મન, મોરલી અને મોહન

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

ભાવાર્થ : તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળ પર અધિકાર નથી.  

વાસ્તવમાં આવો ભાવાર્થ ઉપરોક્ત શ્લોકનો થાય છે. પરંતુ આપણે "કર્મ કરતો જા, ફળની આશા ન રાખતો" ન જાણે કેટલા સમયથી આવો વિચિત્ર અર્થ કરી રહ્યા છીએ. હકીકતમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને સંસાર ત્યાગના ગ્રંથ તરીકે સ્વીકારી લીધો છે. જ્યારે તે સંસારમાં કેવી રીતે રહેવું તે શીખવાડતો ગ્રંથ છે. ભગવદ્ ગીતા તો એક સંસારી (શ્રી કૃષ્ણ) એ બીજા સંસારી (અર્જુન) ને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આશરે 64,00,000 જેટલા સૈનિકો ની વચ્ચે સંભળાવે છે. કોઈ એક બ્રહ્મચારી એ કોઈ બીજા બ્રહ્મચારીને કહેતો હોય કે કોઈ વૈરાગી એ કોઈ બીજા વૈરાગી ને કહેતો હોય એવો તો આ ગ્રંથ જ નથી. આજે કૃષ્ણ જ આપણાથી ક્યાંક ખોવાઈ ગયા છે. તેથી જ આટલી અરાજકતા ચારેબાજુ જોવા મળે છે. 


આજની આ યંગ જનરેશનને એવા ભગવાન ની તલાશ છે કે જેમની માત્ર પુજા જ ન થાય, પ્રેમ પણ થાય. અને કૃષ્ણ એવા ભગવાન છે જેને માત્ર પુજા કરો અને દૂર જતાં રહો એમ નહીં, એને પ્રેમ પણ કરી શકાય, એને રાધા કે મીરા ની જેમ ચાહી શકાય. કૃષ્ણ પણ યુવા પેઢીને ભગવદ્ ગીતા દ્વારા એક જ સંદેશ આપે છે. કૃષ્ણ અર્જુનને જણાવે છે, તારે જ ગાંડીવ ઉપાડવાનું છે અને તેને ચલાવવાનું સામર્થ્ય કેળવવાનું છે. જો તું ગાંડીવ ઉઠાવીશ અને તેને ચલાવીશ તો તારા રથનો સારથી બનીને તારો રથ ચલાવીશ. પરંતુ તારા વતી ગાંડીવ હું નહીં ચલાવું. આત્મનિર્ભર બનીને કર્મ કરવાનું તો શ્રી કૃષ્ણ એ આજથી લગભગ 5000 વર્ષ પહેલા જણાવી દીધેલું. પરંતુ આપણી સૌથી મોટી કમઠાણ એ છે કે આપણે સૌ માત્ર રામ અને કૃષ્ણને જ માનીએ પરંતુ એમનું ન માનીએ. 


આમ તો શ્રી કૃષ્ણે જ મનુનાં જન્મ પૂર્વે સૌપ્રથમ એમના શિષ્ય સૂર્યદેવ વિવસ્વાનને ભગવદ્ ગીતા કહેલી. ત્યારબાદ ગુરુ-શિષ્ય પરંપરાના ભાગરૂપે ત્રેતાયુગ ના આરંભે વિવસ્વાને આ ઉપદેશ મનુને આપ્યો. માનવજાતિના પિતા મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યો. ઇક્ષ્વાકુ આ પૃથ્વીના રાજા તેમજ રઘુવંશના પુર્વજ હતા, જેમાં શ્રી રામ પ્રગટ થયેલા. આવી રીતે ગુરુ-શિષ્ય પરંપરા શરૂ થઈ અને તેના જ ભાગરૂપે આશરે 20 લાખ વર્ષોથી માનવ સમાજમાં ભગવદ્ ગીતા વિદ્યમાન છે.  


