કેવી છે કમ્પ્યુટર ટેકનોલોજી ના ક્ષેત્રે યુગ પલટો લાવી રહેલી નવી ક્રાંતિ ? Cloud Computing
એક ઉદાહરણ ટાંકીને વાત ની શરૂઆત કરું તો, થોડા વર્ષો પહેલા એટલે કે 2011 માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનો ભારત અને શ્રીલંકાનો મુકાબલો હતો ત્યારે પ્રેક્ષકોએ ટિકિટ ની ઓનલાઇન ખરીદી માટે એટલી મોટી સંખ્યામાં ઘસારો કર્યો કે થોડી મિનિટોમાં કમ્પ્યુટરની બુકિંગ સાઇટ જ ભાંગી પડી. ટૂંકમાં થયું એવું કે હાથીએ પેટપુજા માટે ખાવાનું હોય એ ડિનર કીડી ને આગ્રહપૂર્વક પીરસવામાં આવ્યું હતું.
અલબત, 2011 ના વર્ષ દરમિયાન ક્લાઉડ કમ્પ્યુટિંગ ખાસ્સું ચલણમાં ન હતું પરંતુ આજે છે. કોરોના મહામારીના કારણે અત્યારે બધા માધ્યમો ઓનલાઇન થઈ ચૂક્યા છે. જેમાં શાળાઓ, કોલેજો, ઓફિસો વગેરે બધુ જ વર્ક ફ્રોમ હોમ ના કલ્ચર માં જોવા મળે છે. તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનું માર્કેટ પણ પૂર જોશ માં છે અને આવનારા અનેક વર્ષો સુધી રહેશે.
ઇન્ટરનેટ વાપરતા લોકોની વૈશ્વિક સંખ્યા 1995 માં 1.6 કરોડ હતી તો 2011 ની શરૂઆતે 2 અબજ સુધી પહોંચી અને રોજેરોજ વધી રહી છે. આપણે ડેટા પ્રોસેસિંગ, સોફ્ટવેર એપ્લિકેશન, ડેટા સ્ટોરેજ વગેરે સાથે આપણે જાતે જ કમ્પ્યુટર વડે કામ પાર પાડી રહ્યા છીએ . તેથી બીજી તરફ માહિતીનું સખત ભારણ પણ વધતું રહે છે. કેમ કે ફેસબુક, યૂટ્યૂબ, ઈમેલ વગેરે ને લગતો બધો જ કાર્યભાર આપના વ્યક્તિગત કમ્પ્યુટર ના માથે આવી પડ્યો છે. વખત જતાં ડેટા પ્રોસેસિંગ, સોફ્ટવેર એપ્લિકેશન, ડેટા સ્ટોરેજ ને લગતી ક્ષમતાનો છેડો આવી જાય છે. તેથી આપણે ઊંચી ક્ષમતા વાળું નવું સાધન ન છૂટકે વસાવવું પડે છે. પરંતુ આ બધો કાર્યભાર આપણે ક્લાઉડ ના હવાલે કરી દઈએ તો ? જંજટ માંથી છુટકારો.
ખરેખર તો ક્લાઉડ શબ્દને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે કંઈ લેવાદેવા જ નથી. એક જૂની રસમ ના લીધે તે શબ્દ અપનાવાયો છે. મુખ્યત્વે ક્લાઉડ કમ્પ્યુટિંગ ની બે પદ્ધતિઓ છે. 1. પરંપરાગત કમ્પ્યૂટિંગ 2. ક્લાઉડ કમ્પ્યુટિંગ. પરંપરાગત કોમ્પ્યુટિંગમાં કંપનીઓ અને તેના કર્મચારીઓ બિઝનેસ એપ્લિકેશન, ડેટા સ્ટોરેજ માટે કંપની ના ડેટા સેન્ટર નો સ્ટોરેજ તરીકે ઉપયોગ કરે છે. વેબસાઇટ, ઈમેલ, ફાઈલો નું આદાન પ્રદાન વગેરેનો મદાર ઇન્ટરનેટ પર રહે છે. કંપનીના ઘણા બધા કમ્પ્યુટરને ચાલુ રાખતું 'પાવર હાઉસ' તેનું ડેટા સેન્ટર હોય છે. જ્યારે બીજી તરફ ક્લાઉડ કમ્પ્યુટિંગ માં કંપનીના ડેટા સેન્ટરની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ક્લાઉડ ટેક્નોલોજી માટે એ તોસ્તાન જરૂરી રહેતું નથી. કંપનીના દરેક કર્મચારીના કોમ્પ્યુટર નો નાતો સીધો ક્લાઉડ સાથે જોડી દેવામાં આવ્યો છે. અને તેમાં જ તમામ પ્રકારની ક્રિયાઓ જેમ કે બિઝનેસ એપ્લિકેશન, ડેટા સ્ટોરેજ સમાવેશ થયા છે. આમ, કમ્પ્યુટરના માથા પરનું તમામ ભારણ ક્લાઉડએ સંભાળી લીધું છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ ની ચોક્કસ વ્યાખ્યા ની વાત કરીએ તો એ એક ઓન-ડિમાન્ડ ઉપલબ્ધ કમ્પ્યુટર સિસ્ટમ છે કે જે આપણે જરૂરિયાત પ્રમાણે પૈસા ચૂકવી ને મેળવી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ડેટા સ્ટોરેજ માટે Google Drive. અહીં આપણે કોઈ પણ પ્રત્યક્ષ સાધન વસાવવાની જરૂર રહેતી નથી. પરંતુ આપણે જેમ જરૂર પડે એમ ક્લાઉડ પ્રોવાઇડર જેમ કે Amazon Web Services, Google Cloud Platform, IBM Cloud વગેરે પાસેથી મેળવી શકીએ છીએ. વૈશ્વિક સ્તરે ક્લાઉડ કમ્પ્યુટિંગનું માર્કેટ અત્યારે નીચે મુજબ નું છે.
