પ્રેમોત્સવ
प्यार हुआ इक़रार हुआ है प्यार से फिर क्यों डरता है दिल,
कहता है दिल, रस्ता मुश्किल मालूम नहीं है कहाँ मंज़िल |
प्यार हुआ इक़रार हुआ…
લતા મંગેશકર અને મન્ના ડે ના કોકિલ કંઠે ગવાયેલું ગીત આ ગુલાબી ઠંડીમાં ગુલાબ અને ગુલાબની પાંખડીઓ ઉપરાંત કેડબરી સિલ્ક, ટેડી બિયર વગેરે વચ્ચે ચાલી રહેલા વસંતોત્સવમાં એકદમ બંધ બેસે છે. જી હા! હું વાત કરી રહ્યો છું વેલેન્ટાઇન વીક ની. ઘણા રીડરબિરદારોના ચહેરા પીળા સૂરજમુખી માંથી પ્રેમનું ઓલ ટાઇમ પ્રતિક ગણાતા સુમધુર ગુલાબ જેવા થઈ ગયા. હે ને.. તો ચાલો આજે આ વિશાળ પ્રેમરૂપી સમંદરમાં ડૂબકી મારીએ.
"પ્રેમ" - આ શબ્દનું નામ સાંભળતા જ 16 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકોના ચહેરાઓ મધમધી ઊઠે છે. પ્રેમ તો ભોગનો, આનંદનો, મસ્તીનો અને ઉલ્લાસનો વિષય છે. આપણે જ તેને કારણ વગરનો ધીરગંભીર વૃતિનો બનાવી દીધો છે. પરંતુ હા, પ્રેમ એ સમજદારી અને જવાબદારીનો પણ વિષય છે. પ્રેમ તો એવો વિષય છે જેમાં દરેક સજીવ માત્ર તરબોળ થવા માંગે છે. પ્રેમ નામનું તત્વ એટલુ તાકાતવર છે કે તે બે મહાબલી વચ્ચેનું યુધ્ધ પણ અટકાવી શકે છે (જેમ કે શ્રી કૃષ્ણ અને મહાદેવ). જે લોકો પ્રેમમાં પડેલા હોય છે તેને તો આસપાસ બધુ જ લીલુંછમ ભાસે છે. ગ્રીષ્મના બળબળતા તાપમાં પણ એને શિશિરની ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. આમ, પ્રેમ ના કોયડા ને સમજવો તો મુશ્કેલ નથી પરંતુ તેને નિભાવતી વખતે બંને તરફથી બરાબરની કસોટી માંગી લે છે. ખેર, આ તો થઈ માત્ર પૂર્વભૂમિકા!
ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ તુષાર શુક્લ નું એક સરસ ક્વોટ છે, 'I LOVE YOU માં I અને YOU વચ્ચે રહેલો શબ્દ LOVE એ સેતુ છે અને એ જ જીવનનો હેતુ છે." વાહ, કેટલું અદ્ભુત! કોઈપણ રિલેશનમાં પ્રેમ એ એકબીજાની વચ્ચે ખૂબ ઊંડો સંબંધ પ્રસ્થાપિત કરે છે. પછી ભલેને એ મિત્રતા હોય, મમ્મી-પપ્પા સાથેનો સંબંધ હોય કે અન્ય કોઈ પણ... કોઈને પણ એકબીજાથી ક્યારેય દૂર નથી થવા દેતો આ પ્રેમરૂપી સેતુ. એકબીજા પ્રત્યેના સ્નેહને તેમજ લાગણીઓને હંમેશ માટે બરકરાર રાખે છે. અને આમ પણ ''જ્યાં ચિટ છે ત્યાં પ્રીત નથી'. પારદર્શકતા એ જ પ્રેમની પૂર્વશરત છે. આપણે જેને પણ પસંદ કરતાં હોઈએ એ આપણી આંખો સામે આવતા જ આપણું સઘળું ધ્યાન આપણા કામ પરથી હટી જાય છે. આપણી આંખોમાં જાણે હિમાલય જેવી શીતળતા પ્રસરી જાય છે, જબાન હીચકિચાવા લાગે છે અને શબ્દો તો જાણે રણની રેતીમાં ક્ષણભરમાં જ અદ્રશ્ય થઈ જતા પાણીના ટીપાંની જેમ સુકાઈ જાય છે. પરંતુ મન અંદરથી કૂદાકૂદ કરતું હોય છે અને રાડો પાડી પાડીને આપણા મનની વાત કહેવા મજબૂર કરે છે... લેકિન, કિંતુ, પરંતુ... કમ્બખ્ત ઈશ્ક હી તો હૈ વો...!