અરે, કૃષ્ણ તો ગ્લોબલ લીડર છે. એ કંઈ માત્ર ભારતના જ ભગવાન કે માત્ર હિન્દુઓના જ ભગવાન નથી. એ તો global identity છે. નાચતા, ગાતા, હસતાં, રમતા ઈશ્વરની શોધ સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની દેન છે. બાકી સમગ્ર દુનિયામાં બીજા એક પણ એવા ભગવાન નથી કે જેમના બાળ સ્વરૂપની સૌથી વધારે પૂજા થતી હોય. ભારતમાં તો કૃષ્ણ "લાલા" તરીકે ઘરે ઘરે પૂજાય છે. કૃષ્ણ નું બાળસ્વરૂપ જ એક મેસેજ છે. એમની ઇનોસન્સ (નિર્દોષતા), શરારત - મસ્તીખોર આ બધી જ એમની સાત્વિકતા છે. અને આ જ કૃષ્ણ એમના પ્રેમ સ્વરૂપ તરીકે જાણીતા છે, એમના પુરુષ સ્વરૂપ તરીકે જાણીતા છે અને આ બધામાં સૌથી ફેમસ એવા એમના પ્રિયતમ સ્વરૂપ તરીકે પણ જાણીતા છે. આ એક જ એવું ઈશ્વરીય ચરિત્ર છે જે આટલા બધા વૈવિધ્ય સભર સ્વરૂપમાં જોવા મળે. 


દરેક માણસમાં કૃષ્ણને પામવાની એક અતૃપ્ત ઝંખના છે, જે ક્યારેય પૂરી થતી નથી અને એ અધૂરપ રાધા છે. વિવેક ટેલરની એક સરસ કવિતા છે, 'જમુનાનાં જળ કદી ઓછા ન થાય, એનું કારણ કહું તો છે રાધાની આંખ.' આમ જે હેતુ વગર હેત કરે એ જ પ્રેમ છે. હેતુ સાથે હેત કરે એ તો એક પ્રકારનો સોદો છે, એક જાતની ડીલ છે. એમાં દિલ નથી. આ સંસારમાં જીવન જીવવાને લગતા દરેક પ્રશ્નનો જવાબ કૃષ્ણ પાસેથી મળી જાય. એના માટે કાંઈ આધ્યાત્મના સાગરમાં ઊંડા ઉતારવાની કે ડૂબકી મારવાની જરૂર નથી. દરેક જવાબ તો સામે જ તરે છે. માત્ર કૃષ્ણનાં જીવન ચરિત્રનો અભ્યાસ જ ઘટે છે. આ બધું કંઈ જલ્દીથી સમજાય, જલ્દીથી ગળે ઉતરી જાય અને ધરાઈ જાય એટલે મોટો બધો ઓડકાર આવી જાય એટલે વાત પૂરી... ના એવું તો સહેજ પણ નથી. કૃષ્ણ તો સતત બદલાતા ઈશ્વર છે. આપણે આગળ જ એમના અલગ અલગ સ્વરૂપો જોયા. બાળ સ્વરૂપમાં તે રમતો રમી શકે, શરારત કરી શકે અને શેષનાગ ને પણ નાથી શકે એટલી સહજ પ્રતિભા છે. યુવાવસ્થામાં તે માત્ર બાંસુરી દ્વારા જ ગોપીઓને પોતાની પાછળ ઘેલી કરી શકે, પોતે ખુદ ગોપીઓ પાછળ ઘેલા ન થાય. આવો તો નિયમન્ય સ્વભાવ. જો એમ ન કરે તો તો પછી નરકાસુર, શિશુપાલ, કંસ જેવા નિષ્ઠુરોને ઠેકાણે કેમ પાડવા. જ્યારે આજના અમુક (ઘણા) કાનુડાઓ તો ગોપીઓની પાછળ જ ઘેલા થઈને ફરતા હોય છે, હી...હી...હી... કૃષ્ણ તો બધા ભગવાન થી અલગ ભગવાન છે. એ તો ખોટું બોલવાની પણ પરમિશન આપે છે, પણ અમુક શરતોને આધીન. જેમ કે મિત્રતામાં મજાક મસ્તી માં ખોટું બોલી શકાય, પ્રેમમાં હોય ત્યારે ખોટું બોલી શકાય વગેરે જેવા અમુક રિલેશનમાં ખોટું બોલી શકાય. મારું તો એવું માનવું છે કે, વિશ્વના સૌથી મોટા લવગુરુ હોય તો એ બેશક કૃષ્ણ જ હોવા જોઈએ. અંગ્રેજીમાં ઘણા વર્ષો જૂની એક મસ્ત કહેવત છે, work while work and play while play. એટલે કે જ્યારે કામનો સમય હોય ત્યારે માત્ર કામ જ કરો અને જ્યારે મજાક (રમત) નો સમય હોય ત્યારે આનંદથી મસ્તી કરો. આ બાબત આપણે કૃષ્ણ પાસેથી શીખવા જેવી છે અને એ છે 'સંતુલન'. 