AWS - 32% | Microsoft Azure - 18% | Google Cloud Platform - 06% | Alibaba - 05% | Others - 38.6%.
ક્લાઉડ કમ્પ્યુટિંગ SaaS, PaaS, IaaS એમ ત્રણ રીતે ત્રણ જુદા જુદા કાર્યો માટે સેવા આપતી ટેક્નોલોજી છે.
SaaS : તેનું પુરુ નામ Software as a Service છે. આ સર્વિસ નો ગમે તે વ્યક્તિ તેને જરૂર પડે ત્યારે અને જરૂર પડે એટલા સમય માટે ક્લાઉડ નો જે તે સોફ્ટવેર વાપરી શકે છે. ગ્રાહકે empoyease.com, salesforce.com વગેરે જેવા અલગ અલગ સોફ્ટવેર પ્રોવાઈડર્સ ની સર્વિસ લેવાની રહે છે. તેમની પાસે અલગ અલગ જાતના ઘણા સોફ્ટવેર પ્રાપ્ય હોય છે.
PaaS : તેનું પૂરું નામ Platform as a Service છે. અહીં ક્લાઉડ દ્વારા વ્યક્તિ ને કે કંપનીને પોતાની વિશિષ્ટ આવશ્યકતા મુજબ ના સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ડિજિટલ સાધન-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. આના માટે તેવો હાર્ડવેર (સર્વર), ઓપરેટિંગ સિસ્ટમ તથા બીજા અમુક સોફ્ટવેર ભાડે રાખી શકે છે. જેમ સમયનું મીટર ફરે તેમ નાણાં ચૂકવવા ના થાય. આનો સૌથી મોટો ફાયદો એ કે કાયમ મૂડી રોકાણ કરવાનું રહેતું નથી.
IaaS : ક્લાઉડ ના મુખ્ય 3 પૈકી છેલ્લું પાસું Infrastructure as a Service છે. આ તેના નામ પ્રમાણે એક માળખાકીય પ્લૅટફૉર્મ છે, જેને ગ્રાહક પોતાના ડેટા સેન્ટર નો બધો જ કાર્યભાર સોંપી દે છે. હકીકતે કંપની કે ગ્રાહક ડેટા સેન્ટર વસાવતા જ નથી, બધુ કામકાજ IaaS ની વેન્ડર કંપની જોબ વર્ક ના ધોરણે કરી આપે છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ આ બધા ફાયદાઓ ઉપરાંત સૌથી મોટો ફાયદો તો ઉર્જા બચતના ખાતે થાય છે. સરેરાશ કમ્પ્યુટર જેમાં સોફ્ટવેર કે એપ્લિકેશન હોય તે 80 થી 250 વોટ જેટલી વીજળી ખાય છે. જ્યારે આ કમ્પ્યુટરનું SaaS કામકાજ ક્લાઉડના માથે હોય તો વીજ વપરાશ ફક્ત 40 વોટ જેટલો રહી જવા પામે છે.
ભારતમાં અત્યારે તેનું બજાર 2020 ના અંત સુધીમાં તો 4 અબજ ડોલર જેટલું થવાનું છે. આ ટેક્નોલોજીના જાણકારો માટે ગજબનાક માત્ર રહેવાની છે અને વધતી જવાની છે, કેમ કે 2022 સુધીમાં આશરે 10 લાખ જાણકારોની આપણે ત્યાં આવશ્યકતા જાગવાનો અંદાજ છે. પણ એટલુ સ્પષ્ટ છે કે યોગ્ય ઉમેદવારો માટે કારકિર્દીની બાબતે ભવિષ્ય ઉજ્જવળ છે.
Comments
Post a Comment