"કસુંબો" - 'ખમકારે ખોડલ સહાય છે'
"સિંદુરી શણગારમાં સાજે કસુંબો, હા શહીદી રંગ છે આજે કસુંબો..." ગીતના આ શબ્દો સાંભળવા માત્રથી જ જો શેર લોહી ચડી જતું હોય ને જ્યાં વારંવાર 'ખમકારે ખોડલ સહાય છે' ની હાકલ પડતી હોય ત્યારે તો કલ્પના કરવી ઘટે કે આખી ફિલ્મ કેટલી જોરદાર હશે. હા, વાત છે તાજેતરમાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ "કસુંબો" ની. આપણે ગુજરાતીઓએ તો "કસુંબો" નું રસપાન કરવું જોઈએ. ભુલાતી જતી માતૃભાષાને આપણે માત્ર વિશ્વ માતૃભાષાના દિવસે જ યાદ કરીએ છીએ અને એવામાં આપણી વચ્ચે આવનારી અવનવી ગુજરાતી ફિલ્મો તો આપણી મૂળ ઓળખ જાળવી રાખવામાં અને આપણી ગુજરાતી ભાષા પ્રત્યેની અસ્મિતા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે ત્યારે આ ફિલ્મ તો ગુજરાતી ભાષાને સોનાનું પાણી ચડાવીને બનાવેલી છે. કારણ કે આ એક માત્ર ફિલ્મ નથી પરંતુ ધરમને કાજે, આપણી આ ધરાને કાજે જે વીર સપૂતોએ પોતાના મસ્તક વધાવી લીધા એવા 51 અમર બલિદાન વીર અને વીરાંગનાઓની શૌર્યગાથાને વર્ણવે છે. માતૃભૂમિ કાજે સેવા, ભક્તિ અને સમર્પણના ભાવમાં કેવી શક્તિ હોય છે તેનું દૃશ્ય - શ્રાવ્યમાં રૂપાંતરિત થયેલ દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે આ "કસુંબો" ફિલ્મ.
અત્યારની પેઢી સામે વર્ષો પહેલાના ભૂલાયેલ ઈતિહાસને સ્વર્ણ અક્ષરે રજૂ કરતી આ ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજીના સમંદર જેવડા લશ્કર અને ખીલજીની ધર્મઝનુની તલવાર સામે ખપી ગયેલા અને માટી ભેગા માટી થયેલા એક નાનકડાં ખોરડાના આંગળીના વેઢે ગણી શકાય તેટલા હિન્દુઓનો રક્તરંજિત ઈતિહાસ સમાયેલો છે. એ ઈતિહાસ છે શત્રુંજય પર્વતના જૈન તીર્થોની રક્ષા કાજે બારોટોએ કરેલા પોતાના રક્તના અભિષેકનો. એ ઈતિહાસ છે મનુસ્મૃતિમાં લખાયેલા શ્લોક - 'ધર્મો રક્ષતિ રક્ષિત:' અર્થાત્ 'જે ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા ધર્મ કરે છે' અનુસાર એ ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર વિરો તેમજ વીરાંગનાઓનો. વિધર્મી બાદશાહના જેહાદની સામે શત્રુંજય પર્વતની રક્ષા કાજે લેવાયેલ એક અડીખમ જીદના પ્રતાપે આદિનાથ દાદાનું થાનક આજે પણ અડીખમ છે. ફિલ્મના ડિરેક્ટર જણાવતા કહે છે કે જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તેની ભૂગોળ બદલાય જાય છે ત્યારે આ તો વીર દાદુ બારોટ સહિતના પાળિયાઓની ગાથા છે જેમણે શેત્રુંજયની ભૂગોળ બદલાતા બચાવી હતી.
