"મહોત્સવ પૂર્ણ પુરુષ કા" સ્વાનુભવ - પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ
જય સ્વામિનારાયણ
"In the joy of others lies our own."
His Holiness Pramukh Swami Maharaj
પળેપળ આ સૂત્રને ચરિતાર્થ કરનાર અને પળેપળ આ સૂત્ર અનુસાર જ જીવનાર એવા વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવને આપણે સૌએ ખૂબ જ ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે અમદાવાદ ખાતે ઉજવ્યો.
એક એવું વિરલ વ્યક્તિત્વ કે જેમણે સમગ્ર જગતને 1100 થી વધુ (1231) મંદિરો અને 1000 કરતાં પણ વધુ "શિક્ષિત સંતોની" ભેટ આપીને સમગ્ર વિશ્વને ભારતની 10,000 વર્ષ જૂની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. પોતાના સમગ્ર જીવન દરમિયાન લગભગ 45 કરતાં વધુ દેશોમાં ફરીને 17,000 થી પણ વધુ શહેરો, ગામડાઓ તથા કસબાઓમાં વિચરણ કરી તે ભૂમિને પાવન કરી, 7,60,000 કરતાં પણ વધુ પત્રો લખીને લોકોના પ્રશ્નો ઉકેલ્યા - તેમની મૂંઝવણો દૂર કરી, 8,10,000 કરતાં પણ વધુ લોકોને વ્યક્તિગત મુલાકાતો દ્વારા આશીર્વાદ પાઠવ્યા. (દુર્ભાગ્યવશ હું તેમાંથી બાકાત રહી જવા પામ્યો, જેનો આજે પણ ભારોભાર અફસોસ છે).
કોઈપણ કુદરતી આપદ્દાઓ વખતે જરૂરી રાહત સહાય ની વ્યવસ્થા કરીને સમાજ ની જરૂરિયાતોને દેશ કે વિદેશના કોઈપણ ખૂણે તરત જ જવાબ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા અજોડ છે. કોઈપણ વય, લિંગ, દરજ્જો, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના બધા સુધી તેઓ પહોંચ્યા છે. રાત્રે 2 વાગે પણ અધવચ્ચે ભર ઊંઘમાંથી જાગીને પણ પ્રાર્થના કરી છે. લાખો લોકોને વ્યસન મુક્ત કરીને સાચી અને સારી દિશામાં વાળ્યા છે. બાળકો, વૃદ્ધો તેમજ વડીલો સહિત તમામ ભક્તો માટેના તેમના નિઃસ્વાર્થ પ્રેમે તેમજ સ્નેહે તેમના હૃદય જીતી લીધા. એટલે જ આટલો અપાર સ્નેહ તેમને ચારે બાજુથી મળી રહ્યો છે. ખરેખર ક્યારેક આપણને સહજ પ્રશ્ન થાય કે લોકો બાપા (પ્રમુખસ્વામી) ને આટલો બધો પ્રેમ, આટલો બધો સ્નેહ કેમ કરે છે? કારણ માત્ર એક જ છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બધા માટે એટલું બધું કર્યું છે કે જેનો કોઈ અંત નથી. તેના કારણે જ આજે લોકો આટલો બધો સ્નેહ તેમના પ્રતિ દર્શાવે છે. તેમણે સૂચવેલા સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ એકાંતિક સત્પુરુષ છે, અક્ષરબ્રહ્મ નું સ્વરૂપ છે. આ પવિત્ર અસ્તિત્વની મહાનતા ની પ્રશંસા કરતી વખતે કોઈપણ ભાષામાં આપણે સંપૂર્ણ વ્યાખ્યાયિત કરી શકવા સમર્થ નથી. આપણે તેના ઉત્તમ કોટિ ના પ્રખર વ્યક્તિત્વને જેમ જાણવાનો પ્રયાસ કરીએ તેમ તેમ ખબર પડે કે હજુ આપણે કેટલા દૂર છીએ તેમને પૂરી રીતે જાણી શકવામાં. આવા વિરલ વ્યક્તિત્વના વિરાટ દર્શન ને માણવાનો એક અનોખો લ્હાવો અને અવસર એટલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ.
