રમાણે) એવોર્ડ સાથે આપવામાં આવે છે. જો વિજેતા એક કરતાં વધુ હોય તો ઇનામની રકમ તેમની વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. આમ કંઇક વિશિષ્ટ યોગદાન આપનાર લોકોને આ ઇનામ આપવાની શરુઆત થઇ 1901માં. જેના પરિણામે એ માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને મોતના સોદાગર તરીકે નહી પરંતુ આજે તેને નોબેલ પ્રાઇઝના સ્થાપક તરીકે ઓળખે છે. કેવો અલગ જ વિચાર, કેવો અનોખો અંદાજ...
1888 ની એ ઘટના કે જેમાં ડો. આલ્ફ્રેડ નોબેલના ભાઇના અવસાન બાદ ફેંચ સમાચાર પત્ર ‘ઇરોનિયસ’ માં ભૂલથી એમના ભાઇને બદલે ડો. આલ્ફ્રેડના મૃત્યુના સમાચાર પ્રસિધ્ધ થયા અને આ જગતને ‘નોબેલ પારિતોષિક’ની ભેટ મળી. આ ઘટના બની ત્યારે 21મી ઓકટોબર 1833ના રોજ જ્ન્મેલા ડો. આલ્ફ્રેડ નોબેલ 55 વર્ષના હતાં. એ નોબેલ કે જેઓ પોતે કેમિસ્ટ, એન્જિનિયર, બિઝનેસમેન હતા. જેમને પોતાના સમગ્ર જીવન દરમિયાન લગભગ 355 જેટલી અલગ અલગ શોધો કરેલી. પરંતુ એક ઘટના પરથી ઉદભવેલા એક વિચારના લીધે આજે જગતને એક મહામૂલા એવોર્ડની ભેટ મળી.
ભારતને અત્યાર સુધીમાં 8 નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યાં છે અલગ અલગ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને. જેમાં સૌપ્રથમ વ્યક્તિ હતા, ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોર. જેમના વિશ્વવિખ્યાત કાવ્યસંગ્રહ "ગીતાંજલિ" માટે 1913માં એનાયત થયેલ. ત્યારબાદ 1913માં સિવી રામનને 'રામન કિરણો' ની શોધ કરવા માટે ફિઝિક્સ ક્ષેત્રનો નોબેલ એનાયત થયેલ, 1968માં હરગોવિંદ ખુરાનાને મેડીસીન ક્ષેત્રનો, 1979માં 'શાંતિ' માટે મધર ટેરેસાને (એમનું નાગરિકત્વ ભારતીય પણ હતું), 1983માં S ચંદ્રશેખરને ફિઝિક્સના ક્ષેત્રમાં, 1998માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં, 2009માં વેંકટરામકૃષ્ણને કેમિસ્ટ્રીનાં ક્ષેત્રમાં, 2014માં કૈલાશ સત્યાર્થીને શાંતિ માટે. આમ અત્યાર સુધી બધા ક્ષેત્રોમાં થઈને કુલ 8 નોબેલ પારિતોષિક ભારતને ખાતે આવેલા છે.
આલ્ફ્રેડ નોબેલના સમયના અને આલ્ફ્રેડ નોબેલ કરતા પણ વધુ ધનવાન હોય તેવા અનેકોનેક માણસો એ વખતે આપણા ભારતમાં વસતા હશે. આવા અનેક ભારતીયો પૈકી કોઇ એકનું નામ પણ આપણને યાદ નથી. કેવી કરૂણતા! એવા એકપણ વ્યક્તિને કદાચ આપણે નથી જાણતા અથવા તો આપણને ખબર નથી. જ્યારે સ્વીડનના આલ્ફ્રેડ નોબેલ સાથે આપણને સ્નાન સુતકનો પણ સંબંધ ન હોવા છતાં આપણે સૌ તેણે જાણીએ છીએ. જગતનો નિયમ છે ને કે જગત એમને જ યાદ કરે છે કે જેણે જગતને કંઈક આપ્યું હોય.
(પ્રસ્તુત લેખ માટેનો વિચાર - શૈલેષ સગપરીયા સરનો ફેસબૂક પરનો એક વીડિયો)
Comments
Post a Comment