"ઈતિહાસની ઉષા હજુ તો પ્રગટું પ્રગટું થઈ રહી હતી ત્યારે પાલિતાણાની પવિત્ર ભૂમિ એક મહાન તીર્થ ભૂમિ બની ચૂકી હતી. વિશ્વનો જૈન સમાજ શ્રી શત્રુંજય તીર્થ ભૂમિના આજે જે કંઈ પ્રકાશ જોઈ રહ્યો છે અને સંસ્કૃતિ માણી રહ્યો છે તેના પાયામાં આ તીર્થની રક્ષા કાજે ખોળામાં માથા લઈને વીર પુરુષ દાદુજી બારોટની આગેવાની નીચે બારોટ સમાજના સંખ્યાબંધ મીંઢોળબંધા નવયુવાનોને શહાદત વ્હોરી ધરતીની ધૂળમાં સદાયને માટે પોઢી ગયા. ઈ.સ. 1297 માં વિધર્મી બાદશાહના ભયાનક આક્રમણ સમયે તીર્થની રક્ષા કાજે બારોટની આ શહાદત એક ભક્તિ સાધના અને ઉપાસના હતી. પૂર્વકાલીન એ પ્રતાપી પુરુષોના સ્વાર્પણ - કેસરિયાના આ પ્રસંગમાં સામૂહિક ભાવનાના દર્શન થાય છે." આ શબ્દો છે શેત્રુંજય ખાતે સ્થાપિત દાદુજી બારોટની તકતીમાં, જે આજે પણ છે.
ખોબા જેવડું આદપુર ગામ અને માંડ સવાસો ખોરડાની વસ્તાણીમાં મરદ બારોટોની ખુમારી અને બલિદાનની આવી અદ્ભુત કથા ધરાવતી ફિલ્મ ઘણા સમયે ગુજરાતી સિનેમા જગતને મળી. ઈતિહાસમાં દફનાયેલ અલાઉદ્દીન ખીલજીના સનાતન ધર્મ ઉપરના ક્રૂર અત્યાચારો અને દાદુ બારોટના સાહસિક બલિદાનને ઉજાગર કરતી આ ફિલ્મ દરેક સત્ય ઘટનાઓનો નગ્ન ચિતાર રજૂ કરે છે. ગુજરાતી સાહિત્યના પોષક અને સંવર્ધક તરીકે સનાતન ધર્મ પર અને સનાતન ધર્મના લોકો પર જે અમાનવીય કૃત્યો અલાઉદ્દીન ખીલજી દ્વારા કરવામાં આવેલા તે જોઈને તો શરીરના રૂંવાડા ઊભા થઈ જાય છે. એ જોયા પછી કલ્પના માત્ર પણ થથરાવી મૂકે કે આ બધું જેમણે પ્રત્યક્ષ જોયું હશે અને જેમણે આ બધું પ્રત્યક્ષ સહન કરવાનું થયું હશે તેમની શું મનોદશા હશે, આંગળીના વેઢે ગણી શકાય તેટલા જુવાનડાઓની સામે જ્યારે અફાટ દરિયા જેવું અલાઉદ્દીન ખીલજીનું લશ્કર ઉભું હોય ત્યારે તેમના મન - મસ્તિષ્કમાં શું વીતી રહ્યું હશે? કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાય તેવું છે.
આશરે 2400 વર્ષ પહેલાં સ્પાર્ટાના લિયોનાઈડશ એ પણ પોતાના માત્ર 300 જેટલા સૈનિકો સાથે પર્શિયનો (પર્શિયા એટલે આજનું ઈરાન) સામે બાથ ભીડી હતી. એ કથા પરથી તો હોલીવુડમાં જેરાર્ડ બટલરને લઈને તેની ફિલ્મ પણ બની એ પણ બે ભાગમાં. દુનિયાભરમાં ખૂબ જ ચાલેલી આવી ત્યારે. 'કેસરી' ફિલ્મમાં પણ 10,000 અફઘાનો સામે માત્ર 20-25 શીખો હતા. છતાં લડ્યા અને જીત્યા પણ. એવી જ રીતે આ તો આપણી ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલ સત્યકથા છે. પાલીતાણાના શત્રુંજય પર્વત પર બિરાજમાન આદિનાથ દાદાના જૈન દેરાસરોને બચાવવા દાદુ બારોટની એક હાકલે ત્યાગ અને બલિદાનો આપવા સમરાંગણની અનંત વાટે જે નર - નારીઓ નીકળી પડ્યા હતા તેનાથી આપણે અજાણ છીએ. કદાચ સમયનું કાળચક્ર ફરી વળ્યું છે અને તેની સાથે સાથે આવો અમર ઈતિહાસ પણ ધરબાઈ ગયો. પરંતુ આ ફિલ્મ એ બદલાતા સમયની સાથે ભૂલાયેલ ઈતિહાસ પરથી શેત્રુંજી નદીના કાંઠે જેમ ડાલામથ્થો પાણી પીતા પીતા ડણક નાખે એમ ડણક નાખી રહી છે અને નવી પેઢી સામે પોતાનો ભવ્ય ઈતિહાસ રજૂ કરી રહી છે.