આ મહોત્સવ એટલે માત્ર મનોરંજન ને ગમ્મતનો મહોત્સવ નહીં પરંતુ તેની સાથે સાથે ધર્મ, જ્ઞાન (પ્રેરણા), સંસ્કારિતા નો ત્રિવેણી સંગમ. એક એવો મહોત્સવ કે જ્યાં પગ મૂકતાં ની સાથે જ કંઇક અલગ પ્રકારની અનુભૂતિ થતી, એક એવો મહોત્સવ કે જ્યાં જનાર હર કોઈ વ્યક્તિને કંઇક ને કંઇક પ્રેરણા મળી, એક એવો મહોત્સવ કે જ્યાં ભારતવર્ષની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને અસ્મિતા ના દર્શન થયા, એક એવો મહોત્સવ કે જ્યાં ભવ્ય તેમજ કલાત્મક સ્થાપત્ય વિરાસતોનું મૂલ્ય સમજાયું, એક એવો મહોત્સવ કે જ્યાં દર્શને જનાર દરેક આબાલ - વૃદ્ધ, બાળ - બાલિકા, કિશોર - કિશોરી દરેકને જોવા, શીખવા, જાણવા, માણવાનું પ્રાપ્ત થયું. આ પ્રમુખસ્વામી નગર માં પ્રવેશ કરતાંની સાથે જ એકદમ ભવ્ય તેમજ કલાત્મક પ્રવેશદ્વારો એક અલગ જ ઔચિંત્ય પૂરું પાડતા, જોઈને જ અવાક્ થઈ જવાતું. થોડું ચાલતા તરત જ સામે બાપાની વિરાટ સ્વર્ણિમ પ્રતિમા દ્વારા તેમના વિરાટ સ્વરૂપ ના દર્શન થતાં અને તેમની આસપાસ પ્રદક્ષિણા કરતા તેમની દિનચર્યા નો ખ્યાલ આવતો. ત્યારબાદ પાછળની બાજુ બંને તરફ ગ્લો ગાર્ડનમાં રંગબેરંગી લાઈટો તેમજ વૈશ્વિક કક્ષાના અલગ અલગ આકર્ષણો દ્વારા રીતસર સ્વર્ગની અનુભૂતિ કરાવતા હતાં. તેમાંથી બહાર નીકળો એટલે દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ હતી જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થતાં. પ્રમુખસ્વામી નગર માં દર્શાવવામાં આવેલા દરેકેદરેક પ્રદર્શન ખંડમાંથી જીવનને વધુ સુદ્રઢ કરવા માટેના વિચારો સરસ નાટકો તેમજ વીડિયો શોના માધ્યમ દ્વારા પ્રાપ્ત થતા હતા. જેમાં સંત પરમ હિતકારી (જેમાં પ્રમુખસ્વામી મહારાજના હૃદય સ્પર્શી પ્રસંગોને વર્ણવવામાં આવ્યા હતા), તૂટે ઘર તૂટે હૃદય (જે પારિવારિક એકતા કઈ રીતે જળવાઈ રહે તેની પ્રેરણા આપતો હતો), નારી સશક્તિકરણ, ચલો તોડ દે યે બંધન (વ્યસન મુક્તિ માટેનું માર્ગદર્શન પૂરું પાડતો એક અદ્ભુત શો), માય ઇન્ડિયા પ્રાઇડ ઇન્ડિયા (ભારતને આપણે ફરીથી કઈ રીતે મહાન બનાવી શકીએ) વગેરે શોમાં તો 2 થી 4 કલાક જેટલો સમય રાહ જોવી પડતી હતી અંદર જવા માટે. આ ઉપરાંત બાળ નગરીમાં તો નાના નાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ અલગ અલગ શો (બૂઝો, શેરુ વગેરે) એ તો ન કેવળ બાળકોમાં પરંતુ મોટાઓમાં પણ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. મેનેજમેન્ટની દૃષ્ટિએ પણ આ મહોત્સવની તુલના આપણે ન કરી શકીએ. સ્વચ્છતા પણ આંખે ઊડીને વળગે એવી. રોજના લાખો મુલાકાતીઓ આવતા હોય કોઈને પણ જરા સરખી અગવડ ન પડે તે માટે નગરમાં તેમજ નગરની બહાર કેટલાય કિલોમીટર દૂર સુધીથી નમસ્કારની મુદ્રા માં સ્વયંસેવકો ખડેપગે તૈનાત હતા, આવતાની સાથે જ વિનમ્ર ભાવે અભિવાદન કરતાં. દેશ વિદેશમાંથી મહોત્સવમાં આવનાર લાખો લોકો માટે ભોજન, પાણીની પણ અદભૂત વ્યવસ્થા. આટલા લોકોનો ટ્રાફિક હોવા છતાં એક મિનિટ માટે પણ ક્યાંય રોકાવું ન પડે તે રીતનું સુંદર આયોજન હતું.