પ્રેમ તો એક પ્રકારની અદ્ભુત અને ખૂબસૂરત અનુભૂતિ છે. અને પ્રેમ વગર તો સર્જક્તા ક્યાંય પણ ખીલી જ નથી શકતી. ચિત્રકારને પણ કોઈ સુંદર ચિત્ર બનાવવા માટે પ્રકૃતિ સાથે પ્રેમ કરવો પડે છે. હેરી પોટરના ઝાડુ જેવું એનું બ્રશ અને મેઘધનુષી રંગોને પણ ચાહવા પડે છે. આવી જ રીતે જ્યાં જ્યાં આવી ખૂબસૂરત અનુભૂતિ નો સંગમ થાય છે ત્યાં પ્રેમ વધે છે. અહીં એક પ્રશ્ન આપ સૌ માટે, પ્રેમ જો ખૂબસૂરત અનુભૂતિ હોય તો એ થતો જ રહેવો જોઈએ? કે પછી એક વાર થયો હોય તે આખી જિંદગી ચાલે? ક્યા બોલતી પબ્લિક..? દોસ્તો, Feel the Love & Express the Love. આ જ જીવનની અંતિમ પરીક્ષા છે. જેમાં હારવાના અને જીતવાના બંનેના 50-50% છે. જો જીતશું તો પ્રેમની પ્રસન્નતા મળશે અને જો નિષ્ફળ જશું તો જીવનનું ઘડતર શીખવા મળશે.
પ્રેમ આપણને ગુસ્સો, નિરાશા, પીડા, ઉન્માદ, દર્દ આ બધુ જ આપે છે, પરંતુ તે એક વસ્તુ ક્યારેય નથી આપી શકતો અને એ છે 'નફરત'. જે વ્યક્તિને આપણે દિલોજાનથી ચાહતા હોઈએ, જેની સાથે આપણે એકસાથે જીવન વ્યતીત કરવાના સપના જોયા હોય તેને આપણે નફરત કેવી રીતે કરી શકીએ. એટલે જ જય સર કહે છે ને કે, 'પ્રેમમાં ક્યારેય બદલો નથી હોતો, બદલાવ હોય છે.' પ્રેમ મારતો નથી અને મરતો પણ નથી - એ તો જીવવા માટે પ્રેરિત કરે છે. કારણ કે પ્રેમ જ જીવન છે. આપણા જીવનમાં પ્રેમનો મતલબ એકબીજાને સમજવું, સ્વીકારવું અને અનુકૂળ થવું છે. ખરેખર તો પ્રેમ વગર જીવન શક્ય જ નથી, એની કલ્પના પણ ન થઈ શકે. માત્ર મેળવી લેવું એ જ પ્રેમ નથી, પ્રેમમાં તો આપણે ખુદ સમર્પિત થવું પડે છે. To have is attraction and to give is love. આપણે ખુદને એકબીજાને સોંપી દેવાના હોય છે. એ તો પડવાનો, અલગ થવાનો ને નિરાશ થવાનો રસ્તો છે અને એમાં જે દર્દ ઉત્પન્ન થાય છે એ જ માણસનું સાચું પ્રતિબિંબ છે. પ્રેમ એ વ્યક્તિને વિશાળ બનાવે છે. વ્યક્તિને જોખમ લેતા શીખવાડે છે અને ગમને ભૂલતા શીખવાડે છે. પ્રેમમાં આપણને એકબીજા પ્રત્યે attraction હોય છે, appreciation હોય છે, એકબીજાની ભાવનાઓ અને સંવેદનાનું મજબૂત attachment હોય છે. જેમાં તીખી-મીઠી argument હોય છે, થોડો એવો પરંતુ મીઠો anger (ગુસ્સો) હોય છે અને અંતમાં adjustment હોય છે.