ફિલ્મના દરેક પાત્રોનો શાનદાર અને ધારદાર અભિનય, પાવર પેક પર્ફોર્મન્સ દર્શકોને છેલ્લે સુધી પકડી રાખે છે. જે લોકોને ગુજરાતના ઈતિહાસને જાણવો છે, ગુજરાતની ભવ્ય અસ્મિતા તેમજ દિવ્યતાને જોવી છે, માતાની મમતા અને પત્નીનું બલિદાન વગેરે જેવા બધા જ રસોનું પાન કરાવતી સ-રસ ફિલ્મ એટલે 'કસુંબો'. ફિલ્મની શરૂઆતથી જ શરુ થયેલ અસલ કાઠિયાવાડી દુહા-છંદની ઝાકમઝોળ છેક છેલ્લે સુધી જોવા મળે છે. આ શુદ્ધ અને સાત્વિક શૈલીમાં તેમજ કાઠિયાવાડી ભાષાનું અદ્ભુત રસપાન કરાવતા ફિલ્મના ડાયલોગ પણ લેખક રામ મોરી દ્વારા જોરદાર લખાયેલા છે જે દર્શકોને ફેવિકોલની જેમ પકડી રાખે છે. દરેકે દરેક પાત્ર ભજવવામાં એક પણ કલાકારે ક્યાંય પણ કોઈ કસર છોડી નથી. એકથી એક ચડિયાતા ડાયલોગ દરેક કેરેક્ટર પર બંધબેસે છે અને દરેકે અફલાતૂન રીતે કેરેક્ટરને નિભાવી જાણ્યું છે.
ફિલ્મની કાસ્ટીંગ વિશે તો સાંઈરામ દવેએ પણ ખૂબ સરસ પ્રતિક્રિયા આપી છે કે દાદુ બારોટ ઉર્ફે ધર્મેન્દ્ર ગોહેલ વગર તો ફિલ્મની કલ્પના પણ ન થઈ શકે, પ્રાણ છે આખી ફિલ્મનો. શ્રધ્ધા ડાંગરની સ્માઇલ અને રોનક કામદારની વીરતા ફિલ્મનો ધબકાર છે. ડિરેક્ટર વિજયગીરી બાવાનું ડિરેક્ષન અને ફિલ્મના ગીતો તો થીયેટરમાં રાહડો લેવાનું મન થાય એવા છે. આ સિવાય પણ ઘણા લોકોએ ખૂબ વખાણી છે ફિલ્મ 'કસુંબો'.
જો આપણને સાચે જ ગુજરાતી હોવાનું ગૌરવ હોય તો આપણાં આવા ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કરતી અને સનાતન ધર્મની ઉપર થયેલ ક્રૂર અત્યાચારોની નગ્ન વાસ્તવિકતા દર્શાવતી માતૃભાષાની ફિલ્મ આપણે સૌએ સહર્ષ વધાવવી જ જોઈએ. જેથી આપણી આજની પેઢી તેમજ આવનારી પેઢી દ્વારા આપણો વારસો સચવાય અને વિસરતો અટકે...
Comments
Post a Comment