80,000 જેટલા સ્વયંસેવકોના આશરે 77,00,000 જેટલા માનવ કલાકો દ્વારા તૈયાર કરાયેલ આ અદ્ભુત નગરમાં જાણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ચેતના નો સતત અનુભવ છતાં મનમાં એક ખાલીપો, એક ઉણપ વર્તાય છે કે પ્રમુખસ્વામી મહારાજને રૂબરૂ મળી ન શકાયું. તેથી જ્યારે એમની જન્મ શતાબ્દી નું વર્ષ આપણે સૌએ આનંદસભર રીતે ઉજવ્યું ત્યારે એક શબ્દાંજલિ...,
ડિયર પ્રમુખસ્વામી,
આપના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે હું મારી કૃતજ્ઞતા અમુક શબ્દોમાં વ્યક્ત કરવા ઈચ્છું છું, જે કેટલાય સમયથી મારા હૃદયમાં દબાયેલી હતી. તમારી પ્રત્યક્ષ હાજરી ન હોવી આજે પણ સતત પીડા આપે છે. તમારી પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં આજે મારી પાસે એક જ રસ્તો છે તમારી હાજરીને મહેસૂસ કરવાનો, એ છે તમારી દિવ્ય ચેતનાને આત્મસાત કરવી.
તમે આ ધરા પર દિવ્યતાનું પ્રગટ સ્વરૂપ હતા. અમે લોકો કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ એની કરવા કર્યા વગર તમે અમને જેવા છીએ તેવા મૂળ રૂપે સ્વીકાર્યા અને આશીર્વાદ આપ્યા. જીવનની એક પણ ક્ષણ તમારા માટે જીવ્યા વગર હંમેશા બીજાને જ આગળ કર્યા છે, હંમેશા બીજા માટે જ જીવ્યા છો. દરેક સારી તેમજ ખરાબ પરિસ્થિતિમાં તમે અમારી સાથે રહી અમારો હાથ પકડ્યો છે અને માર્ગદર્શન આપ્યું છે આધ્યાત્મિકતા તેમજ નૈતિકતાના માર્ગ પર. અત્યારે ઘણા લોકો વ્યસનો, દુરાચાર તેમજ વ્યાભિચારમાં ફસાયેલા છે ત્યારે તમારી પ્રેરણા જ અને તમે સૂચવેલ માર્ગદર્શન જ અમને જીવંત રાખે છે. અમને અમારી જવાબદારીઓ પ્રત્યે ભાન કરાવે છે અને મજબૂત પીઠબળ પૂરું પાડે છે. તમે કરુણાના વૈશ્વિક સંદેશ દ્વારા પ્રેમ, શાંતિ અને સંવાદિતા વિશે ઊંડી સમજ પૂરી પાડી છે સમગ્ર માનવજાતને. તમે તમારા જીવનના દશકાઓ આના માટે કાઢ્યા છે અને તેથી જ આજે લોકો તમને અક્ષરબ્રહ્મ તરીકે જુએ છે અને પ્રેરણા પ્રાપ્ત કરે છે.
આજે તમારા વગર તમારું સારંગપુર એકદમ શાંત છે,
તમારા વગર તમારા અક્ષરધામ શાંત ઉભા છે,
તમારા વગર બધું જ એકદમ શાંત છે.
ઘણી વખત એવો વિચાર આવે કે અમે એકલા છીએ. અમે બધું ગુમાવી ચૂક્યા છીએ પરંતુ જેમ તમે કહેલું તેમ પાછા જવાનો કોઈ જ માર્ગ નથી તેમ તેમ હંમેશા શાશ્વત અને કાયમ છો. હું તમારા વિશે કદાચ ગમે તેટલું લખું પણ તે હંમેશા અધૂરું જ રહેશે. કારણ કે તમે અસંખ્ય લોકો માટે અસંખ્ય કર્યો કર્યા છે, જે કલ્પનાની પણ બહાર છે. અમે તમારા અનંત પ્રેમ બદલ કાયમ માટે ઋણી છીએ. આજે તમારા અક્ષરધામ કેવળ મંદિર જ નથી પરંતુ પ્રેમ, શાંતિ અને સંવાદિતા નો એક સિમ્બોલ બની ચૂક્યા છે આખા વિશ્વમાં.
આપ ધામમાં પધાર્યા ત્યારબાદ આજે પણ તમારી દિવ્ય ચેતના સાત સમંદર પાર દુનિયાના વિવિધ દેશોમાં પ્રસરી રહી છે. તમારી દિવ્યતા અને ગૌરવ જીવમાત્ર સુધી પહોંચે તેવી જ ભગવાનને પ્રાર્થના. આજે અમે પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ માં તમારા દિવ્ય સ્વરૂપને જોવા માટે અમે પૂર્ણ ભાગ્યશાળી છીએ.
ખરેખર, न भूतो न भविष्यति!
આ મહોત્સવમાં મને સહભાગી (સેવા દ્વારા) થઈને બડભાગી બનવાનો મોકો મળ્યો. સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતા આ ભવ્યાતિભવ્ય મહોત્સવને સફળ બનાવવા બદલ BAPS સ્વામિનારાયણ સંસ્થા, સંતો તેમજ હજારો હરિભક્તો ને શત શત વંદન સહ,
જય સ્વામિનારાયણ
Comments
Post a Comment