કૃષ્ણનું દરેક બાબતોમાં અદ્ભુત પ્રકારનું સંતુલન હોય છે. એમને એ ખબર હોય છે કે ક્યારે બાંસુરી વગાડવાથી કામ થઈ શકે તેમ છે અને ક્યારે સુદર્શન ફેરવવાથી કામ થઈ શકશે. એમની પાસે જજમેન્ટ નું વિવેક છે. એમને ખબર છે ક્યારે મસ્તીમાં (સખાઓ કે સખીઓ સાથે) રહેવું અને ક્યારે પ્રોટેક્ષનમાં (દ્રૌપદી ચીરહરણ વખતે) રહેવું. બાંસુરી ક્યારે વગાડવી અને સુદર્શન ક્યારે ફેરવવું એનું સંતુલન છે. સુદર્શન ધારણ કરેલું છે તો એને જીરવવું કેમ એ પણ કૃષ્ણ પાસેથી શીખવા જેવું છે. એમણે માત્ર ધારણ કર્યું એટલું જ નહીં, જ્યાં જરૂર પડી ત્યારે તેનો ઉપયોગ પણ કર્યો જ છે. કૃષ્ણ સેનાપતિની જેમ માત્ર આદેશ જ નથી આપતા, એ સીધો જ અમલ પણ કરે છે. નરકાસુરનો પણ વધ કર્યો અને શિશુપાલને 100 વખત ચેતવણી આપીને જ ખેલ ખતમ કર્યો જેથી બીજા શિશુપાલોમાં કડક સંદેશ જાય. આમ દર વખતે હસી મજાક કે આનંદમાં જ બધી વાતો લેવી એમ નહીં, એમણે સીધો સંદેશ આપ્યો (અર્જુનને) પોતાના વિરાટ સ્વરૂપ દ્વારા, कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धोलोकान्समाहर्तुमिह प्रवृत्तः । (હું લોકોનો નાશ કરવાવાળો મહાકાલ પણ છું.) આમ, કૃષ્ણ તો વાસ્તવિક ઈશ્વર છે. તે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને એક જ આંગળીએ નચાવી શકે છે. આપણી સમસ્યા એ છે કે આપણે એ નથી જાણતા કે બાંસુરી ક્યાં વગાડવી અને સુદર્શન ક્યાં ફેરવવું. આપણે જ્યાં બાંસુરી વગાડવાની હોય ત્યાં સુદર્શન ફેરવીએ છીએ અને જ્યાં સુદર્શન ફેરવવાની જરૂર છે ત્યાં બાંસુરી વગાડીને આવતા રહીએ છીએ. 


વિશ્વના સૌપ્રથમ સુપર હીરો તરીકે આપણે કૃષ્ણને વિશ્વફલક પર જરૂરથી ચમકાવી શકીએ. એ જ જગતનાં સૌપ્રથમ આયરનમેન છે. પછી તો આ થોર, હલ્ક, સ્પાર્ટાના લિયોનાઇડસ વગેરેનું તો શું ગજું ? અથવા તો શું આવી શકે ? કૃષ્ણ તો ભારતના આઇકોન છે. 


કૃષ્ણ સુધી પહોંચવાનો માર્ગ આમ તો ગૂંચવાડા ભર્યો ને ખૂબ અટપટો છે. એ એટલી જલ્દીથી સમજાય એમ પણ નથી. એ સમજવા માટે તો કૃષ્ણ સાથે બેસીને ક્યારેક કોફી પીવા જેવી છે. 


જય શ્રી કૃષ્ણ. 


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?