જય સરે એમના એક પુસ્તકમાં ખૂબ સરસ લખ્યું છે કે જેવી રીતે ટાયરની સાચી કસોટી એક્સપ્રેસ વે પર નહીં પરંતુ ગામડાના ધૂળિયા રસ્તા પર થાય છે.. એવી જ રીતે એંગેજમેન્ટ રીંગ આપીને, વેલેન્ટાઇન ડે ઉપર ફુલ ગુલાબી ગુલાબ નો બુકે આપીને, કેન્ડલ લાઈટ ડિનર કરાવીને કે ફુગ્ગાઓ ઉડાવીને કંઈ જ સાબિત નથી થતું. મુશ્કેલ સમય માં જ આ બધા ગુલાબ મુરજાઈ જાય છે. Made for each other કહેવાવાળા કપલ પણ એક જ પળમાં તૂટી જાય છે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર પ્રેમ એ સમય ખાઉ પ્રવૃતિ છે. LOVE NEEDS TIME! ફ્રેન્ચમાં એક સરસ કહેવત છે, "પ્રેમમાં સમય વીતે છે ત્યારબાદ સમય પ્રેમને વિતાવી દે છે." એક રિસર્ચ અનુસાર પ્રેમમાં 60% વાતચીત નોન વર્બલ મતલબ કે માત્ર આંખોથી, બોડી લેંગ્વેજ અને એક્સપ્રેસનથી થાય છે. 40% બોલવાની રીત થી થાય છે. તો પ્રેમાલાપ માં 90% તીર જે છે એ મોં માંથી નીકળતા જ નથી. ખૂબ જૂની એવી કવિતા અને શેર શાયરીઓ નો હિસ્સો માત્ર 10% છે. તેથી જ મરીઝ એ આખી દુનિયાના આશિકો માટે કહ્યું છે કે, માત્ર 1% કાફી છે મહોબ્બત માં, બાકી નાં 99% ખર્ચી નાખ હિંમતમાં!
પ્રેમમાં હરરોજ કોઈ અપેક્ષા સાથે દિવસ શરૂ થાય છે અને કોઈ અનુભવ સાથે દિવસ પૂરો થાય છે. કોઈપણ રિલેશનને લાંબા સમય સુધી જાળવવા માટે બે મહત્વપૂર્ણ રસ્તાઓ છે, જતું કરવું અને સહન કરવું. કારણ કે I Love You બોલવામાં કોઈને કંઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ જ્યારે આપણે પૂછીએ કે Do You Love Me? સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. કારણ કે સામેવાળા વ્યક્તિ પાસેથી આપણે અપેક્ષા રાખીએ છીએ. જો સામેવાળા ને તમારા પ્રત્યે પ્રેમ હશે તો તે જરૂર વ્યક્ત કરશે જ. પરંતુ આપણે કોઈને પણ એની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ કરવા માટે માનવી નથી શકતા અને આપણે પણ આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈને પ્રેમ નથી કરી શકતા.
અંતમાં એક મસ્ત મજાની પંક્તિ સાથે બધા ને હેપી વેલેન્ટાઇન્સ વીક... ;)
દરિયાના મોજા કાંઈ રેતી ને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ,
એમ પૂછીને થાય નહીં પ્રેમ.. - તુષાર શુક્લ
(જય સરની એક બુક પરથી પ્રેરાઇને આજનો આ લેખ… ;)
Comments
Post a Comment